Lalit Parikh

Drama Inspirational Thriller

3  

Lalit Parikh

Drama Inspirational Thriller

સંકેલો …

સંકેલો …

4 mins
7.4K



ટૂરિઝમનો કોર્સ કરી ચૂકેલ ભારતભૂષણે શરૂમાં થોડો સમય ટૂરિઝમની સરકારી નોકરી કરી તો ખરી. પણ તેમાં તેને મળતો પગાર તેના પોકેટ મની માટે ય ઓછો પડે તેમ લાગવાથી તેણે ધર્મ યાત્રાની તરત જ રોકડી કમાણી કરાવી શકે એવી સ્કીમ શરૂ કરી દીધી. ધર્મપત્ની ધર્મિષ્ઠા અને બાળકોને પણ સરખા સચવાય તે માટે તેણે શરૂમાં તો ફરી ફરીને ગ્રાહકો શોધવાનું શરૂ કર્યું. પછી તો જાહેરખબરો આપી આપી ધર્મયાત્રા ટૂર્સને જાણીતી કરી દીધી. યાત્રિકો સાથે ટૂર-મેનેજર અને ટૂર-ગાઈડ પણ પોતે જ બનીને જવા લાગ્યો. યોગાનુયોગ તેનું આ ધર્મયાત્રા-સાહસ સફળ સાબિત થવા લાગ્યું. સુખી સમૃદ્ધ લોકો જ આ ટૂરમાં જોડાતા કારણ કે ભારતભૂષણ તેમને સારી હોટલોમાં ઊતારતો, સારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની ઉત્તમોત્તમ વ્યવસ્થાનું આયોજન પણ સરસ રીતે કરતો રહેતો અને બસની યાત્રા દરમ્યાન પણ બિસ્કિટ, નમકીન નાસ્તો, કાજુ કતલી, ફળ, સુક્કો મેવો ઈત્યાદિના પેકેટો આપી તેમને ખુશ ખુશ રાખતો રહેતો. પૂજારીઓ સાથે સાથ ગાંઠ કરી યાત્રાળુઓને મન પ્રસન્ન થઇ જાય એવા દર્શન તો કરાવતો જ રહેતો. તેની આ યાત્રા- ટૂરો બહુ જ લોકપ્રિય થવા લાગી ગઈ. કમાણી પણ ધૂમ થવા લાગી ગઈ.

યાત્રા દરમ્યાન તેણે જોયું કે ધાર્મિક સ્થાનોએ બપોરે-સાંજે શોપિંગનો ખાસ સમય અપાતો ત્યારે બહેનો તો હોંશે હોંશે શોપિંગ માટે નીકળી પડતી. પણ મોટા ભાગના પુરુષો ક્રિકેટની વાતો કે શેર બજારની વાતો કરતા કરતા હોટલના એકાદ રૂમમાં રમી કે તીન પત્તી રમવામાં રમમાણ થઇ જતા. નાની મોટી હારજીતને પણ તેઓ ધર્માદા ખાતે જ જમા ઉધાર કરતા દેખાવા લાગ્યા. તેને પોતાને પણ પત્તા રમવાનો ચસ્કો તો ખરો જ. તે પણ મચી પડતો. આમ પત્તા રમતા રમતા તેના મનમાં એક તુક્કો સૂઝ્યો. કાઠમંડુ-નેપાલની ટૂર યોજી ત્યાંના પશુપતિનાથના દર્શન સાથે કેસીનોનો પણ પ્રોગ્રામ ઉમેરી જુગારપ્રેમીઓ માટે નવું આકર્ષણ ઊભું કર્યું. લંકાની યાત્રામાં તો તેને લાખોની આવક થવા લાગી. ઉજ્જૈન-ઓમકારેશ્વરની યાત્રાઓમાં પણ પત્તા પાર્ટીઓ યોજાવા લાગી.

ધરમના નામે આ ધતિંગ ચાલી પડ્યું. ભારતમાં ભારતભૂષણને ધર્મ સ્થાનો તો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ઢગલાબંધ મળતા જ રહ્યા. શ્રદ્ધાળુઓ ઓછા ભાડાની લાલચે જોડાતા; પણ જુગારનો ચસ્કો તેમની યાત્રાને આખરે તો કમરતોડ ખર્ચમાં જ ઊતારી મૂકતો. દર કલાકના કિટ્ટીના રૂપિયા ઉઘરાવવામાં ભારતભૂષણ એક્કો અને ચોક્કસ હોવાથી તેનો ધંધો તો ચાલી પડ્યો. ધર્મયાત્રાના સ્થળોએ પોલિસની ધાસ્તી તો રહેતી જ નહિ. તેણે ધીમે ધીમે ક્લબોમાં ફરી ફરી, જુગારના શોખીનોને શોધી કાઢી એક ગેમ્બલિંગ ટૂર પણ શરૂ કરી દીધી, જેમાં મોટી મોટી રકમો તીન પત્તી, રમી અને અંદર-બહારના જુગાર માટે પહેલેથી જ ઉઘરાવી લઇ ટૂરના સ્થળોએ ટોકન આપી આપી તેમને રમાડવા લાગ્યો. ગોવા, આબુ, સિંગાપુર, હોંગકોંગ, મકાઉ અને એવા સ્થળોએ થોડા સસ્તા ખર્ચે ટૂર પર લઇ જઈ જુગારના આ ટૂરીઝમમાં તે લખલૂટ અને ઝન્નાટ કમાવા લાગી ગયો. ગુજરાતની દારૂબંધીથી ત્રસ્ત લોકો દારૂ અને જુગારના ચસ્કે ચડી ભારત ભૂષણની આ પ્રકારની ટૂરોમાં સારી સંખ્યામાં જોડવા લાગ્યા. રોકડિયો આ ધંધો તેને ફાવી ગયો-સદી ગયો.

પછી તો તેણે ઝડપી કમાણી કરવા માટે કોલગર્લ્સની પણ સગવડ જોડી માલતુજાર નબીરાઓને પૂરેપૂરા ઝડપી લીધા. પ્લેનમાં તેમને બિઝનેસ ક્લાસમાં સફર કરાવી તેમને મોજ- મઝા કરાવતો, એ સહુથી સસ્તી ટૂરો ગોઠવતો રહી, જુગારનો ધીકતો ધંધો કરતો રહી, જોતજોતામાં તો લાખોપતિ જ નહિ, કરોડાધિપતિ બની ગયો. મુંબઈમાં ચાલથી, ફ્લેટમાં અને ફલેટમાંથી મોટા વિશાળ બંગલા સુધીની તેની સફળ સફર તેની ધર્મપત્ની ધર્મિષ્ઠાને શરૂમાં તો ગમતી ગઈ. પરંતુ પતિ છાશવારે ટૂર પર જ ચાલ્યો જાય એ તેને કાઠવા લાગ્યું. પણ આખરે લખલૂટ કમાણીની પાછળનું રહસ્ય જયારે દારૂના નશામાં તેનાથી જાણ્યે-અજાણ્યે પત્નીને કહેવાઈ ગયું ત્યારે પત્ની ચોંકી કે આ રસ્તો તો અંતે જેલયાત્રા સુધી જ પહોંચાડશે. પતિને સુધારવા માટેનો કોઈ કારગત થાય એવો કીમિયો તે વિચારવા લાગી.

સદભાગ્યે બીજે જ દિવસે સવારના પહોરમાં ટી .વી. પર તેમ જ બધા સમાચાર પત્રોમાં વિદેશયાત્રાના નામે ગેમ્બલિંગ ટૂરિઝમ ચલાવતા એક બહુ જ જાણીતા ટૂર કંપનીના માલિક પકડાઈ જતા, તેમણે આત્મ હત્યા કર્યાના સમાચાર વાંચી-સાંભળી, તેણે પતિને ખરે ટાણે ખરો ટકોર્યો: "આવી હોય છે છેલ્લી યાત્રા. યા તો જેલ યાત્રા અને નહિ તો અંતિમ યાત્રા. જાગ્યા ત્યારથી જ સચેત- સાવધાન થઇ જાઓ; નહિ તો બરબાદી, પાયમાલી નોતરી મારું, તમારું અને બાળકોનું સત્યાનાશ જ સત્યાનાશ કરશો. જે અત્યાર સુધી કમાયા છો તેનાથી મારા માટે કોચિંગ ક્લાસો શરૂ કરાવી દો અને તમારા માટે પણ રીયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કરી દો. આવા ખોટા ધંધા તો ખુવારીના માર્ગે જ પહોંચાડે. મારી વાત સાંભળો, સમજો અને મનમાં -જીવનમાં ઊતારો. આવું સરસ મઝાનું ભારતભૂષણ નામ ધારણ કરી તમને આ દૂષણનું ગ્રહણ ક્યાંથી લાગી ગયું? સંકેલો જ કરી નાખો તમારી ધર્મયાત્રા ટૂરિઝમનો.

ભારતભૂષણને પોતાનું અશોભનીય દૂષણ બરાબર સમજાયું, તેનું વહેલું મોડું આવનારું અનિષ્ટ પરિણામ પણ નજર સામે દેખાવા લાગ્યું અને તત્ક્ષણ તેણે કાચબાની જેમ પોતાની વૃત્તિઓને, પ્રવૃત્તિઓને સંકેલી લીધી. પોતા માટે રીયલ એસ્ટેટની ઓફીસ પોતાની ધર્મ યાત્રા ટૂરિઝમની ઓફિસમાં જ ખોલી નવું સમજપૂર્વકનું સાહસ શરૂ કર્યું અને પત્ની ધર્મિષ્ઠા માટે કોચિંગ ક્લાસો શરૂ કરાવી દીધા.

ધારે તો માણસ માટે બદલાવું ક્યાં મુશ્કેલ હોય છે?


Rate this content
Log in

Similar gujarati story from Drama