અલબેલું
અલબેલું
અલબેલું.
પ્રોબ ~ એક શરીર... બે જીવન...
ગોરખપુરની એક નાની ગલીમાં આવેલું એ સાદું ઘર બહારથી સામાન્ય હતું, પરંતુ અંદર એક મોટું સ્વપ્ન શ્વાસ લેતું હતું.
એ સ્વપ્ન હતું—જતીનનું.
જતીન બાળપણથી જ સ્ટેજનો માણસ હતો. ગામમા ભજવાતી ભવાઈ કે નાટકોમાં તે રાજા બને કે ભિખારી, લોકો તેની આંખોમાં જીવંત પાત્ર જોઈ લેતા. મા કહેતી, "મારો દીકરો એક દિવસ નામ કરશે." પરંતુ પિતા માટે આ બધું માત્ર હવામાંના મહેલ હતા.
"કલાકારીથી ઘર નથી ચાલતું,"
પિતા કડક અવાજે, વરણાગીયું છોડવા કહેતા.
પણ સપનાઓને ક્યાં કોઈ બાંધી શકે?
એક રાત્રે જતીને માતાના પગ પાસે એક ચિઠ્ઠી મૂકી.
"મા, મને માફ કરજો. અને બને તો પિતાને સમજાવજે,હું ભાગતો નથી... હું મારા સપનાની શોધમાં જઈ રહ્યો છું. એક દિવસ તમારું માથું ગર્વથી ઊંચું કરીશ."
અને પછી ગોરખપુરથી મુંબઈ જતી ટ્રેનમાં એક અજાણ્યું ભવિષ્ય ઘડવા નીકળી પડ્યો.
બીજી તરફ એજ સમયે, ગોવાની સમુદ્ર કિનારે ઉછરેલી જેસીકા ડિસોઝાની આંખોમાં પણ એક અલગ દુનિયા હતી.
તેને નૃત્ય પ્રત્યે અદભૂત પ્રેમ હતો. સંગીત વાગે એટલે તેના પગ પોતે જ લય શોધી લેતા.
પરંતુ તેના પિતા જૂના વિચારો ધરાવતા કેથોલિક માણસ હતા.
"મારી દીકરી ચર્ચમાં પ્રાર્થના કરે, નન બની પરિવારનું નામ ઉજ્જવળ કરે... ફિલ્મો અને નૃત્યના ચક્કરથી દૂર રહે ."
જેસીકા પિતાનેને ખુબ પ્રેમ કરતી હતી, પણ સાથે સાથે, તે પોતાના સપનાને પણ મરવા દેવા માંગતી નહોતી.
એટલે તે પણ મુંબઈ આવી ગઈ.
મુંબઈએ બંનેનું સ્વાગત તો કર્યું, પરંતુ સપનાની દુનિયામાં સીધો પ્રવેશ ન આપ્યો.
જતીન અને જેસીકા બંને એક્સ્ટ્રા કલાકાર બની ગયા. ક્યારેક કામ મળતું, ક્યારેક ભૂખ્યા રહેવું પડતું. છતાં બંનેની આંખોમાં આશા જીવતી હતી.
એક દિવસ એક ફિલ્મના ગીતના શૂટિંગમાં બંનેને હીરો-હીરોઈનની પાછળ નૃત્ય કરવાની તક મળી.
એ તેમની પહેલી મુલાકાત હતી.
થોડી ક્ષણની ઓળખાણ, એક નાનું સ્મિત અને અજાણ્યો સંબંધ...
પરંતુ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું.શૂટિંગ દરમિયાન અચાનક ભારે લાઇટિંગનો સામાન તૂટી પડ્યો. લોકો દોડવા લાગ્યા.જતીને સમયસર પોતાને બચાવી લીધો.
પણ જેસીકા...તે ગંભીર રીતે ઘાયલ થઈ.
થોડી જ વારમાં હોસ્પિટલના સફેદ ઓરડામાં એક સપનું શાંત થઈ ગયું.
અચાનક અકસ્માત પછી,જતીન ગોરખપુર પાછો આવ્યો.
પરંતુ મુંબઈથી પાછું માત્ર તેનું શરીર આવ્યું હતું;
તેનું મન જાણે કોઈ અજાણી સફર પર નીકળી ચૂક્યું હતું.
એક સવારે મંદિરની આરતી સાંભળતા સાંભળતા તેની આંખોમાં આંસુ આવી ગયા.
બીજા દિવસે તેણે મંદિર મા અચાનક બાઇબલની એક પંક્તિ બોલી દીધી.
તે પોતે ચોંકી ગયો.રવિવારે ખેતરમાં બળદ ના ગળે ઘુઘરા રણાકતા સાંભળી, ખેતર નું કામ કરતાં તેના પગમાં અજાણતાં બેલે ડાન્સના સ્ટેપ્સ આવી ગયા.
હવે તેને ગોવાની ગલીઓ યાદ આવવા લાગી... જ્યાં તે ક્યારેય ગયો જ નહોતો.એક રાત્રે શાંતિ વચ્ચે તેને એક મૃદુ અવાજ સંભળાયો—
"જતીન... મારા પપ્પાને કહેજે... હું તેમને દુઃખી કરવા નહોતી માંગતી. મારો ડાન્સનો એક છેલ્લો મોકો બાકી હતો..."
જતીન ડરી ગયો.
પરંતુ પછી સમજાયું—
આ કોઈ ભય નથી.
આ એક કોઈના અધૂરા સ્વપ્નની પીડા છે.તેણે તેની માતા ને વાત કરી..
માતાએ કહ્યું,
"બેટા, કદાચ ભગવાને તને કોઈના જીવનનો અધૂરો અધ્યાય પૂર્ણ કરવા પસંદ કર્યો છે."
બેટા..તારે, તે છોડીના બાપ ને એક વાર મળવું જોઈએ..આ શબ્દો જતીનના જીવનનો રસ્તો બની ગયા.
તે ગોવા ગયો. પહેલા તો
જેસીકાના પિતાએ તેને મળવા ઇનકાર કર્યો.પરંતુ જતીને ધૈર્ય રાખી કહ્યું,
"અંકલ, તમારી દીકરી દર રવિવારે ચર્ચ જતાં પહેલાં તમારા બાઇબલમાં સફેદ ગુલાબ મૂકતી હતી... અને તમે માનતા હતા કે એ તમારી પત્ની મૂકે છે."
વૃદ્ધ પિતાની આંખો ભીની થઈ ગઈ.
આ વાત માત્ર તેઓ અને જેસીકા જાણતા હતા .
નરમ બની જતીન ને ઘરમાં બેસાડ્યો....
તેમણે ધ્રૂજતા અવાજે પૂછ્યું,
પણ..
"તું કોણ છે?"
જતીને જવાબ આપ્યો,
"હું જતીન છું... પરંતુ તમારી દીકરીનું અધૂરું સ્વપ્ન મારી અંદર હજુ જીવતું છે."
અને વિગતે વાત કરી...
થોડા દિવસ પછી મુંબઈમાં એ જ ડાન્સ સ્પર્ધા યોજાઈ, જેમાં ભાગ લેવાનું જેસીકાનું સ્વપ્ન હતું.
આજે સ્ટેજ પર જતીન ઊભો હતો.
શરીર તેનું હતું...પણ દરેક ભાવ, દરેક લય અને દરેક અદા પાછળ જેસીકાનું સપનું ધબકતું હતું.સંગીત પૂરું થયું ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.
જેસીકાના પિતા પણ ઊભા થઈ ગયા.
તેમની આંખોમાં આંસુ હતા.
વિજેતાનું નામ જાહેર થયું—
જતીન.
ટ્રોફી હાથમાં લેતા જ તેને છેલ્લી વાર એ અવાજ સંભળાયો—
"આભાર જતીન... હવે મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. હવે હું શાંતિથી સુઈ શકીશ."
હળવો પવન આવ્યો.
આકાશમાંથી જાણે એક સફેદ ગુલાબની પાંખડી આવીને તેના પગ પાસે પડી.
અને પછી બધું શાંત થઈ ગયું.
સમય પસાર થયો.
જતીન ફરી સામાન્ય જીવનમાં પાછો ફર્યો.પરંતુ હવે તે બદલાઈ ગયો હતો.તેને સમજાઈ ગયું હતું કે જીવન માત્ર પોતાના માટે જીવવાનું નામ નથી.
ક્યારેક ઈશ્વર કોઈ અજાણ્યા માણસને આપણા જીવનમાં મોકલે છે...કોઈ અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવા માટે.
અને આજે પણ જ્યારે સાંજનો પવન તેના ચહેરાને સ્પર્શે છે, ત્યારે તેને લાગે છે કે કોઈ હળવેથી કહી રહ્યું છે—
"જીવનમાં કોઈનું સ્વપ્ન અધૂરું ન રહેવું જોઈએ..."
હવે જતીન, આખરે જ્યારે જીવનની ગતિમાં કોઈ અગમ્ય આશીર્વાદથી આગળ વધે છે, ત્યારે એને સમજાયું છે કે માણસનું શરીર ભલે એક હોય, પરંતુ એની અંદર ઘણી વાર બે જીવન, બે સપના, બે પીડા, બે પ્રાર્થનાઓ સાથે ધબકતી હોય છે.
કેટલીક પોતાના માટેની હોય છે, કેટલીક કોઈ અજાણ્યા આત્માના કાજે જન્મતી હોય છે.અને કદાચ એ જ જીવનનું અલબેલું સૌંદર્ય છે,કે આપણે ક્યારેક કોઈના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરીને, પોતાના જીવનને પણ એક નવી અર્થવત્તા આપી દઈએ છીએ.
જતીનને હવે ખબર પડી ગઈ છે કે સપના કોઈના પણ ક્યારેય મરતા નથી.
તેઓ માત્ર કોઈ નવો શ્વાસ શોધે છે…અને એ શ્વાસ બનવું—
કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી સુંદર કાર્ય છે.
🌟 શીર્ષક પરિચય —
“અલબેલું” ~ અર્થ ઉદાર, પરોપકારી. વરણાગિયું. ફાંકડું, ફૂટડું, દેખાવડું
"અલબેલું "~યથાર્થ, સંવાદી, સાહિત્યિક અર્થ.
એક શરીર… બે જીવન.
ગોરખપુરનો જતીન સપનાઓ લઈને મુંબઈ પહોંચે છે, અને ગોવાની જેસીકા નૃત્ય માટે જીવતી છે.
એક અકસ્માત પછી જેસીકાનું અધૂરું સ્વપ્ન જતીનની અંદર ધબકવા લાગે છે—લય, પીડા, પ્રાર્થના… બધું.
જતીન અચાનક એવી યાદો અનુભવે છે, જે એની નથી; એવા પગલાં કરે છે, જેસીકાના છે.
અને અંતે, એ સ્ટેજ પર એ નૃત્ય કરે છે—શરીર તેનું, પરંતુ આત્મા એની નહીં.
અલબેલું શબ્દમાં એક નરમ અજાણપણું છે—
જેમ કે આપણી પ્રસ્તુત વાર્તામાં જતીનનું જીવન, જે અચાનક એક અજાણી આત્માની લય સાથે જોડાઈ જાય છે.આ શબ્દ અલગપણ, અનોખાપણું, અંતરંગતા, અને અદૃશ્ય જોડાણ — બધું એક સાથે વ્યક્ત કરે છે.વાર્તામાં બે જીવન એક જ શરીરમાં ધબકે છે.
આ ઘટના પોતે જ “અલબેલી ” છે—
સામાન્યથી પર, માનવીય પ્રયત્નોથી ઊંચી, અને આત્માની કોઈ અજાણી ગૂંથણી જેવી.બે દુનિયા, બે સંસ્કૃતિ, બે સપના…છતાં પણ એક જ શરીરમાં એક જ અંતિમ પૂર્ણતા.
🙏🙏🙏
---
ડિસ્કલેમર.
“અલબેલું” પ્રસ્તુત રચના એક સંપૂર્ણ કલ્પિત સાહિત્ય રચના છે.
આ વાર્તામાં દર્શાવાયેલા પાત્રો, સ્થળો, ઘટનાઓ, સંવાદો અને ભાવનાઓ માત્ર રચનાત્મક અભિવ્યક્તિ માટે રચવામાં આવ્યા છે.
કોઈ પણ જીવિત અથવા અવસાન પામેલી વ્યક્તિ, સંસ્થા, સમુદાય, ધર્મ, સંસ્કૃતિ અથવા સ્થળ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા માત્ર સંયોગ ગણવી.
વાર્તામાં રજૂ થયેલા વિચારો, માન્યતાઓ, સંઘર્ષો અને અનુભવો લેખકની સર્જનાત્મક કલ્પનાનો ભાગ છે;
તેમનો કોઈ વાસ્તવિક ઘટના, વ્યક્તિ અથવા પરિસ્થિતિ સાથે સીધો સંબંધ નથી.
આ વાર્તા નો હેતુ માત્ર મનોરંજન, માનવીય ભાવનાઓની શોધ, અને અધૂરા કે અતૃપ્ત સપનાઓની પૂર્ણતાને સાહિત્યિક રૂપમાં રજૂ કરવાનો છે.
વાચકોએ આ રચનાને કલ્પિત સાહિત્ય તરીકે જ માણવી.
---
