STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

5  

Kalpesh Patel

Drama Tragedy Classics

લોસ્ટ સન્ડે.

લોસ્ટ સન્ડે.

4 mins
1

લોસ્ટ સન્ડે.

7 ડિસેમ્બર, 1941
રવિવાર હતો.

રવિવાર એટલે આરામનો દિવસ.

પરંતુ હવાઈના પર્લ હાર્બર પાસે રહેતા ઝેન લી માટે આ રવિવાર કંઈક અલગ હતો.

આજે સવારથી જ આકાશ અસાધારણ રીતે સ્વચ્છ હતું.

સમુદ્રની લહેરો અજીબ રીતે શાંત હતી..

પ્રભાતે દૂર સૂર્ય ધીમે ધીમે ઊગતો હતો.

ઝેન લી બારી પાસે ઊભા રહીને ચાય ની ચુસ્કી સાથે દરિયાને જોઈ રહ્યા હતા.

તેની પત્ની વાન ચુ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી.

અને તેમની નાની દીકરી—

નોની લી

ઘરના આગળના આંગણામાં પોતાની નાની લાલ પતંગ સાથે રમતી હતી.

“પપ્પા!”

નોનીએ બૂમ પાડી.

“આજે તો મારો પતંગ બહુ ઊંચી ઉડશે!”

ઝેન હસ્યા.

“નોની, પહેલા તું નાસ્તો કરી લે. પછી તારી પતંગ જેટલી ઊંચી ઉડાવવી હોય એટલી ઉડાવજે.”

નોની દોડતી અંદર આવી.

“આજે રવિવાર છે. આજે તો આખો દીવસ રજા ની મજા,મમ્મી મને રોકશે નહીં.”

વાન ચુ હસી.

“રવિવાર છે,એટલે તને આખો દિવસ પતંગ ઉડાવવાની છૂટ નથી.”

“તો કેટલા કલાક?”

“બે.”

“ત્રણ!”

“એક .”
તો .
“અઢી?”

વાન ચુએ હસીને માથું હલાવ્યું.

“બરાબર. અઢી.”

નોની ખુશ થઈ ગઈ.

એ નાનકડા ઘરમાં એ સમયે ખુશી ની દુનિયા ખૂબ મોટી હતી.

પતિ.

પત્ની.

દીકરી.
નાનો પરિવાર 
અને 
એક શાંત રવિવાર.

તેમને ખબર નહોતી કે થોડા કલાકોમાં તેમની આ દુનિયા બદલાઈ જવાની હતી.


દૂર પ્રશાંત મહાસાગરની બીજી તરફ એક દેશ પણ જાગી રહ્યો હતો.

જાપાન.

ઉગતા સૂરજનો દેશ.

લાલ સૂરજ ધીમે ધીમે આકાશમાં ઊંચો થઈ રહ્યો હતો.

અને પ્રશાંત મહાસાગરમાં જાપાની વિમાનોનો એક વિશાળ કાફલો પોતાના નિશાન તરફ આગળ વધી રહ્યો હતો.

પર્લ હાર્બર.

અમેરિકન નૌકાદળનું મહત્વનું મથક.

અમેરિકાનો ઈગલ સૈન્ય શક્તિ ના કેફ માં હજુ નિશ્ચિંત હતો.

તેને ખબર નહોતી કે આકાશમાં બીજી શક્તિ તેના તરફ દબાયેલા પગલે આવી રહી છે.


સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ—

નોની આંગણામાં પતંગ ઉડાવી રહી હતી.

અચાનક તેને આકાશમાં કંઈક દેખાયું.

“પપ્પા!”

ઝેન બહાર આવ્યા.

“શું થયું?”

નોનીએ આકાશ તરફ આંગળી ચીંધી.

“એ જુઓ!”

ઝેન ઉપર જોયું.

આકાશમાં અનેક વિમાનો હતા.

પરંતુ એ કોઈ સામાન્ય વિમાન નહોતા.

તેમનો અવાજ ધીમે ધીમે મોટો થતો જતો હતો.

ઘરરરરરર...

વાન ચુ પણ બહાર આવી.

“આટલા બધા વિમાન?”

ઝેનનો ચહેરો બદલાઈ ગયો.

“અંદર જાઓ.”

“પણ—”

“વાન... હમણાં જ!”

એ જ ક્ષણે આકાશમાંથી પ્રથમ વિમાન નીચે ઝૂક્યું.

પછી—

ધડામ!

દૂર એક ભયાનક વિસ્ફોટ થયો.

નોનીના હાથમાંથી પતંગની દોરી છૂટી ગઈ.

તે જમીન પર પડી.

વાન ચુએ તરત દીકરીને પોતાની છાતી સાથે ચાંપીને પકડી લીધી.

“નોની!”

“મમ્મી... શું થયું?”

વાન ચુ પાસે કોઈ જવાબ નહોતો.

બીજો વિસ્ફોટ થયો.

પછી ત્રીજો.

પર્લ હાર્બરનું શાંત સવારનું આકાશ ધુમાડાથી ભરાવા લાગ્યું.


ઝેન પરિવારને ઘરની પાછળના નાનકડા ખાડામાં લઈ ગયા.

“કોઈ બહાર ન આવશો.”

નોની રડતી હતી.

“પપ્પા, એ લોકો આપણને કેમ મારી રહ્યા છે?”

ઝેન પાસે શબ્દો નહોતા.

તેમણે દીકરીના માથા પર હાથ ફેરવ્યો.

“ડરતી નહીં.”

“પણ પપ્પા... આજે તો રવિવારની રજા છે!!”

ઝેનની આંખોમાં પાણી આવી ગયું.

તેમણે દીકરીને ભેટી લીધી.

“હા, બેટા.”

તેમણે ધીમેથી કહ્યું—

“આજે રવિવાર છે.”


બહાર યુદ્ધ ચાલી રહ્યું હતું.

અમેરિકન વિમાનો જમીન પરથી ઊડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જાપાની વિમાનો આકાશમાં ગર્જના કરી રહ્યા હતા.

ધુમાડો.

આગ.

સાયરન.

ચીસો.

અને દરિયાની ઉપર ઉઠતો કાળો ધુમાડો.

થોડી જ કલાકોમાં શાંત પર્લ હાર્બર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું.

અમેરિકાનો ઈગલ જાણે અચાનક ઘાયલ થઈ ગયો હતો.

પરંતુ ઝેન માટે એ કોઈ દેશની હાર કે જીતનો દિવસ નહોતો.

એ માત્ર પોતાની દીકરીને જીવતી રાખવાનો દિવસ હતો.


બપોર પછી ધીમે ધીમે વિમાનોના અવાજો ઓછા થયા.

પરંતુ ધુમાડો હજી આકાશમાં હતો.

નોની બહાર આવી.

તેની નજર પતંગ શોધતી હતી.

“મારી પતંગ ક્યાં છે?”

ઝેને આસપાસ જોયું.

થોડી દૂર ઝાડની એક ડાળમાં લાલ પતંગ અટવાયેલી હતી.

દોરી તૂટી ગઈ હતી.

નોની ધીમેથી તેની પાસે ગઈ.

પતંગ હાથમાં લીધી.

તેની આંખોમાં આંસુ આવી ગયા.

“પપ્પા... મારી પતંગ ફાટી ગઈ.”

ઝેન ઘૂંટણિયે બેઠા.

“પતંગ છે, બેટા. આપણે તેવી ફરી બનાવીશું.”

નોનીએ પૂછ્યું—

“પણ આજનો રવિવાર?”

ઝેન ચૂપ રહ્યા.

વાન ચુએ પતિ તરફ જોયું.

તે પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો.


સાંજ પડી.

ઘરમાં દીવો સળગાવવામાં આવ્યો.

રેડિયો પર સતત સમાચાર આવી રહ્યા હતા.

પર્લ હાર્બર પર હુમલો થયો હતો.

અમેરિકા હવે યુદ્ધમાં પ્રવેશી રહ્યું હતું.

નોની પોતાની માતાની બાજુમાં સૂઈ ગઈ.

તેના હાથમાં હજી પણ તૂટેલી લાલ પતંગ હતી.

ઝેન બારી પાસે ઊભા હતા.

બહાર આકાશમાં ધુમાડો હતો.

તેમણે દૂર દરિયા તરફ જોયું.

સવારનો સૂરજ યાદ આવ્યો.

ઉગતા સૂરજના દેશમાંથી આવેલા વિમાનોએ આજે અમેરિકાના ઈગલને અચાનક હુમલાથી ઘાયલ કરી દીધો હતો.

પરંતુ ઝેનના મનમાં એક જ વિચાર હતો.

આજે કોઈ જીત્યું નહોતું.

આજે માત્ર એક રવિવાર હારી ગયો હતો.

એક એવો રવિવાર...

જે ફરી ક્યારેય પાછો આવવાનો નહોતો.


વર્ષો વીતી ગયા.

યુદ્ધ પૂરું થયું.

નોની મોટી થઈ.

તેના વાળમાં સફેદી આવી.

એક દિવસ તે ફરી એ જ જૂના ઘરના આંગણામાં ઊભી હતી.

હવે ત્યાં ન પતંગ હતી, ન બાળપણનો અવાજ.

તેના હાથમાં એક જૂનું બોક્સ હતું.

તેણે બોક્સ ખોલ્યું.

અંદર હતી—

એ જ લાલ પતંગ.

તૂટેલી.

જૂની.

પરંતુ સાચવેલી.

નોનીએ પતંગને સ્પર્શ કર્યો.

અને તેની આંખો સામે ફરી એ જ દૃશ્ય ઊભું થયું—

પિતા બારી પાસે.

માતા રસોડામાં.

તેના હાથમાં પતંગ.

અને આકાશમાં અચાનક દેખાયેલા વિમાનો.

તે ધીમેથી બોલી—

“પપ્પા... તમે સાચું કહ્યું હતું.”

તેણે આકાશ તરફ જોયું.

“પતંગ ફરી બનાવી શકાય છે.”

થોડી ક્ષણ તે ચૂપ રહી.

પછી બોલી.

“પણ ખોવાયેલો રવિવાર... ક્યારેય પાછો આવતો નથી.”

આકાશમાં એક પક્ષી ઊડી રહ્યું હતું.

નોની તેને જોતી રહી.

એક ક્ષણ માટે તેને લાગ્યું—

આકાશમાં ફરી અમેરિકાનો ઈગલ ઊડી રહ્યો છે.

અને સૂર્યની બીજી તરફ...

ઉગતો સૂરજ હવે યુદ્ધ નહીં,

શાંતિનો સંદેશ લઈને ઊગી રહ્યો છે.

ડિસ્ક્લેમર..
​આ કાલ્પનિક વાર્તા (Fiction) છે, જે ૭ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ બનેલી પર્લ હાર્બરની ઐતિહાસિક ઘટનાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.
​વાર્તામાં દર્શાવેલા મુખ્ય પાત્રો, સંવાદો અને ઘટનાક્રમ લેખકની કલ્પનાની ઉપજ છે. આ વાર્તાનો હેતુ કોઈ દેશ, સમુદાય, જાતિ કે વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈ ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો નથી, પરંતુ યુદ્ધના ભયાનક વાતાવરણ વચ્ચે માનવ લાગણીઓ અને સંવેદનાઓને વ્યક્ત કરવાનો છે.
​જીવંત કે મૃત વ્યક્તિઓ, વાસ્તવિક ઘટનાઓ અથવા સ્થળો સાથેનું કોઈ પણ સામ્ય માત્ર એક સંયોગ હોઈ શકે છે.

​© 2024 કલ્પેશ પટેલ. સર્વાધિકાર સુરક્ષિત.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama