STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

મસ્તીખોર

મસ્તીખોર

2 mins
3

મસ્તીખોર 

મંજુ માટે રાત એટલે આરામનો નહીં, પણ એક મૂંગા સંઘર્ષનો સમય. ઘરના બધા સભ્યો પોતપોતાના રૂમમાં ઘસઘસાટ સૂતા હોય, દિવાલો પર લટકતી ઘડિયાળના ટિક-ટિક અવાજ સિવાય આખા ઘરમાં સોપો પડી ગયો હોય, ત્યારે મંજુની આંખોમાં એક અજીબ અજંપો જાગી ઊઠતો.

આજે દિવાળી ની રાતે પણ એવું જ થયું. રાતના બે વાગ્યા છે. મંજુ પથારીમાં પડખાં ફેરવીને થાકી ગઈ, પણ ઊંઘ ક્યાંય આસપાસ દેખાતી નહોતી. એની આ ઊંઘ ક્યાં ખોવાઈ ગઈ છે? કોઈ ચોરી ગયું છે એને? કે પછી સમયની સાથે એ ક્યાંક પાછળ છૂટી ગઈ છે?

આ અજંપા પાછળ વિચારોનું એક ચક્ર વહ્યા કરતું. દિવસભર તો ઘરના કામકાજમાં, જવાબદારીઓમાં અને સૌની જરૂરિયાતો સાચવવામાં સમય ક્યાં વહી જાય છે એ ખબર જ નથી રહેતી. પણ રાત પડે ને, આખો દિવસ પડદા પાછળ ધકેલાઈ ગયેલા વિચારો એકસાથે મંચ પર આવી ધમા ચકડી બજાવી જાય. 

દીકરા-દીકરીની જવાબદારીઓ, ઘરનો ખર્ચ અને સંસારના પ્રશ્નો વચ્ચે મંજુનું મન ઘૂમરાયા કરતું.
પણ આ બધા વિચારોની વચ્ચે એક એવો પણ પડછાયો હતો, જે રાતની આ ખામોશીમાં રોજ સૌથી વધુ ઘેરો બનતો,તે હતો સહદેવનો પડછાયો.

વર્ષો પહેલાં, એક સવારે સહદેવ કંઈપણ કહ્યા વગર,  મંજુને છોડીને ચાલ્યા ગયા હતા. 

પાછળ મૂકી ગયા હતા માત્ર અધૂરા ઓરતા , અણઉકેલ્યા સવાલો અને એક સામાજિક બદનામી સાથે કાયમી ખાલીપો. 

શરૂઆતના દિવસોમાં તો, મંજુ ખુબ રડી . રડીને તેની આંખોના આંસુ પણ ખૂટી ગયા હતા. સમયના વહેવા સાથે મંજુએ સમાધાન સાથે સઘળું સંભાળી લીધું હતું; બાળકો માટે જીવતા શીખી ગઈ હતી. દુનિયાની નજરમાં એણે પોતાની જાતને મજબૂત દેખાડી હતી.
રાતનો અંધકાર ભલે બધું જ છૂપાવી લે છે, પરંતુ મન ની મોકાણ એ વધારે ઉજાગર કરે છે.એ અંધારામાં મંજુ આજે પણ સહદેવની એ ખાલી જગ્યા સામે એકલી લડતી રહેતી . મનો મન.સવાલ થતો—'આખરે એવું તે શું હતું જે એમને અચાનક તેને અને આ ઘર છોડીને જવું પડ્યું?

શું મારી કોઈ ભૂલ હતી?' આ સવાલોના જવાબ ક્યારેય મળવાના નહોતા છતાં મન વારંવાર ભૂતકાળના દરવાજા ખખડાવ્યા કરતું.

બહાર ફટાકડા ના અવાજ નહિવત થઇ ગયા હતા. અને છુટી છવાઈ સબરસની ગુંજ સંભળાઈ  રહી હતી.

મંજુ હળવેથી પથારીમાંથી ઊભી થઈ. ઘડિયાળ માં. સવારના સાડા ત્રણ વાગ્યાં હતા. અંધારામાં જ દબાતા પગલે  ચાલીને રસોડા સુધી ગઈ અને એક ગ્લાસ પાણી પીધું. બારીમાંથી બહાર જોયું  તો બહાર ઓટલે દિવાળી ના દિવા હજુ ટમટમી રહ્યા હતા .

મંજુ એ દિવા જોઈ,ઊંડા શ્વાસ લીધા. મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો—'જે ચાલ્યા ગયા, એમની યાદોને પકડી રાખવાથી આજની રાત પણ બગડે છે અને જીવતર પણ.'

મંજુ પાછી પથારીમાં આવી. આંખો બંધ કરી અને આ વખતે સહદેવની યાદોના વંટોળ સામે મનને મજબૂત કરી ઈશ્વરનું નામ સ્મરણ શરૂ કર્યું. ધીમે ધીમે મનનો ભાર હળવો થવા લાગ્યો. વિચારોનું વાવાઝોડું શમવા લાગ્યું અને આખરે, સવારના ચાર વાગ્યે, એક થાકેલા પણ થોડા શાંત મન સાથે મંજુની આંખો મીંચાઈ ગઈ.

મંજુએ પેલા મસ્તીખોર માંકડું બનેલા મન પાસેથી થોડી ક્ષણો છીનવીને , નૂતનવર્ષના પ્રારંભે સવારના ઉજાસ પહેલાં જરાક આરામ કરવા માટે ઊંઘ સરકાવી લીધી હતી !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract