Vishwa Rawal

Others

3  

Vishwa Rawal

Others

લીલો લીમડો

લીલો લીમડો

4 mins
15K


"લીલાધર"
"જી સાહેબ.."
"તું ફરી નાપાસ થયો છે."

આવું વારંવાર સાંભળવાથી હવે લીલાધર ટેવાઈ ગયો હતો. તે સામાન્ય ઘરમાં જન્મ્યો હતો તેથી નિશાળેથી ઘરે ગયા પછી તરતજ કામે લાગી જવું પડતું. મા ઘરકામ કરતી એમાંથી ઘણા ખર્ચ નીકળી જતા પણ તો પણ જે ખેંચ રહેતી તેમાં તે મદદ કરતો. બાપુ જે કમાતા તે વાપરી જતા એટલે મા એમને ગણતી નહિ. એકનો એક દીકરો હોવા છતાં તેને લાડ મળ્યા ન હતા. લીલાધર વારંવાર નાપાસ થવાથી તેનાથી પાંચ વરસ નાના છોકરાઓ સાથે ભણતો. સાતમા ધોરણનો તે સહુથી લાંબો છોકરો હતો. નિશાળના નિયમ પ્રમાણે તેને હજુ પણ ચડ્ડી પહેરવી પડતી. તેને જાણે નાપાસ થવાની ટેવ પડી ગયી હતી. તે ખૂબજ સહજ રીતે તેનાથી નાના બાળકો સાથે ભળી જતો. તે લગભગ છ ફૂટ લાંબો હતો. ઘઉં વર્ણો વાન લાંબા ચહેરા પર દાઢી અને મૂછ પણ આવી ગયા હતા. તેને વાળ ઓળવાનો સમય મળતો નહિ ત્યાં દાઢી મૂછની કાળજી રાખવી તો બહુ દૂરની વાત હતી. આમતો નામ લીલાધર લીમ્બાચીયા હતું પણ હવે બધા એને લીલો લીમડો કહેતા.

એક દિવસ લીલાધર નિશાળ ન ગયો. તેની મા બીમાર હતી. હવે ઘર ચલાવવાની જવાબદારી તેની હતી. નિશાળ કાયમ માટે છૂટી ગઈ. હવે ભાગ્યેજ કોઈ તેને નામથી બોલાવતું. તેને લીમડો જ કહેતા. માણસ સંજોગોથી જેટલું જલ્દી અનુકૂલન સાધી લે તેટલોજ તે વધારે સુખી તે વાત તેને સમજાવવી પડી નહોતી. તે તનતોડ મહેનત કરતો. પણ બે છેડા ભેગા કરવામાં તકલીફ જ પડતી. એક દિવસ તે માની દવા લેવા માટે વૈદ ને ત્યાં ગયો. પૈસા તો હતા નહિ. તે ખૂબ કરગર્યો પણ વૈદ માન્યા જ નહિ. અંતે પૈસા વાળી દેવા માટે દરરોજ સાંજે પડીકા વાળી આપવાની શરતે તેને દવા મળી. તે અચૂક આવીજ જતો અને ધાર્યા કરતાં વધારે કામ કરતો તેથી વૈદ દવા પણ સારી આપતા. તેની માની તબિયત સુધરવા લાગી. અને એક દિવસ તે સાજી પણ થઈ ગઈ. બે વરસમાં હવે તેને ભણવામાં રસ પણ ઉડી ગયો હતો. વૈદને થોડો ડર લાગતો કે હવે લીલાધર જતો રહેશે. પણ તેમની ધારણા ખોટી પડી. હવે લીલાધર વધારે સમય આપતો. વૈદને ઓસડિયાં તૈયાર કરવામાં પણ મદદ કરતો. વૈદને કદાચ તેની ટેવ પડી ગઈ હતી. તે જરાક મોડો પડે ત્યાં ફાળ પડતી.

"બંધ તો નહિ થઈ જાય ને?" એટલેજ તે વખતો વખત લીલાધરને પૈસા આપતા. લીલાધર માટે તો વૈદ તેની માના તારણહાર હતા.

એક દિવસ તેના બાપુજી ગુજરી ગયા. સ્મશાનમાંથી તે સીધો વૈદને ત્યાં પહોંચી ગયો. ખૂબ સમજાવવા છતાં કામ ચાલુ જ રાખ્યું. ગામ આખામાં તે ચર્ચાનો વિષય બની ગયો. પણ આ તો લીલો હતો. તેને ક્યાં લોકોની અસર થતી હતી!

એક દિવસ વૈદ પોતેજ બીમાર પડ્યા. તેમણે લીલાને લીમડો વાટીને તેનો રસ પીવડાવવા કહ્યું. તે હવે વૈદના ઘરે રહીને તેમની સેવા કરતો. વૈદને આગળ પાછળ કોઈ હતું નહિ તેથી તેમને પણ બીમારીમાં કોઈ સાથે હોય તે ગમતું. વૈદની બીમારી લાંબી ચાલી અને એક દિવસ તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. લીલાધરને પોતાના બાપ કરતા પણ વૈદના ગયાનું દુઃખ વધારે થયું. તેને હવે દવાઓમાં ઘણી ખબર પડતી. તેને અખતરા કરવામાં રસ તો હતોજ એટલે વૈદના આપેલા જ્ઞાનમાંથી તે લોકોને મદદ કર્યા કરતો. એક દિવસ એક અંગ્રેજ ગામમાં આવ્યો અને માંદો પડ્યો. ડોક્ટર તો આટલા નાના ગામમાં ક્યાંથી હોય? બધાએ લીલાધરને તેની દવા કરવા સમજાવ્યો. આનાકાની સાથે લીલાધર માન્યો. બધાના આશ્ચર્ય સાથે પેલો સાજો પણ થઈ ગયો. તેને લીલાધરમાં રસ પડ્યો. તે સતત માહિતી મેળવ્યા કરતો. અંતે તેને લીલાધર સાથે મળીને ફાકીમાંથી ગોળીઓ બનાવી. અંગ્રેજનું નામ હતું જ્યોર્જ એટલે લીલાધરે કહ્યું કે જો કંપની બનાવવાની થાય તો કંપનીનું નામ તેના નામથી જ રાખીએ. જ્યોર્જ કઈ બોલ્યો નહિ. તે પાછો ચાલ્યો ગયો.

બધા લીલાધર પર હસતા કે પેલો તને ચૂનો લગાવી ગયો. પણ લીલાધર શાંત રહેતો.

એક દિવસ તેની મા અને લીલાધર ઘરને લીપણ કરતા હતા ત્યાં ટપાલી આવ્યો. તેણે કાગળ અને એક પાર્સલ આપ્યું. લીલાધરે તે ખોલ્યું તો પત્ર અને એક ખોખું હતું. તેણે પત્ર વાંચ્યો. પણ સમજાયો નહિ એટલે માસ્તર પાસે ગયો. જાણે કઈ અનોખું થવાનું હોય તેમે તેની મા અને અર્ધું ગામ પાછળ ગયું.

માએ રસ્તામાં સારા સમાચાર હોય તેના માટે અર્ધો ડઝન માનતા પણ રાખી લીધી.

પત્રમાં લખ્યું હતું.

"વહાલા લીલાધર,

તું અદભુત માણસ છે. તારી પાસે જ્ઞાનનો ભંડાર છે પણ તું સરળ છે. બધા તારી મઝાક કરે છે કારણ કે તેઓ તને જાણતા નથી. આપણે બનાવેલી દવાને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે. મારી કંપનીમાં મેં તારો ભાગ રાખ્યો છે. તેની આવકના હિસ્સા તરીકે કઈ મોકલાવું છું તો સ્વીકારવા વિનંતી." તેણે પેકેટ ખોલ્યું તો તેમાંથી એક લાખ રૂપિયા નીકળ્યા. આટલા બધા પૈસા એક સાથે આખા ગામમાં કોઈએ જોયા નહોતા. માસ્તરે આગળ વાંચ્યું. "જ્યારે કંપનીનું નામ રજીસ્ટર કરવાનું થયું ત્યારે મને તારા શબ્દો યાદ આવ્યા. મેં કંપનીનું નામ તારા હુલામણા નામ થી રાખ્યું છે. લીલો લીમડો."

લીલાધરની માની આંખમાંથી અશ્રુની ધાર થતી હતી. તે લીલાને ભેટી પડી. લીલાધર ચૂપ હતો. તેને વૈદ યાદ આવતા હતા. તેણે પચાસ હાજર રૂપિયા દવાખાનું બનાવવા માટે દાનમાં આપવાની જાહેરાત પણ કરી દીધી. હવે મા વધારે રાજી હતી. રૂપપુર ગામમાં આઝાદી પછી થોડાજ સમયમાં સરસ દવાખાનું બની ગયું. લીલો લીમડો સાચેજ છાંયો કરતો ગયો.


Rate this content
Log in