એક વિનંતી...
એક વિનંતી...


પ્રિય મારી વ્હાલી મમ્મી,
મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજામાં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવારના ઊઠતાં જ હું ભૂલી જાઉં છું કે તું અહિયાં નથી અને મનને મનમાં વિચારું છું કે હમણાં મમ્મીનો અવાજ આવશે, “બેટા, જલ્દી ઊઠી જા નહીં તો સ્કૂલ એ જવાનું મોડુ થશે.” અને પછી વિચારું કે હું જીદ કરીશ. “ના મમ્મી, બસ પાંચ મિનિટ મને તારા ખોળામાં નીંદરની મજા માણવા દે.” અને તારા ખોળામાં નિરાંતે સૂઈ જવાના સપના જોવું છું, પરંતુ તારો અવાજ ના આવતાં જાતે ઊઠીને નહાવા જતો રહું છું. હું જ્યારે નહાઈ ને યુનિફોર્મ પહેરું છું તો ત્યારે તું પ્રેમથી મારા યુનિફોર્મના બટન બંધ કરતી હોય અને મારા માથાના વાળ સરસ ઓળી આપતી હોય એવો ભાસ થાય છે, પણ હવે હું જાતે જ બધું કામ કરી લઉં છું.
સ્કૂલબસની બારીમાંથી અનાયાસે જ મારો હાથ ઘરની ગૅલૅરી તરફ તને બાય બાય કહેવા લંબાઈ જાય છે અને તું ત્યાં ઊભી ઊભી સ્મિત સાથે મને પ્રેમથી વિદાય આપતી હોય એવું હજુય લાગે છે અને પછી તને ત્યાં ન જોતાં સહેજ ભીની આંખે આકાશ તરફ બાય બાય કરું છું કદાચ, તું મને ઉપર આકાશમાંથી બાય-બાય કરતી હોય.
બપોરે સ્કૂલથી છૂટતાં જ આવીને જેવો ઘરમાં પ્રેવેશું છું તો તું રસોડામાં રસોઈ બનાવતી હોઈશ એવો આભાસ થાય છે અને આવતાં જ “મમ્મી” એવી બૂમ પાડું છું, પરંતુ આ અવાજ રસોડાની ખાલી દીવાલોને અથડાઇને મારા કાને પાછો આવે છે અને રસોડામાં તને ન જોતાં છાતીમાં કેટલાય દિવસ સુધી ભરાઈ રહેલું હળવું ડૂસકું બહાર આવી જાય છે. પહેલા તું મને પ્રેમથી તારા હાથે જમાડતી અને હું “મમ્મી આ નહીં પેલું ખાઈશ” એવી જીદના બદલે હવે પપ્પા જે પણ કાંઇ બનાવી ને ગયા હોય જાતે જમી લઉં છું.
પહેલાં હું મમ્મી બહુ જ તોફાન મસ્તી કરતો એનું કારણ એ હતું કે ત્યારે તું મારા પર ગુસ્સે થતી અને પછી પ્રેમ પણ એટલો જ કરતી પણ હવે હું બિલકુલ તોફાન મસ્તી નથી કરતો. મમ્મી તું કહ્યા કરતી હતી ને કે હું મારા રમકડાં અને પુસ્તકો અસ્તવ્યસ્ત મૂકું છું, પણ હવે જો તું મારો રૂમ જોઈશને તો તું ખુશ થઈ જઈશ. બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે.
ફરી રાત્રે તારા ખોળામાં માથું મૂકીને સુવાની તીવ્ર ઈચ્છા થતાં હું મારી સાથે તારો ફોટો છાતી સરસો ચાંપી સૂઈ જાઉં છું તેનાથી રાત્રે હજુ પણ તું પથારીમાં છે અને મારા માથા પર હાથ ફેરવી મને વાર્તા કહેતી હોય એવું સતત લાગ્યા કરે છે. બસ, મમ્મી એક રાત્રિ જ એવો સમય છે જ્યાં હું મન ભરી ને રડી લઉં છું અને છેવટે છાતી માં ડૂમો લઈ ને સૂઈ જાઉં છું એ આશા સાથે કે તું સવારે પાછી આવી જઈશ.
સવારે ઊઠતાં જ મારી આંખો મમ્મી તને રોજ શોધે છે. મમ્મી તું કયારે આવીશ? બધા એવું કહે છે કે તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ છે એટલે પાછી નહીં આવે, પરંતુ હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું તને પાછી મારી પાસે મોકલે. શું ભગવાનને મારી છાતીમાં ભરાયેલો ડૂમો નહીં દેખાતો હોય? શું મમ્મી ભગવાનનું ઘર એટલું બધુ દૂર છે કે અહી આવતાં તને આટલો સમય લાગે? પપ્પા ને ય રોજ કહું છું કે તને ભગવાનના ઘરે થી લઈ આવે, પણ પપ્પા મારી વાત માનતાં જ નથી. ખબર છે મમ્મી ! સ્કૂલમાં મારી સાથે કોઈ છોકરાઓ તોફાન કરે ને તો એમને પણ હું રોજ કહું છું કે મારી મમ્મી આવશે એટલે બધુ જ કહી દઈશ, અને એ છોકરાઓ મારા સામે હસે છે. મમ્મી તું સાચે આવીશ ને? તું આવીશને તો એ બધા ચૂપ થઈ જશે.
બસ મમ્મી એક વાર ભગવાન પાસે મંજૂરી માંગી એક દિવસ માટે મારી પાસે આવી જા જેથી એ એક દિવસમાં તું મને સવારે પ્રેમથી ઊઠાડી સ્કૂલ એ મોકલે, તું ગૅલૅરીમાં આવીને મને બાય બાય કહે અને હું હસતાં હસતાં સ્કૂલ જાઉં, બપોરે આવી ને એક વાર તારા હાથ થી પ્રેમ પૂર્વક જમી લઉં, સાંજે તું અને હું ગાર્ડન માં જઈ ને ધરાઇ ને રમી લઈએ, તારા ખોળામાં બેસી તને વ્હાલ કરી લઉં, છેલ્લે રાત્રે તું મને પ્રેમથી માથામાં હાથ ફેરવીને સુવડાવી દે અને જો મમ્મી આમ એક દિવસ માટે આવવું શક્ય ન બને તો થોડા કલાકો માટે આવી જા જેમાં તારા ખોળામાં બેસી તને વ્હાલ કરી ધરાઈને રડી લઉં અને મારી છાતીમાં કેટલાય દિવસથી ભરાયેલો ડૂમાને બહાર કાઢી દઉં અને જો મમ્મી આમ થોડા કલાકો માટે પણ શક્ય ના બને તો થોડી મિનિટો માટે આવી જા, હું તારા બંને ગાલ પર એક એક પ્રેમથી ભરેલી પપ્પી આપું અને તું મને મારા ગાલ પર એક પ્રેમ ભરેલી પપ્પી આપીને જતી રહેજે. હવે હું રોજ ભગવાનને પ્રાર્થના કરીને એક વિનંતી કરું છું કે તને આમ એક દિવસ માટે મારી પાસે આવવાની મંજૂરી આપે.
સરનામું;
ભગવાનનું ઘર, ચાંદા મામા પાસે,
તારાઓની વચ્ચે, આકાશમાં.