ડર કે દવા
ડર કે દવા
ડર કે દવા
ગામડાના એક મોકળા ઘરની પરસાળમાં સાંજનો દીવો પ્રગટી ચૂક્યો હતો. એક જમાનો હતો, જ્યારે આ સમયે કરસન અને તેની વહુ કંચન આંગણામાં બેસીને આખા દિવસની વાતો કરતાં, ચાની ચુસકી લેતાં અને રેડિયો પર વાગતાં મધુર ગીતો માણતાં.
પણ છેલ્લા છ મહિનાથી આ ઘરમાં એક નવો અતિથિ આવ્યો હતો—સ્માર્ટફોન!
કરસન પાસે થોડા સમય પહેલાં જ મોટો સ્માર્ટફોન આવ્યો હતો અને કંચનને પણ છોકરાઓએ નવો ફોન અપાવ્યો હતો. શરૂઆતમાં તો બંને ગીતો સાંભળતાં, રસોઈના વીડિયો જોતાં અને સગાંસંબંધીઓ સાથે વાતો કરતાં. પરંતુ ધીમે ધીમે કરસનને એક નવી જ ટેવ પડી ગઈ.
સવાર પડે ને ફોન હાથમાં લે. ફેસબુક ખોલે, સમાચારની એપ્સ તપાસે અને પછી એક પછી એક નકારાત્મક સમાચાર વાંચતો રહે.
‘ભયાનક અકસ્માતમાં પાંચનાં મોત!’
‘આવતી કાલે મોંઘવારીમાં મોટો ઉછાળો!’
‘નવા વાયરસનો ખતરો!’
‘સાયબર ઠગોએ વૃદ્ધને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો!’
એક સમાચાર પૂરા થાય ત્યાં બીજો હાજર. એક રીલ પૂરી થાય ત્યાં બીજી શરૂ. કરસનની આંગળી સ્ક્રીન પર સરકતી રહેતી, પણ મનમાં ચિંતા અને ભયનાં વાદળો ઘેરાતાં જતાં.
તેને ખબર પણ ન પડતી કે કલાકો ક્યાં વીતી ગયા. આ ટેવને આધુનિક ભાષામાં ‘ડૂમસ્ક્રોલિંગ’ કહે છે—એટલે કે સતત નકારાત્મક અને ભયજનક સમાચારો કે સામગ્રી જોતા રહેવું.
ધીમે ધીમે કરસનનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. ચહેરા પર ચિંતાની કરચલીઓ વધી ગઈ. ઊંઘ બગડવા લાગી અને ખાવા-પીવામાં પણ પહેલાં જેવો રસ ન રહ્યો.
એક સાંજે કંચન ચાનો કપ લઈને આવી.
“અરે, સાંભળો છો? આપણા આંગણામાં જે ચમેલીનો છોડ વાવ્યો હતો ને, એમાં આજે સરસ મજાનાં સુગંધી ફૂલ આવ્યાં છે. જરા બહાર આવીને જુઓ તો ખરા!”
કરસને ફોનમાંથી નજર પણ ન ઉઠાવી.
“શું ચમેલી ને શું ફૂલ! તને ખબર છે દુનિયામાં શું ચાલી રહ્યું છે? પેલી બાજુ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને અહીં શાકભાજીના ભાવ આસમાને પહોંચવાના છે. બસ, બધું પૂરું થવા બેઠું છે!”
કંચન ચૂપચાપ બેસી ગઈ. તેને દુઃખ એ વાતનું નહોતું કે કરસને ફૂલો જોવાની ના પાડી; દુઃખ એ હતું કે જે માણસ એક સમયે નાની નાની વાતોમાં ખુશી શોધી લેતો હતો, તે હવે દુનિયાના દુઃખનો ભાર પોતાના મન પર લઈને ફરતો હતો.
એક રવિવારે સવારે કંચને નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે.
કરસન ઊઠીને ફોન શોધવા લાગ્યો, પણ ફોન મળ્યો નહીં.
“કંચન! મારો ફોન ક્યાં છે?” તેણે અકળાઈને પૂછ્યું.
કંચન હસીને બોલી, “આજે ફોનને થોડી રજા આપી છે. ચાલો, આજે ખેતરે આંટો મારવા જઈએ.”
“પણ દેશ-દુનિયામાં શું બને છે એની મને ખબર કેવી રીતે પડશે?”
કંચને શાંતિથી જવાબ આપ્યો, “જે જાણવું જરૂરી છે એ જરૂર જાણજો. પણ આખી દુનિયાનાં દુઃખ અને ડર દિવસભર માથે લઈને ફરવાથી શું મળશે? આપણી આસપાસ જે સુંદર દુનિયા છે, એ તો તમે ભૂલી જ ગયા છો!”
કરસન થોડો કચવાયો, છતાં કંચન સાથે ખેતરે ગયો.
લીલાંછમ ખેતરો, પંખીઓનો કલરવ, ઝાડ પરથી આવતી ઠંડી હવા અને માટીની સુગંધ—આ બધું જાણે વર્ષો પછી તેની નજરે ચડ્યું હોય એમ લાગ્યું. બપોરે કંચને વડલાના છાંયડા નીચે ભાખરી અને ટામેટાંનું શાક પીરસ્યું. બંનેએ શાંતિથી ભોજન કર્યું, જૂની યાદો વાગોળી અને મન મૂકીને વાતો કરી.
કરસનને પહેલી વાર અનુભવાયું કે ફોનથી દૂર રહેતાં પણ દુનિયા અટકી જતી નથી; ઊલટું, પોતાની આસપાસની દુનિયા વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે.
સાંજે ઘરે પાછા આવ્યા પછી કંચને કરસનનો ફોન તેના હાથમાં આપ્યો.
કરસને ફોન હાથમાં લીધો, પણ તરત જ સ્ક્રીન ચાલુ ન કરી. તેણે કંચન સામે જોઈને કહ્યું, “આજે સમજાયું કે આ નાનકડી સ્ક્રીનમાં આખી દુનિયાનું દુઃખ અને ડર ખોતરતાં ખોતરતાં હું મારી સામે રહેલી જિંદગીની ખુશીઓ ગુમાવી રહ્યો હતો.”
કંચને સ્મિત કરતાં કહ્યું, “દુનિયામાં ખરાબ ઘટનાઓ બને છે એ સાચું, પણ એ બધું આખો દિવસ મનમાં ભરી રાખવાની જરૂર નથી.”
તે દિવસથી કરસને ફોનનો વપરાશ મર્યાદિત કરી દીધો. હવે તે જરૂરી સમાચાર જોતો, કામની માહિતી મેળવતો અને પછી ફોન બાજુ પર મૂકી દેતો.
પણ વાર્તા અહીં પૂરી થવાની નહોતી.
---
એક દિવસ અચાનક કરસનને સખત તાવ ચડ્યો. થોડા જ સમયમાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ગામડાના એ ઘરમાં ત્યારે કંચન એકલી જ હતી.
કરસનની હાલત જોઈને તે ગભરાઈ ગઈ. શું કરવું, કોને બોલાવવા, કયા ડૉક્ટરનો સંપર્ક કરવો—કંઈ સમજાતું નહોતું. આસપાસનો રસ્તો પણ સૂમસામ હતો.
કંચન ઘરના ઉંબરે ઊભી રહીને મદદની રાહ જોવા લાગી. પછી અચાનક તેને યાદ આવ્યું કે કરસન પોતાના ફોનમાં ડૉક્ટરોના નંબર અને બીજી જરૂરી માહિતી રાખતો હતો.
તેણે ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો. થોડા સમય પહેલાં જે ફોનથી તેને દૂર રહેવાની સલાહ આપી હતી, એ જ ફોન આજે મદદની આશા બનીને તેની સામે હતો.
કંચને ફોનમાં સેવ કરેલો સ્થાનિક ડૉક્ટરનો નંબર શોધ્યો અને તરત ફોન જોડ્યો. ડૉક્ટરે પરિસ્થિતિ સમજીને તાત્કાલિક મદદ મોકલી. જરૂરી સારવાર માટે કરસનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો.
થોડા દિવસો પછી કરસન ઘરે પાછો ફર્યો. શરીર નબળું હતું, પણ મનમાં એક નવો વિચાર જન્મ્યો હતો.
કંચન તેની બાજુમાં બેઠી હતી.
કરસને તેનો હાથ પકડીને કહ્યું, “કંચન, આપણે બંનેએ આ ફોન વિશે એક મહત્ત્વની વાત શીખી. હું એમાં દુનિયાના ડર અને નકારાત્મક સમાચાર શોધતો રહ્યો, એટલે ફોનથી દૂર ભાગવા લાગ્યો. પણ આજે એ જ ફોન કામ આવ્યો.”
કંચને કહ્યું, “હા, ફોનનો અતિરેક ખરાબ, પણ જરૂરિયાતના સમયે એનો ઉપયોગ ન કરવો એ પણ સમજદારી નથી. મને તો આજે સમજાયું કે જરૂરી માહિતી હોવી કેટલી મહત્ત્વની છે.”
કરસન હળવું હસ્યો.
“ફોન પોતે ન તો ડર છે, ન દવા. એનો ઉપયોગ કેવો કરીએ છીએ એના પર બધો આધાર છે. જરૂરી સમાચાર જાણવા, ડૉક્ટરનો સંપર્ક કરવા અને મુશ્કેલીમાં મદદ મેળવવા માટે ટેકનોલોજી આશીર્વાદ છે. પણ નકારાત્મક સમાચારના ચક્કરમાં ફસાઈને પોતાની શાંતિ ગુમાવીએ, તો એ જ આશીર્વાદ બોજ બની જાય છે.”
કંચને ઉમેર્યું, “તો હવે આપણે એક નિયમ બનાવીએ. ફોન વાપરીશું, પણ ફોનને આપણો સમય અને મન વાપરવા નહીં દઈએ!”
બંને હસી પડ્યાં.
તે દિવસથી કરસન અને કંચને નક્કી કર્યું કે જરૂરી સમાચાર, ઉપયોગી માહિતી અને સંપર્ક માટે ફોનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. બિનજરૂરી સ્ક્રોલિંગથી દૂર રહેવું અને રોજ થોડો સમય પરિવાર, કુદરત તથા પોતાની ખુશીઓ માટે ફાળવવો.
હવે કરસન ફોન હાથમાં લેતો ત્યારે પોતાને એક જ સવાલ પૂછતો:
“આ સ્ક્રીન મને કંઈક ઉપયોગી આપી રહી છે કે મારા મનમાં માત્ર ડર ભરી રહી છે?”
કારણ કે ટેકનોલોજીનો સાચો અર્થ દુનિયાથી ભાગી જવામાં નથી, કે દુનિયાના દરેક ડરને મનમાં ઉતારી લેવામાં પણ નથી.
સાચી સમજ તો એ છે કે દુનિયા સાથે જોડાયેલા રહીએ, પણ પોતાની જિંદગીથી વિખૂટા ન પડી જઈએ.
ફોન ડર પણ બની શકે અને દવા પણ—ફરક માત્ર આપણા ઉપયોગનો છે.
લેખક: કલ્પેશ પટેલ ©
