Vishwa Rawal

Fantasy Inspirational Romance

3  

Vishwa Rawal

Fantasy Inspirational Romance

ટાઢી સાતમ

ટાઢી સાતમ

6 mins
14.3K


કોર્પોરેટ રોડ પર વોડાફોન હાઉસની નજીક અને વાય.એમ.સી.એ ક્લબની પાછળ કોઈ રહેતું હોય તો તેની જીવન શૈલી ભવ્ય જ હોય તેવો વિચાર જરૂર આવે. આ જગ્યા એ નયના રહેતી હતી. બાર વરસની નયના, સાવ પાતળી, ભૂખરા વાળ, થીગડાંવાળું ફરાક, ગોળ ચહેરો અને મોટી ભોળી આંખો. સવારે મોડા ઊઠીને રસ્તાની બાજુમાં નાહી લેવાનું.

મા બીચારી સવારમાં વહેલી ઊઠીને નીકળી જાય. નયના આજુ બાજુના છોકરાવ સાથે ધીંગામસ્તી કરે અને જેવી મા ઘરે આવે કે તે ખાવા બેસી જાય. ક્યારેક આખી તો ક્યારેક ટુકડામાં રોટલી મળતી. પણ જેણે જે જોયું છે તે જ તેનાં માટે સર્વ શ્રેષ્ઠ છે.

નયનની દુનિયામાં બે ચાર ઘર હતા. જે તેમના જેવા જ હતા. હા, બીજા ઘરે બાપુ હતા. નયનાનો બાપ નાનપણમાં જ ધામમાં ગયો હતો. સાંજે મા થાકી પાકી આવે એટલે ફરી બંને ખાઈ લેતા. ક્યારેક મા નવું ખાવાનું પણ લાવતી. તેને તે વઘારેલી ખીચડી કહેતી. રંગબેરંગી ખીચડી નયનાને ખૂબ ભાવતી. તે સપના જોતી, "એક દિવસ હું પણ કામ કરવા જઈશ અને તપેલી ભરીને ખીચડી લઈ આવીશ. પછી પેટ ભરીને ખાલી ખીચડી જ ખાવાની."

એક દિવસ માએ તેને નિશાળમાં જવાનું કહ્યું. પણ તે રડી અને અંતે મા હારી ગઈ. આમ પણ મા બની જ હોય છે મીણ જેવા દ્રવ્યથી, બહુ જલ્દી પીગળી જાય.

એક દિવસ માને મોડું થયું અને નયનાએ બાજુવાળાના ફોનથી માને ફોન કર્યો. માએ ફોન ન ઉપાડ્યો. નયનાનાં પેટમાં બિલાડા દોડતા હતા. તે બાજુવાળાને લઈને એની મા જ્યાં કામ કરતી હતી ત્યાં પહોંચી. દરવાજા આગળ ચોકીદારે રોકી પણ રેવાબેનની દીકરી છું કહ્યું એટલે જવા દીધી.

"જોયું મારી માનો વટ છે અહીં. ચોકીદાર કેવો ગભરાઈ ગયો?" નયના એ પોતાની મોટી આંખો ઉલાળતા બાજુવાળાકાકીને કહ્યું.

એને બીચારીને ક્યાં ખબર હતી કે સરખા કામ કરવાવાળા એક બીજાની પરિસ્થિતિ સમજતા હોય છે તેથી તેને આ જગ્યાએ અંદર જવા મળ્યું હતું. જેવું ઉપર જોયું કે નયનાની આંખો ખુલ્લી જ રહી ગઈ.

એના કરતા ત્રીસ ચાલીસ ગણા ઊંચા મકાનો હતા. એક મોટું તળાવ જેવું હતું એમાં નાના છોકરાવ ડૂબકાં મારતા હતા. નયના એ વિચાર કર્યો, "અમે કેટલા સુખી છીએ? આમની પાસે તો પૂરતા કપડાં પણ નથી!"

આમ પણ તેને પોતાની જાત સાથે વધારે પડતો પ્રેમ હતો. તેની ઉંમરનો એક છોકરો નજીક આવ્યો અને બોલ્યો.

"તારી આંખો બહુ સરસ છે. તું અહીં નવી રહેવા આવી છો?"

નયના એ ગર્વથી કહ્યું, "હું રેવાબેનની દીકરી છું." અચાનક એક બેન આવ્યા અને છોકરાને ખેંચીને લઈ ગયા.

"એની સામે તો જો. આ અંગ્રેજી ભણતા છોકરાવની આજ તકલીફ છે. આંખો સરસ છે! કોણ છે એ તો જો." પેલો લગભગ ઘસડાતો હોય તે રીતે ખેંચાઈ ગયો.

માએ નયનાને જોઈ અને દોડીને આવી ગઈ. તેને સમજાવ્યું કે, "આવી રીતે અહીં નહીં આવવાનું. પણ નયનાને આ જગ્યા ગમી ગઈ. તેને વિચાર આવ્યો, "મા એકલીજ અહીં મજા કરે છે. અને મને ઝૂંપડીમાં મૂકીને આવતી રહે છે. અત્યાર સુધી પોતાના જીવનને શ્રેષ્ઠ માનવાવાળી બાળકીને નવી જગ્યાનો ચસ્કો લાગ્યો. બીજા દિવસે જીદ કરીને તે સાથે ગઈ.

ચોકીદારને સમજાવીને તેને હીંચકા પર બેસાડી મા કામ કરવા ગઈ. મા કલાક પછી પાછી આવી. ખાવાનું આપીને બીજા મકાનમાં ગઈ.

દર કલાકે મા અલગ અલગ મકાનમાં જતી પણ નયનાને સાથે ન લઇ જતી. પાંચ કલાક પછી મા એને ઘરે મૂકી ગઈ. એ રાત્રે નયનાના સપના બદલાયા. એને ઊંઘ પણ ન આવી.

"કેટલી સરસ જગ્યા છે? અને મા મને અહીં મૂકીને જતી રહેતી હતી." એને બીચારીને જીવનનો અનુભવ જ શું હતો? હવે તે રડારોળ કરીને સાથે જતી અને માં દરરોજ ચોકીદારને સમજાવીને તેને અંદર લઈ જતી.

દસેક દિવસ થયા એટલે ચોકીદારે તેને અંદર જવાની ના પાડી.

"તો મારી મા પણ નહીં આવે." નયના હવે ધમકી આપવા પર આવી ગઈ. પણ માએ વાત વાળી લીધી. અચાનક પેલો છોકરો ખભા પાછળ પોટલાં જેવું કંઈક બાંધીને આવ્યો. નયનાનો હાથ પકડી લીધો.

"તારી આંખો કેવી સરસ છે? તું ક્યાં રહે છે?" રેવાએ નયનાને ખેંચી પણ નયના પેલા સાથે હીંચકા પર જતી રહી. એ હતો આદિ. પાતળો, ઊંચો અને ગોરો. નયના જેને પોટલું સમજતી હતી તે એની સ્કૂલબેગ હતી. લીલા પાટલુન પર ચોકડી વાળા ખમીસમાં તે ખરેખર સુંદર લાગતો હતો. જાણીતા કાપડના વેપારીનો મોટો દીકરો. હવે બંને સાથે હીંચકા ખાતા. કલાક રમીને તે ઘરે જતો પણ નયના માટે સોસાયટીના દ્વાર ખુલી ગયા હતા.

માને પોતાની કીટી પાર્ટીમાંથી સમય મળતો નહીં અને બાઈને તો બીજું કામ એટલું રહેતું કે તે આદિ રમે છે એટલે પોતાની જવાબદારી ઓછી એવું માનીને ચલાવી લેતી.

એક દિવસ કીટીમાં કોઈક બોલાચાલી થઈ અને રુચાને સામેવાળીએ સંભળાવી દીધું, "તું તો સંસ્કારની વાત જ ન કરતી, તારો છોકરો તો કામવાળીની છોકરી સાથે રમે છે." રુચાનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. તે આવી ત્યારે રેવા અને નયના ઘરે જતા રહ્યા હતા.

ઘરે બધાજ માણસોને કડક રીતે કહેવામાં આવ્યું, "જો આદિએ છોકરી સાથે રમશે તો નોકરી જતી રહેશે."

નયના માટે સોસાયટીના દ્વાર બંધ થઇ ગયા. માને પણ ઠપકો મળ્યો અને એમાં ચોમાસું આવ્યું. રેવા બીમાર પડી. તાવ ઉતારવાનું નામ ન લે. કામે જવાનું બંધ થયું એટલે ખાવાનું આવતું પણ બંધ. આસપાસવાળાં પણ ક્યાં સુધી વ્યવસ્થા કરે? પણ તોય ભૂખ્યા ન રહેવાય તેટલું આવી જતું.

ધીમેધીમે બધાં બીમાર પડ્યા. નયનાને પેલી સોસાયટી યાદ આવી. તે બાજુવાળાને લઈને ગઈ. ચોકીદારે રોકી એટલે તેણે પોતે ભૂખી હોવાનું જણાવ્યું. તેની ભોળી આંખોમાં આંસુ આવી ગયા.

ચોકીદારે પોતાનો ડબ્બો આપી દીધો. તે જમીન પર બેસીને ખાતી હતી. અચાનક જ રુચા નજીક આવી અને નયના ને કહ્યું, "તારી આંખો કેટલી સરસ છે? તું આજ કાલ આવતી કેમ નથી?" તેની આંખોનો ભાવ કળવો મુશ્કેલ હતો. ચોકીદારે કહ્યું, "પણ ભાભી તમે તો એને..." રુચા એ વાત કાપતા કહ્યું.

"મેં? અરે ના રે. જો દીકરા કાલે ટાઢી સાતમ છે. ઘરે મહેમાન છે. અમારે ત્યાં ટેબલ ભરીને ખાવાનું બનશે. તને ભાવે તેટલું ખાજે અને ઘરે પણ લઈ જજે. હું તને સો રૂપિયા પણ આપીશ."

નયનાની આંખોમાં ચમક આવી. તેના મોમાં પાણી આવવા લાગ્યું. ચોકીદાર સમજી ગયો. પણ રૂચાએ તેને આંખથી ઈશારો કર્યો અને તે નીચી નજર નાખીને બેસી ગયો. જવાબ ન મળતા રૂચાએ પર્સમાંથી ચોકલેટ કાઢીને આપી.

નયનાએ આવી ચમકતી વસ્તુ ક્યારેય ખાધી ન હતી. તે થોડીવાર જોતી રહી એટલે રુચાએ કાગળ ખોલી આપ્યો અને પચાસ રૂપિયા હાથમાં પકડાવી દીધા.

રૂચાએ કહ્યું હતું એટલે નયના નવું ફરાક પહેરીને તૈયાર થઈ. હા, ધારો ઘસાઈ ગઈ હતી પણ માની શેઠાણીએ આપ્યા પછી કોઈએ પહેર્યું ન હતું એટલે તે નવું હતું.

કોઈ રાજકુમારી હોય તેવી અદાથી તે ઊભી રહી. નયનાનાં મનમાં ટાઢી સાતમના સપના હતા.

"કેવી મજા આવતી હશે? અમે, તો ટાઢી સાતમ કરતા જ નથી." એને ક્યાં ખબર હતી કે એલોકોને તો દરરોજ ટાઢી સાતમ જ  હતી. તે ઉત્સાહમાં બંગલે પહોંચી. એને કોઈએ પૂછ્યું પણ નહીં અને એ સીધી આદિના ઘરે પહોંચી ગઈ. દરવાજો ખુલતાંજ આદિ રાજી થઈ ગયો.

તે નયનાનો હાથ પકડી પોતાના રૂમ તરફ જતો હતો ને રુચાએ અટકાવ્યો.

"અરે બેટા ચાલ રસોડામાં બેસીને થોડું ખાઈ લે. પછી થોડા વાસણ ઘસીને કચરો પોતું કરી આપ. મશીનમાં કપડાં ધોવાઈ જાય એટલે સુકવીને તારી મા માટે ખાવાનું લઈને જવું પડશેને? કેટલી બીમાર છે બીચારી?"

થાળીમાં ખાવાનું તો આવ્યું પણ મજા ન આવી. આવું તો એ રોજ ખાતી. અચાનક તેની નજર ટેબલ પર પડી. આદિ કંઈક રંગબેરંગી ખાતો હતો. તેણે પૂછ્યું. "તું શું ખાય છે?" તેની આંખોમાં ભોળપણ પ્રશ્નાર્થ બની ગયું હતું.

આદિ ખડખડાટ હસ્યો. "પીઝા છે. તને એટલી પણ ખબર નથી? અમારા માટે ગરમ મગાવ્યા છે. લે ખાઈશ?" નયનાએ આદિની બાજુમાં બેસીને માંડ એક ટુકડો ખાધો હશે ત્યાં અચાનક જ કોઈએ તેનો હાથ ખેંચ્યો. "શરમ નથી આવતી? મારા દીકરાની બાજુમાં બેસીને ખાય છે. ચાલ ઊભી થા." નયનાએ બીજો ટુકડો ઉપાડી લીધો. તેણે આ વસ્તુ ભાવિ હતી. તે હાથ છોડાવવા માંગતી હતી. એક ઝટકા સાથે તેણે હાથ છોડાવ્યો એટલે રુચાએ "ચોર, ચોર..."ની બૂમો શરૂ કરી.

નયના વિચારતી હતી, "કોઈ છે તો નહીં તો બૂમો કેમ પાડે છે?" તેના વિચારો લાંબા ન ચાલ્યા.

ટોળું ભેગું થયું. નયનાને ધક્કા મારીને સોસાયટીની બહાર મૂકી દેવાઈ. તે બહાર ઊભી ઊભી રડતી હતી પણ કોઈ તેની પડખે ઊભું રહેવા તૈયાર ન હતું. તે રડતી રડતી ઘરે ગઈ. તેની આંખો સુજી ગઈ હતી. ઘર આગળ ટોળું હતું. રેવા મૃત્યુ પામી હતી. હવે રોજ ટાઢી સાતમ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy