STORYMIRROR

Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

વિયોગ – સંયોગ

વિયોગ – સંયોગ

7 mins
14.1K


“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારીને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમથી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો નિર્મિકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી ઉઠાડવા બેડરૂમમા આવશે. અને બસ નિર્મિકા આવી. આવતાં જ શર્વિલએ નિર્મિકાને પ્રેમથી પોતાના આશ્લેષમાં જકડી લીધી.

“ શું શર્વિલ તમે પણ સવાર સવાર માં મસ્તી જ સૂઝે છે તમને!” નિર્મિકાએ શરમ થી આંખોના પલકારાને ઢાળી દીધાં.

” પત્ની ને પ્રેમ કરવો એ પણ ગુનો છે?” શર્વિલ ની આંખોમાં પ્રેમ વરસતો હતો.

“હવે, જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” નિર્મિકા શર્વિલના આશ્લેષ માંથી નીકળવા મથામણ કરી રહી હતી.

બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે શર્વિલ ની સવાર થતી. શર્વિલ ખૂબ જ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલા જ શર્વિલ ના નિર્મિકા સાથે લગ્ન થયા હતા. નિર્મિકા પણ થોડા જ દિવસોમાં શર્વિલની પૂરક બની ગઈ હતી.

રસોડા માં શર્વિલનું ટિફિન ભરતાં ભરતાં નિર્મિકા એક ક્ષણ માટે શૂન્યમનસ્ક થઈ ગઈ. શર્વિલ હજુ નાહીને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો નિર્મિકા એ પર્સ, રૂમાલ, મોજાં અને ટિફિન બધુ જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબન થી શર્વિલ ને વિદાય આપી પોતાના ફ્લેટ  ની ગેલેરીમાં ઊભી ઊભી શર્વિલને નીરખી રહી હતી.

સપ્તરથ પર આરુઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્સા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયાં થઈને દોડી રહ્યાં હતાં.આમેય સુરત શહેર વ્યસ્ત શહેરો માનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર દૂર એક આશરે 3 વર્ષની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પા ની આંગળી ઝાલીને ધીમે ધીમે ડગ માંડી રહી હતી, એટલા માં જ એ ચાલતાં ચાલતાં પડી ગઈ અને આંખમાંથી મોતી સરતાં જ હતાં કે એના પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી ઊંચકી લીધી. નિર્મિકાને એના પપ્પાની યાદ આવી ગઈ અને એની આંખો પર બાઝેલાં મોતીઓ એ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી, એથી વિરુધ્ધ સુરત શહેર ની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલ માં ફરજ બજાવતાં ડૉ.શર્વિલની અનહદ પ્રેમવર્ષા માં એ ભીંજાઇ રહી હતી, પણ ચિંતા પપ્પા થતી હતી. પપ્પા હવે એકલા હતાં.

“નિર્મિકા, આજે કદાચ એક મેડિકલ અસોસિએશન મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિશેષ ટાઇમમાં પપ્પાને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત પણ બધા મિત્રો જોડે એમની જ કાર માં જવાનું છે.” શર્વિલે સોફા પર મોજાં પહેરતાં પહેરતાં ટિફિન પેક કરી રહેલી નિર્મિકાને સાદ પડી ને કહ્યું.

"શર્વિલ આજે પપ્પાને મળવા જશે એ વાત થી જ નિર્મિકા ની આંખોમાં ચમક આવી ગઈ.

“પપ્પા ને ત્યાં જવાના છો? જ જો જ, ટાઇમ લઈ ને,અને ઊભા રહો આ ગાજરનો હલવો બનાવ્યો છે એ પેક કરી આપું છું. પપ્પાને બહુ ભાવે છે.” નિર્મિકાની આંખો માં ખુશી નીતરતી હતી.

શર્વિલે નોંધ્યું હતું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પેક કરી ને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશુંક કહેવા માંગતી હોય એવો ભાસ થતો હતો, પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની આંખો કળી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ નહોતું, ખૂબ જ ખુશ હતી.

એનો હાથ હાથ માં લઈ ને બોલ્યો, “ હા ડિયર, હું સ્યોર પપ્પા ને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા તમે તમારી પરીની બિલકુલ ચિંતા ના કરશો. એ એના સાસરે પણ પરી બની ને જ રહેશે.”

જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પેક કરતી ત્યારે ત્યારે પપ્પાની યાદ આવી જતી અને એ શૂન્યમનસ્ક થઈ જતી. પોતે 12 વર્ષની હતી ત્યાર થી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મી ની અચાનક વિદાય પછી નિર્મિકા એ જ ઘરની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પા એ પણ પોતાની એક ની એક લાડકવાયીને પ્રેમ થી ઉછેરી હતી. પણ હવે...

“ બેટા, પરી મારા ચશ્માં કયાંક મુકાઇ ગયા છે, જરા શોધી આપ ને?” હાથમાં છાપું લઈ બહાર હીંચકા પર બેસતાં બેસતાં નટવર કાકાએ ઘર તરફ બૂમ મારી ને કહ્યું.જ્યારે કોઈ પ્રતિસાદ ના આવ્યો ત્યારે નટવરકાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતાં નટવરકાકાના હ્રદયમાં દીકરી ને સારું ઘર મળ્યા નો સંતોષ હતો. એ પરી ના રૂમ માં જતાં, પરી ના હોવાનો અનુભવ કરતાં. એના કપડાં, સ્કૂલ અને કોલેજ ની ચોપડીઓ, એની બેગ બધુ જ જેમનું તેમ સચવાયેલું હતું જેવુ એ મૂકી ને ગઈ હતી. એના રૂમ માંથી એની કોઈ પણ વસ્તુ આઘી પાછી ના થાય તેનું એ ખાસ ધ્યાન રાખતાં, ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે ત્યારે એનું આલ્બમ જોઈ લેતા.

“શર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતો હતો, પરીનો ફોન આવી ગયો હતો કે તમે આવશો.”

નટવરકાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓ ની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલે પણ સ્મિત આપી ઘર માં પ્રવેશ કર્યો.

“હા, પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા પપ્પા લો આ પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલ્યો છે.”

“પરી બેટાએ મોકલ્યો? મારી પરી મજા માં તો છે ને ?” નટવરકાકા હાથ માં ગાજરના હલવાનો ડબ્બો પકડતાં પકડતાં જાણે પરી ની આંગળી ઝાલી હોય એવો અનુભવ કરતાં હતાં.

“હા, પપ્પા, પરી એકદમ મજામાં છે, હવે ઉતરાણ પર અમે બંને સાથે આવીશું.” શર્વિલે જરા હળવાશ થી કહ્યું.

“શર્વિલ કુમાર તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું.હું બનાવી ને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત.” હર્ષપૂર્વક નટવરકાકા એ કહ્યું. “અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો.”

“અરે હોતું હશે, શર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો, અને મારે પણ ચા પીવાની બાકી જ છે, આપણે બંને સાથે ચા લઈશું બસ!” સંવાદ પૂરો થયો ના થયો નટવર કાકા એટલા માં તો રસોડા માં પહોંચી પણ ગયા.

શર્વિલ બેઠક રૂમ માં સોફા પર બેઠાં બેઠાં નિર્મિકા ના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો,

એટલા માં એની નજર ટીપોઇ નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલતાપૂર્વક એને ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકા ના હતાં અને એ ચિઠ્ઠી નિર્મિકા એ લગ્નના દિવસે એના પપ્પાને ઉદ્દેશીને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ વાંચી રહ્યો હતો.

પ્રિય પપ્પા.....

આવતીકાલ થી હું આ ઘર માં નહીં હોંઉ, તમારી તબિયતનું ધ્યાન રાખજો, બીપી અને ડિયાબીટીસ બંનેની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટીવી નીચેના કબાટમાં  મૂકી છે, બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મે લખી દીધું છે. કબાટ ના ઉપર ના ખાનામાં તમારા બધાજ ધોયેલાં શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે અને હા તમારા ચશ્માં ના મળે તો પહેલાં ટીપોઇ ની નીચે છાપાં પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘર ની બહાર ની બાલ્કની પર જોજો. ધાબા ની ટાંકી નો કોક ધાબા પર નહીં નીચે રસોડા ના બારણાં પાછળ છે, ટાંકી છલકાઈ ને ઉભરાઇ જાય તો ઉપર દોટ ના મૂકતાં....

દાઢી કરવાની ટ્યૂબ હમેંશા તમારા શેવિંગ કરવાના પાઉચ માં જ મુકજો, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિક ના નાના બાસ્કેટ માં નહીં... મારો નંબર તમારા મોબાઇલ માં પરી ના નામે સેવ કર્યો છે એટલે નિર્મિકાના નામે  શોધતા નહીં અને તોય મારો નંબર મેં રસોડા માં લગાવેલા કેલેંડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મીની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્ન નું આલ્બમ લઈ જાઉં છું. અને હા પપ્પા કાલ થી રસોડા માં રસોઈ બનાવવા હું નહીં હોંઉ, તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડા ના મસાલિયામાં મે અજમા ની ડબ્બીમાં અજમો અને જીરા ની ડબ્બી જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠા ની અને સોડા ની બરણી ઓ માં પણ કર્યું છે.

મારી આંખો માં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળ ને અને નાનપણ માં તમારા ગાલ પર મેં વ્હાલપૂર્વક આપેલી એક એક પપ્પી ની યાદો ને મન માં ભરી ને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા.....લવ યૂ પપ્પા

              તમારી લાડલી પરી...

શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકા ની આંખો માં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પાની ચિંતા ને આજે શર્વિલે કળી લીધી હતી.

 

ડોરબેલ વાગતાં જ નિર્મિકા એ દરવાજો ખોલ્યો અને ખોલતાં જ શર્વિલ ને જોઈ ને ખુશ થતાં થતાં કહ્યું “ પપ્પાને મળ્યા શર્વિલ? એ મજા માં તો છે ને?”

હજુ શર્વિલ કઈં જવાબ આપે એ પહેલાં એના હાથમાં રહેલી બેગને જોતાં જ નિર્મિકા એ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલોની ઝડી વર્ષાવી “ આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણાં ઘરે?” શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકા ના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. “ માફ કરજે, તારી આંખોને કળતાં સહેજ મોડુ થયું, પગલી પ્રેમ કરું છું તને, એકવાર પણ કહ્યું હોત.  જો કોણ આવ્યું આપણાં ઘરે, હવે એ મહેમાન બની ને નહીં પણ સદાય આપણાં સાથે જ રહેશે.”

નિર્મિકા એ જોયું તો એના પપ્પા સીડીઓ ચડી ને આવી રહ્યા હતાં. નિર્મિકા શર્વિલને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી પણ આંખો માં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતાં હતાં.

પપ્પાને આવતાં જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ ઘણા અરસા ના વિયોગ બાદ આજે રચાયેલા પિતા-પુત્રી ના મિલન ના સુખદ સંયોગને લાગણીશીલ બની નીરખી રહ્યો હતો.


Rate this content
Log in