Vishwa Rawal

Inspirational Tragedy

3  

Vishwa Rawal

Inspirational Tragedy

અભિશાપ

અભિશાપ

5 mins
13.3K


"આગ, આગ." બુમાબુમ થઈ રહી હતી. અને લોકો પોતાનું ઘર બચાવવા દોડાદોડી કરી રહ્યા હતા. આગ માટેની લાઈનમાં પાણી આવતું ન હતું કારણ કે સાંજે પાણી જતું રહેતું ત્યારે બધા એ લાઈનમાંથી જ પાણી ભરી લેતા. ફાયર બ્રિગેડવાળા આવ્યા ત્યાં સુધીમાં જે ફ્લેટમાં આગ લાગી હતી તે લગભગ ભસ્મીભૂત થવાની તૈયારીમાં હતો.

દીવાલો બધીજ કાળી થઈ ગઈ હતી અને રાચરચીલું અદ્રશ્ય. ઘરની અંદર જવાની કોઈની હિમ્મત ન હતી. થોડી વારમાં એક વૃદ્ધા એક યુવાન છોકરીને લઈને આવી. નિર્ભય પણે તે ફ્લેટમાં ગઈ. ચાર મૃતદેહ પાસે પાસે પડ્યા હતા. તેણે એક મૃતદેહના હાથ સામે જોયું.

"બા, ડેડીએ મહેંદી મૂકી દીધી." અવાજ કાનમાં અથડાયો. બધાજ મૃતદેહ મહેંદીના રંગના થઈ ગયા હતા. તેણે ચાદરો મંગાવી અને ચારેય મૃતદેહને ચાદરમાં લપેટ્યા. તેણે પાછળ નજર કરી તો થોડા લોકો ડોકાં કાઢતા હતા. "તમાશો પતિ ગયો છે. તમે ઘરે જઈ શકો છો." કહી તેણે વેધક નજરે જોયું.

પંચનામામાં જ્યારે અકસ્માત લખાવવામાં આવ્યું ત્યારે ઘણા બધાને આશ્ચર્ય થયું. હકીકત બધાજ જાણતા હતા.

"ના, સાહેબ મારો દીકરો આપઘાત તો ન જ કરે. અને એ તો ભગવાનનો માણસ હતો. એ કોઈને નડતો નહિ તો એને કોઈ શું કામ મારી નાખે? અને વળી આ નાના નાના બાળકો સાથે? ના રે સાહેબ એવા રાક્ષસો આજના જમાનામાં ન હોય. હશે કોઈક અકસ્માત." બધાના ગયા પછી વૃદ્ધા એના દીકરાના શબ્દો યાદ કરતી હતી. "મા, આ લોકો અમને જીવવા નહિ દે." એની આંખોમાં સાગર હતો પણ હવે એમાંથી નીકળનાર દરેક મોતી કિંમતી હતા. તેણે આંખો બંધ કરી દીધી.

થોડી વારે તેણે એક ખૂણામાં દીવો પ્રગટાવી દરવાજા પાસે મૂક્યો. આખું ઘર બળી ગયું હતું પણ એક ખૂણામાં શિવલિંગ હતું જે બચી ગયું હતું. તે ક્યારેક વિચારતી કે શિવજી તો પોતાનું ત્રીજું નેત્ર ખોલીને પણ મારા પરિવારને બચાવી શક્યા હોત. એની આંખોમાં આંશુ સુકાઈ ગયા હતા. અને આંખો લાગણી શૂન્ય બની ગઈ હતી. તે કોઈની સામે ન જોતી કારણકે પેલી ખોટું બોલતી અથવા તો ભયભીત આંખો તેને ગમતી નહિ. મૃત્યુ પછી સામાન્ય રીતે બધા મળવા આવતા હોય અને જ્યારે મૃત્યુ અસામાન્ય હોય ત્યારે તો ખાસ મળવા આવે.

અહીં પણ એવુંજ કઈ શરુ થયું. પણ દરવાજો ખુલ્યા પછી એક છોકરી આવીને કહેતી કે, "દાદી અત્યારે નહિ મળે."

બહાર જાત જાત ની વાત થતી. કારણકે સત્ય કોઈ જાણતું ન હતું અને કદાચ કોઈને ખબર પણ હતી તો સાચું બોલવાની હિમ્મત ન હતી. પોતાની હાજરીમાં આખો પરિવાર એકી સાથે જતો રહ્યો એનું દુઃખ વૃદ્ધ પોતાના મુખ પર દેખાવા દેતી નહિ. આમ પણ સ્ત્રીઓને ઈશ્વરે કઈ માટીમાંથી ઘડી હશે તે સંસોધનનો વિષય છે. તે પોતાના ઘરમાં શું કરતી હશે તે પણ હવે કોઈને ખબર પડતી નહિ.

સોસાયટીમાં બે અલગ અલગ ભાગલા પડી ગયા હતા. વૃદ્ધાનાં પરિવારને બધાં સાથે ફાવતું. એટલે બંને ગ્રુપવાળાં માનતા કે આ લોકો અમારા નથી. ક્યારેક કોઈ સમસ્યા ઉદ્ભવે એટલે બંને ગ્રુપવાળા આમને મન ફાવે એવું કહી જાય. પણ આવી નાની મોટી વાતોથી પ્રભાવિત થયા વિના તેઓ બધાને કામ આવતા. વળી દીકરો મજાકમાં કહેતો પણ ખરો કે, "એ તો વ્હાલ વધારે હોય ને એ જ વધારે ઝઘડવા આવે." છેલ્લા થોડા દિવસથી કોઈ સમસ્યા વધી હતી પણ સારા માણસોને હંમેશાં નકારાત્મક વિચારો ઓછા આવે. ઘટનાની આગલી રાત્રે એણે પોતાની માને કહ્યું હતું તે તેના કાનમાં અથડાયા કરતું હતું.

પોતાના દીકરાની આંખમાં ત્યારે પણ એ વિશ્વાસ તો દેખાતો જ હતો કે. "સારા માણસોને કોઈ ગેરસમજથી જુએ પણ હેરાન તો ન જ કરે." અને બસ એક રાત પણ ન વીતી અને... વિચારો અને ધ્રુસ્કું બંને અટકી જતા.

દરવાજા વિનાના ઘરમાં વૃદ્ધા દીવો કરવા અચૂક આવતી. ક્યારેક લિફ્ટ બંધ હોય તો ધીરે ધીરે પગથિયાં ચડી જતી. એ ઘરની કાળી દીવાલોમાં પડેલી તિરાડોને જોયા કરતી. તેને તિરાડો વચ્ચે પોતાના પરિવારની આંખો દેખાતી. પીલરો પરથી ઊખડી ગયેલાં પોપડાં પર હાથ ફેરવતી. આ દીવાલોને એના પરિવારે ખૂબજ જહેમતથી સજાવેલી.

એના દીકરાએ જ્યારે દરવાજા પર મીનાકારી કરેલી ત્યારે સામેવાળા બહેને ટકોર પણ કરેલી. "અમારા વર તો માત્ર રોટી તોડી જાણે." કોઈને પગ દુખતો હોય તો તે માલીસ કરી આપતો. અર્ધી રાત્રે કોઈને જરૂર પડે તો મદદ માટે દોડતો. સામેવાળાના દીકરાને ગુજરાતી નહોતું આવડતું તો શીખવાડતો. ઉપરવાળા દાદાને વહુ સાથે ઝઘડો થયો હતો તો છાનો માનો દવા લાવી આપતો. બાજુવાળા દાદીને તો એના દિકરાથી પણ તે લાડકો લાગતો.

બસ પોતાની મસ્તીમાં જીવતો. જે સહુના જીવનમાં ખુશી લાવવા મથતો તેના મૃત્યુ વખતે શું બાળકો એ પણ ચીસો નહિ પાડી હોય? બધા બહેરા થઈ ગયા હતા કે પછી ડરી ગયા હતા? વૃદ્ધાનો માનવ જાતિ પર વિશ્વાસ ખતમ થઈ ગયો હતો પણ તે ઈશ્વરને યાદ કરી પેલી તૂટતી દીવાલો પર હાથ ફેરવી લેતી. દીવાલોમાં તેના દીકરાની યાદો ભરેલી હતી. ક્યારેક તેને દીવાલોમાંથી નાનકીના કથ્થકનો અવાજ સંભળાતો તો ક્યારેક તેની ભોળી આંખો પૂછતી કે આવું શું કામ થયું. ક્યારેક તેને પોતે આપેલા સંસ્કાર પર પણ તિરસ્કાર થતો કે ખૂબ સારા થવાથી પણ દુશ્મનો વધે છે તેવું જ શીખવાડવા જેવું હતું. આતો કેવું શહેર છે જ્યાં એકને મદદ કરો તો બીજા વિના કારણે દુશ્મન બની જાય?

તે આંખો મીંચીને વિચારોના તોફાનને ખાળવા મથામણ કરતી.

સોસાયટીમાંથી રીપેરીંગ માટે નોટિસ આવતી પણ વૃદ્ધાએ ન તો દરવાજો બનાવરાવ્યો કે ન તો દીવાલો રંગાવી. હા, મેઈન્ટેનન્સનાં પૈસા તે ભરી દેતી. વૃદ્ધા સિવાય આ ઘરમાં જવાની કોઈની હિમ્મત થતી નહિ. કોઈને કોઈ પ્રકારનો ભય તેમને અંદર જતા રોકી લેતો.

એક દિવસ એક ફોન આવ્યોને વૃદ્ધા પેલા ઘર ભણી ઝડપ ભેર નીકળી. સવાર સવારમાં ધરતીકંપનો નાનો આંચકો આવ્યો હતો. પેલા ફ્લેટના પીલરોમાંથી સળિયા બહાર આવી ગયા હતા તેથી એકજ ઝટકામાં તે વળી ગયા અને આઠ માળનું મકાન જમીન પર આવી ગયું. ઘણા બધા લોકો દબાઈ ગયા હતા. થોડીક ચિચિયારીઓ પણ સંભળાતી હતી. એક જગ્યાએથી મોબાઈલ પકડેલો માત્ર હાથ બહાર હતો જાણે સેલ્ફી ન લેતો હોય!

વૃદ્ધાએ આકાશ સામે જોયું. આકાશમાં માત્ર વાદળોજ હતા. એક વાદળ પાછળથી સૂર્ય પાછો બહાર આવી રહ્યો હતો. જાણે ભગવાને પોતાનું નેત્ર ન ખોલ્યું હોય?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational