Vishwa Rawal

Others

3  

Vishwa Rawal

Others

ચાદર

ચાદર

4 mins
14.1K


રેશ્મા. હા રેશ્મા જ નામ હતું એનું. ઠસ્સાદાર બાઈ. હશે પાંચ ફૂટ છ ઇંચ ઊંચી ને કસાયેલો બાંધો. ઘેરવાળા ઘાઘરા પર કમર પરની ઓઢણી ખોસી હોય તો પણ શરીર પ્રમાણસર લાગે. લાંબુ મોઢું ને કાજળ આંજેલી નશીલી આંખો. ચાલે ત્યારે એક હાથ કમર પર અને બીજો હાથ હવામાં ઝૂલતો જાય.

વખતો વખત લાંબો ચોટલો હાથ સાથે અથડાય તો ઝટકાથી પાછળ નાખે ત્યારે તેની અદા પર વારી જવાવાળા પણ ઘણા હતા.

એના વિષે લોકોને માત્ર એટલી માહિતી હતી કે તેનો એક નાનો દીકરો હતો અને તે પોતે સુંદર હતી. ધીરે ધીરે તેના વિષે માહિતી એકઠી થતી ગયી કે તેના દીકરાનું નામ લાલુ હતું. તે પેહલા ધોરણમાં ભણતો હતો. રેશ્મા મજૂરીએ જતી હતી અને તેના શેઠ તેનાથી ખુશ હતા કારણકે તે ખૂબજ મહેનતુ હતી. રેશ્મા દરરોજ દીકરા સામે જોતી અને વિચારતી, "આમને આમ તો આને પણ મજૂરીએજ લગાડવો પડશે!" અને વિના કારણ આકાશ તરફ જોયા કરતી જાણેકે ત્યાંથી કોઈ ફરિસ્તા આવીને તેની જિંદગીને નવા રંગોથી ભરી દેવાના હોય !

મને યાદ છે એ દિવસ જયારે રેશ્મા કામ કરતી હતી અને તેના હાથમાંથી તગારું છૂટીને નીચે એક માણસ પર પડ્યું. પેલાના ખભાનું હાડકું ભાંગી ગયું. રેશ્માની આંખોમાંથી કાજળના રેલા ઉતર્યા. તે ખૂબ રડી અને બીજા દિવસે કામે પણ ન જઈ શકી.

"મારા લીધે બિચારાને તકલીફ પડી. દવાના ખર્ચ અને પાછું કામ પર પણ નહિ જવાય. હે ઈશ્વર, અજાણતા પણ મારાથી કોઈ ને નુકશાન કેવી રીતે થઈ શકે?"

બીજા દિવસે અનિચ્છાએ પણ તેને કામે જવું પડ્યું. ઈશ્વરે તેને પણ પેટ અને પેટનો જણેલો બેય આપેલા. તે ધ્યાનથી કામ કરતી હતી તેથી કામ ધીમે થતું હતું તે સુપર્વાઇસરના ધ્યાન પર આવતાંજ તેને બોલાવી. રેશ્મા ફરી રડી પડી. આખી વાત ને સમજ્યા પછી પેલા એ સાંત્વન આપ્યું કે જો આપણે તો માત્ર નિમિત્ત જ બનીએ છીએ. જે તે માણસ ને ભોગવવાનું હોય ને તોજ આવું થાય. ચિંતા ન કર અને તો પણ તને અફસોસ થતો હોય તો એક ચાદર ચડાવી દેવાની! બધુજ માફ.

રેશ્માએ ચાદર ચડાવી અને તેને થોડી રાહત પણ લાગી. પણ આ બધું મફતમાં થોડુંજ થાય છે?

દીકરાની ફી ભરવાની આવી અને ઘરમાં પૈસાજ નહિ. બે દિવસ મૂંઝાયેલી રેશ્માની નજર લખુડીનાં પાટલા પર પડી. બાજુમાં કાઢીને તે નાહવા બેઠી હતી. રેશ્માનાં
મને નાકારો દીધો ને પછી પેલી વાત યાદ આવી. થોડી ધમાલ થઈ પણ ખાસ બેનપણી પર કોઈ શક કરે કે?

રેશ્માએ બીજી ચાદર ચડાવી દીધી. રેશ્માને લાલુ માટે ઘણાં સપના જાગવા લાગ્યા અને ચાદરો વધતી ગઈ. સમય જતાં તેણે મજૂરીએ જવાનું બંધ કરીને બીજાં કામ શોધી લીધાં.

હવે તો તેની ઊઠબેસ પણ બદલાઈ ગઈ. જૂનાં વિસરાતા ગયાં અને નવાં ઉમેરાતા ગયાં. અને હા પેલી ચાદરો વધતી ગઈ.

"મા, મારી સ્કૂલમાં આજે એક બેન આવ્યા હતા. તે કહેતા હતા કે કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેક માણસ જે કંઈ કરે છે તેવું તેને મળે છે. જો આપણે સારું કરીએ તો સારું જીવન મળે અને ખોટું કરીએ તો તકલીફો આવે. એટલે આપણે હંમેશાં સારું જ વિચારવું જોઈએ." લાલુના શબ્દો રેશ્માનાં હૃદય સોંસરવા નીકળી ગયાં. તેને રાત્રે ઊંઘ ન આવી. તેને જાત જાતના વિચારો આવવા લાગ્યા. છેલ્લા પાંચ વર્ષ તેની નજર સામેથી નીકળી ગયાં.

લાલુ હવે ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો હતો. તેને લેવા મૂકવા ગાડી આવતી હતી. પોતાનો જૂનો વિસ્તાર લગભગ ૨૦ કિલોમીટર દૂર થઈ ગયો હતો. અને હવે બધાં તેને નામની પાછળ 'બેન' લગાડીને બોલાવતાં હતાં. પોતે ભલે ઓછું ભણેલી પણ ભણેલી સ્ત્રીઓ તેને ત્યાં નોકરી જરૂર કરતી.

એક વાત હજુ પણ એવીજ રહી હતી તે હતો તેનો ઠસ્સો. તે હજુ પણ ચાલતી ત્યારે હાથ તો કમર પર રહેતોજ. તેણે વિચાર્યું, "મેં ક્યાં ખોટું કર્યું છે? લાલુને માટે વિચાર્યું, તે એક મા તરીકે મારી ફરજમાં આવે. અને વળી વખતો વખત મારી ફરજ મેં સારામાં સારી રીતે નિભાવી છે. એક પણ ચાદર રહી ગઈ હોય તેવું બન્યું નથી. મારા કર્મો મેં ચોક્ખા જ રાખ્યા છે." તેણે એક હાથથી ચોટલાને હાથ માર્યો અને ચોટલો તેના ગળે વીંટળાઇ ગયો.

એક અઠવાડિયાથી લાલુનો તાવ ઉતરતો ન હતો. ડોક્ટર કોઈ કારણ શોધી સકતા નહોતા. રેશ્માએ શહેર ના કોઈ ડોક્ટરને બાકી ન રાખ્યા. રેશ્માની ઊંઘ ઊડી ગઈ હતી અને માત્ર લાલુની તબીયતજ મનમાં ફર્યા કરતી હતી. તેણે લાલુના માથા પર પોતા મૂકતાં મૂકતાં વિચાર્યું, "કોઈ ચાદર રહી ગઈ તો નહિ હોય ને?" તેણે ગણતરી કરી તો બધીજ વ્યવસ્થા યોગ્ય જ હતી. તેની મૂંઝવણ વધી રહી હતી. તેણે તાવ માપ્યો. થોડો ઓછો થયો હતો. લગભગ બે દિવસે થોડીક રાહત લાગી. લાલુએ આંખ ખોલી.

રેશ્માની આંખમાંથી આંસુની ધાર થયી. લાલુ સાવ ધીમા અવાજે બોલ્યો, "તે સમીરના બાપુને કેમ લૂંટ્યા? અને માર્યા?" રેશ્માનું હૃદય ધબકારા ચૂકી ગયું. તેણે લાલુના માથે હાથ ફેરવ્યો. "તું સુઈ જા. આરામ થઈ જાય પછી વાત કરીએ." પણ લાલુની આંખો તેને તાક્યા કરતી હતી. જાણે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ ન માંગતી હોય?

અંતે રેશ્માએ તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો અને લાલુને માટેજ પોતે આ બધું કરે છે તે પણ કહ્યું. લાલુના મોં પર દુઃખની લહેરખી આવી. તે ફરી રેશ્માની સામે જોવા લાગ્યો જાણે તેમાંથી પોતની માને શોધતો ન હોય!

રેશ્માએ પેલી ચાદરવાળી વાત પણ સમજાવી પણ લાલુ એકીટશે તેને જોયા કરતો હતો. "મા, મારા પછી પણ તું એક ચાદર ચડાવીશ ને?" કહીને તેણે આંખો મીંચી દીધી. રેશ્માનાં ગળે ડૂમો ભરાઈ ગયો.

કોઈ સતત ડોરબેલ વગાડતું હતું તે તેના ધ્યાનમાં આવ્યું. ભીની આંખે તેણે દરવાજો ખોલ્યો. સામે એક છોકરો ઊભો હતો. "શેઠે ચાદર મોકલી છે. અઠવાડિયાથી એક પણ ઓર્ડર ન હતો એટલે શેઠને લાગ્યું તમને માઠું લાગ્યું હશે. આ તેમના તરફથી ભેટ છે. પૈસા લેવાની ના પડી છે."


Rate this content
Log in