STORYMIRROR

Kalpesh Patel

Drama Inspirational

4  

Kalpesh Patel

Drama Inspirational

સથવારો

સથવારો

8 mins
927

"હિરેન" અને બંને બાળકોને દશેરાની રજા હોઈ તેઓ સૂતેલા હતા. ગુરગાંવના પોશ એરિયામાં ચોવીશમાં માળે આવેલા પેન્ટ હાઉસમાં ‘સુહાની’ બેચેન હતી, આખરે તેણે, સાવચેતીથી તેની ઉપરથી દીકરીનો હાથ હટાવી, આજે સવારમાં વહેલી ઊઠી ગઈ. ફ્રિજમાંથી દૂધની તપેલી બાહર કાઢી પ્લેટફોર્મ ઉપર મૂકી, ફલેટના પેસેજની કોમન લાઈટ ઓફ કરી અને આજના છાપા લઈ, દૂધની કૂપન અને થેલી મૂકી.

આજે સાંજે તેના બંને બાળકો ત્રણ દિવસની સ્કૂલની પિકનિકમાં જવાના હતા. તેઓ માટે નાસ્તો અને બેગ પેક કરવાની હતી. જલ્દીથી પરવારીને ગેસ પર ઢોકળા ઉતારવા માટે પાણી ગરમ કરવા મૂક્યું. અને થેપલા તેમજ સુખડી બનાવી બંનેના ડબ્બા અને અલગ બેક પેક તૈયાર કરી ..છોકરાઓ અને હિરેનના ઊઠતાં પહેલા, વહેલી સવારે કામ ઉકેલાઈ જતાં હાશકારો લેતી, સુહાની ચાનો કપ લઈ બાલ્કનીમાં હિંચકે બેઠી અને વિચારે ચડી ગઈ. તેને ખબર હતી કે અહી બધુ તેણે જ એકલીએ કરવાનું છે ‘સવિતાબા’નો સથવારો, મળવાનો નથી કે નાના મોટા કામમાં હાથ બટોરવા કોઈ આવવાનું નથી. ‘સુહાની’ના લગ્નને દસ વર્ષ થયાં હતાં અને પોતાના સાસરે તેની આ નવમી દિવાળી હતી. ‘સુહાની’ને ‘સવિતા’બા વગરનું શહેરનું જીવન સૂનું – અને ફિક્કુ લાગતું હતું. સવિતાબા દ્વારા અપાતી મોટા અવાજે ઝીણી-મોટી સૂચનાઓના સાદને આજે, તે ઝંખી રહી હતી.

સુહાનીએ લગ્ન પછી મળેલી સ્કૂલની નોકરી છોડી દીધી હતી અને હિરેનના માતાને જ સમય આપવાનું પસંદ કર્યું હતું. વિધવા સવિતાબાએ પિયરના આપેલા ખોરડામાં રહી લોકોના દળણા દળી અને પરચુરણ ઘરકામ કરીને હિરેનને ભણાવ્યો હતો. એકદમ ગરીબ પરિસ્થિતિમાં ભણીને હિરેન જિલ્લા પંચાયતમાં સિવિલ ડિપાર્ટમેંટમાં હતો. UPSની પરીક્ષાની સફળતાએ હીરેનના ભાગ્યના દરવાજા ખોલી નાખ્યા હતા. અને આ વરસે તે ગુરગાંવ કોર્પોરેશનમાં સિવિલ એન્જીનિયરની પોસ્ટ ઉપર હતો. સારી અને વગદાર સરકારી નોકરી હતી એટલે ખુદ સવિતાબાએ જ હિરેનની કારકિર્દી માટે જિદ કરી, હિરેન પાસે નોકરી જોઈન કરાવી. શરૂમાં હિરેન એકલો સરકારી ગેસ્ટહાઉસમાં રહેતો હતો. અને રજાઓમાં આવતો જતો રહેતો, પણ હિરેનનો દીકરો અનુજ અને તેની પાંચ વરસની દીકરી અનામિકાને ગુરગાંવની શાળામાં પ્રવેશ મળતો હોવાથી, એડમિશન લઈ લેવું, અને હિરેને પણ સુહાનીને ગુરગાંવ બોલાવવી. મોટી રજાઓમાં ગામ મળવા આવતા જતાં રહેવું. એવી સવિતાબે હઠ પકડી હતી, તેઓ કહેતા હતા, ગગા, હજુ તારી માના હાથ પગ સાબૂત છે, મારે એકલા જીવને જોઈએ કેટલું ? અને કોઈ તકલીફ હશે તો તને ફોન કરી બોલાવીશ. હિરેન પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી, તેઓ ગામડેથી સ્કૂલના નવા સત્ર અગાઉ ભારે હૃદય ગુરગાંવ રહેવા આવ્યા હતા. આજે લગભગ છ મહિના થવા આવ્યા હતા છોકરાઓ તો શહેરના વાતાવરણથી ખુશ હતા, અને સેટ પણ થઈ ગયા હતા, હિરેન તેની ઓફિસના કામમાં વ્યસ્ત,અને બચી એક સુહાની, તે આ બધાની સરભરામાં આખો દિવસ વ્યસ્ત રહેતી. કોઈ એકાંતની પળે તેનું મન સવિતાબાનો સથવારો ઈચ્છતું, તો ક્યારેક તેને તેના એકાકી જીવન જીવતા પિતાની ચિંતા પણ સતાવે.

સુહાની, જાગૃતભાઈ અને ઝંખનાબેનની દીકરી હતી. ઝંખનાબેનના મૃત્યુ પછી સુહાનીએ રસોડુ સંભાળી લેતા પિતા જાગૃતભાઈને મોટી રાહત હતી, તો બીજીબાજુ જાગૃતભાઈએ પણ સુહાનીને "માં" અને "બાપ" એમ બંનેનું હેત જતાવી મોટી કરી હતી. અને સુહાનીને "હિરેન" સાથે વળાવી ત્યારે જાગૃતભાઈ ચોધાર આંસુએ રો’એલા પણ ખરા.

સવિતાબા અભણ સાસુ, પણ લાગણીના સમીકરણો બેખૂબીથી ઉકેલતા, તેથી તેમના પારિવારિક જીવનમાં કોઈ ગૂંચને અવકાશ નહતો. "સુહાની"ના લગ્ન બાદ એકલા પડેલા જાગૃતભાઈને રોજ ટિફિન હિરેન દ્વારા મોકલાવતા. “સુહાની” અને" સવિતાબા" વહુ-સાસુ હતાં અને છતાં એ બંને વચ્ચે અજબનું જોડાણ હતું. ‘સુહાની’ની દરેક સવાર ‘સવિતાબા’ના જય શ્રી કૃષ્ણ સાથે ગરમા ગરમ ‘ચા’ થી શરૂ થતી. પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરીને, પહેલાં વહુ-સાસુ નાસ્તો કરી લેતાં. તે પછી "સુહાની " હિરેન માટે ચા નાસ્તો બનાવતી, અને ‘હિરેન’ ચા નાસ્તો કરી પરવારી નોકરીએ જવા તૈયાર થાય ત્યાં ‘સુહાની ’, ‘હિરેન’નું લંચ તૈયાર રાખતી. અને જ્યારે હિરેન નોકરીએ જવા નીકળતો હોય ત્યારે ‘સવિતાબા’નો દેકારો ચાલુ થઈ જાય, જોજે નોકરીએ જતાં પહેલા ‘જાગૃતભાઈ’ને ટિફિન આપવાનું ભૂલીશ નહીં, પાછો પટાવાળા સાથે ટિફિનને પાર્સલ સમજી રવાના ના કરાવતો. મને ખબર છે, તું બહુ, કામવાળો છે.

'હિરેન'ના ગયા પછી "સવિતાબા"ની ખરી સવાર પડતી અને તેમના પૂજાપાઠ અને મહાદેવના મંદિર અને ત્યાંના પીપળાની દૈનિક પૂજા પતાવી પાછા ઘરે આવે ત્યાસુધીમાં સુહાની અને ‘હિરેન’ના સંતાનો ‘અનુજ’ અને ‘અનામિકા’ જમી લેતા અને, તે પછી સુહાની અને બા સાથે મળી એ બંનેને તૈયાર કરીને શાળાએ મોકલતા. ત્યાર પછી બપોરે વહુ -સાસુ સાથે મળી રસોઈ ગરમ કરી જમતા. બપોરે રખેને ‘સુહાની ’ જો આરામ ન કરે તો ‘સવિતાબા’ની ટકોર ચાલુ થઈ જાય, "વ’વ, આરામ કરવામાં કઈ તારું શરીરના વધે, સવારથી મશીન જેમ કામ કરે છે, થાકીને. ચક્કર આવશે ને પડી ‘જઈશ. તો ઉપાધિ તો મારે જ ને!," ભગવાને આરામની તક આપી છે તો ભોગવ" એવી ટકોર પણ સવિતાબા કરતા. પોતાને "બા " થાકેલી નથી જોઈ શકતા એ વાત ‘સુહાની ’ જાણતી હતી.

સાંજે બજારમાં શાકભાજી લાવવાની હોય કે બીજી પરચુરણ સામાનની ખરીદી કરવાની હોય ‘સવિતાબા’ સુહાની’ની સાથે હોયજ. ટૂંકમાં દરેક કામમાં ‘સવિતાબા’ના સલાહ સૂચનો તેની સાથે હોયજ.’સવિતા બા’ને મન ‘સુહાની ’ દીકરી સમાન હતી.

હિરેન એંજિનિયર હતો એટલે તેને ડિસ્ટ્રિક્ટમાં ફરવાનું રહેતું અને તેનો ઘરે પાછા આવવા માટેનો કોઈ જ નક્કી સમય નહતો, "સુહાની"ને તો તે બિલકુલ ટાઈમ આપી શકતો નહોતો. "સુહાની " સમજુ હતી, ‘હિરેન’ની જવાબદારીઓ જાણતી એટલે કદી ફરિયાદ ન કરતી.’સવિતા બા’નો જાગતો સથવારો અને ક્યારેક તેના પિતા ‘જાગૃતભાઈ’ની ઊડતી મુલાકાત અને છોકરાઓમાં તેનો સમય આનંદથી પસાર થઈ જતો હતો.

..... ગયા વરસના દસેરાએ બાએ બનાવેલી જલેબીને યાદ કરતાં, સુહાનીના હૃદયમાંથી ગરમી નીકળી આવી....આ શહેરમાં, એવી તે કેવી પળે આવી ગયા ? તો દરેક તહેવારનો આનંદ, ઉમંગ અને ઉજવણીની રોનકમાં ઓછપ વર્તાતી હતી. ‘સવિતા ’બા દરેક પ્રસંગ ઉત્સાહથી ઉજવતા અને ઘરના સભ્યો, તેઓ પાસે પ્રસંગ ઉજવાવતા પણ ખરા. આ ઉત્સવો જ બા સાથેનું જોડાણ સબળ બનાવી સુહાનીનું ખરું જીવનબળ બની રહેતા.

વિચાર વાયુમાં સમય ક્યાં વિત્યો તે સુહાનીને ખબર ન રહી, અને હિરેને જાતે ચા બનાવી અને કપ લઈ સુહાની પાસે હિંચકે આવ્યો ત્યારે, સુહાનીની વિચાર યાત્રાને વિરામ મળ્યો. દશેરાના દિવસે ઉદાસ બેઠેલી સુહાનીના જીવનમાં પડેલો ખાલીપો હિરેન જાણતો, સમજતો, અને અનુભવતો હતો એટલે જ સુહાનીનો ખાલીપો ભરવાનો તે શક્ય હોય ત્યાં સુધી ઘરે સમય વિતાવી તેને પ્રફુલ્લિત રાખવા પ્રયત્ન કરતો રહેતો. એણે ચાની ચૂસકી લેતા સુહાનીને કહ્યું, “છોકરાઓ ત્રણ દિવસ પિકનિકમાં જવાના છે, તો તું ગામ આંટો મારી, બાને મળી આવે તો કેવું” ? અને જો બાને અહી આવવું હોય તો તેડી લાવ, દિવાળીના દિવસો સાથે શહેરમાં મનાવશું”. હિરેને તેના મનની વાત કરી, તેથી સુહાનીતો અવાચક રહી ગઈ, તે આનંદમાં ઝૂમી ઊઠી અને તૈયાર થઈ, પણ એકાએક ઉદાસ થઈ, પણ હિરેન તારું શું ? તું ક્યાં જમીશ ? સુહાનીએ પૂછ્યું. ત્યારે હિરેને કહ્યું, અરે મારે પણ સાઈટ ઉપર બે ત્રણ દિવસ કામ છે એટલે, હું સાઈટ ઉપર રહેવાનો છું.

આમ તે રવિવારની સાંજે, છોકરાઓને સ્કૂલની વાન પિકનિક માટે પિક-અપ કરી ગઈ, અને બીજે દિવસે સવારે હિરેન પોતાની ગાડીમાં ઓફિસે ડ્રોપ થઈ, ડ્રાઈવર સાથે સુહાનીને ગામ જવા ગાડીમાં રવાના કરી.

જ્યારે હિરેને “ટેક કેર, કમ સુન” કહી વિદાય,આપી અને ડ્રાઈવરે ચાવી ઘુમાવી ગાડી સ્ટાર્ટ કરી ત્યારે, એના દિલમાં કૂણી કૂણી લાગણી સળવળવા લાગી. એ પોતાના સાસરે જતી હતી અને અલબત્ત, સાથે સાથે તેને પોતાને ઘરે જવાનો પણ મોકો હતો …એ ઘર જ્યાંની દિવાલો પર એને ક્રેયોનથી દોરેલા ફૂલ અને પતંગિયા છે, એની દિવાલો પર એનો મનગમતો આસમાની કલર હસતો હશે, ક્યારામાં વાવેલ ચમેલીના સફેદ નાજુક ફૂલો એની ચાદર પાથરીને જાજમ બનાવીને એની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હશે, હીંચોરા ખાટના કડાંનો ચીંચૂડાટ પણ એને અવાજ કરી કરીને પોકારી રહ્યો હતો અને આ બધાથી વધારે, પોતાના પિતા જાગૃતભાઈની મુલાકાત પણ થવાની હોવાથી, તે ઉત્તેજિત હતી.સુહાનીનું મગજ ગાડીના પૈડાં કરતાં ફાસ્ટ ચાલતું હતું. અને 300 કિલોમીટરનો રસ્તો ક્યાં કપાઈ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો.

ગામના ઘરનું આગણું ગાડીએ ગલીમાં ટર્ન લેતા, તેને દૂરથી દેખાવા લાગ્યું અને સુહાનીની આંખો પાણીથી ભરાવા લાગી. શહેર ગયા પછી ગુમાવેલ સવિતાબાની માયાનો અહેસાસ અત્યારે ચરમ સીમાએ હતો. દિલ અંદરથી હચમચવા લાગ્યું હતું. અચાનક ગાડીનું પૈડું એક નાના ખાડામાં આવતા, ગાડી જમણી બાજુ ખેંચાઈ, પણ ડ્રાઈવરના અનુભવી હાથે પાછી રસ્તે ચડી અને તરત જ સુહાની ભાનમાં આવી અને લાગણીના ઘોડાપૂરને પણ હાલપૂરતી બ્રેક મારવી તેને હિતાવહ લાગી. અને જોતજોતામાં તો ગાડી ઘરે પહોચી ગઈ.

સુહાનીએ વટથી ગાડી માંથી ઉતરી પોતાના ઘરનો ઝાંપો ખોલ્યો. જોયું તો ચમેલીના વેલો હજુ ખીલેલો હતો, આગણું સરસ નવું લીપેલું હોય તેવું ચોખ્ખું- ચટાક હતું. કાંઈ વિચારે ત્યાં ડ્રાઈવર ગાડી લઈ ને અંદર કમ્પાઉન્ડમાં આવ્યો અને ગાડીનો અવાજ સાંભળી સવિતાબા બહાર આવ્યાં.

‘અરે, અરે…ઉભી રહે દીકરા. "ના ખબર ના પત્ર" "ભાઈ, તે તો ભારે કરી", "મજામાં ને ?" અને એકલી કેમ ? હું આવી...પછી અંદર જઈને પાણીનો લોટો લઈ આવ્યા અને સુહાનીના ઓવારણા લીધા અને બા સુહાનીને ઘરમાં લઈ ગયા.

‘પોતાનું ઘર – અહાહા….’ ઘરની જાણીતી ખૂશ્બુ આંખો બંધ કરીને ઉંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી લીધી. મગજ તરબતર થઈ ગયું અને એ વટભેર સોફામાં પોતાની જગ્યાએ બેસી ગઈ. એના સાસુ સવિતાબા એના આ પાગલપણ પર હસી પડ્યા અને સુહાનીના ગાલ પર હલકી વ્હાલભરી ટપલી મારીને બોલ્યાં, તું ડ્રાઈવરને ઓસરીવાળો રૂમ ખોલી આપ અને તું કપડાં બદલી રસોડે આવ, બોલ શું ખાઈશ.....?

સવિતાબાને શહેર આવવા મનાવવા સુહાનીને કંઈ વધારે મહેનત કરવી ન પડી. સવિતાબાએ સુહાનીને તેના પિતાને મળવા જવા મોકલી અને પોતે આખો દિવસ હાથથી ખાંડેલુ મરચું, ધાણાજીરું, આંબોળિયા, બટાકાની કાતરી જેવી વસ્તુઓને પેક કરવામાં કાઢી નાખ્યો. તે દરમ્યાન સુહાની તેના પિતા જાગૃતભાઈને મળી આવી ગઈ. છેલ્લા વીસ કલાકમાં સુહાનીમાં આવી ગયેલો ઉત્સાહનો ઉછાળો, સવિતાબાના આનંદમાં પણ વધારો કરી રહેલ હતો. સાંજે ગાયની સંભાળ માટે હિરજી રબારીને બોલાવી સમજાવી દીધું. અને બીજે દિવસે તેઓની ગાડી ગુરગાંવને રસ્તે હતી ત્યારે પણ સુહાનીનું મગજ ગાડીના પૈડાં કરતાં ફાસ્ટ ચાલતું હતું, પણ આજે બાને ખુશ કેવી રીતે રાખવા... તે વિચારે. આખરે તેઓ ગુરગાંવ પહોચી આવ્યા. સવિતાબા માટે શહેરની મુલાકાત નવી હતી. તેમાય આભને આંબતા મકાનો અને લિફ્ટની અવનવી સફરને પાર કરી હિરેનના ચોવીસમા માળે આવેલા પેન્ટ હાઉસમાં પહોચ્યા ત્યારે, તેઓની આંખમાં હર્ષના આસું ઉભરાઈ ગયા, હિરેનની જાહોજલાલી જોઈ, ગગાના બાપને યાદ કરતાં બોલ્યા, જુઓ રાયજી, તમારો ગગો કેટલો મોટો માણસ બની ગયો છે, અને ગળે ડૂમો ભરાતા, તેઓ સીધા દેવ મંદિરે બેસી ગયા.

બીજે દિવસે સવારે સુહાની ઊઠી જુવેછે, તો બા નહીં ધોઈને રસોડામાં હતા, અને ગરમા ગરમ ઉપમા બનાવેલી હતી, સવિતાબા જાણે તેમનુ જાણીતું રસોડુ હોય તેમ ગેસ ઉપર વેઢમીનું પુરણ બનાવતા હતા. હમેશની જેમ સુહાનીને જોઈ લહેકાંથી “જયશ્રી કૃષ્ણ” કહેતા એલચીવાળી ખુશબુદાર ચાયનો કપ સુહાનીના હાથમાં થમાવ્યો. તે સાંજે અનુજ અને અનામિકા પિકનિકથી પાછા આવ્યા ત્યારે તેઓ બેવડા આનંદથી જૂમી ઊઠ્યા, એક પિકનિકમાં કરેલી મજા અને બીજું સવિતાબાના હાથની વેઢમી ખાવા મળી તેનો. તે રાત્રે બંને બાળકો, સુહાની અને બા ચારેય જણા સાથે છોકરાઓના બેડરૂમમાં મોડે સુધી અલક મલકની વાતો કરતાં સૂઈ ગયા..

લગભગ સવારે સાડાછ વાગે સુહાનીની આંખ ખૂલી ત્યારે પહેલી વાર તેને સવિતાબાને છોકરાઓ સાથે ચેનથી સૂતેલા જોયા, જાણે બા આજે છોકરાઓની સાથે કેટલાય દિવસની ભેગી થયેલી ઊંઘ પૂરી કરી રહ્યા ના હોય ? કોઈજ અવાજ વગર તે છોકરાઓના બેડરૂમની બાહર નીકળી, અને ફ્રિજમાંથી દૂધની તપેલી બાહર કાઢી પ્લેટફોર્મ ઉપર મૂકી, ફલેટના પેસેજની કોમન લાઈટ ઓફ કરી અને આજના છાપા લઈ, દૂધની કૂપન અને થેલી મૂકી. ચા બનાવી કપ લઈ, તે બાલ્કનીમાં હિંચકે ગઈ.

પણ આ શું.. તે જોઈ રહી હતી.. પોતે જાગે છે કે કોઈ સ્વપ્ન જોઈ રહી છે ? સુહાનીએ તેના ડાબા હાથની એક આંગળી ગરમા ગરમ ચાયના કપમાં બોળી.. તે દાઝી ગઈ, “ઓ બાપરે” બોલતા તરત આંગળી મોમાં મૂકાઈ ગઈ. તેને જોયું તો તેના પિતા જાગૃતભાઈ નવા ચશ્માં,નવી નક્કોર ગરમ શાલ ઓઢી હિંચકે બેઠેલા હતા.

સુહાનીને જોતાં તે ઊભા થઈ બોલ્યા, આવ દીકરી, કાલે રાત્રે બહુ મોડેથી અમે આવ્યા હતા. કાલે સાંજે, કુમાર આપણે ત્યાં આવેલા, અને મને અહીં શહેરમાં તમારી રહેવા આગ્રહ કરી લઈ આવ્યા. અહીના મોલમાંથી આ નવી શાલ કપડાં અને ચશ્માં અપાવ્યા. દીકરી, આ દીકરાથી અદકા જમાઈનો સથવારો પામી મારો તો આખો જન્મારો સુધરી ગયો, તારી માં સાચું કહેતી હતી, કે આપણી સુહાની નસીબવાળી છે.

બાલ્કનીમાંથી દૂર સૂરજ ઊગી રહ્યો હતો, અને સુહાની સજળ આંખે હિરેન જેવા લાગણીસભર ભરથારને સથવારે તેના જીવનમાં એક નવી નોખી સવાર આવી રહ્યાની એંધાણી મહેસૂસ કરી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama