Vishwa Rawal

Drama Inspirational Comedy

3  

Vishwa Rawal

Drama Inspirational Comedy

કિંમત પંદર રૂપિયા

કિંમત પંદર રૂપિયા

7 mins
7.6K


પુના એટલે મરાઠા સંસ્કૃતિ થી ભરપૂર નગર. જ્યારથી સોલાપુર રોડ પર ડેવલપમેન્ટ શરુ થયું ત્યારથી પુના પચરંગી બની રહ્યું છે. હવે તો ત્યાં મોલ ક્લચર પણ ભળી ગયું છે. પણ તો પણ પુના ના આત્મા માં માં મરાઠા સંસ્કૃતિ છલકાતી દેખાય. એયરપોર્ટ થી સોલાપુર હાઇવે જતા રસ્તામાં મગરપટ્ટા આવે. અહીં બધા મગર રહે. અરે ના ના, પેલા પાણી માં રહેતા મગર નહિ. મરાઠા ક્ષત્રિયો લડાઈમાં વાઘ,સિંહ,મગર આવા જૂથ બનાવતા. એવીજ રીતે આ મગર પરિવાર. ઘણી મોટી જગ્યામાં વિશાલ બગીચાઓ ની વચ્ચે મોટા મકાનો. આ આખી જગ્યા જ પોતાની રીતે એક લેન્ડમાર્ક ગણાય. આ મોટા મકાનો માં એક પાંચ વરસની નાની બાળકી રહે નૈની. ઘઉંવર્ણો ગોળ ચહેરો અને થોડું બેઠા આકાર નું નાક,મોટા હોઠ,ઘાટ કાળા વાળ, અને જાણે એ ઘટા માંથી ચંદ્ર ખીલ્યો હોય તેમ તેની મોટી ચમકતી આંખો દેખાતી. દિવસ માં કઈ ખાસ કામ નહિ. સવારે મોડા ઉઠવાનું. તૈયાર થઇ ને આજીતાઇ સાથે નિશાળ જવાનું. વળી નિશાળ પણ કેવી? દીવાલો પર રંગબેરંગી ચિતરામણ. ક્યાંક એબીસીડી તો ક્યાંક ઘડિયા. નૈની ને તો પેલા અરીસા ગમતા. કોઈક ની સામે લાંબા દેખાવાય, તો કોઈકની સામે ટબૂકડાં, કોઈની સામે પાતળા તો ક્યાંક મોટા. નૈની ના બાબા પણ મોટા માણસ હતા.

નૈની ની માં એને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામી હતી. બસ ત્યાર થી એના બાબા જ એનું સર્વસ્વ હતા. આજીતાઇ તો નાના ને ત્યાં થી આવેલી. નૈની નું મોશાળ ઇન્દોર હતું. પણ એને ઇન્દોર ગમતું નહિ. નાની ના મૃત્યુ પછી નવા નાની આવેલા. નૈની સવાલો પૂછે તે નવા નાની ને તકલીફ આપતું,વળી મગરપટ્ટા જેવી ખુલી જગ્યાઓ પણ ઇન્દોરમાં ન હતી. નૈની નો જન્મ થયો ત્યારે એના બાબા કોલ સેન્ટર માં નોકરી કરતા. થોડાક વધુ પૈસા મળે તે માટે ક્યારેક નાના મોટા મોડેલીગ માટે પણ જતા. પણ દરેક સાંજ નૈની માટે ખાસ રહેતી. ઘર માં જાત જાત ના રમકડાં આવતા. બાબા ગીતો ગાતા.ક્યારેક ઘોડો બનતા તો ક્યારેક વાંદરું. નૈની ને એના બાબા ખુબ ગમતા. એના બાબા નું નામ જ્યોતિ રાવ હતું. બાબા ની આંખો પણ ચુમ્બકીય હતી. કોઈ પણ માણસ ને પ્રભાવિત કરી દેતી. કોઈક તો એવું પણ માનતા કે જ્યોતિરાવ ની આંખો માં ગજબની જ્યોતિ છે. મદદ કરવાનો સ્વભાવ એટલે ઓળખાણો પણ સારી. નૈની અઢી વરસ ની થઇ એટલે તેને સ્કૂલ માં મૂકી. પહેલા દિવસે એ ખુબ રડી પણ પછી ધીમે ધીમે તેને એ જગ્યા ગમવા લાગી. જીવનમાં એવુજ તો થાય છે. જે કામ શરૂઆત માં કંટાળો આપે છે તે ધીમે ધીમે ગમવા લાગે છે. પછી તેમાં અભિરુચિ જાગે છે અને અંતે તે કર્યા વિના ચેન નથી પડતું. જ્યોતિરાવ ની સાથેપણ કૈક એવુજ થયું.

જ્યોતિ રાવ ને જેમ જેમ વધારે લોકો ઓળખતા ગયા તેમ તેમ લોકો ની પૅક્ષાઓ પણ વધતી ગઈ. અને એક દિવસ તે રાજ કારણ માં આવી ગયા. આમતો રાજકારણ માં ન જવાનું કોઈ કારણ ન હતું પણ એ વિષય જ એવો અટપટો છે કે માણસ એમાં ઊંડો ને ઊંડો ઉતારતો જાય છે. આજ કાળ તો લોકો એમાં પણ કરિયર શોધે છે. અને આતો સામેથી આવેલી તક હતી. હવે નૈની ની સાંજ એકલી પડતી ગઈ. તે ટીવી પર સાસુ વહુ ની સિરિયલો જોતી. હા આજીતાઇ ને એ ગમતી, એટલેજ તો. તેને હવે એકલા લાગતું તો તે તે ટીવી ચાલુ કરીને બેસી જતી. ધીમે ધીમે તેને યાદ શક્તિ ની તકલીફ થવા લાગી. તેને સવાલો પૂછતાં તેની આંખો ચકળવકળ થતી અને ક્યારેક તેમાં દરિયો ઉમટતો. આ વાત ની જાણ જ્યોતિરાવ ને થતાંજ મુંબઈ મરીન ડ્રાયવ પર આવેલા ડોક્ટર રોમા અંતાણી ના ક્લિનિક પર તેને લઈને આજી તાઈ પહોંચી ગયા.

નૈની ને ડોક્ટર ખુબ ગમી ગયા. તેને ડોક્ટરની આંખો માં કરુણા દેખાઈ. માનસિક રીતે બીમાર બાળકોને આ ડોક્ટર સાજા કરી દેતા હતા. આજીતાઇ ને પણ લાગ્યું કે જો આવા સરસ ડોક્ટર હોય તો કોઈ પણ સાજું થઇ જાય. લગભગ દોઢ કલાક ની વાતચીત પછી ડોક્ટરે નૈની ના માથે હાથ ફેરવ્યો. નૈની ને આ વહાલ ભર્યો સ્પર્શ ગમ્યો. એનાથી પણ વધારે તેને ડોક્ટર ની આંખો ગમી. તે વિચારવા લાગી." મોટી થઇ ને હું પણ આમના જેવીજ દેખાઉં તો? હું પણ ડોક્ટર બનીશ. " એને તો હવે મુંબઈ જ રહેવું હતું. પણ એવું થોડું જ ચાલે? નૈની ને બહાર બેસાડી ને ડોક્ટરે આજીતાઇ સાથે વાત કરી. " એને માણસો જોઈએ છે. એના બાબા ને કહો મારી સાથે વાત કરે. એ એકલી પડી ગઈ છે. તમે ટીવી પર એને ગમતા કાર્યક્રમ જુઓ. એને સાસુ વહુ ના ઝગડા બતાવવાની ક્યાં જરૂર છે? એને કોઈ બીમારી જ નથી. જો દવાઓ આપીશું તો તે માનવા લાગશે કે એ બીમાર છે. આજીતાઇ ની જીદ ના લીધે નૈની ને હોમીઓપેથીક દવાઓ મળી. એકદમ ભાવે એવી.

"હેલો, ડોક્ટર અંતાણી હિયર . નૈની ને તમે સમય આપો તો તેને સારું થઇ જશે. તમે ઘરે જાવ ચો ત્યારે એ સુઈ ગઈ હોય છે. અને સવારે ઉઠો છો ત્યારે તે નિશાળે જતી રહી હોય છે. તેના કહેવા મુજબ મહિનાઓ થી તમે એને મળ્યા જ નથી..." જ્યોતિરાવ ની આંખમાં ગંગાજમના વહેવા લાગી. તેને પત્ની ને આપેલું વચન યાદ આવ્યું. " ઓકે મેડમ , કહી તેણે ફોન મૂકી દીધો. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો અને મન માં તિરસ્કાર. હવે બપોર પછી તેણે ઘરેથી કામ કરવાનું નક્કી કરી લીધું. ડ્રોઈંગ રૂમ માં એક મોટી સિંહાસન જેવી ખુરસી આવી ગઈ. રાજાનો દરબાર ભરાતો હોય તેમ માણસો ભેગા થતા. બધાની વાતો સંભળાતી અને સમાધાન નીકળતા. નૈની ને રમવાની જગ્યાઓ ઓછી થવા લાગી. તે પરદા પાછળ થી બાબા ને જોયા કરતી. એમની વાતો સાંભળતી.

"જુઓ, તમે  એની આંખ માં આવી ગયા છો" અને નૈની ને વિકરાળ આંખો દેખાતી જેમાં છ ફૂટ નો માણસ ચાલતો હોય.

"એ તો પગ નીચે રેલો આવે એટલે જ ખબર પડે." "હાય હાય . હવે તો મને પણ રેલો નથી આવતો. છી, બાબા કેવા કેવા માણસો ને ભેગા કરે છે? પછી એ સાફ કોણ કરતુ હશે?"

" એને જીણી આંખે જોવાની ટેવ છે, સાંચવી ને રહેજો." નૈની ને ચીના ઓ ની આંખો દેખાતી. આજીતાઇ ની વાત યાદ આવતી કે છી હમણાં આપણા પર નજર રાખે છે.

"હું આજ કાલ એમની આંખો માં ખૂંચુ છું, એ મને ખબર છે." અને તે માણસ ક્યાં થી ખરબચડો છે તે શોધવા પ્રયત્ન કરતી. બિચારીને મન અને હૃદય ના આકાર ની સમજ હજુ ક્યાં હતી?

"એને આંખો આવી છે..." " મને તો પહેલે થી જ છે.” પછી દીવાલ પર  કેમેરા પર નજર પડતા વિચારતી," અચ્છા આવી આંખો આવી હશે."

એ દીવાલ ને અડી ને સુઈ જતી. બાબા નું દર્શન થતું પણ તે મળતા નહિ.

બહુ મન થાય ત્યારે તે જીદ કરીને ડોક્ટર રોમા સાથે વાતો કરી લેતી. તેને ડોક્ટર ની આંખો યાદ આવતી અને મન શાંત થઇ જતું.

એક દિવસ નૈની ને નિશાળ માં રજા હતી. તે રૂમ માં થી બહાર નીકળી. બાબા એકલા હતા. એમનો ફોન ચાલુ હતો. " જુઓ , મને ખબર છે. અમે બધા હવે તમારી આંખના તારા થવાના જ હતા." આજીતાઇ ને ચક્કર આવતા ત્યારે એ કહેતી કે," આંખમાં તારા દેખાય છે."

બાબા ના ચહેરા પર લકીરો બદલાતી હતી. આંખો માં રતાશ આવી ગઈ હતી.. "જુઓ, રૂપિયા  વિના હવે ક્યાં કોઈ વાત થાય છે? હા, પંદર પુરા. પંદર પુરા હોય તો ફરી વાત કરીશું. અને હા, સાંજ સુધી માં આ રકમ...." વાત ચાલુ હતી અને નૈની પોતાના રૂમ માં દોડી. ગલ્લો ખોલ્યો. હવે તેને ગણતા આવડતું હતું. એક... બે... ત્રણ... અને ચવુદ... સિક્કા પતી ગયા. આજીતાઈ દરરોજ મંદિર માં એક રૂપિયો મુકાવતી. એને ગુસ્સો આવ્યો. "ભગવાન, ને મારો રૂપિયો આપી દેવાની ક્યાં જરૂર હતી? એતો કેવા ઠાઠ થી રહે છે? એ ભગવાન ના રૂમ માં ભાગી ને ગઈ. થાળીમાં રૂપિયા પડ્યા હતા. એમાંથી એક રૂપિયો લીધો." મારો જ હતો." જરાક મોટા અવાજે બોલી એટલે ખ્યાલ માં રહે કે હવે પાછો નહિ મળે. ફરી રૂપિયા ગણી લીધા. પુરા પંદર થતા જ  દોડીને બાબા ના ખોળા માં ચડી ગઈ.. હાથ ખેંચી ને હથેળી માં પંદર રૂપિયા મૂકી દીધા. જ્યોતિરાવ ને નવાઈ લાગી." દીકરા આ શું છે?" અને નૈની ને નવાઈ લાગી. " સવાલ તો એમ પૂછે છે જાણે કઈ ખબર જ નથી. બાબા ને પેલા ડોક્ટર ને બતાવવા પડશે. આટલું જલ્દી ભૂલી જાય એવું થોડું ચાલે?"

"તમે તો બોલ્યા કે પંદર રૂપિયા આપો એટલે હું તમારો. બાબા મારી પાસે પંદર પુરા નહોતા પણ મેં ભગવાન પાસે થી એક રૂપિયો લઇ ને પંદર પુરા કર્યા છે. તમે હવે મારા. મેં મારે માં ને ક્યારેય જોઈ નથી પણ મને એ બહુ યાદ આવે છે..." નૈની ની આંખો માં શ્રાવણ ઉમટ્યો. જ્યોતિરાવ ની આંખો છલકાઈ ગઈ, તેને યાદ આવ્યું કે સાત મહિના પહેલા નૈની આવી રીતે ખોળામાં બેઠી હતી. સત્તા અને સંપત્તિ ની પાછળ એ જેને માટે કમાવાનું હતું એને જ ભૂલી ગયો હતો. હવે એની પાસે કરોડો રૂપિયા હતા. કદાચ નૈની ની પેઢીઓ ખાય એટલા. ડોક્ટર ના શબ્દો યાદ આવ્યા." એને તમારી જરૂર છે." જ્યોતિરાવે મુઠી બંધ કરી. નૈની ને બંને હાથ થી છાતી સરસી ચાંપી. અને બોલ્યો ." તારા બાબા તારા થઇ ગયા."

જ્યોતિરાવ નો ફોન બંધ આવતો હતો. રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હતા. એ કઈ બાજુ મત આપશે તેની ચર્ચાઓ જોર માં હતી. ઘર બંધ હતું. એવી પણ વાત ચર્ચાતી હતી કે ઘર વેચાઈ ગયું છે. તો જ્યોતિરાવ ક્યાં ગયો?

"હલ્લો ડોક્ટર. મારે તમારે ત્યાં ઇન્ટરશીપ કરવી છે." વીસ વરસ પછી ડોક્ટર રોમા અંતાણી ની આંખો માં ચમક એવી જ હતી. તેમણે આંખો પર ચશ્માં લગાવ્યા. "સો , તે કેલિફોર્નિયા થી માસ્ટર્સ ઈન હોમીઓપથી કર્યું છે. અને નામ... નૈની ..." તેમણે નજર ઉઠાવી ને જોયું. એક સ્વરૂપવાન યુવતી સામે બેઠી હતી. તેની આંખમા અલગ જ ચમક હતી. ડોક્ટર ની આંખો માં મસ્તી છવાઈ.

"હા પણ પંદર રૂપિયા ફી ના આપવા પડશે."


Rate this content
Log in

Similar gujarati story from Drama