સરપ્રાઈઝ !
સરપ્રાઈઝ !


"સાલો, મારવાડી ! જબરો નસીબદાર છે !"
જનરલ વોર્ડમાં સામેનાં બેડ પર આરામ ફરમાવતાં દર્દીને જોઈ પોતાના નસીબને કોસતો હું વિચારી રહ્યો.
"રોજ જાત-જાતના ને ભાત-ભાતના વ્યંજન ખવડાવે છે એની બૈરી. એના ભોજનની સુગંધથી તો મારી બપોરની ઊંઘ હરામ થઈ ગઈ. ને એક સાલું આપણું નસીબ...! રોજ મગની દાળની ખીચડી...! હવે તો ઊબકાં આવવાં માંડ્યાં છે."
"ક્યાં ખોવાઈ ગયા....?" મિસિસે આવીને મને રીતસરનો ઝબોળ્યો.
"હં... અ... કંઈ નહીં અમસ્તુ જ..." હું જરા વ્યવસ્થિત થઈ બેઠો.
મિસિસે એક થેલો બેડ પર મૂક્યો અને સ્ટૂલ ખેંચીને બેઠી. પોતાના પાલવથી પસીનો લૂંછી થેલામાં કંઈક ફંફોસવા માંડી.
"...અને ચીકી...?" મેં પૂછ્યું.
"સ્કૂલે. એને તો મેં સમજાવી દીધું કે પપ્પા ઘરે નહીં આવે ત્યાર સુધી સ્કૂલે જવા તૈયાર થવાની જવાબદારી તારી." મિસિસે જવાબ આપ્યો.
"હેં....!!!" મને આશ્ચર્ય થયું.
"હવે એટલી પણ નાની નથી એ. પોતાનું બધું કામ જાતે કરી લે છે !" મારા હાવભાવ જોઈ મિસિસ બોલી.
"એમ...!" અનાયાસે મારી નજર ઘડિયાળ પર પડી, "પોણા અગિયાર થવા આવ્યા છે...!"
"તો...?"
"ઓફિસ નથી જવું...?"
"ના....! પાંચ દિવસની રજા...! એપ્લીકેશન તો આઠ દિવસની આપી હતી. પણ છેલ્લે પાંચ મંજૂર થયા...!"
હું આશ્ચર્ય સાથે એને જોઈ રહ્યો.
"બીજી એક સરપ્રાઈઝ છે તમારા માટે...!" આંખો મટકાવતા એણે કહ્યું.
હું તો જાણે ચોંકી ગયો. સાલુ સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ !
"ચાલો...! આંખો બંધ કરો...!" એણે થેલામાંથી લંચબોક્સ કાઢીને કહ્યું.
મેં આંખો બંધ કરી, લંચબોક્સ ખૂલવાનો અવાજ સાંભળી રહ્યો ને લંચબોક્સ ખૂલતાં જ જાણે મારા રોમ-રોમમાં રોમાંચ પ્રસરી ગયો.
"તમારા ફેવરીટ...! ભરેલાં ભીંડા...!" બોલતા એણે લંચબોક્સ મારી સામે ધર્યું.
આંખો ખોલી પહેલાં તો મેં મારા ફેવરીટ ભરેલાં ભીંડાને મન ભરીને જોયાં. જાણે વર્ષો પછી કોઈ જીગરીને મળવાનું થયું હોય તેવો ભાવ મારા મનમાં ઉપસી આવ્યો. લંચબોક્સ હાથમાં લઈ, આંખો બંધ કરી મેં એક લાંબો શ્વાસ લઈ એની સોડમ માણી. જાણે બધા ભીંડાઓ મારા ચારે તરફ ફરી-ફરીને ફેર-ફૂદરડી રમતા હોય અને આકાશમાંથી મરી-મસાલાની છોળ ઊડતી હોય તેવું કલ્પના-ચિત્ર મારા મગજમાં રમી રહ્યું.
"કાલે મેં જોયું...! તમે પેલાં મારવાડીને જમતાં જોઈ રહ્યાં હતાં, તમારી નજર એની થાળીમાં ચોંટી ગઈ હતી. સમજી શકું છું, છેલ્લાં બે અઠવાડિયાથી તમે ફક્ત મગની દાળની ખીચડી અને ભાત ખાધા છે. એટલે હું તો પહોંચી ગઈ ડોક્ટર સાહેબ પાસે, ફરિયાદ લઈને. પણ એમણે જણાવ્યું કે તમે જેમની વાત કરો છો તે મલેરીયાનો દર્દી છે, એટલે એને ખાવામાં કંઈ ખાંસ પરેજી પાળવાની જરૂર નથી. પણ તમારા મિસ્ટરને ટાઈફોઈડનો ચેપ છે, એટલે એમાં ખાવામાં ખાસ પરેજી પાળવી પડે. નહીં તો તકલીફ ઓર વધી શકે છે. પણ મેં ડોક્ટર સાહેબને વિનંતી કરીને થોડી-ઘણી છૂટછાટ લીધી છે. તેલ, મસાલો અને મીઠાનો ઘણો ઓછો ઉપયોગ કર્યો છે, એટલે કદાચ તમને થોડાં ઓછાં સ્વાદિષ્ટ લાગે. પણ પ્લીઝ ચલાવી લેજો."
મિસિસ બોલ્યે જતાં હતાં પણ મારું બધું ધ્યાન તો મારા ફેવરીટ ભરેલાં ભીંડામાં હતું.
હવે મિસિસે રોટલીના એક ટૂકડાં વડે ભરેલાં ભીંડાને ઊંચક્યો અને મારા મોં તરફ એનો હાથ વધ્યો.
"સાલો મારવાડી !" મેં એક તૂચ્છ નજર મારવાડી પર નાંખી અને મારા ફેવરીટ ભરેલાં ભીંડાનો આસ્વાદ માણવામાં મશગુલ થયો.