સપનું સાચું પડ્યું
સપનું સાચું પડ્યું
ધનેષ, કેવું સરસ નામ રામુકાકાએ પાડ્યું હતું પણ બિચારાના નસીબમાં ઉકરડે પડેલી કચરાપેટીમાંથી પ્લાસ્ટીકની થેલીઓ, ટીનના ડબ્બા વીણવાનું જ લખાયેલું હતું. ક્યારેક વળી આમ વીણતાં વીણતાં કોઈ થેલીમાંથી ખાવાનું કે વળી એક બે રૂપિયા કે વળી કોઈ વખત કંઈ સારું કપડું હાથ લાગી જતું. ત્યારે તે નાદાન ખુશ થઈ જતો. માબાપની તો ખબર નહોતી. ફૂટપાથ પર બીજા ગરીબ લોકો સાથે ઉછર્યો અને એ લોકોની સાથે જ આમ કચરો વીણવાનું કામ શીખી ગયો.
રામુકાકાએ નામ ભલે ધનેષ પાડ્યું હતું પણ બધા એને ધનિયો જ કહેતાં હતાં. રામુકાકા એને પોતાના દીકરાની જેમ વહાલ કરતાં. તેઓ રાત્રે એને ઘણી વાર નાની નાની બોધપ્રદ વાર્તા કહેતાં. એમાંથી એ એટલું શીખ્યો કે ખોટું બોલવું નહીં, ચોરી કરવી નહીં. કોઈની વસ્તુ પડાવી લેવી નહીં. વળી તેઓ એને થોડું થોડું વાંચતા લખતાં પણ શીખવાડતાં. કચરાપેટીમાંથી કોઈ કાગળ કે છાપું મળે તો તે વાંચવા પ્રયત્ન કરતો.
રસ્તે જતાં લોકોને જોઈ એને ઘણી વખત વિચાર આવતો કે ક્યારે હું સ્કૂલમાં જઈશ ? હું આ લોકો જેવો અમીર ક્યારે બનીશ ? ક્યારે મારી પાસે ગાડી આવશે ? એની નાની આંખોમાં મોટા સપના હતાં. એક દિવસ એ કચરાપેટીમાંથી કચરો ફેંદી રહ્યો હતો. ત્યાં જ એક શેઠ ગાડીમાંથી ઉતર્યા. એમણે કંઈ કામ માટે ખિસ્સામાં હાથ નાંખ્યો અને પછી હાથ બહાર કાઢ્યો એ વખતે એમના ખિસ્સામાંથી પાકીટ બહાર પડી ગયું. એ તો ગાડીમાં બેસી જતાં રહ્યાં. પણ ધનેષનું ધ્યાન ગયું. એણે પાકીટ ઊંચકી લીધું અને ગાડી પાછળ "શેઠજી, શેઠજી," કરતો દોડ્યો. એને ગાડી પાછળ દોડતો જોઈ શેઠજીએ ડ્રાઈવરને ગાડી ઊભી રાખવા કહ્યું.
ગાડી ઊભી રહી એટલે ધનેષ ઝડપથી દોડીને ગાડી પાસે આવ્યો. "કેમ છોકરા ગાડી પાછળ દોડતો હતો ? બીજા કોઈ વાહનની ટક્કર તને લાગી જતે તો ?"
"શેઠજી, આ તમારું પાકીટ. તમે ત્યાં ઊભા હતા ત્યારે પડી ગયું હતું. મેં તમને કેટલી બૂમ પાડી પણ તમે સાંભળી જ નહીં. એટલે હું ગાડી પાછળ દોડતો હતો."
"દીકરા, તને ખબર છે આમાં કેટલા પૈસા છે ? આમાં બે લાખ રૂપિયા છે."
"આમાં ગમે તેટલાં પૈસા હોય પણ એ મારા નથી ને."
"દીકરા, આ પાકીટ તું રાખી લેતે તો તારે થોડો સમય મહેનત ન કરવી પડતે."
"ના, શેઠજી. મારા રામુકાકાએ મને કહ્યું છે કે હરામની વસ્તુ આપણાથી ન લેવાય."
ધનેષની વાતથી પ્રભાવિત થઈ, બીજે દિવસે નિઃસંતાન શેઠ પિરામીલ રામુકાકાને મળવા ગયા. એમણે રામુકાકા પાસે ધનેષને માંગી લીધો. રામુકાકા ખુશ થઈ ગયા. એક અનાથને ઘર અને માબાપ મળતાં હતાં. તેમણે રડતા હૃદયે પણ રાજી થઈને ધનેષને શેઠ પિરામીલને સોંપી દીધો.
ધનેષનું સપનું જાણે સાચું પડ્યું. શેઠ પિરામીલે એને એક કુટુંબ અને ભણાવી ગણાવી સારું જીવન આપ્યું.
