ક્ષિતિજ
ક્ષિતિજ
ક્ષિતિજ
થીમ : સૂરજ વગરની સવાર
પોર્ટ ‘તુલોં’ (Toulon)ના દરિયાકાંઠે આવેલા એક નાના ટાપુ પર સમય જાણે ધીમે ધીમે વહેતો હતો. અહીં લ્યુસ મીરાંડાની એક નાનકડી, ખુલ્લા વાતાવરણવાળી બેકરી હતી. લ્યુસ કોઈ મોટો મહત્ત્વાકાંક્ષી યુવાન નહોતો. તેને ન તો મોટાં સપનાં જોવાની ઉતાવળ હતી, ન તો જીવનમાં ઊંચાઈઓ સર કરવાની દોડધામ. સવારે ભઠ્ઠી સળગાવવી, ઘઉંના લોટની ખુશ્બૂ વચ્ચે મોર્નિંગ કોફી પીવી અને સાંજે દરિયાકિનારે બેસીને મોજાં ગણવાં—બસ, આ જ તેની દુનિયા હતી.
ટાપુના લોકો તેને થોડો અલગારી, પણ મળતાવડો અને બેફિકર યુવાન માનતા. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી, પરંતુ લ્યુસને પોતાની નાનકડી દુનિયામાં જ સંતોષ હતો. તેને લાગતું કે જીવનને સુંદર બનાવવા માટે બહુ બધું મેળવવાની જરૂર નથી; જે છે તેને માણતાં આવડવું જોઈએ.
પણ માણસની દુનિયા ક્યારેક કોઈ અજાણી વ્યક્તિના આગમનથી બદલાઈ જતી હોય છે. લ્યુસને ક્યાં ખબર હતી કે એક દિવસ દરિયાકાંઠે મળેલી એક અજાણી યુવતી તેની જિંદગીમાં એવું નવું ક્ષિતિજ ખોલી દેશે, જેની કલ્પના પણ તેણે કરી નહોતી.
અજાણી મહેમાન
એ સાંજે આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં હતાં. દરિયાકાંઠે પવન જોરથી ફૂંકાતો હતો અને બંદર પર અફરાતફરીનો માહોલ હતો. પોર્ટુગલ જતું જહાજ નિર્ધારિત સમય કરતાં વહેલું નીકળી ગયું હતું. નેરી નામની એક ફ્રેન્ચ યુવતી કિનારે ઊભી રહી ગઈ હતી. તેના હાથમાં પ્રવાસની ટિકિટ હતી, આંખોમાં લાચારી અને અજાણ્યા પ્રદેશમાં ફસાઈ જવાનો ડર.
તેના માટે આ ટાપુ માત્ર મુસાફરી દરમિયાનનું એક નાનકડું પડાવ હતું, પરંતુ હવે એ જ સ્થળે કેટલા દિવસ અટવાઈ રહેવું પડશે, તેની તેને કોઈ જાણ નહોતી. ન તો તેની પાસે રહેવાની વ્યવસ્થા હતી, ન તો કોઈ ઓળખાણ.
લ્યુસની નજર તેના પર પડી. તે થોડી વાર દૂરથી જોતો રહ્યો. પછી તેની પાસે ગયો.
ભાષા અલગ હતી, પણ નેરીની મૂંઝવણ સમજવા માટે શબ્દોની જરૂર નહોતી. લ્યુસે ઇશારાથી તેને પોતાની બેકરીમાં આવવા કહ્યું. બેકરીના પાછળના ભાગમાં એક નાનકડો ઓરડો હતો, જ્યાં ક્યારેક તે લોટની બોરીઓ અને વધારાનો સામાન રાખતો. તેણે એ ઓરડો સાફ કરીને નેરી માટે રહેવાની વ્યવસ્થા કરી.
ગરમ સૂપ અને તાજી બ્રેડ તેની સામે મૂકતાં લ્યુસે હસીને કહ્યું, “પહેલાં કંઈક ખાઈ લો. બાકીની ચિંતા કાલે કરીશું.”
નેરીના ચહેરા પર પહેલી વાર રાહતની ઝલક દેખાઈ.
બીજા દિવસે બંદરેથી તેને ખબર પડી કે ખરાબ હવામાનને કારણે જહાજોની અવરજવર અનિશ્ચિત હતી. પોર્ટુગલ પાછા જવા માટે તેને આગામી જહાજની રાહ જોવી પડે તેમ હતું. તેણે પોતાના પરિવારનો સંપર્ક કર્યો અને પરત ફરવાની વ્યવસ્થા થઈ જાય ત્યાં સુધી લ્યુસની મદદ સ્વીકારી.
લ્યુસ માટે એ માત્ર એક અજાણી યુવતીને મદદ કરવાનો પ્રસંગ હતો. તેને ક્યાં ખબર હતી કે આ નાનકડા ઉપકારથી તેના પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો.
નવી સુગંધ
શરૂઆતમાં નેરી લ્યુસની મહેમાન હતી. થોડા દિવસોમાં જ તે બેકરીના વાતાવરણમાં ભળી ગઈ. લ્યુસ સવારે લોટ બાંધતો ત્યારે તે તેની મદદ કરતી. બપોરે ગ્રાહકો ઓછા હોય ત્યારે બંને કોફી પીતા અને સાંજે દરિયાકિનારે બેસીને વાતો કરતા.
લ્યુસ વર્ષોથી એક જ પરંપરાગત પદ્ધતિથી બ્રેડ બનાવતો હતો. તેના માટે બ્રેડ બનાવવી એ માત્ર વ્યવસાય નહોતો; એ તેના જીવનની લય હતી. નેરીને પોર્ટુગલની બેકરીની કળામાં રસ હતો. તેણે લોટમાં મધ, તલ, લવેન્ડર અને સુગંધિત જડીબુટ્ટીઓ ઉમેરીને નવા પ્રયોગો શરૂ કર્યા.
શરૂઆતમાં લ્યુસને આ બધું થોડું વિચિત્ર લાગ્યું.
“બ્રેડમાં આટલી બધી વસ્તુઓ નાખવાની શું જરૂર?” તેણે એક દિવસ હસતાં પૂછ્યું.
નેરીએ જવાબ આપ્યો, “દરેક વસ્તુનો પોતાનો સ્વાદ હોય છે. યોગ્ય પ્રમાણમાં ભળે તો એ એકબીજાને વધુ સુંદર બનાવી શકે છે.”
“એટલે કે, એકબીજાથી અલગ હોવું ખરાબ નથી?”
“ના, લ્યુસ. ક્યારેક અલગ હોવું જ સૌથી સુંદર વાત હોય છે.”
લ્યુસે એ વાત સાંભળીને સ્મિત કર્યું. કદાચ તેને ત્યારે ખબર નહોતી કે નેરીની આ વાત માત્ર બ્રેડ પૂરતી મર્યાદિત નહોતી.
જ્યારે પહેલી વાર નવી બ્રેડ ભઠ્ઠીમાંથી બહાર આવી, ત્યારે તેની સુગંધે બંનેને આશ્ચર્યચકિત કરી દીધાં. થોડા જ દિવસોમાં ટાપુના લોકોએ પણ એનો સ્વાદ માણ્યો. ધીમે ધીમે બેકરીની ખ્યાતિ ફેલાઈ અને દૂરના વિસ્તારોમાંથી પણ લોકો નવી જાતની બ્રેડ લેવા આવવા લાગ્યા.
પરંતુ પરિવર્તન માત્ર બેકરીમાં જ નહોતું આવ્યું.
નેરીના આગમન પહેલાં લ્યુસનું જીવન એક નક્કી કરેલી લયમાં ચાલતું હતું. હવે તેની સવારમાં ઉત્સુકતા હતી, બપોરમાં હાસ્ય હતું અને સાંજની વાતોમાં એક અજાણી મીઠાશ ભળી હતી.
નેરી તેને પોર્ટુગલના શહેરો, ત્યાંની ગલીઓ, કાફે અને લોકોની વાતો કરતી. લ્યુસ તેને પોતાના ટાપુની નાનકડી નાનકડી ઘટનાઓ સંભળાવતો. ક્યારેક તે નેરીને દરિયાકિનારે આવેલા એવા સ્થળે લઈ જતો, જ્યાંથી સૂર્યાસ્તનું દૃશ્ય અદ્ભુત દેખાતું. નેરી બદલામાં તેને પોતાના દેશની એવી વાનગીઓ વિશે જણાવતી, જે લ્યુસે ક્યારેય ચાખી પણ નહોતી.
એક દિવસ બેકરીમાં કામ કરતાં લ્યુસના હાથમાં ગરમ ટ્રેનો ખૂણો અડકી ગયો. તે સહજ રીતે હાથ પાછો ખેંચી ગયો, પરંતુ નેરીએ તરત જ તેનું કામ અટકાવ્યું અને તેના હાથ પર ઠંડું પાણી રેડ્યું. પછી દવા લગાવીને પાટો બાંધ્યો.
“તમારા ટાપુના લોકો પોતાની સંભાળ રાખતાં શીખ્યા નથી?” તેણે મજાકમાં પૂછ્યું.
“અમે દરિયાની સંભાળ રાખીએ છીએ. અમારી સંભાળ કોણ રાખે?” લ્યુસે હસીને જવાબ આપ્યો.
“તો હવે કોઈક તો છે.”
આટલું કહીને નેરી ફરી પોતાના કામમાં લાગી ગઈ. લ્યુસ થોડી ક્ષણો સુધી તેને જોતો રહ્યો.
કેટલીક લાગણીઓ શબ્દોમાં વ્યક્ત થાય તે પહેલાં જ મનમાં પોતાનું સ્થાન બનાવી લેતી હોય છે.
સમય આગળ વધતો રહ્યો. ત્રણ મહિના ક્યારે વીતી ગયા, તેની બંનેને ખબર પણ ન પડી.
વિદાય
એક સવારે બંદરેથી સમાચાર આવ્યા કે પોર્ટુગલ જતું જહાજ બીજા દિવસે આવવાનું હતું. નેરીની મુસાફરી માટેની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી.
સમાચાર સાંભળીને નેરી ખુશ થઈ. આખરે તે પોતાના પરિવારને મળી શકવાની હતી. છતાં એ ખુશીની પાછળ ક્યાંક એક નાનકડું દુઃખ પણ હતું, જેને તે પોતે પણ પૂરેપૂરું સમજી શકતી નહોતી.
એ સાંજે તેણે બેકરીના પાછળના ઓરડામાં પોતાનો સામાન ગોઠવ્યો. લ્યુસ ભઠ્ઠી પાસે ઊભો રહીને બ્રેડ શેકી રહ્યો હતો. નેરીએ તેની ખાસ રીતથી બનાવેલી બ્રેડનો એક ટુકડો ચાખ્યો. એ જ સ્વાદ, એ જ સુગંધ—પણ આજે એમાં જાણે વિદાયની કડવાશ પણ ભળી હતી.
બીજા દિવસે સવારે બેકરીની બહાર સામાનની બે બેગ પડી હતી.
નેરી લ્યુસ પાસે આવીને ઊભી રહી.
“લ્યુસ... મારું જહાજ આવી ગયું છે.”
લ્યુસે હાથમાં રહેલી ટ્રે ભઠ્ઠી પાસે મૂકી. થોડી ક્ષણો સુધી તે કંઈ બોલ્યો નહીં.
“તો હવે તારે જવું જોઈએ,” તેણે ધીમેથી કહ્યું.
“તને દુઃખ નહીં થાય?” નેરીએ પૂછ્યું.
લ્યુસ હળવેથી હસ્યો.
“દુઃખ તો થશે. તારી સાથે વિતાવેલી સવારો અને સાંજો યાદ આવશે. પણ તું અહીં રહી શકી એ માટે ખુશ છું. હવે તારે પાછા જવું છે, તો એ માટે પણ ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ.”
“અને જો હું પાછી ન આવું તો?”
લ્યુસે તેની આંખોમાં જોયું.
“કેટલાક લોકો પાછા આવે તેની રાહ જોવી ગમે છે. પણ તેઓ પાછા ન આવે તો તેમની સાથે વિતાવેલી પળોનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી.”
નેરીની આંખો ભીની થઈ ગઈ. તેણે લ્યુસને ભેટી પડી. લ્યુસે પણ તેને પ્રેમથી ભેટી લીધી.
થોડી વાર પછી નેરી પોતાની બેગ લઈને જહાજ તરફ આગળ વધી.
જહાજના ડેક પર ચડીને તેણે પાછું વળીને જોયું. કિનારે ઊભેલો લ્યુસ હાથ હલાવીને તેને વિદાય આપી રહ્યો હતો. જહાજનો હોર્ન વાગ્યો અને ધીમે ધીમે તે દરિયાની છાતી ચીરીને આગળ વધવા લાગ્યું.
નેરીની નજર ત્યાં સુધી કિનારા પર ટકેલી રહી, જ્યાં સુધી લ્યુસ એક નાનકડા બિંદુ જેવો દેખાવા લાગ્યો.
પછી કિનારો ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો.
સૂરજ વગરની સવાર
બીજા દિવસે સવારે લ્યુસ રોજની જેમ વહેલો ઊઠ્યો.
બેકરીમાં ભઠ્ઠી સળગાવી. લોટ બાંધ્યો. કોફીનો કપ તૈયાર કર્યો. બહાર દરિયો પણ રોજની જેમ જ હતો. બંદર પર લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.
બધું પહેલાં જેવું જ હતું.
તેમ છતાં કંઈક ખૂટતું હતું.
કોફીનો પહેલો ઘૂંટડો લેતાં તેને અનાયાસે પાછળના ઓરડા તરફ જોવાની ટેવ પડી. જાણે નેરી હમણાં જ બહાર આવશે, વાળ સરખા કરતાં પૂછશે કે આજે કઈ નવી બ્રેડ બનાવવાની છે.
પણ ઓરડો ખાલી હતો.
લ્યુસે કોફીનો કપ હાથમાં પકડીને થોડી વાર બારી બહાર જોયું. આકાશમાં સૂરજ ઊગી ચૂક્યો હતો, છતાં તેને એ સવારમાં કોઈ અજવાળું લાગતું નહોતું. ભઠ્ઠીની ગરમી હતી, બ્રેડની સુગંધ હતી, દરિયાની હવા હતી—પણ તેની રોજિંદી સવારમાંથી કંઈક એવું ગાયબ હતું, જેને કોઈ વસ્તુથી પૂરી શકાય તેમ નહોતું.
એ પહેલી સવાર હતી, જ્યારે લ્યુસને સમજાયું કે માણસને ક્યારેક કોઈની ગેરહાજરીની જાણ ત્યારે થાય છે, જ્યારે તેની સાથે જોડાયેલી નાનામાં નાની ટેવો પણ યાદ આવવા લાગે.
એ સવાર જાણે સૂરજ વગરની હતી.
તેણે કોફી પૂરી કરી, ભઠ્ઠીમાંથી બ્રેડ બહાર કાઢી અને કામે લાગી ગયો. જીવન કોઈની રાહમાં અટકી રહેતું નથી. ગ્રાહકો આવવા લાગ્યા. એક વૃદ્ધ ગ્રાહકે નવી બ્રેડનો ટુકડો ચાખીને પ્રશંસા કરી.
“લ્યુસ, આ તો પહેલાં કરતાં પણ વધુ સરસ છે!”
લ્યુસના ચહેરા પર હળવું સ્મિત આવ્યું.
“આનો થોડો શ્રેય મારી એક મિત્રને જાય છે,” તેણે કહ્યું.
એ દિવસે પહેલી વાર તેને સમજાયું કે ખાલીપો હોવા છતાં જીવનમાં મળેલી ભેટો આપણી સાથે રહેતી હોય છે.
એક નાનકડું પાર્સલ
નેરી પોર્ટુગલ પહોંચી ગઈ. પોતાના લોકો વચ્ચે અને રોજિંદા જીવનની વ્યસ્તતામાં ફરી ગોઠવાઈ ગઈ. છતાં ક્યારેક સવારની કોફી પીતી વખતે તેને પોર્ટ તુલોંની બેકરી યાદ આવતી. તાજી બ્રેડની સુગંધ, દરિયાકિનારે વિતાવેલી સાંજો અને લ્યુસનું નિશ્ચિંત સ્મિત—આ બધું તેની યાદોમાં સાચવાઈ ગયું હતું.
તેણે લ્યુસને એક પત્ર લખ્યો. તેમાં પોતાની મુસાફરી, પરિવાર સાથેની મુલાકાત અને બેકરીમાં શીખેલી નવી રીતો વિશે લખ્યું. થોડા દિવસો પછી લ્યુસનો જવાબ આવ્યો. બંને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. ક્યારેક ટાપુના હવામાનની વાતો થતી, તો ક્યારેક ફ્રાન્સની ગલીઓની.
એક દિવસ સવારે નેરીના સરનામે એક નાનકડું પાર્સલ આવ્યું.
પાર્સલ ખોલતાં જ તેને ઓળખીતી સુગંધનો અહેસાસ થયો. અંદર સુંદર રીતે પેક કરેલી કુકીઝ હતી. એ જ સ્વાદ, એ જ સુગંધ, જેમાં મધ અને લવેન્ડરની હળવી મહેક ભળી હતી.
કુકીઝની સાથે એક નાનકડી ચિઠ્ઠી પણ હતી.
“પ્રિય નેરી,
તેં મને બ્રેડ બનાવવાની નવી રીતો શીખવી. આ કુકીઝ તારી પાસેથી શીખેલી કળાની મારી નાનકડી યાદ છે.
તારી વિદાય પછી બેકરીની સવાર થોડી શાંત થઈ ગઈ છે. છતાં તું શીખવેલી નવી વાનગીઓ બનાવું છું ત્યારે લાગે છે કે તારી સાથેની વાતો હજી અહીં જ છે.
ક્યારેક સમય મળે તો પાછી આવજે. બેકરીમાં કોફી હજી પણ તારી રાહ જુએ છે.
— લ્યુસ”
ચિઠ્ઠી વાંચતાં નેરીની આંખો ભીની થઈ ગઈ. તેણે એક કુકી હાથમાં લીધી અને ધીમેથી તેનો સ્વાદ માણ્યો. એ સ્વાદમાં જાણે પોર્ટ તુલોંની સવાર હતી, દરિયાની હવા હતી અને એક એવા માણસની લાગણી હતી, જેણે ક્યારેય તેને રોકવાનો આગ્રહ કર્યો નહોતો, છતાં પોતાની યાદોમાં તેના માટે એક જગ્યા સાચવી રાખી હતી.
તેણે બારી બહાર જોયું. દૂર આકાશ અને ધરતી મળતાં હોય એવું લાગતું હતું.
નેરીના ચહેરા પર સ્મિત પથરાયું.
તેને સમજાયું કે અંતર માત્ર બે સ્થળો વચ્ચે હોય છે; કેટલીક લાગણીઓ અંતરથી ઓછી થતી નથી. એ લાગણીઓ સાથે જીવતાં માણસ પોતાની દુનિયાને વધુ વિશાળ બનાવી શકે છે.
ક્ષિતિજ
એ જ સમયે પોર્ટ તુલોંમાં પોતાની બેકરીમાં બેઠો હતો. ભઠ્ઠીમાં બ્રેડ શેકાઈ રહી હતી અને કોફીનો કપ તેની સામે પડ્યો હતો. બેકરીમાં હવે પણ નેરીએ શીખવેલી બ્રેડ બનતી હતી. ક્યારેક કોઈ ગ્રાહક નવી બ્રેડની પ્રશંસા કરતો, ત્યારે લ્યુસના ચહેરા પર એક અજાણ્યું સ્મિત આવી જતું.
સાંજે તે દરિયાકિનારે ગયો. પહેલાંની જેમ મોજાં ગણવાને બદલે આજે તેની નજર દૂર ક્ષિતિજ પર અટકી હતી.
તેને સમજાયું કે જીવનમાં મળતા દરેક માણસે આપણી સાથે આખી મુસાફરી કરવી જરૂરી નથી. કેટલાક લોકો થોડા સમય માટે આવે છે, પણ આપણને કંઈક એવું આપી જાય છે જે લાંબા સમય સુધી આપણી સાથે રહે છે.
નેરી ચાલી ગઈ હતી, પણ તેની સાથે વિતાવેલા દિવસોએ લ્યુસની દુનિયાને વિશાળ બનાવી દીધી હતી. હવે તેને દરિયાની પેલે પારની દુનિયા વિશે જાણવાની ઇચ્છા થતી હતી. કદાચ એક દિવસ તે પણ કોઈ અજાણ્યા બંદરે ઊતરશે, નવી સુગંધો માણશે અને કોઈ નવી વાર્તા લઈને પાછો ફરશે.
લ્યુસે દરિયા સામે જોઈને મંદ મંદ સ્મિત કર્યું.
ક્ષિતિજ હજી એટલું જ દૂર હતું. દરિયો હજી એટલો જ વિશાળ હતો. પરંતુ હવે લ્યુસની નજરમાં એક નવું સપનું હતું.
આકાશમાં સૂરજ ધીમે ધીમે દરિયાની પાછળ અદૃશ્ય થઈ રહ્યો હતો. કાલે ફરી સવાર થશે. કદાચ એ સવારમાં પણ નેરીની યાદ આવશે. કદાચ થોડી ક્ષણો માટે બધું સૂનું લાગશે. પરંતુ હવે લ્યુસ જાણતો હતો કે દરેક સવારનો પ્રકાશ માત્ર આકાશમાંથી નથી આવતો. ક્યારેક કોઈ વ્યક્તિ આપણી અંદર એવો દીવો પ્રગટાવી જાય છે, જે તેની ગેરહાજરીમાં પણ આપણને રસ્તો બતાવે છે.
અને એ દિવસે લ્યુસને પહેલી વાર ક્ષિતિજની પેલે પાર જવાની ઇચ્છા થઈ.
કેટલાક સંબંધો જીવનમાં કાયમ રહેવા માટે નથી આવતા; તેઓ આપણી અંદર એક નવું ક્ષિતિજ ખોલવા આવે છે.
~~~~~~
વાંચન વિશેષ
સ્થળ પરિચય
તુલોં — ભૂમધ્ય સમુદ્રનું એક બંદરનગર, ફ્રાન્સના દક્ષિણ કિનારે ભૂમધ્ય સમુદ્રના નીલા પાણીથી ઘેરાયેલું વસેલું તુલોં એક સુંદર બંદરનગર છે. એક તરફ દરિયાની વિશાળ જળરાશિ અને બીજી તરફ પાઈનનાં વૃક્ષોથી છવાયેલી પહાડીઓ, કુદરતે આ શહેરને છૂટ્ટે હાથે પોતેજ સજાવ્યું હોય એવું લાગે. અહીંના બંદરે માછીમારોની નાની હોડીઓથી માંડીને વિશાળ જહાજો સુધીની અવરજવર જોવા મળે છે.
જૂના શહેરની સાંકડી ગલીઓ, ખુલ્લા બજારો, નાનાં કાફે/બેકરી અને દરિયાઈ પવનમાં ભળેલી ખારી સુગંધ તુલોંને એક આગવી ઓળખ આપે છે. સવારના સમયે બંદર જાગે ત્યારે જહાજોના હોર્ન, દરિયાઈ પક્ષીઓનો કલરવ અને કિનારે અથડાતાં મોજાંનો અવાજ એક અનોખું સંગીત રચતાં હોય છે.
આવા જ દરિયાઈ વાતાવરણની પૃષ્ઠભૂમિમાં આપણી વાર્તા ‘ક્ષિતિજ’ના નાયક લ્યુસ મીરાંડાની નાનકડી બેકરી વસેલી છે, જ્યાં તાજી બ્રેડની સુગંધ અને ગરમ કોફીની વરાળ વચ્ચે તેનું શાંત જીવન વહેતું હતું.
