સ્નેહના વાવેતર
સ્નેહના વાવેતર
“જેવી હું કારમાં બેઠી કે એ મારા ગાલની બિલકુલ નજીક આવી ગયો, એક પળ માટે તો મારો શ્વાસ જ થંભી ગયો, હું સહેજ ગભરાઈ ગઈ, મને એમ કે હજુ પહેલી જ મુલાકાતમાં આટલું નજીક આવવાનો પ્રયત્ન ? પરંતુ તરત જ એને કારનો સીટ બેલ્ટ હાથમાં લીધો અને બાંધી દીધો. હું જે વિચારતી હતી એવું નહોતું, પછી કારમાં એકદમ રોમાંટિક ગીત વાગ્યું,
તેરે હાથો કી તરફ મેરે હાથો કા સફર રોઝાના.. રોઝાના...
કારનો કાચ ખોલીને બહાર વરસી રહેલા ધીમા વરસાદના છાંટા મારા હાથ પર હું ઝીલતી જતી હતી, ગાલ મારા ખુશીના લીધે લાલ થઈ ગયા હતા. સહેજ શરમાતાં મારી નજર આનવ પર પડી, મારી અને આનવની નજર જેવી એક થઈ કે મારી નજરો ઝૂકી ગઈ.
પછી અમે એક કોફી શોપમાં ગયા, આનવની આંખોમાં ગજબનું આકર્ષણ હતું, એ મને જોતો રહ્યો અને અને હું એને... એની વાતોમાં બસ અમારા ભવિષ્યના પ્લાન હતા. એકવાર પણ એણે મારા ચહેરા પરથી નજર ના હટાવી.
આટલું કહેતા કહેતાં કહેતાં આર્જવીની આંખોમાં ખુશીઓની રેખાઓ ચિતરાઇ ગઈ ને આનવના વિચારોમાં બસ ખોવાઈ જ જતી હતી કે ત્યાં જ એની નાની બહેન અપૂર્વી એ એક ચુંટલો ખણ્યો,
“તો છોકરીને છોકરો પસંદ છે, એમને ! હું હાલ જ જઈને પપ્પાને કહું છું, કે તમે જે છોકરાની વાત લાવ્યા હતા, એની જોડે દીદીની મુલાકાત થઈ ગઈ છે, ને દીદીને જીજુ પસંદ છે.” અપૂર્વી પણ હર્ષથી છલકાઈ રહી હતી.
“અરે પણ હજુ એ કાલે બધા આવશે, ત્યારે જ વાત કરીશ , હજુ આનવ મારા વિષે શું વિચારે છે ? એ ક્યાં ખબર છે ?” આર્જવી દ્વિધામાં હતી.
“ મારી આટલી પરી જેવી દીદી પર જીજુ મોહી ના પડે એવું બને જ નહીં.” અપૂર્વી પોતાની મોટી બહેન આર્જવીને ચીડવી રહી હતી.
“ બસ હો..જીજુ જીજુ ...આ શું લગાવી રાખ્યું છે ?” આર્જવી પણ હસતાં હસતાં અપૂર્વી ની વાતો ને માણી રહી હતી.
***
“ દીકરી આપો છો, તો આટલું તો અમારાથી થાય જ, જેટલું ઋણ અદા કરીએ એટલું ઓછું.” આનવની મમ્મી આર્જવીના ઘરના બધા સભ્યો માટે હીરાજડિત સોનાની કઇંકને કઇંક વસ્તુ આપી રહી હતી. આર્જવીના પપ્પા અખિલેશભાઈ મનમાં મૂંઝાઇ રહ્યા હતા એમને કદાચ એમ કે દીકરો ડોક્ટર છે, આટલું સારું ઘર છે, તો દહેજ પણ કદાચ વધારે માંગશે.
ત્યાં જ આનવના પપ્પા એ કહી દીધું, “અખિલેશભાઈ, હીરા જેવી દીકરી આપો છો, તો અમારે દહેજમાં કઈંજ નહીં જોઈએ.”
ત્યાં જ અખિલેશ ભાઈના કપાળ પર જરા તાણની રેખાઓ વિલીન થઈ ગઈને હર્ષથી એ જેવી મીઠાઇ લેવા ઊભા થયા કે એમનો પગ સહેજ મચકોડાઇ ગયો અને સ્થિરતા ગુમાવી ને જેવા એ ફર્શ પર પડતાં હતા કે આનવથી “પપ્પા... જરા સંભાળીને ....” એવું બોલાઈ ગયું અને એમને ફર્શ પર પડતાં બચાવી લીધાં.
પણ આર્જવના પપ્પાના સંબોધનથી બધા એકસાથે હસી પડ્યા, આર્જવીના ગાલ શરમથી લાલ થઈ ગયા, આર્જવી ને અપૂર્વીની આંખો એક થઈ, અપૂર્વી હસીને જરા ધીમેથી “જીજુ...” એવું કહી ને હજુય આર્જવીને ચીડવી રહી હતી, આર્જવીને આનવનો જવાબ બસ એના આ પપ્પાના સંબોધનથી મળી ગયો.
એટલામાં આર્જવીના ફોનની રીંગ રણકી, સાથે જ આર્જવીની આનવ સાથેની પહેલી મુલાકાતોની ચાર વર્ષ પહેલાંની યાદોની શૃંખલા તૂટી. પોતાના અને આનવના પ્રેમના સેતુ બનીને જન્મેલી અને નર્સરીમાં અભ્યાસ કરતી પોતાની નાની દીકરી ઝીવાને સ્કૂલમાં લેવા જવાનું હતું. આજે સ્કૂલમાં વાર્ષિકોત્સવની ચાલી રહેલી તૈયારીઓના લીધે થોડું મોડુ થઈ ગયું હતું.
“આનવ, 7 વાગી ગયા છે, ઝીવાને લેવા જવાનું છે, કેટલી વાર ? સ્કૂલમાંથી બે વાર ફોન આવી ગયા.” આર્જવીના ચહેરા પર પોતાની દીકરીની ચિંતા સ્પષ્ટ વર્તાઇ રહી હતી.
“આર્જવી, આજે મારે થોડું લેટ થશે, તું કાર લઈને લઈ આવ, મારે હજુ બહાર દર્દીઓઓની ભીડ છે. ઓપીડી જલ્દી પૂરી કરીને જલ્દી ઘરે આવી જઈશ.” આનવના સૂરમાં કામની વ્યસ્તતા ટપકતી હતી.
“પણ.., આનવ તને ખબર છે ને મને કાર હજુ એટલી બધી નથી આવડતી.” આર્જવી કાર ડ્રાઇવિંગની વાત લઈને અચકાઈ રહી હતી.
“ધીમે, ધીમે ચલાવજે, આર્જવી....બસ કઈ નહીં થાય, એટલી કાર તો આવડે જ છે, જેટલી કાર ચલાવીશ એટલો જ આત્મવિશ્વાસ આવશે.” આનવ આર્જવીની મૂંઝવણ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
“ પણ..તમે આવ્યા હોત...સારું હું જાઉં છું, પણ જલ્દી ઘરે આવજો. ને હા..સાંભળો આઇ લવ યૂ.” આર્જવી સામેથી આ જ શબ્દોની ઝીલવા ફોનને કાને હજુય માંડી રહી હતી.
“આઇ લવ યૂ..ટૂ માય સ્વીટું.” એવા આનવના શબ્દોને ઝીલવા માટે આર્જવીના કાન સરવા થઈ ગયા હતા પણ આનવની કામની વ્યસ્તતાંના લીધે આનવથી પ્રત્યુતર વગર જ કોલ મુકાઇ ગયો. ચહેરા પર એક આછા સ્મિત સાથે આર્જવી કારની ચાવી લઈને નીકળી પડી.
***
આનવ ચિંતામાં હતો, આર્જવીને કૉલ લગાવતો હતો, પણ આર્જવી એક પણ કૉલનો જવાબ નહોતી આપી રહી, હાંફળો ફાંફળો થતો આનવ કાર લઈને ઝીવાના સ્કૂલ તરફ પુરપાટ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો કે અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો.
“હેલ્લો મિસ્ટર આનવ, એક અકસ્માત થયો છે, અને જે લેડીનો અકસ્માત થયો છે, એના ફોનમાં લાસ્ટ ડાયલ કૉલમાં તમારું નામ છે, જલ્દીથી અપોલો હોસ્પિટલ આવી જાઓ.” ને કોઈ અજાણ્યો માણસ ફોનના સામે છેડે આનવને હોસ્પિટલ જલ્દી આવવા કહી રહ્યો હતો.
“પણ કોણ, ક્યારે, શું ?” આનવના મનમાં હજારો સવાલો હતા, છાતીમાં ભાર વર્તાઇ રહ્યો હતો, કશુક અમંગળ થયું હોય એવો ભાસ થતો હતો.
જેવો આનવ હોસ્પિટલ પહોંચ્યો કે ખબર પડી કે હવે આર્જવી નહોતી રહી, અને ઝીવા ગંભીર રીતે ઘવાયેલી હતી. એક ભારે ટ્રક સાથે આર્જવીની કારનો અકસ્માત થયો હતો જેમાં આર્જવીનું પ્રાણ પખેરું ત્યાં જ ઊડી ગયું હતું. આનવ ફસડાઈ પડ્યો, ચોંધાર અશ્રુઓ સાથે એ આર્જવીના શવને લપેટાઇ રહ્યો, શું કહેવું શું ના કહેવું એ સમજાઈ નહોતું રહ્યું. એક પળમાં આનવની દુનિયા છીનવાઇ ગઈ.
***
આર્જવીની વસ્મી વિદાયના ચાર સપ્તાહ બાદ પણ આનવ નોર્મલ નહોતો, આનવના મમ્મી પપ્પા અને આર્જવીના મમ્મી પપ્પા બધા જ આનવને લઈને ચિંતાતુર હતા. આનવ અચાનક જાગી જતો અચાનક પાછો આર્જવીના વિચારોમાં મગ્ન થઈ જતો, કોઈવાર સૂનમૂન બેસી રહેતો. ઘર માં અપૂર્વી એ ઝીવાની જવાબદારી ઉપાડી લીધી હતી. આર્જવીના મમ્મી પપ્પા ઘરમાં જ હોવા છતાં તેમને જોઈ ને બોલી ઊઠતો,
“મમ્મી પપ્પા તમે ક્યારે આવ્યાં ? મને કહ્યું હોત, હું તમને લેવા આવી જાત, આર્જવી એ મને કશું કહ્યું જ નહીં. આર્જવી ! આર્જવી ! જો મમ્મી પપ્પા આવ્યાં છે.” ને આનવ આર્જવી ને આખા ઘરમાં શોધતો,
“પપ્પા જુઓને આર્જવી નથી ઘર માં, સાંજે એનો ફોન આવે તો કહેજો કે ઝીવાને લેવા સ્કૂલમાં એકલી ના જાય, હું પણ સાથે આવીશ.” ને અચાનક આનવ સૂનમૂન થઈ જતો.
આનવની મમ્મી આનવ માટે જમવાનું લઈ ને જતી તો ય આનવ એમને પણ એ જ પૂછતો, “આર્જવી જમી કે નહીં ? હા કદાચ ઝીવાને લેવા જવાનું કહેતી હતી, મમ્મી એને કહેજે કે એકલી ના જાય, હું પણ સાથે આવું છું. આર્જવી ! આર્જવી !” ને આનવ ફરી પાછો ઘર ની બહાર દોડી જતો.
શહેર ના પ્રતિષ્ઠિત માનસિક રોગના નિષ્ણાત ડૉ. પારેખની દવાઓ પણ અસર નહોતી કરી રહી. મૂડ સ્ટેબીલાઇઝર, એન્ટિ ડિપ્રેસન્ટ બધુ જ અજમાવી જોયું પણ આનવની સ્થિતિમાં કોઈ સુધાર નહોતો. અપૂર્વીથી પોતાની દીદીનો આમ વિખરાયેલો માળો જોવાતો નહોતો. આ વિખરાયેલા માળામાં પોતે આવીને ઝીવા અને પોતાના જીજુને સાચવી લેવા તૈયાર હતી, પણ એને ખ્યાલ હતો કે પોતાના જીજુ આર્જવી સિવાય કોઈને પણ સ્વીકારવા તૈયાર નહોતાં.
“શું સાહેબ હવે આનવને ઠીક નહીં થાય ? ક્યાં સુધી આમ ને આમ !” ચિંતાથી ઘેરાયેલા સ્વર સાથે આનવ ના પપ્પા ડૉ. પારેખને પૂછી રહ્યાં હતાં.
“જુઓ, આનવ ને બહુ ઘેરો અને કારમો આઘાત લાગ્યો છે, એ હજુ એ માનવા જ તૈયાર નથી કે આર્જવી આ દુનિયામાં નથી, એ આર્જવીને બચાવી ના શક્યો એનો બહુ ઊંડો અફસોસ હદયમાં લઈ ને ફરી રહ્યો છે, સમય લાગશે, હું મારા બનતાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છું. કદાચ આનવને કોઈ સાચવવાંવાળું મળી જાય તો એ આઘાતમાંથી બહાર આવી શકે.” ને આ સાંભળતા જ અપૂર્વીની આંખોમાં ચમક આવી ગઈ.
“હા ડોક્ટર સાહેબ, હું તૈયાર છું, પણ જીજુ મને સ્વીકારશે ?”
આ સાંભળતા જ આનવના મમ્મી પપ્પાને આશાની એક કિરણ દેખાઈ રહી હતી. અપૂર્વીના મમ્મી પપ્પા એ પણ પોતાની દીકરોનો આ નિર્ણય બિરદાવ્યો.
“હા, સ્વીકારશે દીકરી પણ હું કહું એમ તારે કરવું પડશે, આ બાબતમાં ડૉ. શર્માની આપણે મદદ લઈશું.”
***
પ્લાન પ્રમાણે બધુ જ ગોઠવાઈ ગયું હતું, આનવ પોતાના ક્લિનિકમાં અર્ધબેભાન હતો, ત્યાં આનવનો મોબાઇલ રણક્યો.
“આનવ, 7 વાગી ગયા છે, ઝીવાને લેવા જવાનું છે, કેટલી વાર ? સ્કૂલ માંથી બે વાર ફોન આવી ગયા.”
સામે છેડે અપૂર્વી પ્લાન પ્રમાણે ઘરની બહાર આવીને આનવને ફોન કરી રહી હતી. આનવના મમ્મી પપ્પાને અપૂર્વીના મમ્મી પપ્પા ઝીવાને લઈ સ્કૂલ પહોંચી ગયાં હતાં અને દૂરથી આખી ઘટનાને નિહાળવા આતુર હતાં.
“આર્જવી, આર્જવી, હા આર્જવી, તું એકલી ના જતી, હું આવ્યો. તું બહાર જ ઊભી રહે.” ને આટલું બોલતાં બોલતાં તો એ કાર લઈ ને અપૂર્વી પાસે પહોંચી ગયો.
“આર્જવી! આર્જવી ! આઇ લવ યૂ, આઇ લવ યૂ ! અપૂર્વીના કપાળને ને હાથ ને વારે વારે ચૂમી રહ્યો હતો, પોતાની આર્જવીને પાછી મેળવી ને જાણે ખુશ ખુશ થઈ ગયો હતો.”
“ આઇ લવ યૂ ટૂ, ડિયર હબી, ચાલો હવે ઝીવાને લેવા નું મોડુ થાય છે.” અપૂર્વી મનમાં ને મનમાં બહુ જ ખુશ હતી, ડૉ. પારેખનો પ્લાન કામ રહી રહ્યો હતો. ડૉ. શર્માની નાની સરખી પ્લાસ્ટિક સર્જરીની મદદથી અપૂર્વી આજે આર્જવી બની ગઈ હતી. ને આનવને આર્જવીના ચહેરા પાછળ અપૂર્વી છે એવો સહેજ પણ ભાસ ના થયો.
“ મમ્મી, મમ્મી, તું આવી ગઈ ? મમ્મી મે તારી કેટલી રાહ જોઈ ? હું હવે તને ક્યાય જવા નહીં દઉં” ઝીવા પણ પોતાની મમ્મીને જોઈ ને ખુશી થી ઝૂમી ઉઠી.
“ બેટા, હવે આપણે પણ મમ્મીને ક્યાય નહીં જવા દઈએ.” એમ કહેતા જ ઝીવાને ઊંચકીને અપૂર્વીનો હાથ પકડીને આનવ કારમાં ગોઠવાઈ ગયો, ને જેવી કાર ધીમા વેગે ઘર તરફ જઈ રહી હતી. ચહેરા પર હર્ષ સાથે આંખોના અશ્રુ લૂછતાં લૂછતાં આનવના મમ્મી પપ્પાને અપૂર્વીના મમ્મી પપ્પા કારને બાય બાય કહી રહ્યાં હતાં.
સમય વિત્યો, હવે આનવ સ્વસ્થ હતો, આનવને આખીય ઘટના ની જાણ થઈ, પણ ત્યાં સુધી અપૂર્વી એ સ્નેહ ના વાવેતર જ એટલા કરી નાખ્યા હતાં કે હવે એ આનવ અને ઝીવાની દુનિયાનું અભિન્ન અંગ હતી.