હાઈટ્સની બાઈટ
હાઈટ્સની બાઈટ
હાઈટ્સની બાઈટ
બાંદ્રાની એક ગલીમાં એક જૂની પારસી ચાલ હતી.
ચાલ એટલી જૂની કે તેની દીવાલોને પણ ખબર હતી કે કયા ઘરમાં કોણ ક્યારે ઝઘડ્યું હતું. બારીમાંથી બારી સુધી દોરડાં બાંધેલાં, દોરડાં પર કપડાં અને કપડાંની પાછળથી પડોશીની જિંદગી દેખાતી.
એ ચાલમાં દસ્તુરજી રહેતા.
દસ્તુરજીનું પૂરું નામ દસ્તુર ફરામરોઝ કાવસ હતું, પણ આખી ચાલ તેમને પ્રેમથી—અને થોડા ભયથી—દસ્તુરજી કહેતી.
તેમની એક ખાસિયત હતી: કોઈ પણ વાતનો જવાબ આપતાં પહેલાં ચશ્માં નાકના છેડે લાવતા, સામેની વ્યક્તિને ઉપરથી નીચે જોતા અને પછી કહેતા,
“હું તમને એક વાત કહું?”
સામેવાળો ‘હા’ કહે તે પહેલાં જ તેઓ વાત શરૂ કરી દેતા.
બીજી ખાસિયત,તેમને પોતાની સલાહ આપ્યા વિના એક દિવસ પણ ખાવાનું હઝમ થતું નહોતું .
પણ આવા રંગીન દસ્તુરજીની અંદર એક બીજી વાત પણ હતી, જે બહુ ઓછા લોકો જાણતા હતા.
તેમને પોતાની ચાલ બહુ વહાલી હતી.
રીડેવલપમેન્ટની વાત શરૂ થઈ ત્યારે આખી ચાલમાં ઉત્સાહ હતો.
“નવો ફ્લેટ મળશે.”
“લિફ્ટ હશે.”
“બાથરૂમ મોટું હશે.”
“બાલ્કની હશે.”
દરેક વ્યક્તિ પોતાનું આવતીકાલ જોઈ રહી હતી.
ફક્ત દસ્તુરજી ક્યારેક જૂની દીવાલને જોઈને ચૂપ થઈ જતા.
એક સાંજે ડોલીએ તેમને એકલા ઓટલા પર બેઠેલા જોયા.
“શું થયું?”
દસ્તુરજીએ ચશ્માં કાઢીને રૂમાલથી સાફ કર્યા.
“કશું નહીં.”
“તમે જ્યારે ‘કશું નહીં’ કહો ત્યારે કંઈક હોય જ.”
દસ્તુરજીએ સામે જોયું.
“ડોલીબેન, તમને યાદ છે, અહીં પહેલી વાર આપણે ગણપતિની મૂર્તિ ક્યાં મૂકી હતી?”
“અહીં જ.”
“અને નવરોઝની સવારે આખી ચાલમાં સેવ-દૂધની સુગંધ આવતી?”
ડોલી હસી.
“તમારા ઘરમાં તો ચા પણ નવ વાગ્યા પછી જ બનતી.”
“એ સમયની ચા અલગ હતી.”
થોડી વાર બંને ચૂપ રહ્યા.
દસ્તુરજી ધીમેથી બોલ્યા,
“મારી બા આ જ બારી પાસે બેસીને દાડમ છોલતી. હું સ્કૂલથી આવું ત્યારે પૂછતી—‘ફરામરોઝ, હાથ ધોયા?’”
ડોલીએ પહેલી વાર તેમને આટલા નરમ અવાજમાં બોલતા સાંભળ્યા.
“અને તમારા બાપુજી?”
“એ તો દર સાંજે નીચે બેસીને બધા છોકરાઓને ક્રિકેટ રમતાં જોતા. પોતે ક્યારેય રમ્યા નહીં, પણ દરેકને બેટિંગ કેવી રીતે કરવી એ સમજાવતા.”
ડોલી હસી.
“તમારી સલાહની શરૂઆત ત્યાંથી થઈ હતી?”
દસ્તુરજી પણ હસ્યા.
પછી તેમની આંખો ફરી જૂની દીવાલ પર અટકી.
“આ દીવાલ પર મારી ઊંચાઈના નિશાન છે.”
“ક્યાં?”
દસ્તુરજીએ આંગળીથી બતાવ્યું.
“અહીં. બા દર વર્ષે પેન્સિલથી લીટી પાડતી.”
ડોલીએ દીવાલ તરફ જોયું.
પેઇન્ટના ઘણા પડ નીચે ખરેખર નાની નાની લીટીઓ દેખાતી હતી.
રીડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટ પર સહી કર્યાના એક અઠવાડિયા પહેલાં દસ્તુરજીએ પોતાના ઘરની એક નાની વસ્તુ બહાર કાઢી.
જૂની પિત્તળની ચાવી.
ડોલીએ પૂછ્યું,
“આ શાની?”
“આ અમારા ઘરની પહેલી ચાવી.”
“હવે તો નવું ઘર મળશે.”
“હા.”
“તો આ શા માટે રાખી?”
દસ્તુરજીએ ચાવી મુઠ્ઠીમાં દબાવી.
“ઘર બદલાય છે, ડોલીબેન. દરવાજાની ચાવી બદલાય છે. પણ જે દરવાજો ખોલ્યો હોય તેની યાદની ચાવી બદલાતી નથી.”
ડોલી કશું બોલી નહીં.
બીજા દિવસે મજૂરો આવ્યા.
છેલ્લી સાંજે આખી ચાલ અસામાન્ય રીતે શાંત હતી.
કોઈએ બારીમાંથી જૂના પડદા ઉતાર્યા. કોઈએ દેવતાની તસવીર કાઢી. કોઈએ લાકડાનું બારણું ખોલીને છેલ્લી વાર હાથ ફેરવ્યો.
દસ્તુરજી પોતાના ઘરમાં એકલા ઊભા રહ્યા.
રસોડાની દીવાલ.
બાની ખુરશી.
જૂનું ઘડિયાળ.
બારી પાસેનો ખૂણો.
બધું જાણીતું.
બધું કાલે અજાણ્યું થવાનું.
તેમણે બારણું બંધ કર્યું.
પછી ફરી ખોલ્યું.
જાણે ઘર કહી રહ્યું હોય—“આટલું જ?”
દસ્તુરજી ધીમેથી બોલ્યા,
“ના બા… હું પાછો આવીશ.”
બીજા દિવસે જે સી બી મશીન આવ્યું.
પ્રથમ ઘા પડ્યો.
દીવાલ ધ્રૂજી.
દસ્તુરજી થોડે દૂર ઊભા હતા.
ડોલી તેમની બાજુમાં હતી.
દસ્તુરજીએ આંખો બંધ કરી.
“દસ્તુરજી?”
“હું ઠીક છું.”
“ખરેખર?”
“હા.”
થોડી વાર પછી તેમણે ઉમેર્યું,
“પણ આ જેસીબી ને ખબર નથી કે એ શું તોડી રહ્યું છે.”
---
બે વર્ષ પછી નવી ઇમારત ઊભી થઈ.
નામ હતું—‘હેરિટેજ હાઇટ્સ’.
ડોલીએ બોર્ડ વાંચીને કહ્યું,
“હેરિટેજ ક્યાં છે?”
દસ્તુરજીએ કહ્યું,
“ડોલી તું એ નામમાં શોધજે .”
ફ્લેટની ફાળવણી થઈ.
દસ્તુરજીને મળ્યો—સાતમો માળ.
ડોલીને—પહેલો માળ.
દસ્તુરજીનો ચહેરો ખીલી ઊઠ્યો.
“ડોલીબેન!...મારો સાતમો!”
“હા, જોયું.”
“સાતમો માળ!”
“એક જ વાર કહ્યું છે.”
“અહીંથી દરિયો ચોખ્ખો દેખાય છે!”
ડોલીએ કહ્યું,
“મને પણ દુરિયાં દેખાશે.”
“પહેલા માળેથી?”
“ના. તમારી બાલ્કનીમાંથી તમે દરરોજ નીચે જોશો એટલે!”
દસ્તુરજીને વાત ગમી નહીં.
તેમણે નવા ફ્લેટમાં જૂની ચાલની એ પિત્તળની ચાવી એક નાનકડા કાચના ડબ્બામાં મૂકી.
ડોલીએ જોઈ.
“હજી સાચવી રાખી?”
દસ્તુરજીએ કહ્યું,
“હવે તો સાતમા માળે રહેવાનું છે. જૂના ઘરની ચાવી ન હોય તો માણસને ખબર કેવી પડે કે તે કેટલો દૂર આવી ગયો?”
પહેલા જ અઠવાડિયે દસ્તુરજી સોસાયટીના અનૌપચારિક શિસ્તમંત્રી બની ગયા.
કોઈએ બાલ્કનીમાં કપડાં લટકાવ્યાં—
“બિલ્ડિંગની પ્રતિષ્ઠા!”
કોઈએ ગેલેરીમાં ચંપલ મૂકી—
“સંસ્કાર ક્યાં ગયા?”
કોઈ બાળક બોલ્યું,
“દસ્તુરજી, તમે બહુ ગુસ્સો કરો છો.”
દસ્તુરજી ગંભીર થઈ ગયા.
“ગુસ્સો નથી કરતો. હું શિસ્ત જાળવું છું.”
ડોલી પાછળથી બોલી,
“તમારી શિસ્તનો અવાજ સાતમા માળેથી પહેલા માળે આવે છે.”
એક દિવસ લિફ્ટ બંધ થઈ.
દસ્તુરજી સાતમા માળેથી નીચે આવ્યા ત્યાં સુધી હાંફી ગયા.
ડોલી દરવાજા પાસે ચા પીતી હતી.
“આવો.”
“ચા આપો.”
“સાતમા માળની ચા કે પહેલા માળની?”
“ડોલી, મજાક છોડ..!”
“સારું, સાદી આપું છું.”
દસ્તુરજી બેઠા.
થોડી વાર પછી બોલ્યા,
“ડોલીબેન…”
“હું?”
“આપણે જૂની ચાલમાં ખરેખર સુખી હતાં.”
ડોલીએ ચાનો કપ તેમની સામે મૂક્યો.
“હા.”
“ત્યાં સાતમો માળ નહોતો.”
ડોલીએ ધીમેથી કહ્યું,
“પણ એકબીજાના દરવાજા સુધી પહોંચવા સાત લિફ્ટ પણ નહોતી.”
દસ્તુરજી હસ્યા.
પછી ખિસ્સામાંથી પિત્તળની ચાવી કાઢી.
ચાવીને જોયા પછી બોલ્યા,
“આ ચાવી હવે કોઈ દરવાજો ખોલતી નથી.”
ડોલીએ કહ્યું,
“પણ તમને ખોલે છે.”
દસ્તુરજીએ તેની તરફ જોયું.
પહેલી વાર તેમની આંખોમાં સાતમા માળની ઊંચાઈ નહોતી.
જૂની ચાલની ભીનાશ હતી.
તેમણે ચાવી ફરી ખિસ્સામાં મૂકી.
“ચાલો,” તેમણે કહ્યું, “ચા મારી તરફથી.”
ડોલી હસી.
“લિફ્ટ ચાલે છે?”
“ના.”
“તો?”
દસ્તુરજી ઊભા થયા.
“આજે સાતમો માળ નીચે આવશે.”
અને બંને સીડીઓ તરફ ચાલ્યા.
બહાર બાંદ્રાની સડક પર મુંબઈ પોતાની જૂની ગતિએ દોડતું હતું.
ઇમારત નવી હતી.
માળ નવા હતા.
પણ દસ્તુરજીના ખિસ્સામાં પડેલી પિત્તળની ચાવી હજુ જૂના ઘરની હતી.
કેટલાક ઘર તૂટી જાય છે; કેટલાક માણસની અંદર રહી જાય છે.
