Vishwa Rawal

Crime Inspirational Thriller

3  

Vishwa Rawal

Crime Inspirational Thriller

સરકતી આંખો

સરકતી આંખો

7 mins
14.6K


રોઈસી એરપોર્ટ પર  ફ્લાઇટ લેન્ડ થતાં જ એને  હાશકારો થયો.  એને નોકરી લીધે વિવિધ જગ્યાએ જવાનું થતું અને વિવિધ લોકોને મળવાનું થતું. એને  મજા આવતી. આબેલાં એસેલાઇન. ક્રાઇમ બ્રાન્ચમાં છે. આમ તો યુનિફોર્મમાં પણ તે ખુબજ સુંદર દેખાતી. પોલીસ સુંદર હોય ત્યારે ક્રાઇમ રેટ વધે તેવું બને. અને આવું જ થયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પેરિસમાં ગુનાખોરી ખુબ જ વધી હતી. આબેલાં એ ઘરે જવા માટે સીડીસીથી સવા નવ યુરોમાં સેન્ટ્રલ પેરિસની ટિકિટ  લીધી. પેરિસને  રોમાન્સનું સીટી ગણાય છે. બારેમાસ તેની રોશનીના લીધે તે કોઈ નવોઢા જેવું જ લાગે છે. નોટ્રે ડેમ ઉતરીને તેણે ઘર સુધી ચાલીને જવાનું વિચાર્યું. ઠંડો પવન આવતો હતો. તેણે પોતાના ઓવરકોટના ખિસ્સામાં હાથ નાખ્યા. રસ્તા પર કોઈ અવરજવર ન હતી. તેની ચાલ છટાદાર હતી. તે આજે વધારે સુંદર લાગતી હતી, કારણકે તે યુનિફોર્મમાં ન હતી. પોણા છ ફૂટ ઊંચી ગોરી કાયા અંધારામાં એકલી જતી હતી. જાણે સાટીન પર ઝાંય પડે તેમ તેના ખભા સુધીના સોનેરી વાળ આસપાસની વિવિધ રંગી લાઈટથી ચમકતા હતા. ક્યારેક તેની કથ્થાઈ આંખોમાં પણ આ રંગો ઝબકી જતા હતા. હોલ સૂઝ જીન્સ અને ઓવરકોટમાં તે કોઈ હિરોઈનથી ઊતરતી લાગતી ન હતી. રાતના લગભગ બે વાગ્યા હશે અને તેને એવું લાગ્યું કે પાછળ કોઈ આવે છે. તેણે પોતાની ઝડપ ઓછી કરી. પાંચ મિનિટ સુધી કોઈ આગળ ન આવ્યું એટલે તેણે ખિસ્સામા રાખેલી પિસ્તોલ પર એક હાથ દબાવી પાછળ જોઈ જ લીધું. પાછળ કોઈ જ નહતું. કોઈ ના આવવાનો અવાજ ચોક્કસ આવતો હતો. આબેલાં ના હૃદયના ધબકારા થોડા વધ્યા. હવે તેનું ધ્યાન પોતાની પાછળ તરફ હતું. થોડી વારે તેણે ફરી પાછળ નજર કરી અને એક છ ફૂટ ઊંચો રૂપાળો, ચુસ્ત જાડી મૂછો વાળો લગભગ ચાલીસેકની ઉમરનો માણસ દેખાયો. આબેલાં એ બંધુક પર નો હાથ વધારે કસ્યો. પેલો માણસ નજીક આવ્યો અને હાથ લંબાવ્યો."એડોરડ બલ્ડ્સ. આપણે પહેલા મળ્યા હતા. મારા ઘરે ચોરી થઇ હતી અને..." આબેલાંને યાદ આવી ગયું. "હા , તમારા કેમેરા ચોરાઈ ગયા હતા, અને બધો ડેટા પણ. અને કોઈ પકડાયું ન હતું. અને ગયા મહિને ફરી વાર," તે અટકી ગઈ. તેના શરીર પર ચાર ડિગ્રીમાં પણ પરસેવો વળવા લાગ્યો. તેના હાથ પગ પાણી પાણી થવા લાગ્યા.

"મને ખબર છે તમને એ કેસમાં કોઈ ભાળ મળતી  નથી. તમે ગભરાશો નહિ . હું તમને એ કેસમાં મદદ કરવા માંગુ છુ." પેલાની ભૂરી આંખોમાં કોઈ ભાવ દેખાતો ન હતો. આબેલાં એ ચાલવાની ઝડપ વધારી એટલે પેલો માણસ સામે આવીને ઉભો રહી ગયો. "તમે મારી વાત સાંભળો. ગયા મહિને મારુ ખૂન થયું. પણ તમારા જેવા બાહોશ અધિકારીને હજુ કોઈ ભાળ મળતી નથી એ મને ખબર છે. એટલેજ હું તમને મદદ કરવા આવ્યો છુ."

આબેલાંની નજર સમક્ષ આખું ચિત્ર તાદ્રસ્ય થયું. વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર એડોરડની હત્યા થઇ હતી. તેની લાશ પલંગ પર પડી હતી. કોઈએ તેનું ગળું દબાવી દીધું હતું. બાજુમાં તેના લગ્નનું આલબમ પડ્યું હતું, જેમાં તેની પત્નીના મહેંદી મુકેલા હાથ દેખાતા હતા. એડોરડ  વિવિધ પ્રકાર ના ભાવ વાળી આંખોની ફોટોગ્રાફી માટે જાણીતો હતો. લેડી ડાયનાથી લઈને મેડોના જેવી વ્યક્તિઓએ પણ તેની પાસે ફોટા પડાવ્યા હતા. અને તેથી જ એડોરડના મૃત્યુની તપાસ આબેલાંને સોંપવામાં આવી હતી. ઘર અંદરથી બંધ હતું. બેઝમેન્ટમાં પણ તાળું હતું. કોઈ પગેરું મળતું ન હતું. ખૂની આવ્યો ક્યાંથી? અને આ વખતે પણ માત્ર કેમેરા જ  ચોરાયા હતા.

"મારો જન્મ સાવ સામાન્ય કુટુંબમાં થયો હતો. નાનપણમાં મારી મા મરી ગઈ અને બાપ ને મને રાખવો ન હતો એટલે ચર્ચમાં ઉછર્યો. ફાધરને મારી આંખો ગમતી એટલે મને એમના દીકરાની જેમ રાખતા. ચર્ચના કાર્યક્રમમાં ફોટા પાડતા પાડતા હું ફોટોગ્રાફર બની ગયો. એક દિવસ ઇન્ડિયાથી એક ટુરિસ્ટ આવી. "ચક્ષુ" એની આંખોની સુંદરતા પર હું વારી ગયો. હું સતત તેની પાછળ ફર્યા કરતો અને તેની આંખોના ફોટા પાડ્યા કરતો." આબેલાંએ રાહત તો શ્વાસ લીધો. તેની ચાલવાની ઝડપ થોડી ઘટી. તેણે હવે ડર લાગતો ન હતો. "બરાબર તમારા લગ્નના ફોટા મેં જોયા છે. ભારતીય સ્ત્રીઓમાં કૈક ખાસ તો હોયજ છે. તે આપણા જેટલી ગોરી નથી હોતી પણ તેની સુંદરતા જ અલગ હોય છે. અને ચક્ષુ તો જાણે પરી હોય તેવી દેખાતી હતી." તેણે પોતાની નોંધમાં આ નામ લખ્યું હતું.

"જો  તમને મારા લગ્ન વિષે ખબર છે તો મારી દીકરી વિષે પણ ખબર હશે જ ને?" આબેલાં એ માથું હલાવ્યું. એક મોટું સર્કલ આવ્યું જ્યાંથી તેને વળવાનું હતું. બંને શાંત વાતાવરણમાં ચાલતા હતા." ચક્ષુ એ જ મને ફોટોગ્રાફી ના વિવિધ પાસા શીખવાડ્યા. એ ઇન્ડિયા પાછી જતી હતી ત્યારે મેં લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને તે ટુરિસ્ટ માંથી ફ્રેન્ચ બની ગઈ. હું હંમેશા એને કહેતો કે," હું લોકોને મારી ત્રીજી આંખથી જોઉં છુ અને મારી એ આંખ સરકતી હોય છે." તે હસતી અને ટપલી મારી ને કહેતી કે, "જો એ આંખ આઘી પાછી થઇ ને તો હું તારી એ આંખ ફોડી ને તને મારી નાખીશ'. બસ એનું એ હાસ્ય મને નવું જોમ ભરી આપતું. સહુથી પહેલા મેં એની આંખોનું જ પ્રદર્શન કર્યું અને મારા માટે સફળતાના દ્વાર ખુલી ગયા."

આબેલાંનું ઘર નજીક હતું અને વાતો ઘણી બાકી હતી. તે ચોખંડી પાસે આવેલા બાંકડા પર બેસી ગઈ અને પેલાને પણ બેસવા ઈશારો કર્યો.

"મને વિવિધ એવોર્ડ્સ પણ મળ્યા. દરેક વખત ચક્ષુ મારી સાથે રહેતી. અને અમારા જીવનમાં નવા રંગો ભરવા એક પરી આવી, મારી દીકરી ઓઇલ. હું તેની આંખો ના ફોટા પાડતો પણ ચક્ષુ મને તે ફોટા  લોકો સુધી પહોંચાડવા ન  દેતી." આબેલાં એ ડાબા પગ પર બીજો પગ ક્રોસ કર્યો." પણ તમને છેલ્લો એવોર્ડ કોઈ બાળકની આંખોની ફોટોગ્રાફી માટે જ મળ્યો હતો ને?"

"હા. એની પણ વાત કરીશું. ચક્ષુ એવું માનતી કે નાના બાળકોના ફોટા બહુ લોકોને ન  બતાવાય. વળી કેમેરામાં કંડારવા કરતા તેમને એમજ જોવાની વધારે મજા આવે. હું જયારે ફોટા પાડું ત્યારે તે પેલી ધમકી આપ્યા કરતી. અને એક દિવસ એની ધમકીઓ નો અંત આવી ગયો. એક કાર એક્સીડંટમાં એ બંને ..." તે અટકી ગયો. તેની ભાવ વિહીન આંખોમાં દર્દ દેખાતું હતું. મૃતાત્માઓને પણ લાગણી હોય છે તેવા અહેસાસ સાથે આબેલાં એ પૂછ્યું,"પછી?"

તે સ્વસ્થ થયો." હું એકલો પડી ગયો અને છ મહિના સુધી મેં મારી જાત ને એક રૂમમાં પુરી દીધી. પણ જીવનમાં કોઈ ખેલ બાકી હશે. લંડનથી એક અત્યંત સુંદર સ્ત્રી મારી પાસે ફોટા પડાવવા આવી, તેના ફોટા મેગેઝીનમાં આવ્યા અને થોડા જ સમય માં એ કાર એક્સીડંટમાં મૃત્યુ પામી. મારા ફોટા બધે છપાયા અને મારુ કામ વધી ગયું. હવે ફિલ્મ સ્ટાર પણ પોતાની આંખોના ફોટા પડાવવા મારી પાસે આવતા, મારી પાસે પોતાની આંખોના ફોટા પડાવવા એ સ્ટેટસ ગણાતું. મને સફળતાનો નશો ચડી રહ્યો હતો."

વાતાવરણમાં ઠંડક વધી રહી હતી. આબેલાં એ પર્સ માંથી ટોપી કાઢી ને પહેરી." તમારી પણ આંખો ખુબ સુંદર છે. જો હું જીવતો હોત તો ચોક્કસ તમારી આંખોની ફોટોગ્રાફી કરત." આબેલાંના શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું.

"એક દિવસ હું એક સ્કૂલ પાસેથી પસાર થતો હતો. ત્યાં અચાનક એક ચાર પાંચ વરસની બાળકી દોડતા દોડતા પડી ગઈ. મેં એની આંખોના ફોટા પાડ્યા. દર્દ, વેદના, ડર, એક સાથે કેટલા બધા ભાવ હતા એમાં? મને એ ફોટોગ્રાફી માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. હવે મને નવો વિષય મળ્યો હતો. હું બાળકોની પાછળ ફરીને તેમના ફોટા પાડતો પણ  મજા ન હતી આવતી. કદાચ ચક્ષુ જીવતી હોત તો હવે હું જે વાત કરું છુ તેમાં તેનું સમર્થન ન હોત." આબેલાંની  આંખોમાં પ્રશ્નાર્થ સાફ દેખાતો હતો.

"મને એક તોફાની વિચાર આવ્યો અને  પૈસા આપી ને એક બાળક ને મેં ચાર કલાક માટે ખરીદ્યું. તેને બે કલાક મારા બેઝમેન્ટમાં પુરી ને પછી મારે તેની આંખો ફોટા પાડવા હતા. બસ એ દિવસે મારે ત્યાં ચોરી થઇ. તમને યાદ હોય તો બેઝમેન્ટનું તાળું તૂટેલું હતું. કેમેરા અને બાળક બંને ગાયબ હતા. પણ મેં માત્ર કેમેરાની જ વાત કરી હતી. મારે એ દિવસથી જ ચેતી જવાની જરૂર હતી. તમને મળ્યા પછી મને વિશ્વાશ હતો કે તમે પગેરું શોધી શકશો. પણ મહિનાઓ સુધી તમે નિષ્ફળ રહ્યા."  આબેલાં થોડી એડોરડ તરફ ફરી અને બંને હથેળીઓ ઘસી.

"મેં ફરી નવા કેમેરા ખરીદ્યા. નવા બાળકોને બોલાવવા માટે માણસોને પૈસા આપ્યા. અને જે દિવસે એ લોકો આવવાના હતા તેની આગલી રાત્રે મારું ખૂન થઇ ગયું. કોઈએ મારુ ગળું દબાવી દીધું હતું."

"અને હા, બાજુમાં તમારા લગ્નના આલબમમાં તમારી પત્નીના મહેંદી વાળા હાથ વાળા ફોટા હતા. કદાચ એ વખતે તમે એમને યાદ કરતા હશો અને.."

"ના એ ફોટા જ તમને સાચી વાત કરી શકશે. મેં તમને કહ્યું હતું ને કે, ચક્ષુએ મને ધમકી આપી હતી કે જો હું કઈ ખોટું કરીશ તો એ..."

"હા, પણ એમનું તો કાર એક્સીડંટમાં મૃત્યુ થયું હતું ને?"

"તમારી વાત સાચી છે. તમે બેઝમેન્ટમાં જજો. ત્યાં મારો લેન્સ તૂટેલો કેમેરા મળી જશે. અને તમારી પાસે મારા ગળા પરથી મળેલા ફિંગર પ્રિન્ટ્સ હશેને? આલબમમાં ચક્ષુના હાથની ફિંગર પ્રિન્ટ સાથે સરખાવી જોજો."

બીજા દિવસે આબેલાં મોડી ઉઠી અને એ જ દિવસે એ કેસની ફાઈલ બંધ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Crime