STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

અધૂરી રાહ.

અધૂરી રાહ.

7 mins
16

અધૂરી રાહ

ગ્રીસના એજિયન સમુદ્રની ગોદમાં વસેલો રોડ્સ ટાપુ જાણે કુદરત અને ઇતિહાસે સાથે મળીને દોરેલું કોઈ જીવંત ચિત્ર હતું. ઢોળાવ પર હારબંધ ગોઠવાયેલાં સફેદ મકાનો, તેમની વચ્ચેની સાંકડી પથ્થરની ગલીઓ, ક્યાંક ડોકાતાં નાનકડાં ગુમ્બજો અને નીચે અનંત સુધી પથરાયેલો નીલરંગી સમુદ્ર—દરેક દૃશ્યમાં એક અજબ શાંતિ અને રહસ્ય છુપાયેલાં હતાં.


લિન્ડોસના એક ઢોળાવ પર આવેલી નાની આર્ટ ગેલેરીની બારી પાસે મિલિના ઘણી વાર કલાકો સુધી ઊભી રહેતી. સામે અફાટ સમુદ્ર હતો અને પાછળ તેની પોતાની દુનિયા,ઓઇલ રંગો, કેનવાસ અને અધૂરાં ચિત્રો.

એક સાંજે પણ તે દરિયા તરફ એકટકે જોઈ રહી હતી.

“શું શોધે છે?” પાછળથી એલિઆસનો પરિચિત અવાજ આવ્યો.

મિલિના પાછળ ફર્યા વગર જ માર્મિક બોલી, 

“આકાશ અને સમુદ્ર ક્યાં મળે છે એ.”

“તને ખબર છે, એ બંને ક્યારેય મળતા નથી.”

હવે તે ધીમેથી પાછળ ફરી. 

“મને લાગે છે, મળે છે. બસ, આપણી નજર ત્યાં સુધી પહોંચતી નથી.”

એલિઆસ તેની બાજુમાં આવીને ઊભો રહ્યો. થોડો સમય બંને વચ્ચે માત્ર દરિયાના મોજાંનો અવાજ રહ્યો.

“તો પછી?” તેણે પૂછ્યું.

“પછી શું?”

“જો આકાશ અને સમુદ્રની પ્રકૃતિ અલગ હોવા છતાં એ એકબીજાના બની શકે... તો આપણે કેમ નહીં?”

મિલિનાએ તેની આંખોમાં જોયું.

 “એ સવાલ તું મને પૂછે છે?”

“ના,” 

એલિઆસ હસ્યો,

મિલિના બોલી...“મારે બસ... ખાતરી કરવી હતી.”

મિલિનાએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

 “ઓહ એલિઆસ, રોડ્સના આ સમુદ્રની સાક્ષીએ,કહું છું.. કે આપણે ક્યારેય એકબીજાથી દૂર નહીં થઈએ.”

પરંતુ તે ક્ષણે બંનેમાંથી કોઈને ખબર નહોતી કે જીવનમાં કેટલીક દૂરિયાં ભૌગોલિક રસ્તાઓથી નહીં, સમય અને સંજોગોના વળાંકોથી ઊભી થતી હોય છે.


એલિઆસ રોડ્સના મધ્યયુગીન ઓલ્ડ ટાઉનમાં પથ્થરની કોતરણીનું કામ કરતો. જૂના, રૂક્ષ પથ્થરમાંથી જીવંત આકાર શોધવો તેને ગમતો. તેને લાગતું કે દરેક પથ્થરની ભીતર કોઈ વાર્તા શ્વાસ લે છે; માત્ર તેને બહાર લાવવાની કુશળતા હોવી જોઈએ.


મિલિના પણ પોતાના રંગો અને કેનવાસમાં આવી જ વાર્તાઓ વણતી. તેની ગેલેરી નાની હતી, પણ તેની બારી બહુ મોટી હતી. બારીમાંથી દેખાતો દરિયો જાણે તેની કલાનો જ એક અભિન્ન ભાગ ન હોય!

સાંજ ઢળે એટલે એલિઆસ કામ પૂરું કરીને સીધો ગેલેરીમાં આવી જતો. ક્યારેક બંને દરિયાકિનારે અનંત સુધી ચાલવા નીકળતાં, ક્યારેક ઓલ્ડ ટાઉનની અંધારી ગલીઓમાં ભટકતાં અને ઘણી વાર કંઈ પણ બોલ્યા વગર બસ ગેલેરીની બારી પાસે બેસી રહેતાં.
એક સાંજે મિલિનાએ બ્રશ અટકાવીને એલિઆસને પૂછ્યું, “તું પથ્થરોમાં આટલો સમય શું શોધ્યા કરે છે?”

“જે લોકો શબ્દોમાં કહી શકતા નથી, એ બધું.”

“અને મારી અંદર?”

એલિઆસે તેના ચહેરા પરથી નજર હટાવ્યા વિના કહ્યું, 

“તને તો હું હજી વાંચી રહ્યો છું.”
“વર્ષોથી?”

“કેટલાક ચિત્રો એક નજરમાં સમજાતા નથી, મિલિના.”

મિલિના ખડખડાટ હસી પડી. એ નાનાં-નાનાં સંવાદો અને હાસ્યમાં જ તેમનું આખુંય વિશ્વ વસતું હતું.


પરંતુ , નિયતિએ એક નવો દરવાજો ખોલ્યો. એલિઆસને એટ્થેન્સની એક પ્રતિષ્ઠિત કલા સંસ્થામાં મોટો પ્રોજેક્ટ સંભાળવાની તક મળી.
તેના માટે આ કારકિર્દીની મોટી છલાંગ હતી, પણ જ્યારે તેણે મિલિનાને આ વાત કરી, ત્યારે તેના પોતાના સ્વરમાં ખુશી અધૂરી અને વિરહ નો ભાર લાગતો હતો .

“મારે તને કંઈક કહેવું છે.” મિલિનાએ તેના ચહેરાના ભાવ પારખી લીધા. 

“કંઈક સારું છે કે ખરાબ?”

“મને એટ્થેન્સમાં કામ મળ્યું છે.”

થોડી ક્ષણો માટે ઓરડામાં ગાઢ સન્નાટો છવાઈ ગયો.

“કેટલા સમય માટે?”

 મિલિનાનો અવાજ થોડો ધ્રૂજ્યો.
“શરૂઆતમાં એક વર્ષ. પછી... ખબર નથી.”

“અને તારે જવું છે ને?”
એલિઆસે એક લાંબો શ્વાસ લીધો. 

“હા.”

મિલિનાએ નજર ઢાળી દીધી. 

“તો જા.”

“આટલું સહજ છે?”

“ના,” 

તે માંડ બોલી શકી, 

“પણ તું ન જાય અને પછી આખી જિંદગી એ વાતનો અસંતોષ રાખે, કે જવાનુ મુલતવી ન રાખત તો શું થાત... 

એવું હું જોઈ શકું તેમ નથી.”

એલિઆસ તેની નજીક આવી ગયો. 
પગલી નિરાશ ન થા, “હું જરૂર તારી પાસે પાછો આવીશ.”

મિલિના હળવેથી હસી, પણ એ હાસ્યમાં ભેજ હતો. 

“આ વાત તું એટલી સરળતાથી કહી દે છે.”

“કારણ કે એ સાચી છે.”

“ફરી ક્યારે મળીશ ?”

એલિઆસ પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. તેનું મૌન જ ઘણું કહી જતું હતું.

મિલિનાએ એ મૌનની ભાષા વાંચી લીધી. 

“ઠીક છે,” તે ઉદાસીનતા સાથે બોલી, 

“જ્યારે પણ આવે ...”
“હું તારી રાહ જોઈશ ?”

એલોયાસે તેને સીધો જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું, “હું પાછો આવીશ, ત્યારે તને ચોક્કસ મેળવી જ લઈશ.”

બીજા જ દિવસે એલિઆસ રોડ્સના નીલરંગી કિનારા પાછળ છોડીને એટ્થેન્સ રવાના થઈ ગયો.

શરૂઆતના દિવસોમાં અંતર ખાસ વર્તાયું નહીં. પત્રો આવતા, લાંબી ફોન પર વાતો થતી. એલિઆસ પોતાની નવી દુનિયા અને સક્સેસની વાતો કરતો, તો મિલિના ગેલેરીની બારીએથી દેખાતા દરિયાની અને નાની-નાની વાતો શેર કરતી.

પરંતુ સમયની સાથે, પત્રો વચ્ચેનું અંતર વધવા લાગ્યું. દિવસો પછી અઠવાડિયાં વીતવા લાગ્યાં અને ફોન પરના કલાકો ટૂંકા થતા ગયા.
એલિઆસની દુનિયા હવે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, મોટા કલાકારો અને અનંત દોડધામમાં વિસ્તરી ચૂકી હતી.

 જ્યારે મિલિનાની દુનિયા એ જ સીમાઓમાં કેદ હતી—પેલી સફેદ ગેલેરી, જૂની પથ્થરની ગલીઓ અને સામે અનંત દરિયો.
એક રાત્રે મોડેથી ફોન પર મિલિનાએ પૂછ્યું, “એલિઆસ... તું ક્યારે પાછો આવીશ?”

“બસ, ટૂંક સમયમાં.”

“‘ટૂંક સમયમાં’ એટલે ક્યારે?”

“મિલિના, તું સમજે છે ને? 

અહીં અત્યારે કામનું ખૂબ ભારણ છે.”
સામે છેડે થોડીવાર ગાઢ સન્નાટો છવાઈ ગયો.

“હમણાં સમજું છું.”

“તું નારાજ છે મારી પર?”

“ના.”

“ખરેખર?”

“હા.”

પરંતુ બંને જાણતા હતા કે એ “હા” ની પાછળ કેટલું બધું દર્દ અને અનિચ્છા છુપાયેલી હતી.

 તે તેમની છેલ્લી સાર્થક વાતચીત સાબિત થઈ.

સમયના વહેણ સાથે મિલિનાએ રાહ જોવાની વ્યાખ્યા બદલી નાખી. હવે તે દર સાંજે દરિયાકાંઠે દોડી જતી નહીં. ક્યારેક ગેલેરી વહેલી બંધ કરીને પાછળના શાંત બગીચામાં કલાકો સુધી બેસી રહેતી, જ્યાંથી આકાશ અને સમુદ્રનું મિલન સ્પષ્ટ દેખાતું.

એક દિવસ તેણે કેનવાસ પર એક નવું ચિત્ર શરૂ કર્યું—ઢોળાવ પરના સફેદ મકાનો, નીચે અનંત નીલરંગી સમુદ્ર અને ક્ષિતિજ તરફ હળવેથી આગળ વધી રહેલી એક એકાકી નાવ.

જ્યારે ચિત્ર પૂરું થયું, ત્યારે ખૂણામાં તેણે માત્ર એક જ નાનો શબ્દ લખ્યો..

“રાહ”.

તે ચિત્ર તેણે ક્યારેય વેચાણ માટે મૂક્યું નહીં; 

એ તેની પોતાની ભીતરની સફર બની ગયું હતું.

વર્ષો વીતી ગયાં.

એલિઆસ હવે દુનિયાભરમાં નામચીન કલાકાર બની ગયો હતો. એક દિવસ, સફળતાના આ ઝળહળા પ્રકાશ વચ્ચે અચાનક તેને ભાન થયું કે તેણે દુનિયાની બધી જ કલા જીતી લીધી છે, પણ જેની સાથે આ બધું વહેંચવાનું હતું, તેનાથી તો તે સદીઓ દૂર થઈ ચૂક્યો છે.

એક અદ્રશ્ય ખેંચાણ તેને ફરી રોડ્સ ટાપુ તરફ ખેંચી લાવ્યું.
જ્યારે તે લિન્ડોસના જાણીતા ઢોળાવ પર પહોંચ્યો, ત્યારે સમય જાણે થંભી ગયો હોય એમ લાગ્યું. એ જ ઢોળાવ, એ જ સફેદ મકાનો અને એ જ અફાટ નીલરંગી સમુદ્ર.
માત્ર...

 મિલિના નહોતી.

ગેલેરીનું લાકડાનું બારણું ખુલ્લું હતું. એલિઆસ ધડકતી છાતીએ અંદર દાખલ થયો. એક વૃદ્ધ માણસ શાંતિથી નવા ચિત્રો ગોઠવી રહ્યો હતો.

“મિલિના... મિલિના, તું..ક્યાં છે?”

 એલિઆસનો શ્વાસ રૂંધાતો હતો.
વૃદ્ધે કામ અટકાવીને તેની સામે જોયું. “તમે... એલિઆસ છો ને?”

એલિઆસ ચમક્યો.

 “હા. તમે મને ઓળખો છો?”

“મિલિના અક્ષરશ : 
તમારા નામ સાથે જીવતી હતી.”

આશાનું એક ક્ષીણ કિરણ એલિઆસની આંખોમાં ચમક્યું. “તો તે ક્યાં છે અત્યારે?”
વૃદ્ધે તેની આંખોમાં આંખ પરોવીને ધીમેથી કહ્યું, 

“મિલિના હવે આ દુનિયામાં નથી.”
એલિઆસના પગ નીચેથી જમીન સરકી ગઈ. “
ના... એવું કેમ બોલો છો? કદાચ બીજા કોઈ શહેરમાં...”

“ના.” 

વૃદ્ધનું મૌન બધું કહી ગયું.
એલિઆસના અંદર સુધીના શ્વાસ થીજી ગયા.

 “શું થયું હતું તેને?”
વૃદ્ધ કોઈ જવાબ આપવાને બદલે ગેલેરીની પાછળના ખુલ્લા ચોગાન તરફ આગળ વધ્યા. 

“મારી પાછળ આવો.”

બગીચાની નાની ફૂલોની ક્યારીઓ વચ્ચે સફેદ પથ્થરની એક સાદી, નાનકડી કબર હતી. 

એલિઆસ લથડિયાં ખાતો આગળ વધ્યો અને પથ્થર પર કોતરેલું નામ વાંચતાં જ તેની આંખો પથ્થર થઈ ગઈ.

મિલિના.

તે કબર પાસે જ ઘૂંટણભેર બેસી ગયો. 

“ના... આવું ન થઇ શકે...”

વૃદ્ધ તેની પાછળ ઊભા રહીને ધીમા અવાજે બોલ્યા, “એ લાંબી બીમારી સામે લડી હતી. બહુ સમય સંઘર્ષ કર્યો.”

“તો  મને કેમ કોઈએ ખબર ન આપી?”

“પત્રો મોકલ્યા હતા, તમને..એલિઆસ.”

“મને? 

મને એક પણ પત્ર મળ્યો નહોતો!”
વૃદ્ધે લાંબો શ્વાસ લીધો. “ક્યારેક જીવનમાં પત્રો સમયસર નથી પહોંચતા... અને ક્યારેક, માણસો પણ.”

એલિઆસે ધ્રૂજતા હાથે ચહેરો ઢાંકી દીધો.
 “તેની... તેની છેલ્લી ઇચ્છા શું હતી?”

“તેણે કહ્યું હતું કે મને આ જગ્યાએ જ દફનાવજો.”

“કેમ?”

“કારણ કે, અહીંથી આખો એજિયન સમુદ્ર સાફ દેખાય છે.”

એલિઆસના હોઠ ધ્રૂજી ઊઠ્યા.

 “બસ એટલું જ?”

“ના,” વૃદ્ધે સહેજ અટકીને કહ્યું, 

“તેણે એમ પણ કહ્યું હતું કે—‘કદાચ એક દિવસ એલિઆસ પાછો આવશે, તે તેને તકલીફ ન પડે "

એલિઆસે આંસુ ભરેલી આંખો ઉપર કરી.

 “અને પછી?”
તેને કીધેલું... કે 

“ત્યારે તેને કહેજો કે, મિલિનાએ મરતી ઘડી સુધી રાહ જોવાનું બંધ કર્યું નહોતું.”

વૃદ્ધ મીણબત્તી પેટાવી ત્યાંથી ચાલી ગયા.

સાંજ ઢળતી હતી અને આખો રોડ્સ ટાપુ કેસરી તથા સોનેરી રંગમાં ન્હાઈ રહ્યો હતો. 

ગેલેરીની ખુલ્લી બારીમાંથી સફેદ પડદો પવનમાં લહેરાઈ રહ્યો હતો અને દૂર એજિયન સમુદ્ર પર સૂર્યના અંતિમ કિરણો ઝળહળી રહ્યાં હતાં.

એલિઆસે કબરના ઠંડા પથ્થર પર પોતાનો હાથ મૂક્યો.

“મિલિના...” તેનો અવાજ તૂટી ગયો.

 “હું પાછો આવ્યો છું.”

ચારેબાજુ ગાઢ સન્નાટો છવાઈ ગયો. માત્ર દૂર દરિયાની લહેરો ખડકો સાથે અથડાતી હોવાનો અવાજ સંભળાતો હતો.

"તું મારી રાહ જોઈ રહી હતી ને?”

એલિઆસની આંખોમાંથી વહેતાં આંસુ કબરના પથ્થર પર ભીનાશ બનીને પથરાઈ ગયાં. તે હળવેથી મનોમન હસ્યો, 

તું સાચી હતી, મિલિના...

 "આકાશ અને સમુદ્ર કદાચ ખરેખર ક્યારેય અલગ થતા જ નથી... બસ, એને જોવા માટે દિલની નજર જોઈએ.”


પવનનો એક હળવો ઝોકો આવ્યો અને ગેલેરીની બારીનો પડદો ફરી લહેરાયો.

એલિઆસને એક ક્ષણ માટે એમ જ ભાસ થયો કે બારી પાસે મિલિના ઊભી છે,એ જ સ્મિત સાથે, એ જ આંખો સાથે. પણ પળભરમાં ત્યાં માત્ર ખાલી જગ્યા રહી ગઈ.

તે ધીમેથી ઊભો થયો. જતાં પહેલાં તેણે ફરી એકવાર કબરના પથ્થર પર પ્રેમથી હાથ ફેરવ્યો.

"હવે હું તને છોડીને ક્યાંય નથી જવાનો, મિલિના.”

તે પાછળ ફર્યો. પેલી સફેદ ગેલેરી, ઢોળાવ પરના સફેદ મકાનો અને અનંત નીલરંગી સમુદ્ર સાંજના ઝાંખા પ્રકાશમાં એકાકાર થઈ ગયાં હતાં.


એલિઆસ સમજી ગયો હતો કે તેમની આ પ્રેમકથા ક્યારેય અધૂરી નહોતી રહી; તે તો માત્ર સમયના સીમાડા ઓળંગીને અમર થઈ ગઈ હતી.
કારણ કે કેટલીક રાહ ક્યારેય પૂરી થતી નથી... તે તો માત્ર સમયને જીવંત રાખે છે.

કલ્પેશ પટેલ-© 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama