બાદશાહની બેબી.
બાદશાહની બેબી.
બાદશાહની બેબી.
મધ્યકાલીન યુગમાં અરબી સમંદર પર બે નામ તોફાન કરતાં પણ વધારે ગાજતા હતા. એક હતો બિલ્લુ બાદશાહ—ડૂબતા માણસોને બચાવતો નિર્ભય મરજીવો. બીજી હતી બિજલી બેબી—ચાંચિયાઓની એવી રાણી, જે ડૂબતાં જહાજોમાંથી કોરી આંખે ખજાનો લૂંટી લેતી. બંને સમંદરના સંતાન હતા, પણ એકબીજાના જન્મજાત દુશ્મન.
એક રાતે અરબી સમંદર પર ભયંકર વાવાઝોડું ઊભું થયું. આકાશ અને સમંદર જાણે એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હોય એમ લાગતું હતું. એક વેપારીનું જહાજ ડૂબી રહ્યું હતું. બિલ્લુ તેને બચાવવા દોડ્યો, જ્યારે બિજલી લૂંટવા પહોંચી. બંનેનાં વહાણો અથડાયાં. પહેલી વાર તેમની નજર મળી. એ નજરમાં નફરત નહોતી, ડર પણ નહોતો—માત્ર એક અજાણી ઓળખ હતી. પણ એ ક્ષણને તોફાને ગળી લીધી. પ્રચંડ વમળ બંનેને ખેંચી ગયો અને એક નિર્જન ટાપુ પર ફેંકી દીધા.
ટાપુ પર જીવવું જ સૌથી મોટો સંઘર્ષ હતો. બિજલી ગંભીર રીતે ઘાયલ હતી. બિલ્લુએ જંગલી ઔષધિઓથી તેની સારવાર કરી. દિવસો પસાર થતાં દુશ્મનીનું ઝેર ઓગળવા લાગ્યું.
એક સાંજે બિજલીએ પૂછ્યું, “તું મને નફરત કરે છે... છતાં બચાવી કેમ?”
બિલ્લુ હસ્યો. “કારણ કે તારી આંખોમાં તોફાન છે... અને હું સમંદરનો મરજીવો. ખતરાનો ખેલાડી તો છું જ, પણ કોઈને ડૂબતાં જોઈ શકતો નથી.”
બિજલી પહેલી વાર નિઃશબ્દ થઈ ગઈ.
મહિનાઓ સુધી બંનેએ સાથે માછલીઓ પકડી, વરસાદનું પાણી ભેગું કર્યું અને એક નાનો તરાપો બનાવ્યો. બિજલીએ બિલ્લુને સમંદરની ચાલ શીખવી, બિલ્લુએ તેને માણસની પીડા સમજાવી. ધીમે ધીમે બંનેને સમજાયું કે તેઓ દુશ્મન નહીં, એકબીજાના અપૂર્ણ અરીસા બની ગયા હતા.
એક ધુમ્મસભરી રાતે બિજલીએ બિલ્લુના ખભા પર માથું મૂક્યું. બિલ્લુ ધીમેથી બોલ્યો, “આ શાંતિ મને ડરાવે છે.”
સમંદર મૌન હતો ... પણ કદાચ નારાજીથી ભરેલ.
અંતે બંને ટાપુ પરથી છૂટ્યા. પરંતુ કિનારો મળતાં જ જીવન ફરી જૂના રસ્તે વળી ગયું. બિલ્લુ ફરી ડૂબતાં લોકોને બચાવવા લાગ્યો અને બિજલી ફરી ચાંચિયાઓની સરદારણ બની ગઈ.
એક દિવસ એક વેપારી જહાજ પર હુમલો થયો. એક યુવતી મદદ માટે ચીસો પાડી રહી હતી. બિલ્લુ તેને બચાવવા પહોંચ્યો, જ્યારે બિજલી તેને બંદી બનાવવા માગતી હતી. બંને ફરી સામસામે ઊભા રહ્યા.

બિલ્લુની આંખોમાં નિરાશા હતી. “મને લાગ્યું હતું... તું બદલાઈ ગઈ હશે.”
બિજલીની આંખો ભીની હતી, પણ અવાજ કઠોર. “સમંદરની છાતી પર કોઈ બદલાતું નથી, બાદશાહ. અહીં જીવવું હોય તો પથ્થર બનવું પડે.”
બિલ્લુએ યુવતીને પોતાની નાવમાં બેસાડી. એક ક્ષણ માટે બંનેની આંખો મળી. બિજલીની આંખો જાણે કહી રહી હતી—“મને માફ કર...” પણ હોઠ મૌન રહ્યા.
થોડા દિવસો પછી બંને ફરી આમને-સામને આવ્યા. આ વખતે સમંદર શાંત નહોતું. લહેરો ગર્જી રહી હતી. તલવારો અથડાઈ રહી હતી.
અચાનક બિજલીનો પગ લપસ્યો. તે મોજાં વચ્ચે ખેંચાઈ ગઈ.
“બિલ્લુ...!”
હાથ આગળ વધારવાનું બિલ્લુના સ્વભાવમાં હતું. તેણે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેણે બિજલીનો હાથ પકડી લીધો.
પણ સમંદર જાણે આ દયા સહન કરી શક્યું નહીં. એક વિશાળ મોજું તૂટી પડ્યું. બિલ્લુનો હાથ છૂટી ગયો.
બિજલી લહેરોમાં સમાઈ ગઈ.
બિલ્લુ બચી ગયો.
ત્યારથી દર રાતે તે પોતાના વહાણમાં એકલો સમંદર તરફ જોતો રહે છે. ધુમ્મસ ગાઢ બને ત્યારે તેને આજે પણ એક ઓળખીતો અવાજ સંભળાય છે—
“બિલ્લુ... એક વાર પાછો આવ... આ સમંદર આજે પહેલી વાર મને ડરાવે છે...”
બિલ્લુ આંખો બંધ કરી લે છે.
કારણ કે તે જાણે છે—સમંદરમાં ડૂબેલા માણસને કદાચ બચાવી શકાય... પરંતુ એક વાર ડૂબી ગયેલો વિશ્વાસ, સૌથી કુશળ મરજીવો પણ ક્યારેય કિનારે લાવી શકતો નથી.
અને ત્યારથી અરબી સમંદર આજે પણ એક જ પ્રશ્ન લહેરોમાં ગુંજાવે છે !!!
"બેબી" બાદશાહની મિત્ર હતી, કે દુશ્મન-???
ટી ટાઈમ વાર્તા કેવી છે
