નિયમ
નિયમ
નિયમ
પ્રોબ ~ ઉલટું કેલેન્ડર.
(વિજ્ઞાનકથા આધારિત, એક માઇક્રો સ્ટોરી)
સ્પેસ શટલ પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર, અનંત અંતરિક્ષમાં તરતું હતું. નેન્સીની સામે એક અજીબ કેલેન્ડર હતું, જેમાં તારીખોનાં પાનાં ઊલટા ક્રમમાં ગોઠવાયેલાં હતાં.
નેન્સી એક પછી એક પાનું ફાડીને ફરીથી ગોઠવવાની તૈયારી કરી રહી હતી. એને વિશ્વાસ હતો કે કેલેન્ડરનાં પાનાંની ગતિ ઊલટી થતાં સમય પણ ભૂતકાળ તરફ વળશે.
અચાનક શટલને જોરદાર આંચકો લાગ્યો.
કેલેન્ડરની દોરી છૂટી ગઈ. બધાં પાનાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં હવામાં તરવા લાગ્યાં. નેન્સીએ ખાસ હેન્ડહેલ્ડ એરફ્લો ઉપકરણની મદદથી બધાં પાનાં ભેગાં કર્યાં. પણ આ શું! પાનાં ફરીથી ગોઠવતાં એણે જોયું કે કેલેન્ડર સીધું થઈ ગયું હતું.
કંટ્રોલ રૂમમાંથી સંદેશો આવ્યો:
“નેન્સી, આર યુ ઓકે?”
નેન્સીએ બારીમાંથી પૃથ્વી તરફ જોયું. સૂર્ય હજી પૂર્વમાં જ ઊગતો હતો.
“યસ, ઇટ્સ ઓલરાઇટ!” એણે જવાબ આપ્યો.
પછી સીધા થઈ ગયેલા કેલેન્ડર સામે જોઈને એ ગણગણી:
“સમયને ઊલટો વાળવા માટે કેલેન્ડરના નહીં, મનના નિયમો જ ઊલટાવવા પડશે!”
કલ્પેશ પટેલ ©
