Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

પ્રેમ - ફરી એકવાર

પ્રેમ - ફરી એકવાર

9 mins
14.3K


“પપ્પા, મમ્મી ને આજે પણ સાથે લઈ ને ના આવ્યા?” સાડા 3 વર્ષ ની મોક્ષા ની આંખો માં નિરાશા ડોકું કરી રહી હતી.

“બેટા, મમ્મી ને હવે જલ્દી થી સાથે લઈને આવીશ.” વિશેષ ના અવાજ માં હવે ઉત્સાહ નો વ્યાપ હતો.

નૈયા ના ગાલ પર ની લાલીમા આજે વધારે નીખરી રહી હતી, હ્રદયમાં ખુશીની લહેરખીની દોડાદોડ એ સ્પષ્ટ અનુભવી રહી હતી, કેમ કે મમ્મી પપ્પાના મોં એ વિશેષના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા અને આજે વિશેષ નૈયાને જોવા આવી રહ્યો હતો. નૈયાના મમ્મી અને પપ્પા બંને ને વિશેષ માટે કંઈક વિશેષ જ માન હતું, વિશેષ નૈયાનાં પપ્પાના મિત્રનો એકનો એક દીકરો હતો અને હમણાં જ એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શહેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલ સાથે સંકળાયો હતો.

જેવો વિશેષ ઘરમાં પ્રવેશ્યો કે નૈયાની આંખોમાં એક અનેરી ચમક છવાઈ ગઈ. વિશેષ ખૂબ જ સોહામણો હતો, આવતા જ ઘરના વડીલોને શાલીનતાથી પગે લાગ્યો, ને ઘરમાં જાણે વિશેષ ને બધા જ સારી રીતે ઓળખતા હોય એમ તેમના વર્તનમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. મમ્મી એ તો વિશેષના પ્રવેશતાં જ ઓવારણાં લેતાં લેતાં કહ્યું, “આવો, આવો વિશેષ કુમાર, તમારી જ રાહ જોતાં હતાં.”

આ સાંભળતા જ નૈયાની ગાલની લાલીમા વધારે લાલ થઈ ગઈ અને શરમના ભારથી આંખની પાંપણો ઝૂકી ગઈ, જેવી મમ્મી રસોડામાં આવી કે તુરંત જ મમ્મી ના હાથ માં એક ચૂંટલો ખણતાં ખણતાં મોં પર એક આછા સ્મિત સાથે મમ્મીને કહ્યું, “શું મમ્મી તું પણ? વિશેષ કુમાર, વિશેષ કુમાર કરે છે? હજુ અમારું બંનેનું નક્કી તો થાય!

“બેટા, મને પૂરો વિશ્વાશ છે કે વિશેષ તને પસંદ આવશે જ અને વિશેષને પણ તું પસંદ આવીશ.” મમ્મી ને નૈયાના ગાલ પર હાથ ફેરવતાં ફેરવાતાં આત્મવિશ્વાશપૂર્વક પ્રત્યુત્તર આપ્યો.

“તમને જિંદગીભર હું સાચવીશ, ગમે તેવા સંજોગોમાં પણ મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય, તમારી સાથે એકરૂપ બની ને જિંદગીભર હાથ પકડી ને સદાય સાથે રહીશ.” વિશેષ ના આ વાક્યો નૈયા ના મન અને દિલ બંને ને સ્પર્શી ગયાં ને સાથે સાથે વિશેષ અને નૈયા ની સગાઈ થઈ ગઈ.

“પપ્પા, હવે એ ઘર માં હું ક્યારેય પાછી નથી જવાની, તમે લોકો જાણતાં હોવા છતાં વિશેષ ની આટલી મોટી વાત મારાથી છુપાવી ?” નૈયા નો ચહેરા પર ગુસ્સા ની રેખાઓ તંગ બની રહી હતી.

“પણ બેટા સાંભળ તો ખરી......” પપ્પાને નૈયાને સમજાવતી એક આજીજી કરી.

મારે કશું સાંભળવું નથી, મારે બસ વિશેષથી છૂટાછેડા જોઈએ.” ગુસ્સાને દુઃખ સંમિશ્રિત આ વાક્ય પૂરું થયું ના થયું નૈયા ને જોરથી પોતાના બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. નૈયાના મમ્મી-પપ્પા એ બેડરૂમનાં દરવાજે ઊભાં ઊભાં નૈયા ને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતાં.

સગાઈ બાદ ક્યારેક બાઇક લઈ ને તો ક્યારેક કાર લઈ ને આવતો વિશેષ નૈયા ને પોતાની આંખો એ શહેર બતાવતો, દર મુલાકાત માં મુલાકાત ની યાદગીરી રૂપે રોઝ, ચોકલેટ અને નાની નાની ગિફ્ટ નૈયાને આપી જતો. હાથ માં હાથ નાખી ને બંને કલાકો પાર્ક માં બેસી રહેતા, ક્યારેક રિવર ફ્રંટના ગાર્ડનમાં વોકિંગ માટે સાથે જતાં તો ક્યારેક નર્મદા કેનાલના કિનારે આવેલી રિવર સાઇડ રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર માટે લઈ જતો.

નૈયાની પોતાના ભાવિ પતિ ને લઈ ને સેવેલી દરેક અપેક્ષાઓ આજે વિશેષ પૂરી કરી રહ્યો હતો. નૈયા વિશેષના પ્રેમરૂપી સાગરમાં હિલોળા લઈ રહી હતી. નૈયાને હવે જલ્દીથી વિશેષની જીવનસંગિની બની જવું હતું. બંને ની જોડી પણ બહુ જ સરસ લાગતી હતી. નૈયા ખૂબ જ ખુશ હતી. વિશેષ એ પોતાની જિંદગી નો એક ભાગ છે એ વાત વારે વારે નૈયા ના હ્રદય ના ધબકારાને પ્રવેગ આપી જતી હતી.

સમય પાણીની માફક વહી ગયો. આખરે નૈયા એ આતુરતા પૂર્વક જોયેલા એ દિવસ નો અંત આવી ગયો અને સગાઈ બાદ થોડા જ અરસામાં નૈયા અને વિશેષના ધામધૂમથી લગ્ન લેવાઈ ગયા. હનીમૂન માટે બંને શિમલા કુલું મનાલી જઈને જીવનની અમુલ્ય પળોનું ભાથું બાંધી આવ્યા. બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ થઈ રહ્યો હતો. હનીમૂનથી આવતાં જ નૈયા વિશેષ સાથેના જીવન સહચર્યમાં જાણે ખોવાઈ ગઈ. વિશેષ પોતાના વચન પ્રમાણે નૈયાની વિશેષ કાળજી લેતો. સવારે ઉઠતાં જ બધા કામોમાં નૈયાને સાથ આપતો. સાંજે જેવો હોસ્પિટલથી આવે કે તુરંત જ ડાઇનિંગ ટેબલ પર નૈયાને પોતાનાં હાથથી જમાડતો.

નૈયાને નોવેલ વાંચવાનો ખૂબ શોખ હતો એ વાત વિશેષ જાણતો હતો ને ખાસ ક્રોસવર્ડની બૂકની શોપમાંથી નૈયા માટે દુનિયાભરની રોમાંટિક નોવેલની બૂક લાવીને રાખતો. રાત પડતાં જ બેડરૂમમાં નૈયાને પોતાના ખોળાંમાં સુવડાવી ને નોવેલ વાંચી સાંભળાવતો ને નૈયા સાંભળતા સાંભળતા વિશેષનો હાથ હાથમાં લઈને ગાઢ નિદ્રામાં સરી પડતી.

વિશેષ એ પોતાના હ્રદયમાં રહેલો સંપૂર્ણ પ્રેમ નૈયા પર ઠાલવી દીધો હતો. નૈયા પણ પોતાને ખૂબ નસીબદાર માનતીને ભગવાનનો અંતઃકરણ પૂર્વક આભાર માનતી. વિશેષ હોસ્પિટલથી ક્યારેક સમયસર આવી જતો તો ક્યારેક તેને આવવામાં મોડુ થતું, બહાર ગેલેરીમાં ઊભા ઊભા નૈયા વિશેષની રાહ જોતી.

આજે નૈયા અને વિશેષના લગ્નની પ્રથમ લગ્નતિથી હતી. નૈયા આજે સાજ શણગાર સાથે વિશેષની વિશેષ રાહ જોતી જ હતી કે એના ફોન પર કોઈનો ફોન આવ્યો. સામેવાળી વ્યક્તિની વાત જેમ જેમ આગળ વધતી હતી એમ એમ નૈયાના ચહેરા પર દુખ અને હદ પાર નો ગુસ્સો પોતાની ભાત પાડી રહ્યો હતો, વાત માન્યમાં જ નહોતી આવતી એટલે વાતની ખરાઈ કરવા તુરંત જ વિશેષ ને કોલ લગાવ્યો અને પૂછી લીધું. હજુ વિશેષ કઈ પણ સમજાવે એ પહેલા તો એ ફોન હાથ લઈ ને નીચે ફસડાઈ પડી ને ચોંધાર આંસુની ધારા ઓ વહી નીકળી. નૈયાના મન માં એક જ સવાલ હતો.

“મારા જોડે આટલી મોટી છેતરપિંડી?”

નૈયાના બેડરૂમના દરવાજે ઉચાટ મને ઉભેલાં નૈયાના મમ્મી-પપ્પાની કાકલૂદી ભરી સમજાવટના અંતે નૈયા એ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ નૈયા એના પપ્પા ના રડતાં રડતાં ભેટી પડી.

“મમ્મી પપ્પા, તમને ખબર હતી છતાં, તમે મને એકવાર પણ કેમ ના જણાવ્યુ?” નૈયાના ગુસ્સો ઓગળી ચૂક્યો હતો પણ અશ્રુધારાનો ધોધ હજુ અકબંધ હતો.

“પણ બેટા શું થયું? જરા વિસ્તૃત પૂર્વક જણાવીશ?” ઉચાટ સ્વર સાથે નૈયા ની મમ્મી એ નૈયાના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું.

“મમ્મી, આજે ગામડેથી મારી કાકી સાસુનો ફોન આવ્યો હતો, એમને જણાવ્યું કે હવે વિશેષ એની દીકરીને મળવા ગામડે આવે તો બેટા મારી ડાયાબિટીસની દવાઓ મોકલવાનું ભૂલતી નહીં. જ્યારે મેં વિસ્તાર પૂર્વક એમને પૂછ્યું તો એમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આમ જ વિશેષ એની દીકરીને મળવા નિયમિત ગામડે જાય છે. વાત માનવમાં ના આવી એટલે મેં વિશેષને જ પછી પૂછી લીધું તો વાત સાચી નીકળી.

મમ્મી પપ્પા તમે પણ આ વાત જાણતાં જ હશો, છતાં તમે મને કેમ એકવાર પણ ના જણાવ્યું? એક બીજવર સાથે મારા લગ્ન કરાવ્યાં?” નૈયાનાં શબ્દોમાં રોષ અને ગ્લાનિનું મિશ્રણ ટપકી રહ્યું હતું.

“હા બેટા, અમે બધું જ જાણતાં હતા, પણ એ પહેલાં તું અમને એકવાત જણાવીશ? વિશેષના પ્રેમમાં કોઈ ખોટ છે? કોઈ વાતની કમી છે? શું એ તને કોઈ વાતે દુઃખ આપે છે? તું અત્યારે વિશેષ સાથે ખુશ નથી? હકીકત તો એ છે કે તને વિશેષ અનહદ પ્રેમ કરે છે, હું સાચું કહું છું કે ખોટું?” નૈયાની મમ્મી કોઈ વાત સમજાવવા માટે જાણે નૈયાને તૈયાર કરી હતી.

“સાચું મમ્મી, તદ્દન સાચું. વિશેષ મને પાંપણો પર બેસાડીને રાખે છે. વિશેષના પ્રેમમાં કોઈ વાતની ખોટ નથી, પરંતુ એના એક વાર લગ્ન થઈ ગયા છે અને એને એક દીકરી પણ છે એ વાત તો આમ છુપાવીને તો લગ્ન ના થાય ને! વિશેષ એ મારો વિશ્વાશ તોડ્યો છે. કોઈ પણ સંબંધની ઇમારત પ્રેમ અને વિશ્વાસના પાયા ટકી શકે.” નૈયા પોતાની વાત ભીના સ્વરે ભારપૂર્વક રજૂ કરી રહી હતી.

“બેટા, વિશેષ એ તારો કોઈ વિશ્વાશ નથી તોડ્યો, વિશેષનો પ્રેમ અને વિશ્વાશ બંને અકબંધ જ છે. વિશેષે કોઈ વાત છૂપાવી નથી અને આ બધુ અમે બધાંએ સાથે મળીને જ નક્કી કર્યું હતું. ભગવાનનો લાખ આભાર કે અમને વિશેષ જેવો ખૂબ જ સમજુ અને તારા માટે ખૂબ જ પ્રેમાળ જમાઈ મળ્યો. વિશેષે કોઈ બીજવર નથી પણ તારી સાથે બીજીવાર લગ્ન કર્યા છે.” નૈયાનાં પપ્પા હવે નૈયાને માથા પર હાથ ફેરવી સાંત્વના આપી રહ્યા હતા.

“એટલે? બીજીવાર લગ્ન? પપ્પા તમે શું કહો છો? હજુ આજે જ તો અમારી લગ્નની પહેલી લગ્નતિથી છે.” નૈયાની બંને આંખોની કીકીઓ આશ્ચર્ય સાથે વિસ્તરી રહી હતી.

“હા, બેટા બીજી વાર લગ્ન, આજથી દોઢ વર્ષ પહેલાં તારો એક અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં ભગવાનની કૃપાથી તું બચી તો ગઈ તારા મગજને બહુ જ ગંભીર ઇજા થઈ હતી, અને એ સમયે તારા માનસપટ પરથી છેલ્લા 3 વર્ષની બધી જ યાદો ભૂંસાઈ ગઈ. ડોક્ટર એ કહ્યું કે તું શોર્ટ ટર્મ મેમરી લોસનો ભોગ બની છે, ને કદાચ એ સમયગાળાની યાદદાસ્ત સદાય માટે તારા માનસપટમાં આંકી નહીં શકાય.

ડોક્ટર એ કહ્યું કે જૂનાં લગ્નના ફોટો કે એવી કોઈપણ જૂની યાદગીરીની બાબતોએ સમયે તારા મગજને વધુ તાણ આપી શકે છે તારી પરિસ્થિતી વધુ વણસી શકે એમ હતી, તું ત્યાં આવીને અટકી ગઈ જ્યારે તારો કોલેજકાળ પૂરો થતાં જ એક અકસ્માત થયો હતો. તું ત્રણ વર્ષ ભૂતકાળમાં સરી પડી.” નૈયાના પપ્પાના સ્વરમાં દુઃખ હતું.

“બેટા, એ સમયે જો સૌથી વધુ દુઃખ થયું હોય તો એ વિશેષ હતો, કેમ કે એનો સંપૂર્ણ પ્રેમ તું ભૂલી ગઈ હતી, જાણે તારી જિંદગીમાં વિશેષ નામનું કોઈ વ્યક્તિ જ નહોતું.” નૈયાની મમ્મી એ નૈયાના પપ્પાની વાતમાં સૂર પૂરાવી વાત આગળ વધારી.

નૈયા મૂક મને અને સુકાયેલા આંસું સાથે આખીય વાત સાંભળી રહી હતી.

“બેટા, ત્યારે કોઈ વધારે રડ્યું હોય તો એ વિશેષ હતો, વિશેષ ડોક્ટર છે એટલે આખીય પરિસ્થિતી સમજી ગયો, અને ભીની આંખો એ એને બસ અમને એટલું જ કહ્યું કે તો શું થયું જો નૈયા મને અને મારા પ્રેમને ભૂલી ગઈ તો? હું પપ્પા નવી યાદો બનાવી લઈશ, ફરીથી એટલો જ પ્રેમ કરીશ અને ફરીથી એના હ્રદયમાં મારું સ્થાન મજબૂત બનાવી દઈશ, મમ્મી પપ્પા, હું નૈયા સાથે ફરીથી સગાઈ અને ફરી લગ્ન કરીશ.”

નૈયાના પપ્પા હવે મક્કમ મને નૈયાના મનમાં વાત ઉતારી રહી હતી.

“બેટા, એટલે જ તો વિશેષ જેવા આવે કે વિશેષકુમાર વિશેષકુમાર એવું અમારા મુખમાંથી નીકળી પડતું હતું. બેટા વિશેષએ ફરી તારા હ્રદયમાં સ્થાન જમાવ્યું છે, બધું જ પહેલાં જેવુ કર્યું, એક નવી શરૂઆત. જો બેટા આ તારા એવી જ રીતે થયેલા જૂનાં લગ્ન અને એજ શિમલા કુલું મનાલીના હનીમૂનના ફોટોગ્રાફ્સ.” નૈયાની મમ્મી હવે ખુશ હતી. નૈયા બધુ જ આશ્ચર્ય સાથે જોઈ રહી હતી.

“ને બેટા તું જે વિશેષની દીકરીની વાત કરે એ કોઈ બીજી નહી પણ તમારી જ દીકરી છે, નૈયા અને વિશેષની મોક્ષા. તારો અકસ્માત થયો ત્યારે એ બે વર્ષની હતી. જો બેટા એની આંખો, નાક અને હોઠ બધું જ તારા જેવુ છે. પોતાના દાદા દાદીની છાયામાં ઉછરી રહેલી મોક્ષાને અમે પણ નિયમિત મળવા ગામડે જઈ આવીએ છીએ. અને એ પણ એના નાના-નાનીને જોઈને એક જ સવાલ પૂછે છે કે મારી મમ્મી કરે આવશે? અમે બધા એ વિચાર્યું હતું કે યોગ્ય સમયે તને બધુ જ સાચું કહી દઈશું.” નૈયાની મમ્મીએ મોક્ષાનો ફોટો નૈયા સમક્ષ ધર્યો કે તુરંત જ નૈયાએ ફોટો હાથમાં લઈ લીધો.

મોક્ષાનો ફોટો જોતાં જ નૈયાની ભીતર રહેલી એકમાંની મમતા જાગી ગઈ.

“મમ્મી, મને કશું જ યાદ નથી આવતું, પણ મોક્ષાને જોતાં જ એવું લાગે છે કે મારો અને વિશેષ નો જ અંશ છે. મમ્મી - પપ્પા મને જલ્દીથી મોક્ષા જોડે લઈ જાઓ.” હવે નૈયાના અશ્રુઓ હર્ષાશ્રુમાં પરિવર્તિત થઈ ગયા હતા.

“બેટા, અમે વિશેષને અહી જ બોલાવી લીધા છે, એ નીચે તારી જ રાહ જોવે છે.” નૈયાના પપ્પાના અવાજમાં પણ હર્ષ છલકાઈ રહ્યો હતો. વિશેષને જોતાં જ નૈયા ભેટી પડી.

મને માફ કરજો વિશેષ, મારા તમને બોલાયેલા શબ્દો માટે. આઇ લવ યૂ વિશેષ. મને જલ્દીથી મારી દીકરી જોડે લઈ જાઓ.”

“આઇ લવ યૂ ટૂ, નૈયા.” બોલતાં જ સ્ટાર્ટ થયેલી કાર સીધી વિશેષના ગામડે આવીને અટકી.

મોક્ષા તો એની મમ્મી ને જોતાં જ “મમ્મી, મમ્મી કહી ખોળામાં સમાઈ ગઈ. મમ્મી તું આવી ગઈ? મમ્મી તું કયાં ગઈ હતી?”

“હા, બેટા મમ્મી આવી ગઈ અને હવે મમ્મી એની મોક્ષાને છોડીને ક્યાંય નહીં જાય.”

મોક્ષા એની મમ્મીના ખોળામાં બેસીને પોતાના મમ્મી પપ્પાની પ્રથમ લગ્નતિથિ અને આમ જોવા જઈએ તો પાંચમી લગ્નતિથિની કેક કાપી રહી હતી.


Rate this content
Log in