Vishwa Rawal

Comedy Thriller

3  

Vishwa Rawal

Comedy Thriller

બાહુબલી -૩

બાહુબલી -૩

7 mins
13.9K


રવિવારની સવાર બહુ ખાસ હોય છે. એવી માન્યતા છે કે ઈશ્વરે રવિવારે પૃથ્વી બનાવેલી એટલે એ દિવસે રજા રાખવી જોઈએ. ચર્ચાનો વિષય છે, પણ શ્વેત પ્રજા એ કહ્યું છે એટલે માની લેવાનું.

આપણે એમની દરેક વાત માનવ ટેવાઈ જો ગયા છીએ. એમ તો જોકે એ લોકો કાયમ બધાને બનાવતા જ હોય છે. વળી આપણા દેશમાં જે લોકો સહુથી વધારે બનાવે છે એમને કાયમ વેકેશન જેવું જ હોય છે ને? પણ હા, પાંચ દિવસનું અઠવાડિયું કર્યા બાદ શનિવારે ઈશ્વરે શું કરેલું તેની વાત ક્યાંય નથી અને એ પણ બીજા અને ચોથા શનિવારે જ. રવિવારે આવું વિચારવાનો સમય મળી જાય છે એટલેજ તે ખાસ છે. હજુ તો માંડ પગ લાંબા કરીને ચાની બે ચુસ્કી મારી હશે ત્યાં ફોનની રિંગ વાગી. આ સેલ ફોન પણ મજાની વસ્તુ છે. માણસો આપણને ગમે ત્યાં ખલેલ પહોંચાડી શકે અને આપણે તેને "રસ્તામાં છું" કહીને તેમના મૂળભૂત વિચારને બગાડી નાખીએ. તે બીચારા વિચારે કે આ માણસ આખી જિંદગી રસ્તા પર હોય છે, તો ઘર શું કામ લીધું હશે? મેં ફોન ઉપાડ્યો એટલે સામેથી અવાજ આવ્યો, "ગયા અઠવાડીએ સ્ટોરીમિરર દ્વારા ઓથર ઓફ ધ વીક થયા તે જ બોલો છો?"

મેં હકારમાં માથું હલાવ્યું પછી યાદ આવ્યું કે તે માણસ સામે નથી. હજુ હું કઈ બોલું તે પહેલાં તેણે જણાવ્યું કે અમે બાહુબલી-૩ બનાવીએ છીએ અને એની સ્ક્રિપ્ટ માટે આપણે મળવું છે. અમારા લેખકની ડિમાન્ડ વધી છે એટલે તે હવે સિરિયલ લખી રહ્યા છે. અને તમે જાણો છો કે સિરિયલો તો બહુ લાંબી ચાલતી હોય છે. મને જરૂર કરતાં વધારે હરખ થતાં મેં બે ત્રણ વખત માથું હલાવીને જવાબ આપ્યો.

"હા, કેમ નહિ? પણ આપણે મળીએ." રવિવારે સાંજે જ મળવાનું નક્કી થઈ ગયું.

જીન્સ અને કુર્તી પહેર્યા પછી મેં ખભા પર બગલ થેલો લગાવી દીધો. થોડું સાહિત્યકાર જેવું લાગે ને? પગથિયાં ઉતરીને ચાના અડ્ડા પર ગયા બાદ ભીડમાં નજર કરી પણ પછી યાદ આવ્યું કે હું તો તેમને પહેલી વખત જ મળું છું. અચાનક એક કાળાડિબાંગ ભાઈ મારી પાસે આવ્યા અને પોતાનું કાર્ડ આપ્યું. હું તેમની પાછળ એક ટેબલ સુધી ગઈ. શુસોભન ખૂબ જ સરસ હતું. ધીમા અવાજે સંગીત ચાલતું હતું. એક દીવાલ પર મોટું ટીવી હતું જેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. ભરચક જગ્યામાં બધાં પોત પોતાની વાત કરતા હતા એટલે ઘોંઘાટ પણ સારો એવો હતો.

એક જાડા ઊંચા મોટા ચાંદલાવાળા બહેને બધાનો પરિચય આપ્યો પછી વાત શરૂ થઈ.

મેં જણાવ્યું કે, "તમે શ્રીદેવીને લેવા માંગો છો તો તમે એને હીરોની મા તરીકે લઈ શકો. આમ પણ રામિયા તો મરી ગઈ છે. તો હીરોની માની તો જરૂર પડશે જ.

પેલા બેને મને પૂછ્યું, "તમે પહેલાં એકતા સાથે કામ કરતા હતા?" મેં માથું ધુણાવ્યું.

"અરે ના, ના. રામિયાની ગેર સમજ થઈ હોય છે કે બાહુબલીની મા મરી ગઈ છે. પણ તે જીવતી નીકળે છે." બધાને વિચાર બહુ ન ગમ્યો પણ પછી મોટી આંખોવાળી હિરોઈનની જરૂર દર્શાવતા મારી વાતને વિચાર પર લેવા કહ્યું. મેં કહ્યું કે, "આ વખતે બાહુબલી છોકરીને બનાવીએ." બધાની આંખો પહોળી થઈ ગઈ. મેં સમજાવ્યું કે, "બેટી બચાવો અભિયાનને આપણી ફિલ્મ સાથે જોડી દઈએ તો સરકારી મદદ પણ મળી રહે. અને આપણે એ સસ્પેન્સ રાખીશું. જેમ ખુદાગવાહમાં શ્રીદેવીનો સાફો ખુલી જાય છે, તેને તમે પહેલાં પણ ચોરી કરેલું..." તેમણે મારી વાત કાપતા કહ્યું કે, "એને ચોરી નહિ પણ પ્રભાવિત થવું ગણાય." હું પણ તેમની વાતથી પ્રભાવિત થઈ. પેલા બેને મને પૂછ્યું, "શું લેશો?" મેં મારી ફી જણાવી એટલે તેમણે મને મેનુ કાર્ડ આપીને પૂછ્યું, "આમાંથી શું લેશો?" મેનુ વાંચતા લાગ્યું કે આલોકો સાચેજ વધારે પૈસા કમાયા હશે. પણ મારે ક્યાં બિલ ભરવાનું હતું? મેં ખાલી કોફી મંગાવી.

"પિક્ચરની  શરૂઆતમાં એક મોટી આંખ વાળી સ્ત્રી ભાગતી ભાગતી આવે છે અને કહે છે, "આને  બચાવો." તે પોતાના ગળામાંથી એક માદળિયું કાઢીને બાળકને પહેરાવીને મરી જાય છે." "પણ આવું તો બાહુબલી-૧માં હતું!" પેલા જરાક અકળાયા. "અરે સાહેબ આ વખતે કૈંક જુદું હશે. પેલું બાળક છોકરી હશે અને પેલી સ્ત્રી શ્રીદેવી." શ્રીદેવીનું નામ ચાલી ગયું. પણ મને સમજાવવામાં આવ્યું કે આ ફિલ્મમાં તે છાનીમાની કોઈનું ખૂન કરવા નહિ જાય. તે મહારાણી હશે. એને ખાલી કટ્ટપાને આવું નાનું નાનું કામ સોંપી દેવાનું હોય. આ બાહુબલી છે 'મોમ' નહિ.

વાત આગળ ચાલી, "નાનપણથી લેડી બાહુબલીને સપનામાં બે મોટી મોટી આંખો દેખાતી હોય છે અને સંગીત સંભળાતું હોય છે, "મેં રૂપ કી રાની તું ચોરો કે રાજા." તે ઝબકીને જાગી જતી હોય છે. એ એના નવા માબાપ સાથે છોકરો બનીને ખેતી કરવા જતી હોય છે એટલે એનામાં ખૂબ તાકાત આવી જાય છે. એક દિવસ એ નદીનાં ધોધ પાસે બેસીને તેનાં હથિયારને ધાર કાઢતી હોય છે ત્યાં એક મહોરું તેની પાસે ઉડીને આવે છે." પેલા બહેને વાત કાપી, "આતો બાહુબલી-૧માં હતું."

મેં સમજાવ્યું કે કેટલીક હિટ વાતો ફરી બતાવીએ તો વાંધો નહિ. નમકહલાલનું પગ ઘૂંઘરું ગીત છે તેની પહેલાના સીન "ધ પાર્ટી"માંથી જ લેવામાં આવ્યા છે ને? કોઈને ખબર પડી? કોહિનૂરનો અરીસાવાળો સીન અમર અકબર એન્થોનીમાં પણ છે જ ને? આપણે તો પ્રભાવિત થઈએ છીએ." બધાની આંખો મારા પર ચોંટી ગઈ. મેં આંખ પટપટાવી જેથી એલોકોનું ધ્યાન વાર્તા પર આવે.

"પેલી છોકરીમાં અચાનક તાકાત આવી જાય છે અને તેને એ મહોરાંમાં પેલી આંખો દેખાય છે. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગે છે. એ કુદકા મારતી એક હજાર ફૂટ ઉપર જતી રહે છે. ત્યાં એ પોતાની પાઘડી ઠીક કરતી હોય છે અને અચાનક બુમાબુમ થાય છે. એક છોકરો ભાગતો હોય છે જેની પાછળ ઘણા બધા શિકારીઓ પડ્યા હોય છે. આ છોકરી પેલું મહોરું લઈને બધાને મરી નાખે છે." બધાએ શ્વાસ છોડ્યો.

મેં કહ્યું, "હવે વાર્તા ચટપટી થશે. પેલો યુવાન બાહુબલીનો ભાઈબંધ બની જાય છે. તે પેલાને પોતાના કબીલામાં લઈ જાય છે. બધા બહુ રાજી થાય છે કારણ કે દેવીનાં મહોત્સવમાં બલી ચડાવવા માટે કોઈ મળ્યું નથી હોતું. બાહુબલીને તૈયાર કરવા જતાં એ લોકોને ખબર પડે છે કે આ બલીને લાયક નથી. અહીં આપણે બેટી હોવાનો એક ફાયદો દર્શાવી રહ્યા છીએ." બધાં પ્રભાવિત થઈ રહ્યાં હતાં.

"પછી બાહુબલીને જ બલી શોધવાની જવાબદારી સોંપવામાં આવે છે. તે નજીકના ગામમાં જાય છે જ્યાં એક મોટો મહેલ હોય છે. તેની પાસે એક મોટું ચોગાન હોય છે જ્યાં એક રાણી જેવી દેખાતી મોટી આંખોવાળી સ્ત્રી પગમાં સાંકળ બાંધીને સૂતી હોય છે." પેલા બેને મારી વાત કાપી. "પણ એને તો આપણે બાહુબલી-૨માં મુક્ત કરી દીધી હતી." મેં સમજાવ્યું કે તેને વિસ વરસમાં સાંકળની આદત પડી ગઈ હતી. દો આંખે બારહ હાથ વાળો સીન?

"પેલી સ્ત્રી એને બધીજ વાત સમજાવે છે કે તળેટીમાં નેત્રા દેવીનું મંદિર છે જેની પૂજા કરવાથી પ્રદેશની રક્ષા થાય છે. બાહુબલી-૨ ત્યાં દર્શન કરવા ગયો પણ પાછો જ ન આવ્યો. એટલામાં ખબર પડી કે તેની સાસુ જીવે છે એટલે તે મળવા ગઈ. સાસુ પોતાની વહુ કરતાં પણ જુવાન લાગતી હતી. કારણ કે તે શ્રીદેવી હતી. સાસુની મોટી આંખોથી અંજાઈને તે ઘરની બહાર રહેતી. વહુએ દીકરીને જન્મ આપ્યો. એટલે તેને દૂધ પીતી કરવા અમે મહેલમાં ગયાં. સાસુ તેને લઈને ભાગી. કટપ્પાએ તેમને તિર માર્યું. અને શ્રીદેવી અદ્રશ્ય થઈ ગઈ."

"પણ કટપ્પા શ્રીદેવીને તિર શું કામ મારે?" પેલા લોકોની આંખ માં સવાલો ઉદ્ભવ્યા. "એ આપણે સસ્પેન્સ રાખીશું. પણ આ સવાલ બાહુબલી પૂછશે. જેમાં બંને સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થશે અને બાહુબલીની પાઘડી નીચે પડી જશે. ત્યાં પાછળ થી હા હા હા હા હા... અવાજ આવશે અને બાહુબલી-૩નીમાં આવશે. એ કહેશે કે ઈસ બાર આપ ગલત હે. આ મારી જ છોકરી છે." બાહુબલીને નેત્રા દેવીની પૂજા માટે મોકલાય છે. બે પર્વત વચ્ચે એક આંખ દેખાતી હોય છે જે મંદિર હોય છે. અચાનક પેલા જંગલી લોકો આવે છે અને ભીંસણ યુદ્ધ થાય છે. ત્રણેય પેઢીની સ્ત્રીઓ ભેગી થઈને યુદ્ધ લડે છે. પેલા ચકરડીવાળા રથનો આપણે ઉપયોગ કરીશું. નાના છોકરાવને બહુ મજા પડશે." મારી આ વાત પર બધાં જ સહેમત હતાં.

“આપણી બાહુબલીના હાથના મેકઅપ માટે આપણે મિસ્ટર ખાનને પૂછી લઈશું. બાહુબલીના બાવડાં જોઈને પેલો કબિલાનો છોકરો પ્રભાવિત થાય છે પણ અચાનક દોરડા પરથી હાથ છૂટી જતા બાહુબલીની પાઘડી ખુલી જાય છે. તેના વાળ ચહેરા પર લહેરાય છે. હીરો નિશાસા નાખે છે. કારણ કે તેણે મિત્રના બદલે પ્રેમિકાને જોઈ હોય છે. હિરોઈન તળેટી તરફ જતી રહી હોય છે. અચાનક પરદા પર પેલી બે આંખો દેખાય છે અને ગીત વાગે છે. પિક્ચર પતી જાય છે." બધાએ મારી સામે જીણી આંખ કરી. "પેલી આંખો કોની હતી? શ્રીદેવીનું કામ શું હતું? બંને બાહુબલીનું શું થયું? કેટલા બધા સવાલોના જવાબ નથી મળતા." મેં કોફીની છેલ્લી ચુસ્કી મારી. મારી આંખોમાં તોફાન આવ્યું. "બાહુબલી-૧માં એક સવાલનો જવાબ ના મળ્યો તો બાહુબલી-૨ને દોઢ હજાર કરોડનો વકરો થયો. બાહુબલી-૨માં આવો કોઈ સવાલ બાકી નથી. જો ત્રણ ચાર સવાલના જવાબ નહિ મળે તો બાહુબલી-૪નો વકરો વિચારી જુઓ. મને હતું કે હવે બિલ તો મારે જ આપવું પડશે. પણ બધાની આંખોમાં અહોભાવ આવ્યો. મને ભેટીને કહ્યું, "આપણે એક સિરિયલ બનાવીએ તો કેવું? તમે પહોંચી વળશો!"


Rate this content
Log in

Similar gujarati story from Comedy