સ્ત્રી, ઘરની ધરોહર
સ્ત્રી, ઘરની ધરોહર
ક્યારેય ઘરની બાબતમાં માથું ન મારતા, નવીનભાઈએ રવિવારની સવારે રાહુલને પાસે બેસાડીને કહ્યું, "હવે તારી મમ્મીની ઉંમર થઈ.ઘરનાં ઢસરડાં હવે થતાં નથી.કેટલાયે માગા આવે છે પણ તું મગનું નામે મરી પાડતો નથી."
રાહુલ ચુપચાપ સાંભળતો રહ્યો.
"તારા મનમાં કાંઈ હોય તો બોલ,તને ગમતી કોઈ છોકરી હોય તો કહે. અમને તો તારી ખુશીમાં અમારી ખુશી." કાન્તાબેન બોલ્યા.
હવે રાહુલે મોઢું ખોલ્યાં વગર છૂટકો નહોતો. "મમ્મી-પપ્પા, મને રાશી ગમે છે. મારી ઓફિસમાં કામ કરે છે પણ તે લગ્ન પછી પણ કામ ચાલું રાખવા ઇચ્છે છે.
કાન્તાબેન બોલ્યા, "એમાં ખોટુ શું છે.ભણતરનો ઉપયોગ કરે એ તો સારી વાત છે તોય મને હાથવાટકો તો થશે જ ને. મારું કામ હળવુ તો થશે."
બધાં જ રીતરિવાજો મુજબ લગ્ન કરી, રાશી સાસરે આવી. બન્ને ફરવાં ગયાં.
આવીને બીજા જ દિવસથી રાશી, રાહુલ સાથે ઓફિસે જવા નીકળી ગઈ. શરૂઆતમાં તો કાન્તાબેન કાંઈ બોલ્યા નહીં. નવી નવી છે પછી શીખી જશે કરીને મન મનાવ્યું પણ આ તો રોજનું થયું. સવારે તૈયાર થઈને જ રાહુલ અને રાશી સાથે નીચે આવતાં, નાસ્તાનાં ટેબલ પર બેસતાં અને સાથે જ ઓફીસ જવાં નીકળી જતાં.
હવે નવીનભાઈ ચુપ ન રહી શક્યાં, "જુવો બન્ને સાંભળી લ્યો. આમ કાયમ નહીં ચાલે. ઘર પ્રત્યે તમારી કાંઈ ફરજ ખરી કે નહીં ?"
રાહુલ આંખ મિલાવ્યાં વગર બોલ્યો, "મેં તમને પહેલાં જ કહ્યું હતું. એનાં પપ્પાનાં ઘરે બધાં જ કામ માટે માણસો છે. એણે ક્યારેય ઘરકામ કર્યું જ નથી."
હવે નવીનભાઈનું મગજ કાબુમાં ન રહ્યું, "એ કાંઈ પોરસાવાની વાત નથી. સ્ત્રી ગમે એટલી શ્રીમંત ઘરની હોય, ગમે તે હોદા ઉપર હોય ઘરકામ તો શીખવું જ પડે. તમે જુદું ઘર વસાવી લો, અમે અમારું ફોડી લેશું."
રાશી તો પગ પછાડતી એના રૂમમાં જતી રહી.રાહુલ પણ લાચાર હતો. એનો અંજામ એ આવ્યો કે એકમાંથી બે ઘર થયાં. સ્ત્રીને ઘર પ્રત્યે લગાવ ન હોય, પરિવાર પ્રત્યે લાગણી ન હોય તો તે ઘર નહીં પણ ચાર દિવાલ અને એક છતવાળું મકાન કહેવાય
