સપનાનો સુલતાન
સપનાનો સુલતાન
“આહાહાહા ! આટલી સાહ્યબી મળી પછી જોઈએ શું ?” સોનાના સિંહાસન પર રાજાની જેમ બેઠેલા ચંદુને સંતોષનો ઓડકાર આવી ગયો. બે બાજુ બે ચમર ઢોળતા દાસ, એક સફેદઝગ વસ્ત્રપરિધાનવાળી પરી પગ પર હૂંફાળા ગુલાબની પાંખડીઓવાળા જળનો અભિષેક કરતી હતી. બીજી પરી એક મલમલના મુલાયમ વસ્ત્ર સાથે તૈયાર જ હતી. એણે ચંદુનાં ખરબચડાં ચરણ લૂછવા માંડ્યાં.
ચંદુને જરા શરમ આવી ગઈ. “આ ક્યારેય પગ હાથ પર ધ્યાન જ ન દીધું. આવી બાદશાહત મળશે એવી ખબર હોત તો સહેજ પેલું શું કહેવાય પેડીક્યોર કરાવી લેત ને ! હવે શું? ઠીક છે રાજાને કોઈ થોડું કાંઈ કહે !”
મન વાળીને પાછી આંખો બંધ કરીને ચંદુ લ્હાણ લેવામાં પડ્યો. ત્યાં તો જિતેન્દ્રવાળું પિક્ચર હાતિમતાઈ જોયું હતું એમાંની હુસ્નપરી સામેથી બે દાસી સાથે દિવાન-એ-ખાસમાં પ્રવેશી. ચંદુ ફાટી આંખે હુસ્નપરીને જોઈ રહ્યો. હુસ્નપરી સિંહાસન નજીક આવી. ચંદુને એણે નમ્રતાપૂર્વક વંદન કર્યાં. “અરે ઓ પરી, તું વંદન બંદન ના કર. તું અહીં દેખાઈ એ જ મારા માટે તો લોટરી લાગી છે.”
ચંદુને સહેજ ચચરાટ થયો. “પેલો કનિયો આજે જ નથી દેખાતો. નહીંતર મારા ઠાઠમાઠ જોઈને બળી જાત. રોજ મહેણાં મારે કે, પાંચ પૈસાની આવક અને પાંચ રાજના ધણી જેટલી ટણી. આજે બરાબર ખબર પાડી દેત.”
હુસ્નપરીએ ચપટી વગાડીને કહ્યું, “સાહબજાદે, કયા ખયાલમાં ખોવાયા ? આ બંદીને તમારી ખાતિરદારીની ઈજાજત આપો.”
“આહાહા ! ફરી સ્વર્ગમાં પહોંચી ગયાની અનુભૂતિ હોં !” ચંદુ આંખ મીંચીને માણી રહ્યો હતો. હુસ્નપરી પોતાના કોમળ હાથે ચંદુને વિંઝણાથી હવા નાખી રહી હતી. પાંચ મિનિટ થઈ ને એમ થયું કે, “આ કોમળ હાથ આટલા ખરબચડા કેમ લાગે છે ? આ મોરપિંછનો મુલાયમ વિંઝણો રોજના ગમલીના ઝાડુ જેવો કાં લાગે !”
ત્યાં તો બે થપાટ પડી. “ઉઠ ઉંઘણશી. નોકરીએ કોણ જશે ? નસીબમાં રાજા બનવાનું નથી લખાવી લાવ્યો. ઉઠ ઉઠ.”
અને કડડડડભૂસ થઈ ગયો ચંદુનો સપનામહેલ.
“હે ભગવાન. હું તો ઠેર નો ઠેર જ છું.” એક રકાબી ચા પીતાં પીતાં ચંદુએ ગમલીને કહ્યું, “હુસ્નપરી આવી ચા તો બનાવી જ ના શકે હોં !”
મનોમન તરંગી બાદશાહતની મોજ માણતો ચંદુ નોકરીએ જવા નીકળ્યો. ગમલીને હુસ્નપરી વિશેના વાક્યમાં જરાય સમજણ ન પડી. “મુઓ, શું ને શું બકબક કરે રાખે છે.”
