STORYMIRROR

Kalpesh Patel

Drama Action Classics

4.5  

Kalpesh Patel

Drama Action Classics

ઉધારીથી સુધારી

ઉધારીથી સુધારી

4 mins
16

ઉધારીથી સુધારી

મોરબી શહેરના એક ખૂણામાં આવેલું પતરાવાળું નાનું મકાન લોકો માટે કોઈ ખાસ આકર્ષણનું કેન્દ્ર નહોતું. પરંતુ એ મકાનની બહારથી જ્યારે પણ કોઈ પસાર થતું, ત્યારે એક ચર્ચા જરૂર સાંભળવા મળતી.

“આ બંને બહેનોને ભગવાને એક જ ચહેરો કેમ આપ્યો હશે?”

સીતા અને ગીતા ખરેખર એકબીજાની કાર્બન કોપી હતી. ચહેરો, આંખો, નાક, ઊંચાઈ,બધું સરખું. ફરક હતો તો માત્ર સ્વભાવનો.

સીતા શાંત અને ઘરરખ્ખુ. રસોઈ બનાવવી, કપડાં સીવવાં, નકશીકામ કરવું અને ઘર ચોખ્ખું રાખવું
એની દુનિયા આટલી જ હતી. બહારની દુનિયા એને હંમેશાં થોડી ડરામણી લાગતી.

ગીતા એનાથી સાવ વિપરીત. બજારમાં સોદાબાજી કરવી, અજાણ્યા માણસ સામે આંખમાં આંખ નાખીને વાત કરવી, હિસાબ-કિતાબ કરવો કે કોઈ પાસેથી પોતાનું કામ કઢાવવું.એના માટે આ બધું ડાબા હાથનો ખેલ હતો.

પરંતુ એક બાબતમાં બંને બહેનો એકસરખી હતી.ગરીબી સામે લડવાની હિંમત.

માથા પર ભારે દેવું હતું. લેણદારો રોજ બારણે આવી ઊભા રહેતા. ત્યારે બંનેએ પોતાની એકસરખી શકલનો અજીબ પણ અસરકારક ઉપયોગ શરૂ કર્યો.

લેણદાર આવે ત્યારે સીતા ગંભીર ચહેરો બનાવી “ગીતા” બની જતી.

અને ઘરમાં કોઈ મુશ્કેલી હોય ત્યારે ગીતા “સીતા” બનીને રસોડામાં બેસી જતી.

લેણદાર પૂછે, “ગીતા ક્યાં છે?”

સીતા આંખો ત્રાંસી કરીને જવાબ આપતી, “બહાર ગઈ છે. પૈસા હોય તો મને આપો, હિસાબ હું કરી દઈશ.”

લેણદાર વિચારતો.ગીતા તો આજકાલ બહુ કડક થઈ ગઈ છે!

બીજી તરફ, ગીતા રસોડામાં બેસીને સીતા બની કહેતી, “મીઠું થોડું ઓછું નાખજો.”

આ ખેલ મહિનાઓથી ચાલતો હતો અને કોઈને શંકા નહોતી.

પણ એક રાતે આ રમત ગંભીર બની ગઈ.

શહેરમાં મોટી ચોરી થઈ હતી. કેટલાક અત્યંત ગુપ્ત દસ્તાવેજો ગાયબ થયા હતા. પોલીસ તપાસમાં એક નામ વારંવાર સામે આવતું હતું.“ગીતા.”

પરંતુ વાત અહીં પૂરી નહોતી થતી. શહેરનો કુખ્યાત ડોન પણ એ જ દસ્તાવેજોની શોધમાં હતો.

એ રાતે ડોનના ચાર માણસો સીધા પતરાવાળા મકાનમાં ઘૂસી આવ્યા.

સંજોગ એવો કે એ સમયે સીતા ઘરમાં હતી.અને ગીતા બનીને બેઠી હતી.

એક ગુંડાએ એનો કોલર પકડી.

“ચલ, ગીતા! બતાવ દસ્તાવેજો ક્યાં છે?”

સીતાના પગ ધ્રૂજી ગયા.

“ક... કયા દસ્તાવેજો?”

“વધારે નાટક ન કર!”

સીતા અંદરથી ભયથી કાંપી રહી હતી. પરંતુ ગુંડાઓએ એની ગભરાહટને પણ ચાલાકી માની.

“જુઓ તો ખરા ! ડરવાનું નાટક, પણ આ કંઈક તો જાણે છે!”

સીતા મનમાં બોલી.‘હે ભગવાન! આજે ગીતાનો ચહેરો ઉધાર લીધો અને એની મુશ્કેલી પણ ઉધારી નું વ્યાજ વસુલવા આવી!’

બીજી તરફ અસલી ગીતા, જે એ દિવસે “સીતા” બનીને બહાર ગઈ હતી, પાછી આવી ત્યારે ઘર પોલીસ અને ગુંડાઓથી ઘેરાયેલું જોઈને અટકી.

એણે પરિસ્થિતિ એક નજરમાં સમજી લીધી.

“આજે તો સીતાની જગ્યાએ મારે જ સીતા બનવું પડશે!”

ગીતા સીધી રસોડામાં ગઈ.

એણે ગેસ બંધ કર્યો, મરચાંનો ડબ્બો હાથમાં લીધો અને પછી રસોડાની બારીમાંથી બહાર નજર કરી.

બહાર પોલીસ અને ડોનના માણસો બંને એકબીજા પર શંકા કરતા ઊભા હતા.

ગીતાના ચહેરા પર સ્મિત આવ્યું.

“જ્યારે બે બિલાડીઓ એક જ ઉંદર પાછળ દોડે, ત્યારે ઉંદરને દોડવાની જરૂર નથી પડતી.”

એણે એવી યુક્તિ ગોઠવી કે એક ગુંડાને લાગ્યું કે પોલીસને દસ્તાવેજો મળી ગયા છે. પોલીસે ગુંડાને રોક્યો તો એને લાગ્યું કે ગીતા પોલીસ સાથે મળી ગઈ છે.

થોડી જ વારમાં શંકા, ગાળો અને ધક્કામુક્કી શરૂ થઈ.

કોઈને સમજાતું નહોતું કે શત્રુ કોણ અને સાથી કોણ!

અંધારું થતાં ગોટાળો એટલો વધ્યો કે પોલીસ અને ગુંડાઓ એકબીજાને જ પકડવા લાગ્યા.

આ દરમિયાન ડોનના અડ્ડા પર સીતા પણ હવે ધીમે ધીમે પોતાનો ડર ભૂલી રહી હતી.

‘ગીતા હોત તો શું કરતી?’

એણે વિચાર્યું.

પછી ગીતા જે રીતે પરિસ્થિતિ વાંચતી હતી એ રીતે આસપાસ નજર કરી.

દરવાજો. ટેબલ. કાગળો. એક તિજોરી. અને ડોનનો મોબાઇલ.

સીતા ધીમેથી ઊભી થઈ.

થોડી જ વારમાં એને સમજાઈ ગયું કે જે દસ્તાવેજો માટે આખું શહેર માથું ખાઈ રહ્યું હતું, એ દસ્તાવેજો ડોન પાસે જ હતા.

સીતા હવે ડરતી નહોતી.

એણે ડોનને કહ્યું,

“તમે મને ગીતા માનો છો ને?”

“હા.”

“તો એક વાત યાદ રાખજો—ગીતા સાથે પંગો લીધો છે તો હારશો.”

ડોન હસ્યો.

“તું મને ધમકી આપે છે?”

સીતા પણ પહેલી વાર સ્મિતી.

“ધમકી નહીં... ગીતા પાસેથી ઉધાર લીધેલો આત્મવિશ્વાસ છે!”

એટલામાં બહારથી પોલીસના સાયરન સંભળાયા.

ગીતાની ચાલ સફળ થઈ હતી.

પોલીસે અડ્ડો ઘેરી લીધો. ડોનના માણસો ગભરાઈ ગયા. ભાગદોડમાં ડોનનો મોબાઇલ અને દસ્તાવેજો પોલીસના હાથમાં આવી ગયા.

સવાર થતાં સીતા અને ગીતા બંને પોલીસ વડાની ઓફિસમાં સામસામે ઊભી હતી.

પોલીસ અધિકારી બંનેને વારાફરતી જોતો રહ્યો.

“આખરે સાચી ગીતા કોણ?”

બંને બહેનોએ એકબીજા સામે જોયું.

પછી એકસાથે બોલી—

“એ તો તમે જ શોધો!”

અધિકારી માથું પકડીને બેસી ગયો.

તપાસમાં બહાર આવ્યું કે ચોરી પાછળ માત્ર ડોન જ નહીં, પરંતુ બે ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ હતા. બંને બહેનોએ અજાણતાં જ તેમની આખી સાંઠગાંઠ પોલીસ સુધી પહોંચાડી દીધી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું,

“તમારા બંનેના ચહેરા સરખા છે, પણ બુદ્ધિ બહુ અલગ છે.”

ગીતા હસીને બોલી,

“ચહેરો ઉધાર લઈ શકાય સાહેબ... અક્કલ નહીં!”

સીતા તરત બોલી,

“પણ ક્યારેક ઉધાર લીધેલો ચહેરો પણ કામ આવી જાય!”

બંને બહેનો હસી પડી.

ગરીબી હજુ હતી. દેવું હજુ હતું. પતરાવાળું મકાન પણ એ જ હતું.

પરંતુ હવે શહેરમાં એમની ચર્ચા અલગ રીતે થતી હતી.

લોકો કહેતા—

“એ બે બહેનો? જેનો ચહેરો એકસરખો, પણ ઉધારીની ઓળખથી આkha  શહેર નું ભાવિ તેઓએ સુધારી નાખ્યું!"



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama