Manoj Joshi

Abstract Classics

4.1  

Manoj Joshi

Abstract Classics

સંસ્કૃત સત્ર ૧૮

સંસ્કૃત સત્ર ૧૮

5 mins
7.7K


લેખન,સંકલન અને સંપાદન :-મનોજ જોષી (મહુવા)

પરામર્શક:-સર્વ શ્રી ગૌતમભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ પંડ્યા

માહિતી સ્ત્રોત:-“આહુતિ”ગ્રંથ, “બહુશ્રુત” ગ્રંથ સંપુટ, શ્રી.નરેશભાઈ વાવડીયા અને શ્રી નિલેશભાઈ વાવડીયા (સંગીતની દુનિયા પરિવાર)

કૈલાસ નિવાસી ભગવાન ભોલાનાથની જટામાંથી જે રીતે સપ્તધારા રૂપે ભગવતી ગંગાનું ધરા પર અવતરણ થયું એ જ રીતે પૂજ્ય બાપુના સત્સંકલ્પના સાકાર સ્વરૂપ સમા કૈલાસ ગુરુકુળની પાવન ભૂમિ પર બાપુની કૃપા-પ્રસાદી રૂપે સપ્તધારામય સનાતન સંસ્કૃતિ પ્રવાહીત થતી અનુભવાય છે.

સત્સંગ, સ્વાધ્યાય, સંસ્કાર, સમર્પણ, સેવા, સ્વીકાર અને સંવાદ એમ સાત સાત ધારા સ્વરૂપે સંતની સમતા સાથેની મમતા અહીં વહી રહી છે.

સમગ્ર સૃષ્ટિ પર વહાલ વરસાવતા પૂજ્ય બાપુ કશાય ભેદભાવ વગર મનુષ્ય માત્રને પોતાની વત્સલબાથમાં સમાવી, પોતાની દિવ્ય અનુભૂતિઓનો પ્રસાદ જાણે કે સૌને વહેંચવા બેઠા છે. અહીં નર્યો સ્વીકાર છે, ઉમળકાભર્યો આવકાર છે. જ્યાં પણ શ્રેષ્ઠ હોય ત્યાંથી શોધી, તેને ઉજાગર કરવાના શુભાશયથી અહી સર્જકતાનું સન્માન થાય છે. સાહિત્યકારો, કલાકારો, કથાકારો, કર્મશીલો, વિદ્યાધરો, સાધકો, સ્વાધ્યાયીઓ, શ્રાવકો અને સેવાધારીઓ સહુની પર અહેતુક હેત વરસાવીને બાપુ તેમનામાં રહેલા શ્રેષ્ઠત્વની ભાવવંદના કરે છે. એ રીતે તેઓ આવનારી પેઢીને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડે છે. આ માટેના અનેકવિધ પ્રકલ્પો પૈકીનો એક “સંસ્કૃત સત્ર” છે.

ઋષિ (ગૌતમ) ના મનોરથને મોરારિ (બાપુ) એ આવકાર્યો, સ્વીકાર્યો અને સાર્થક કર્યો. આ ઘટનાક્રમને “સંસ્કૃત સત્ર” કહી શકાય. હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં ગાયન, વાદન અને નર્તનના કલાધરોની વંદના સાથે શબ્દસેવી સુજ્ઞ સાહિત્યકારોના રસભર્યા વાક્પ્રવાહને માણવાનો અવસર મળે એ માટે અસ્મિતાપર્વનો ઉપક્રમ આરંભાયો.શ્રી હરિશ્ચન્દભાઈ અને શ્રી વિનોદભાઈએ અસ્મિતાપર્વ-૧ ની કાર્યક્રમ સૂચિમાં ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરોની સાથે સંસ્કૃત સાહિત્યના આજીવન ઉપાસક, ચાહક અને જ્ઞાતા એવા શ્રી ગૌતમભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પંડ્યા અને શ્રી વસંતભાઈ પરીખના વક્તવ્યો પણ સામેલ કર્યા. જોષી બંધુઓની આ દીર્ઘદ્રષ્ટિ ગણો કે અસ્તિત્વની યોજનાનો એક ભાગ કહો પણ એટલું સ્વીકારવું રહ્યું કે અસ્મિતા પર્વની સાથે જ આ રીતે સંસ્કૃત સત્રના આયોજનનું બીજ રોપાઈ ગયું.

થોડી પૂર્વ ભૂમિકા તપાસીએ તો ૧૯૯૮ની ચૈત્રી પૂર્ણિમાએ હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં પ્રથમ અસ્મિતાપર્વનો પ્રારંભ થઇ ચુક્યો હતો. એ જ વર્ષે ગણેશચતુર્થી પર સંસ્કૃત સાહિત્ય અકાદમીના ઉપક્રમે અમરેલી ખાતે સંસ્કૃત સાહિત્યના ત્રિદિવસિય પરિસંવાદનું આયોજન થયેલું. જેમાં કેન્દ્રિય વિષય હતો– “ ભગવાન શ્રીરામ”. આ પરિસંવાદમાં રામ-પ્રેમી પૂજ્ય બાપુ સાદર નિમંત્રિત હતા. ગુણગ્રાહી, ગુણાનુરાગી અને ગુણનિધિ એવા બાપુને સંસ્કૃત ભાષાના અધ્યાપકો, સ્વાધ્યાયીઓ, સંશોધકો, લેખકો, જ્ઞાતાઓ, વક્તાઓ અને સહભાવકોને એક સાથે મળવાનો આ ઉપક્રમ ગમ્યો. તેથી તેમણે શ્રી હરિશ્ચંદ્રભાઈ મારફતે પછીના વર્ષનો પરિષદનો સંસ્કૃત સાહિત્યના પરિસંવાદનો કાર્યક્રમ મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે યોજવા સૂચવ્યું. સંસ્કૃત સાહિત્યના એ વખતના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પટેલ માટે તો આ “ભાવતુ’તું ને વૈદ્યે કહ્યું’” જેવું થયું. એ રીતે ૧૯૯૯નો ત્રિદિવસિય પરિસંવાદ તે વર્ષ પુરતો કૈલાસ ગુરુકુળના પ્રાકૃતિક પરિસરમાં યોજાયો, જેનો કેન્દ્રીય વિષય હતો- “ સંસ્કૃત સાહિત્યમાં ભગવાન શિવ”.

શ્રી ગૌતમભાઈના મનમાં વર્ષોથી એક વસવસો હતો કે સુરગિરા સંસ્કૃતના વિદ્વાનોનું યથોચિત્ સન્માન કોઈ વ્યક્તિ, સરકાર, સમાજ કે સંસ્થા દ્વારા થતું નથી. પૂજ્ય બાપુ દ્વારા ગુજરાતી સાહિત્ય સર્જકોની ભાવવંદના થતી જાણીને ગૌતમભાઈના મનમાં આશાનું કિરણ પ્રગટ્યું.

તા.૧૩-૧૪-૧૫ સપ્ટેમ્બર-૧૯૯૯ કૈલાસ ગુરુકુળ ખાતે યોજાયો. જાણેકે આ પાશેરામાં પહેલી પૂણી હતી. ગણેશચતુર્થીના દિવસે મહેમાનો ને મોદક પીરસતા પૂજ્ય બાપૂને ગૌતમભાઈ એ પોતાની સ્વભાગવત મૃદુતાથી સસ્મિત કહ્યું “બાપૂ, આપ મારી એક વિનંતી સ્વીકારો તો હું પ્રસાદ લઉં.’” બાપુએ મલકાઈને પ્રસાદ પીરસ્યો. સાંજે તેમનું મૌન છૂટ્યા પછી ગૌતમભાઈ ને બોલાવીને તેમનો મનોરથ જાણ્યો. એ વખતે ત્વરિત પ્રત્યુત્તરમાં બાપૂ મૌન રહ્યા પણ એ જ વર્ષની શરદપૂર્ણિમાએ જૂનાગઢ પહોંચવા શ્રી ગૌતમભાઈ ને પૂજ્ય બાપૂનું આમંત્રણ મળ્યું. ’આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ’ ના ઉપક્રમે જૂનાગઢમાં પ્રથમ ‘નરસિંહ મહેતા એવોર્ડ’ કવિ શ્રી રાજેન્દ્રશાહ ને અર્પણ કરવાનો પ્રસંગ હતો. આ પ્રસંગે જ બાપુએ ૨૦૦૦ના વર્ષથી ત્રિ-દિવસીય સંસ્કૃત સત્રના આયોજન સાથે ઋષિપંચમી ના દિવસે સંસ્કૃત સાહિત્યની આજીવન ઉપાસના ના ઉપલક્ષ્યમાં પસંદગી પામેલા વિદ્યમાન વિદ્યાધરને ‘વાચસ્પતિ પુરસ્કાર’ થી નવાજવાની અનુમતિ આપી. પુરસ્કૃત વિદ્વાનની એકલાખ રૂપિયા, શાલ, સુત્રમાલા અને વંદનાપત્રથી ભાવવંદના કરવાની જાહેરાત થઇ.

એ રીતે વર્ષ ૨૦૦૦થી સંસ્કૃતસત્રનો આરંભ થયો. વર્ષ ૨૦૦૦નો વાચસ્પતિ પુરસ્કાર સોલા ભાગવત વિદ્યાપીઠના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીને અને ૨૦૦૧ નો વાચસ્પતિ પુરસ્કાર શ્રી કે.કા.શાસ્ત્રીજીને એનાયત થયો. ઉલ્લેખનિય છે કે પ્રથમ અને દ્વિતિય સંસ્કૃત-સત્રના પુરસ્કૃત વિદ્વાનોને વાચસ્પતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો કાર્યક્રમ સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયો હતો.સંસ્કૃતસત્ર સમાપ્ત થયા પછી અનુકુળ સમયે અને સ્થળે કાર્યક્રમ યોજી, ચિત્રકુટધામ-તલગાજરડા દ્વારા અપાતી ધન-રાશી, શાલ, સૂત્રમાલા અને વંદના-પત્ર અકાદમીના માધ્યમથી પુરસ્કૃત વિદ્વાનને અર્પણ થતાં. વર્ષ ૨૦૦૨ થી આ સમગ્ર ઘટનાક્રમ શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે જ યોજાય છે. શ્રી ગૌતમભાઈ પટેલના પ્રેમાગ્રહને વશ પૂજ્ય બાપુએ સંસ્કૃત સત્રનો પ્રતિવર્ષ યોજાનાર કાર્યક્રમ કૈલાસ ગુરુકુળ ખાતે જ યોજવાની વિનંતી ગ્રાહ્ય રાખી. વર્ષ ૨૦૦૦થી આ રીતે સંસ્કૃતસત્રનો નિયમિત ઉપક્રમ કૈલાસ ગુરુકુળ ખાતે નિશ્ચિત સમયે-ભાદરવી શુકલ ત્રીજ, ચોથ, પાંચમ (કેવડાત્રીજ, ગણેશ ચતુર્થી અને ઋષિ પંચમી) ના દિવસે યોજાય છે.

સંસ્કૃતસત્રમાં વિશેષ પ્રયોગરૂપે વર્ષ ૨૦૧૬નું સોળમું સત્ર યુવા વક્તાઓ માટે યોજાયું અને સત્તરમું સત્ર મહિલા વક્તાઓ માટે યોજાયું. સંસ્કૃતસત્રનું અઢારમું સોપાન તા.૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેમાં ૧૮મા વાચસ્પતિ પુરસ્કારથી મહેસાણાના સંસ્કૃતજ્ઞ શ્રી મણીભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિની ભાવવંદના થશે.

ભામતી પુરસ્કાર

પૂજ્ય બાપુની નિશ્રામાં યોજાતા સંસ્કૃત સત્રનો સત્તરમો મણકો ગત વર્ષે વિદુષીઓના નામે રહ્યો. તા.૨૪-૨૫-૨૬ ઓગસ્ટ-૨૦૧૭ દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસિય સત્રનો કેન્દ્રીય વિષય “દેવી વિમર્શ” હતો, જેમાં સંસ્કૃત ભાષાની વિદુષીઓએ પોતાના વક્તવ્યો પ્રસ્તુત કર્યા. સત્ર સમાપ્તિ સમયે સત્તરમો વાચસ્પતિ પુરસ્કાર શ્રી રામકૃષ્ણ વ્યાસને અર્પણ કર્યા બાદ પૂજ્ય બાપુએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે, “જેમ સોળે સાન આવે એમ અમને સોળ સંસ્કૃત પછી સાન આવી એટલે સત્તરમું સત્ર આપણે ‘દેવી વિમર્શ’ અંતર્ગત યોજ્યું....તમે આટલા સ્વાધ્યાય પછી જે પીરસ્યું છે તેને બરાબર શ્રવણ કરીને મેં માણ્યું છે તેની હું શબ્દ દ્વારા તો પ્રસન્નતા વ્યક્ત કરું જ છું પણ એક વિશેષ ભેટ રૂપે અઢારમાં સંસ્કૃતસત્રથી ઋષિઓને અપાતા વાચસ્પતિ એવોર્ડ સાથે માત્ર વિદુષીઓ માટે ‘ભામતી એવોર્ડ’ અર્પણ થશે.” એ રીતે વર્ષ ૨૦૧૮ નો પ્રથમ ભામતી પુરસ્કાર અમદાવાદના શ્રીમતિ ભારતીબહેન કીર્તિભાઈ શેલત પ્રાપ્ત કરશે. વિદુષી બહેનશ્રીને એક લાખ રૂપિયા, શાલ સુત્રમાલા અને વંદનાપત્રથી પુરસ્કૃત કરાશે.

આ પ્રસંગે ભામતીજીની કથા યાદ કરીએ તો ઋષિ વાચસ્પતિજી આજીવન ગ્રંથ લેખનમાં વ્યસ્ત રહ્યા. લગ્ન પછી પણ તેમનું સમગ્ર ધ્યાન સંસ્કૃત ગ્રંથોના ચિંતન,મનન અને લેખનમાં જ વ્યતિત રહેતું. વર્ષો સુધી ભામતીજીએ કશી પણ ફરિયાદ વગર પતિના વિદ્યાવ્યાસંગમાં મૂક સેવા દ્વારા સહયોગ આપ્યો. એક રાત્રીએ વાચસ્પતિજીનું લેખન કાર્ય ચાલતું હતું એ દરમિયાન તેજ પવનના લીધે દીપક બુઝાઈ ગયો. વાચસ્પતિજીની સેવામાં નિરંતર ખડેપગે રહેનાર ભામતીજીએ એ જ સમયે પુનઃ દીપ પ્રજ્વલિત કર્યો ત્યારે પ્રથમ વખત વાચસ્પતિજીએ ભામતીજીને નિહાળી, તેમને પૂછ્યું કે “આપ કોણ છો ?”

ભામતીજી સ્ત્રી સહજ લજ્જાથી સંકોચાઈને પોતાની ઓળખ આપે છે ત્યારે વાચસ્પતિજીને ભાન થાય છે કે પોતાના સાહિત્ય-પ્રેમમાં સદાય ગળાડુબ રહીને તેમણે એક નિર્દોષ નારીનો અપરાધ કર્યો છે. સૌભાગ્યશાલિની હોવા છતાં આ નારીએ પતિસુખ વિના જ ઉપેક્ષાપૂર્ણ જીવન પસાર કર્યું. વાચસ્પતિજીએ અપરાધ બોધ અનુભવ્યો. એ સમયે તેઓ તેમની બ્રહ્મસુત્ર પરની સૌથી પ્રસિદ્ધ ટીકા લખી રહ્યા હતા. એમણે પત્નીને કરેલા અન્યાયના પ્રાયશ્ચિત રૂપે પોતાના આ સર્વશ્રેષ્ઠ ગ્રંથને ભામતીજીના નામ સાથે જોડ્યો ત્યારથી એ ગ્રંથ ‘ભામતી ટીકા’ તરીકે ઓળખાયો.એટલું જ નહિ, પછી તો એ નામ એટલું પ્રસિદ્ધ થયું કે સંસ્કૃતના કોઈ સંશોધનાત્મક ગ્રંથની કોઈ પણ ટીકાનું નામ જ ‘ભામતી’ પડી ગયું. એ રીતે વાચસ્પતિની સાથે પતિવ્રતા, મુક સેવાધારિણી, માતૃશરીરા ભામતીજી સંસ્કૃત સાહિત્યમાં અમરત્વ પામ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract