સ્પંદન
સ્પંદન
સાહિલને જોઈને મને કેમ એક અનોખી અનુભૂતિ થાય છે ? શું તેનું સુષ્ઠુ કાઠું કે તેનો મોહક ચહેરો કે પછી તેની માદકતા આ બધા કારણે હું આવું અનુભવું છું ? કોલેજમાં અનેક યુવાન મિત્રો છે પણ અન્ય કોઈ યુવાન પ્રત્યે મને આટલી આસક્તિ કેમ નથી ? કશું સમજાતું નથી.
જ્યારે પણ સાહિલ મારી પાસે આવે છે ત્યારે મારી ધડકનો વધી જાય છે. મને એમ જ થાય કે અમે સાથેને સાથે રહીએ પણ તે તો શક્ય હોય જ નહીં એટલે જેટલો વખત સાથે રહેવા મળે તેટલા વખતનો યોગ્ય લાભ લેવાનો મારો પ્રયત્ન રહેતો. સાથે સાથે એ પણ વિચાર આવતો કે કોલેજમાં છીએ ત્યાં સુધી તો ઠીક પણ કોલેજકાળ સમાપ્ત થયા પછી શું ? વળી મને સાહિલના મનોભાવની જાણ નથી તો શું આ એક તરફી અનુભૂતિ છે ? એમ હોય તો મારી શું હાલત થશે ? આ બાબતમાં સાહિલને પૂછી પણ ન શકાય અને અન્યોનો સહારો પણ લેવો મુશ્કેલ છે તો શું કરવું ? આમને આમ જો હું વ્યથિત રહીશ તો મારી માનસિક હાલત શું થશે ? કાંઈ સમજાતું નથી.
આ બધુ વિચારતો હતો તે જ વખતે સાહિલ મારી નજીક આવ્યો અને મારા ખભે હાથ મૂકી હાય કહ્યું. તેના હાથના સ્પર્શે જગાવેલ સ્પંદનોમાં હાય સાંભળતા તેમા ઓર વધારો થયો. થોથવાતા અવાજે મેં માંડ માંડ સામું હાય કહ્યું.
‘ચાલ કેન્ટીનમાં બેસીને વાત કરીએ.” કહી મારો હાથ પકડી ચાલવા લાગ્યો. મારે તો બસ તેની પાછળ પાછળ જવાનું રહ્યું. કેન્ટીનમાં સાહિલ બે કપ કોફી લઈ આવ્યો. પણ હજી મારી સ્વપ્નાવસ્થા પૂરી નહોતી થઈ.
‘કિરણ, તું તો બહુ શરમાળ છે. દોસ્તીમાં તે ન ચાલે. કોલેજમાં તો બધા એકદમ ફ્રી વર્તન કરે અને તું તો જાણે કોઈ બીજી દુનિયામાં હોય તેમ વર્તે છે.’
હવે તેને મારી પરિસ્થિતિ કઈ રીતે જણાવું કે સાહિલ, તને જોતાં જ મારા વિચારો અને લાગણી બદલાઈ જાય છે. જો આવું હું કહીશ તો તું તે હસી કાઢશે તેની મને બીક છે એટલે તો મનમાં સમસમી રહેવું પડે છે.
સામાન્ય રીતે કોલેજમાં ભણતા સહાધ્યાયીઓ એકબીજાની નજીક આવે છે અને કેટલાય તેને લગ્નજીવનમાં પરિવર્તિત કરે છે પણ મને આવા પ્રકારની લાગણી ઉદ્ભવશે તેનો તો ક્યારેય વિચાર નહોતો આવ્યો. અને વિચાર પણ કેમ આવે ? કારણ મારી પ્રકૃતિ જ જુદી છે. જે તે કોઈ આગળ વ્યક્ત પણ કરાય એમ નથી.
જ્યારે પણ કોલેજમાં વેકેશન પડે કે હું બેચેની અનુભવું કારણ કોલેજ ચાલુ હોય ત્યારે સાહિલ સાથે જે રોજ મેળાપ થતો તે બંધ. હા ફોન પર વાત કરાય પણ તેનાથી સંતોષ થોડો થાય જે તેને રૂબરૂ મળવાથી થાય ? થાય કે વેકેશન જ ન પડે પણ તે આપણા હાથમાં થોડું હોય છે ? મારી આ બેચેની અન્યોથી છૂપી ન રહે અને એટલે પ્રશ્નોની ઝડી વરસે. પણ મારી મન:સ્થિતિ લોકોને જણાવવા હું અસહાય એટલે તમે સમજી શકશો કે મારે ચૂપ રહ્યા સિવાય ઓર કોઈ ચારો ન હતો.
અંતે કોલેજકાળ પૂરો થયો અને કોલેજના છેલ્લા દિવસે સાહિલે પૂછ્યું કે મને સાંજે તેને મળવાનું ફાવશે ? અરે સાહિલ, તું બોલાવે અને હું ન આવું ? હકીકતમાં તો આવું આમંત્રણ મારે માટે આ એક અનન્ય ભેટ જેવું હતું. તેની આ વાત સાંભળ્યા પછી આપણે જાણે સાતમે આસમાને સફર કરી રહ્યા હોય તેવું અનુભવ્યું. સાંજે મળવાનું હતું પણ ત્યાં સુધીમાં તો કંઈ કેટલાય વિચારો આવી ગયા કે શા માટે મળવા કહ્યું ? શું મારા મનની વાત તે સમજી ગયો છે ? જો તેમ હોય તો મારા માટે તે કેટલું સરળ થઈ ગયું.
મમ્મીને સાહિલ મારો મિત્ર છે તેની જાણ હતી કારણ તે એક બેવાર ઘરે પણ આવી ગયો હતો એટલે સાંજે મમ્મીને કહ્યું કે સાહિલે મળવા જાઉં છું. અવારનવાર અમે હોટેલમાં ગયા છીએ પણ કોણ જાણે કેમ મને લાગ્યા કરતુ કે આજની મુલાકાત જરૂર જુદી બની રહેશે.
હોટેલમાં ગયા પછી જોયુ કે સાહિલ એક ખૂણાના ટેબલ પર જોયો અને તેને જોઈને જ દિલની ધડકન થોડી ઝડપી થઈ ગઈ. તેની પાસે જઈ મેં કહ્યું ‘હાય, બહુ રાહ જોવી પડી ?’
‘ના, દસેક મિનિટ પહેલા જ આવ્યો. બેસ.’
ઈચ્છા તો તેની બાજુમાં બેસવાનો હતો પણ જાત પર કાબુ રાખી તેની સામેની ખુરસીમાં આસન જમાવ્યું.
‘શું લેશે, ચા, કોફ્રી કે કશુક ઠંડુ ?’
‘તે શું મંગાવ્યું ?’
‘કશું નહિ, તારા આવવાની રાહ જોતો હતો.’
આ સાંભળી અંતરમાં એક આનંદની લાગણી ફરી વળી. મારી આટલી ચાહ ? પછી કહ્યું કે હું સેન્ડવીચ અને કોફી લઈશ. સાહિલે બે સેન્ડવીચ અને બે કોફીનો ઓર્ડર આપ્યો.
‘આજે તો આપણી કોલેજનો છેલ્લો દિવસ. થયું કે પહેલા બધા મિત્રોને ભેગા કરી ધમાલ કરીએ પણ કોણ જાણે કેમ તને હું મિત્ર કરતા વધુ ગણું છું એટલે થયું કે આપણે બંને એકલા જ મળીએ. મારે જે વાત કરવી છે તે કદાચ તને આંચકો પણ આપે પણ આટલા વખતની દોસ્તી પછી લાગ્યું કે આપણી વચ્ચે મનની વાત કરવા માટે કોઈ સંકોચ શા માટે ?’
આ સાંભળી મને પણ ઉત્કંઠા જાગી કે શું હું સમજુ છું તેવું સાહિલના મનમાં પણ છે ? ના, કદાચ આ મારો ભ્રમ પણ હોય. કારણ તેના માટેના મારા વિચાર તો એકતરફી ગણાય અને સાહિલને તેનો કોઈ અંદાજ પણ ન હોયને ? જે હશે તે હમણાં તે કહેશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. થોડીક ઉત્કંઠાથી તે આગળ શું કહે છે તેની રાહ જોઈ.
‘કોણ જાણે કેમ મને તારી તરફ એક અનન્ય લાગણી થાય છે. તને જોઉં છું અને મારી દિલની ધડકન વધી જાય છે.’
લો, આ તો આપણે બંને એક જ નાવના યાત્રી, મેં મનમાં વિચાર્યું. પણ તે આગળ બોલે તો વધુ સ્પષ્ટતા થશે તેમ લાગ્યું એટલે મેં કોઈ જવાબ ન આપતા તેના બોલવાની રાહ જોઈ.
‘મને ખબર નથી કે આ વાત સાંભળી મારા માટે તારો શો અભિપ્રાય હશે પણ છેલા કેટલાક સમયથી જે વાત કરતા સંકોચ થતો હતો તે એકવાર કરી નાખ એમ મને મારૂં મન કહી રહ્યું હતું એટલે આજે હિંમત કરીને મારા મનની વાત તને કહી નાખવાનું વિચાર્યું.’
મને મનમાં થયું કે જે વાત તું કરવા માંગે છે તે મારા મનની વાત જ હોય. એટલે મેં મારો હાથ તેના હાથ ઉપર મૂક્યો અને કહ્યું કે જે વાત કરવી હોય તે નિ:સંકોચ કર. જો કે તેના હાથ ઉપર હાથ મૂકતા મેં જે ઝણઝણાટી અનુભવી તે મારા માટે અવર્ણનીય બની રહી.
‘મારી વાત એવી છે કે કદાચ તને અજુગતું લાગે તો મને વચ્ચે જ અટકાવજે.’
મેં ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું.
‘સાચું કહું મને કેટલાય વખતથી તારા પ્રત્યે સજાતીય લાગણી થયા કરતી હતી પણ તું આ વાત સમજશે કે કેમ અને સમજશે તો સ્વીકારશે કે કેમ તે મારા મારે એક મૂંઝવણભરી પરિસ્થિતિ હતી. જ્યારે પણ તને આ વાત કરીશ ત્યારે તને જરૂર આંચકો લાગશે તેમ જાણવા છતાં એકવાર તો કહી નાખું અને નિરાકરણ કરી લઉં જેથી મારી મન:સ્થિતિને સંભાળી શકું. એટલે બહુ વાર વિચારી આજે તને તે કહેવા માટે મન મક્કમ કર્યું. તને કદાચ મારા માટે આવો વિચાર ન પણ આવ્યો હોય તો મને તે માટે કોઈ અફસોસ નથી એટલે તું પણ તારા વિચાર સ્પષ્ટ કરી શકે છે.’
જવાબમાં મેં તેનો હાથ દબાવ્યો અને કહ્યું, ‘સાહિલ, મારા મનમા જે વાત હતી તે તે કરી એનો મને કેટલો આનંદ છે. હું પણ તારા તરફ કેટલાય વખતથી આવી લાગણી અનુભવતો હતો પણ હું તને તે કહેવા સંકોચ અનુભવતો હતો. આજે તે પહેલ કરી વાત કરી તેનાથી મારા મનમાં પણ નિરાંત થઈ કે હવે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી.’
‘સવાલ એ છે કે આપણે બંને સજાતીય લાગણી ધરાવીએ છીએ પણ આપણા કુટુંબીજનોનો વિરોધ તો આપણે તેનો સામનો કેમ કરીને કરશું ?’
‘અરે મિયા મિયા રાજી તો ક્યાં કરેગા કાજી ? એકવાર આપણે અડીખમ રહેશું તો દુનિયા જખ મારે છે. હા મુશ્કેલીઓ તો આવશે પણ મને ખાતરી છે કે હું અને તું તેને પાર કરી લેશું.’
‘તારી વાત સાંભળી મને નિરાંત થઈ એમ કહેવું જરૂરી છે ? પણ વધુ આનંદ તો એ વાતનો છે કે તું પણ મારી જેમ જ વિચારતો હતો એટલે તે કહ્યું તેમ દુનિયા જખ મારે છે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. હવે યોગ્ય સમયે આપણે આપણા કુટુંબીઓને આ વાતથી વાકેફ કરશું અને તેમના કેવા પ્રત્યાઘાત આવશે તે જાણીને પછી આગળના પગલાનો વિચાર કરશું.’
વાતોમાં આવેલી કોફી પણ ઠંડી થઈ ગઈ તેનો અમારા બંનેમાંથી કોઈને ખ્યાલ ન આવ્યો પણ હવે અમારી લાગણીઓ વ્યક્ત થયા બાદ તે એક મામુલી વાત બની ગઈ હતી.
છૂટા પડવાનું મન તો ન હતું પણ હોટેલમાં બહુ સમય થયો હોય નાછૂટકે અમે ઊભા થયા. એકબીજાના હાથમા હાથ લઈ અમે બહાર નીકળ્યા. મનમાં તો હતું કે એકવાર તેને એક કિસ આપી દઉં પણ જાહેરમાં તેવું અયોગ્ય વર્તન કરતા અચકાયો એટલે સાહિલનો હાથ વધુ જોરથી દબાવ્યો અને આંખના ઈશારે પૂછ્યું કે હવે ક્યારે મળશું ? જવાબમાં હાથના ઈશારે જ તેણે કહ્યું કે કાલે.
બસ, હવે કાલની અને તેવી અનેક કાલોની રાહ જોવી રહી.
(આગળ શું થયું તે સુજ્ઞ વાચકમિત્ર સ્વયં નક્કી કરી શકે છે) .

