સંગીત.
સંગીત.
સંગીત
પ્રોબ ~ બંધ પડેલો પંખો.
એક હૃદયસ્પર્શી લઘુકથા.
ડેનમાર્કના ઉત્તર જૂટલેન્ડ (Jutland) પ્રદેશમાં પવનનું સામ્રાજ્ય હતું. ક્ષિતિજ સુધી વિસ્તરેલાં લીલાંછમ ખેતરો અને ખુલ્લાં મેદાનોની વચ્ચે ઊભેલી વિશાળ પવનચક્કીઓ પવનના તાલે સતત ફરતી રહેતી. દૂરથી જોતાં એવું લાગતું, જાણે પ્રકૃતિના વિશાળ વાદ્યવૃંદમાં આ પવનચક્કીઓ કોઈ અનોખું સંગીત રેલાવતી હોય.
આ જ પ્રદેશના એક નાનકડા, સુંદર લાકડાના ઘરમાં જ્યોર્જ અને લુસી રહેતાં હતાં.
જ્યોર્જ પવનચક્કીઓના એક વિશાળ ફાર્મમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. પવનની દિશા, તેની ગતિ અને પવનચક્કીનાં વિરાટ પાંખિયાંની ફરતી લય—આ બધું જ તેના જીવનનો અભિન્ન હિસ્સો હતું. પવનચક્કીઓના યાંત્રિક ઘુઘવાટમાં પણ તેને એક પ્રકારનું સંગીત સંભળાતું.
લુસી એક કલાકાર હતી. પ્રકૃતિના રંગો અને તેના સૂક્ષ્મ અવાજોને કેનવાસ પર ઉતારવા એનો પ્રિય શોખ હતો. ક્યારેક તે પવનચક્કીઓનાં ચિત્રો દોરતી, તો ક્યારેક પોતાની ડાયરીમાં તેમના વિશે કવિતાઓ લખતી.
બંને માટે પવનચક્કીઓ માત્ર યંત્રો નહોતાં; એ તો તેમના જીવનના સાથીઓ હતાં.
ખાસ કરીને તેમના ઘરની બહાર ઊભેલી સૌથી મોટી પવનચક્કી! બંનેએ પ્રેમથી તેનું નામ પાડ્યું હતું,
‘એલિઝા’.
પરંતુ જીવનની ગતિ હંમેશાં પવનની જેમ અનુકૂળ રહેતી નથી.
છેલ્લા કેટલાક મહિનાઓથી લુસી એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. એક સમયે હાસ્ય અને વાતોથી ગુંજી ઊઠતું ઘર હવે દવાઓની ગંધ અને લાંબા મૌનથી ભરાઈ ગયું હતું. લુસીનો અવાજ ધીમે ધીમે ક્ષીણ થતો જતો હતો. શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે હવે તે બારી પાસે બેસીને બહારની દુનિયા જોવામાં જ સંતોષ માનતી.
એક સવારે જ્યોર્જ કામે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અચાનક બહારથી આવતો પરિચિત ઘુઘવાટ બંધ થઈ ગયો.
તેણે બારીમાંથી જોયું.
‘એલિઝા’નાં
વિશાળ પાંખિયાં સ્થિર થઈ ગયાં હતાં.
કોઈ યાંત્રિક ખામીને કારણે પવનચક્કીનું ઘુમવું અટકી ગયું હતું.
જ્યોર્જ માટે આ એક સામાન્ય તકનીકી સમસ્યા હતી. તે તેને ઠીક કરી શકે તેમ હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ નિર્જીવ યંત્રનું અટકી જવું તેની પ્રિય પત્નીના મનમાં કેવું તોફાન જગાડશે!
લુસી પથારીમાં સૂતી હતી. તેની નજર બારીની બહાર અટકી ગયેલી પવનચક્કી પર સ્થિર હતી. તેની આંખોમાં અજાણ્યો ભય હતો.
તેણે ધીમેથી જ્યોર્જનો હાથ પકડ્યો.
“જ્યોર્જ... પેલી આપણી એલિઝાને જુઓ. રોજ પવન સાથે વાતો કરતી રહેતી હતી. આજે તે સાવ ચૂપ થઈ ગઈ છે.”
જ્યોર્જે તેના માથા પર હાથ ફેરવ્યો.
“કોઈ ખામી આવી હશે, લુસી. હું તેને ઠીક કરી દઈશ.”
લુસીના હોઠ પર ઝાંખું સ્મિત આવ્યું, પણ તેની આંખોમાં છુપાયેલો ભય હજી ઓસર્યો નહોતો.
“પણ જ્યોર્જ, જો તે ફરી ક્યારેય ચાલુ જ ન થઈ શકે તો?
કેટલાક દિવસથી મને પણ એવું લાગે છે. જાણે મારા શરીરમાંથી જીવનનો પવન ધીમે ધીમે ઓછો થતો જાય છે.
એક દિવસ મારા શ્વાસ પણ આ એલીઝાના પાંખિયાંની જેમ અટકી જશે તો?”
જ્યોર્જના હૃદયમાં કંઈક તૂટી પડ્યું.
તે લુસીની બાજુમાં બેસી ગયો. તેના હાથને પોતાના બંને હાથમાં લઈને ધીમેથી બોલ્યો,
“લુસી, પવનચક્કી અટકી જાય એટલે કાંઈ પવનનું અસ્તિત્વ ખતમ થતું નથી.
દરેક યંત્રને સમયાંતરે એક નાનકડી મરામતની જરૂર હોય છે. અને જ્યાં સુધી પવન વહેતો રહેશે, ત્યાં સુધી ફરી પવન ચક્કીની પાંખની ફરવાની શક્યતા પણ રહે છે .”
લુસીએ તેની સામે જોયું. જાણે તેનાં શબ્દોમાંથી પોતાના જીવન માટે કોઈ આશાનું કિરણ શોધી રહી હોય.
બીજા દિવસે સવારે જ્યોર્જ વહેલો ઊઠ્યો.
બહાર કડકડતી ઠંડી હતી. આકાશમાંથી હિમવર્ષા થઈ રહી હતી અને પવનના સૂસવાટા વાતાવરણને વધુ કઠોર બનાવી રહ્યા હતા.
જ્યોર્જે જરૂરી સાધનો લીધાં અને પવનચક્કી તરફ પ્રયાણ કર્યું. થોડી જ વારમાં તે તેની ઊંચી ધાતુની રચના પર ચઢવા લાગ્યો.
બારી પાસે બેઠેલી લુસી તેને જોઈ રહી હતી.
તેના મનમાં ચિંતા હતી, પરંતુ એ ચિંતા સાથે એક અનોખી લાગણી પણ હતી. જે માણસ તેની સાથે જીવનનાં દરેક સુખદુઃખમાં ઊભો રહ્યો હતો, તે આજે પોતાની પ્રિય પવનચક્કીને ફરી જીવંત કરવા માટે ઠંડી અને જોખમ સામે લડી રહ્યો હતો.
કલાકો વીતી ગયા.
જ્યોર્જ ઠંડા પવન વચ્ચે યંત્રના એક પછી એક ભાગની તપાસ કરતો રહ્યો. ખામી શોધવી સહેલી નહોતી. તેના હાથ ઠંડીથી જકડાઈ રહ્યા હતા, છતાં તેણે હિંમત ન હારી.
તેના મનમાં એક જ વિચાર હતો,‘એલિઝાને ’ ફરી ફરવી જ જોઈએ.
પવનચક્કી ચાલુ કરવી તેની ફરજ હતી, પરંતુ આજે આ ફરજમાં લુસીનો પ્રેમ ભળી ગયો હતો. તે જાણતો હતો કે લુસી માટે આ પવનચક્કી જીવનનું પ્રતીક બની ગઈ છે.
બપોર થવા આવી ત્યારે, બારી પાસે સુતેલી લુસીને અચાનક એક પરિચિત અવાજ સંભળાયો.
ઘર્રર... ઘર્રર...
લુસી ચમકીને બારી તરફ વળી.એલીઝાનાં વિશાળ પાંખિયાં ધીમે ધીમે ફરવા લાગ્યાં. પહેલાં એક ચક્કર, પછી બીજું અને પછી પવનની લય સાથે તેમની ગતિ વધવા લાગી.
‘એલિઝા’ ફરી જીવંત થઈ ગઈ હતી!
લુસીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યાં. તેણે બારી ખોલી. ઠંડો પવન તેના ચહેરાને સ્પર્શીને પસાર થયો. દૂર ફરતાં એલીઝાના પાંખિયાંને જોતાં તેને લાગ્યું, જાણે કોઈ જૂનું, પ્રિય સંગીત ફરીથી સંભળાવા લાગ્યું હોય.
તેના ચહેરા પર શાંતિભર્યું સ્મિત પથરાયું..
થોડી વારમાં જ્યોર્જ ઘરે પાછો આવ્યો. તેના કપડાં પર બરફનાં કણો ચોંટેલા હતા. ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં સંતોષની ચમક હતી.
લુસીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડી લીધો.
“જ્યોર્જ, તમે તેને ફરી જીવંત કરી દીધી!”
જ્યોર્જ હળવેથી હસ્યો.
“મેં તો માત્ર તેની ખામી દૂર કરી છે, લુસી.”
લુસીએ તેની આંખોમાં ઊંડે સુધી જોતાં કહ્યું,“ના, જ્યોર્જ. તમે તો મારા મનમાં જામી ગયેલ નિરાશાનો બરફ પણ ઓગાળી નાખ્યો છે.
આજે મને ફરી એવું લાગે છે કે જ્યાં સુધી પવન વહે છે, ત્યાં સુધી દરેકના જીવનમાં કંઈક સુંદર બનવાની શક્યતા રહે છે.”
જ્યોર્જે તેને હળવેથી પોતાની બાહોમાં સમાવી લીધી.
બારીની બહાર ‘એલિઝા’ પવન સાથે તાલ મિલાવીને ફરતી હતી. તેના પાંખિયાંમાંથી નીકળતો ઘુઘવાટ જાણે બંનેના મૌનને શબ્દો આપી રહ્યો હતો.
લુસીની બીમારી હજી યથાવત્ હતી. આવતી કાલ શું લઈને આવશે, તેની કોઈને ખબર નહોતી. પરંતુ એ ક્ષણે મૃત્યુનો ભય તેના મન પર હાવી નહોતો.
તેની જગ્યાએ પ્રેમની હૂંફ અને આશાનું એક નાનકડું કિરણ પ્રગટ્યું હતું.
જ્યોર્જ અને લુસી એકબીજાનો હાથ પકડીને બારી બહાર જોઈ રહ્યાં.
પવનચક્કી ફરતી રહી.
પવન વહેતો રહ્યો.
અને
તેના સંગીતમાં બે હૃદયોએ ફરી એક વાર જીવનને પ્રેમ કરવાનું શીખ્યું.
કારણ કે,
ક્યારેય પ્રેમ કોઈનું આયુષ્ય વધારી શકતો નથી,
પરંતુ
પ્રેમ બાકી રહેલી ક્ષણોને સંગીતમય જરૂર બનાવી શકે છે.
કલ્પેશ પટેલ ©

