STORYMIRROR

Sapana Vijapura

Thriller

4  

Sapana Vijapura

Thriller

સ્ત્રીશક્તિ

સ્ત્રીશક્તિ

1 min
159

૧૯૫૬ ની વાત છે. ભાવનગર જિલ્લાના એક નાનકડાં ગામ જીથરીની ટી.બી હોસ્પિટલમાં રસુલબેન પોતાના પતિ દાઉદભાઈને લઈને આવ્યા ત્યારે એમને ખબર ના હતી કે આ હોસ્પિટલ  પણ દાઉદભાઈને બચાવી શકે એમ ન હતી. ત્યારે ટી.બી કેન્સર જેવો રોગ હતો ઈલાજ ન હતો.

ચાર ફૂટ સાત ઇંચના રસુલબેન પાંચ ફૂટ દસ ઇંચના દાઉદભાઈને લઈને પોતાનાં ગામ ઈલોલ પાછાં ફર્યા..દાઉદભાઈ દસમી મોહરમના દિવસે રસુલબેનને સાત બાળકો આપી આ ફાની દુનિયા છોડી ચાલ્યાં ગયાં.

ઈલોલ હિમંતનગર જિલ્લામાં આવેલું સાત હજાર વસ્તીવાળું ગામ છે. આ સાત બાળકોમાં ચાર દિકરા અને ત્રણ દીકરીઓ. દાઉદભાઈ મકાન બનાવવાના કોન્ટ્રાકટર હતાં. એ સમયે સઘળા કામ ઉધારી પર ચાલતાં. જેની પાસે દાઉદભાઈ પૈસા માગતાં હતાં એ બધાં લોકોએ મોઢું ફેરવી લીધું..પણ જેનું દેવું દાઉદભાઈએ લીધું હતું, એ લોકો રોજ રસુલબેનનાં ઘરે ઉઘરાણી કરવાં આવવાં લાગ્યાં.

બત્રીસ વરસનાં વિધવા રસુલબેન નાના નાના બાળકો. અને સગા વહાલાં વેરી! શું કરે?? ઈદત પૂરી થતાં ખેતર જવાનું ચાલું કર્યુ. આ બાળકોમાં નસીરભાઈ સૌથી મોટાં. પંદર વરસનાં.  પણ એબ્નોર્મલ, નાનપણ માં ટાઈફૉઈડ થવાથી તાવની મગજ પર અસર થતાં નોર્મલ નસીરભાઈ એબ્નોર્મલ થઈ ગયાં.એટલે નસીરભાઈ રસુલબેન સાથે ખેતરમાં જઈ મજૂરી કરે અને બાકીનાં બાળકો શાળામાં જાય. રસુલબેનનું મગજ ચાલે અને નસીરભાઈનું શરીર!!આ સમય દરમ્યાન એક બહેનનાં લગ્ન થઈ ગયાં.. પણ સાસરામાં એટલાં દુઃખ આપ્યા કે મરિયમ બહેનનું મૃત્યુ જુવાનીમાં થઈ ગયું..આ દાગ પણ રસુલબેન જીલી ગયાં.

ખેતરમાં કાળી મજૂરી કરવી, ઘરમાં ભેંસો રાખવી, ઢોર માટે ચારો લાવવો, દૂધ દોહી દૂધ ડેરીમાં પહોંચાડવું આ બધામાં ક્યારે રાત પડી જાય ખબર પણ ના પડે!! દુઃખ હોય કે સુખ દિવસો તો વીતવાના જ. સમયની એક વાત સારી છે સારો હોય કે ખરાબ વીતી તો જવાનો!! દિકરા ભણવામાં હોશિયાર નીકળ્યા.બે દિકરા અમદાવાદ કૉલેજમાં ભણવા ગયા. બન્ને ફાર્માસીસ્ટ બન્યા. એક ઈલેક્ટ્રિક એન્જિનિયર બન્યો. ૩૨ વરસનાં રસુલબેન ક્યારે વૃધ્ધ થઈ ગયાં સમજ ના પડી.સાત સંતાન ઉછેરવામાં રસુલબેનેજીવનની સંધ્યા આવી ગઈ. એક દીકરો તો અમેરિકામાં સ્થાયી થઈ ગયો. એક દીકરો ગાંધીનગર અને એક દિકરો ગામમાં જ રહ્યો. હવે રસુલબેનને ખેતરમાં કામ કરવું પડતું નથી. અને ભેંસો દોહવી પડતી નથી!! પણ રસુલબેન એકલા પડી ગયાં બધાં બચ્ચાં માળો મૂકી ઊડી ગયાં.રસુલબેનની સાથે એમનો એબ્નોર્મલ દિકરો નસીરભાઈ જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી સાથે રહ્યો. કદાચ નસીરભાઈને અલ્લાહે એટલાં માટે એબ્નોર્મલ બનાવ્યા હશે કે રસુલબેનની બુઢાપાની લાકડી બને!! નસીરભાઈએ એમને એક પણ ક્ષણ એકલા ના છોડ્યાં. ભણેલા ગણેલા દિકરાઓએ પોતાના ઘર વસાવ્યા અને પોતાનાં સંસારમાં મશગૂલ થઈ ગયાં. હવે માં અને નસીરભાઈ એકલાં હતાં. માળાનો કલરવ હવે સંભળાતો નથી. બધાં પંખી ઊડી ગયાં. રસુલબેનનો માળો સુનો થઈ ગયો.

પણ આ ઘડપણ કોણે મોકલ્યું? 

છેવટે રસુલબેન ૯૨ વરસની ઉંમરે અલ્લાહને પ્યારા થયાં..ત્યારે બધાં દિકરાને ઘરે કાર, બંગલા અને જીવ જરૂરિયાતની નાનામાં થી નાની સુવિધા ઉપલબ્ધ હતી. પણ મા ન હતી.પુરુષ આટલી કુરબાની આપી શકે? આ છે ભારતની સન્નારી!!! સ્ત્રી શક્તિ!!! દેવી!


Rate this content
Log in

Similar gujarati story from Thriller