Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

હાર્ટબીટ - ૨

હાર્ટબીટ - ૨

6 mins
7.3K


સ્નેહની આંખોમાં વાદળીઓ ઘેરાતી પણ વરસતી નહીં. સૌમ્યા વગરનું અમદાવાદ હવે સ્નેહને કોરી ખાતું. મનમાં આત્મહત્યાનાં વિચારો આવતાં પણ સ્નેહ વાસ્તવવાદી હતો એટલે ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ અમદાવાદને છોડવાનો નિર્ણય લીધો. સુરતમાં એક ટ્રસ્ટની હોસ્પિટલમાં સારી જોબ મળી ગઈ.

આજે સ્નેહ અમદાવાદ છોડીને જઈ રહ્યો હતો, વરસાદ માઝા મૂકીને વર્ષી રહ્યો હતો અને સાથે સાથે સ્નેહની આંખોની વાદળીઓ પણ...

સુરતમાં આવીને સ્નેહ પોતાની સૌમ્યા વગરની નવી જીવન શૈલી સાથે અનુકૂલન સાધવાનો આભાસી પ્રયાસ કરી રહ્યો હતો. હકીકત તો એ હતી કે એને સૌમ્યાની હદ પારની યાદ સતાવતી. એની પાસે ખુશ થવા માટે એકમાત્ર સૌમ્યા સાથે વિતાવેલી સુંદર પળોના ભાથા સિવાય કશું જ નહોતું. હજુ પણ હ્રદયના એક ખૂણામાં સૌમ્યા એક દિવસ જરૂર પાછી આવશે એવો વિશ્વાસ જીવંત હતો અને હજુય એ મોબાઇલની સ્ક્રીન પર પોતાની ‘હાર્ટબીટ’નાં મેસેજની ચાતક નજરે રાહ જોતો.

એક દિવસ સ્નેહના મોબાઇલમાં એની મમ્મીનો કોલ આવ્યો. “બેટા! મજામાં ને? મેં અને તારા પપ્પા એ તારા માટે ત્યાં સુરતમાં એક સુંદર મજાની છોકરી જોઈ છે. તારા ફોઇનાં સગામાં થાય છે. તારા ફોઇ એ જ વાત કરી છે. હું અને તારા પપ્પા એવું ઇચ્છીએ છે કે તું એ છોકરીના ઘરે જઈ આવે.” સ્નેહની મમ્મીનાં શબ્દોમાં ભારોભાર ઉત્સાહ નીતરતો હતો.

“હા મમ્મી હું એકદમ મજામાં, પણ મમ્મી હજુ હું સગાઈ કે કોઈ સંબંધ માટે તૈયાર નથી, મારે હજુ અનુસ્નાતકનો અભ્યાસ બાકી છે.” સ્નેહે વાતને ટાળવાના પ્રયત્નો શરૂ કર્યા.

“પણ બેટા, તું એક વાર મળી તો લે, મહેંક નામ છે એનું. હમણાં જ એનો ડેન્ટલનો અભ્યાસ પૂરો થયો છે, એનાં પપ્પા સુરતના પ્રતિષ્ઠિત ડેન્ટિસ્ટ છે.” સ્નેહની મમ્મી પોતાની વાત પર મક્કમ થતાં જતાં હતાં.

“હા, મમ્મી વાત સાચી પણ…”

“જો બેટા, એ લોકો સંકુચિત માનસનાં નથી. તું નિર્ણય લેતા પહેલાં મહેંકને જેટલી વાર મળવું હોય એટલી વાર મળજે અને પછી નિર્ણય લેજે અને આમેય તારા લગ્ન તો તારા અનુસ્નાતકના અભ્યાસ પછી જ લઈશું. બેટા મારી વાત માન આ રવિવારે તારા ફોઇ જોડે તું મહેંક ના ઘરે જઈ આવ.” સ્નેહની મમ્મી સ્નેહના સંબંધને લઈને વધુ ઉત્સાહિત હતી.

“સારું મમ્મી, હું જઈ આવીશ.” સૌમ્યાની યાદોમાં ખોવાયેલું સ્નેહનું મન હાલ એના જીવનમાં કોઈને પણ સ્વીકારવા તૈયાર નહોતું પણ મમ્મીની વાતને માન આપી એને મમ્મીની વાત સ્વીકારી લીધી અને વિચાર્યું કે જઈ આવીને સંબંધ માટે ના પાડી દઈશ.

એ દિવસે સ્નેહના ફોઇ સ્નેહને લઈ મહેંકને ત્યાં ખુશ થતાં થતાં લઈ ગયા. મહેંકનાં ઘરનાં નાના મોટા સહુ કોઈનાં ચહેરા પર ખુશી છલકાતી હતી. મહેંકનાં મમ્મી પપ્પા તો સ્નેહને જોઈ બહુ જ ખુશ થઈ ગયાં અને એમની આંખોમાં સ્નેહ પ્રત્યે માન સ્પષ્ટ દેખાઈ આવતું હતું. થોડીક વાતચીતના અંતે સ્નેહના ફોઇએ સ્નેહને મહેંક સાથેના જીવનના મહત્વના નિર્ણય માટે એકાંત આપ્યો.

સ્નેહને મળતા જ મહેંકે સ્નેહને જણાવી દીધું.

“તમારા વિષે મેં તમારા ફોઇ પાસેથી બધું જ જાણી લીધું છે. આજે તમને જોઈ પણ લીધાં. આ સંબંધ માટે હું સંમતિ આપું છું.” મહેંકે આંખો ઢાળીને સ્નેહને ધીમા સ્વરે કહ્યું.

“પણ, મને જાણ્યા વગર સમજ્યા વગર?” સ્નેહે ચકિત થતાં પૂછ્યું.

“જુઓ, ભગવાને અમને છોકરીઓને એક એવી ગૂઢ શક્તિ આપી છે કે અમે કોઈ પણ વ્યક્તિની આંખોમાં જોઈને એ વ્યક્તિ વિષે જાણી લઈએ છીએ. અને મેં તમારી આંખોમાં જોઈ લીધું છે એમાં મને મારું ભવિષ્ય એકદમ સલામત લાગે છે.” મહેંકે પ્રેમપૂર્વક સ્નેહને જવાબ આપ્યો.

“પણ, મહેંક, હજુ હું તૈયાર નથી.” સ્નેહ હજુય ગમે તેમ કરીને આ સંબંધને ટાળવા પ્રયાસ કરી રહ્યો હતો.

“હું તમને આ સંબંધ માટે કોઈ ફોર્સ નથી કરતી. તમે પણ મને જાણી ને જે પણ નિર્ણય લેશો એ મારે મન સ્વીકાર્ય હશે. મેં ફક્ત મારો નિર્ણય તમને જણાવ્યો.”

સૌમ્યાનાં પ્રેમમાં હજુય રસ તરબોળ સ્નેહે વિચાર્યું તો હતું કે એ દિવસે જ મહેંકને આ સંબંધ માટે ‘ના’ પાડી દેશે પણ મહેંક અને એના મમ્મી પપ્પાની આ સંબંધ સાથે વણાયેલી હકારાત્મક આશાનાં લીધે સ્નેહ પોતાની અસંમતિ રજૂ ન કરી શક્યો.

સૌમ્યાની યાદ સ્નેહને હવે દિવસેને દિવસે બહુ જ સતાવતી. સૌમ્યા એક દિવસ જરૂર પાછી આવવાની છે. એવી મનમાં ને મનમાં ક્યાંક ઊંડે છુપાયેલી આશા ને લીધે એને જલ્દી થી મહેંક ને ‘ના’ પાડી દેવી હતી. પણ હજુ સુધી એ મહેંકને જણાવી શક્યો નહોતો.

એક દિવસ સ્નેહના બારણે સવાર સવારમાં ટકોરા પડ્યા. સ્નેહે બહુ જિજ્ઞાસા પૂર્વક બારણું ખોલ્યું તો સામે મહેંક ઊભી હતી. મહેંકના હાથમાં 'રેડ રોઝ' અને ઘણી બધી ગિફ્ટસ હતી. બારણું ખોલતાં જ એ સ્નેહને ભેટી પડી. ભેટતાં ભેટતાં એને કહ્યું, “હેપી 'વેલેન્ટાઇન ડે' ડિયર, વર્ષોથી મેં મારા પ્રેમને તમારી માટે અકબંધ સાચવી રાખ્યો છે. હવે મારા મનમાં અને જીવનમાં તમારા સિવાય કોઈ નથી.”

“હેપી વેલેન્ટાઇન ડે મહેંક. પણ...” સ્નેહ મહેંકની આંખોમાં જોતાં જોતાં અટકાઈ ગયો.

સ્નેહને શું કહેવું અને શું ન કહેવું એ સમજાતું નહોતું. એને વેલેન્ટાઇન ડે પણ યાદ નહોતો.

જ્યારથી સૌમ્યા એના જીવનમાંથી ગઈ હતી એના મન બધાય દિવસ સરખા હતાં. આજે આ રીતે આવેલી મહેંકને જોઈને સ્નેહને સૌમ્યાની યાદ આવી ગઈ. સૌમ્યા પણ આ જ રીતે સ્નેહને વેલેન્ટાઇનના દિવસે જ મળવા આવી હતી. સ્નેહની આંખોનાં ખૂણા સહેજ ભીના થયા પણ એને મહેંક જોઈ ન જાય એ રીતે સિફતતાથી આંખો છુપાવીને લૂછી લીધી.

સ્નેહને સમજાઈ ગયું કે મહેંકની લાગણી પોતાના માટે હવે વધુ ભીની થતી જતી હતી અને સ્નેહને હવે જલ્દીથી પોતાનો નિર્ણય મહેંકને જણાવી દેવો હતો.

જ્યારે પણ મહેંક સામે આવતી એ મહેંકને કશું જ ન જણાવી શકતો એટલે સ્નેહે મહેંકને ઉદ્દેશીને આ સંબંધ માટેની પોતાની અસંમતિ દર્શાવતો પત્ર લખી નાખ્યો. જેમાં કેવી એ કેવી રીતે સૌમ્યા ને મળ્યો અને કેવી રીતે બંને પ્રેમ માં પડ્યા એ બધું જ લખી નાખ્યું. બસ હવે એ મહેંકને મળીને આ પત્ર આપવાની રાહ જોઈ રહ્યો હતો.

એક દિવસ સવાર સવારમાં સ્નેહના મોબાઇલમાં એક મેસેજ આવ્યો. સ્નેહ ખુશ થઈ ગયો, બહુ ખુશી પૂર્વક ઊભો થતાં થતાં એ વિચારવા લાગ્યો આખરે ‘હાર્ટબીટ’નો મેસેજ આવ્યો ખરો. મોબાઇલમાં જોયું તો મેસેજ ‘હાર્ટબીટ’નો નહોતો મહેંકનો હતો. એ નિરાશ થઈ ગયો અને પાછો સૌમ્યા સાથેના જૂનાં દિવસોની યાદોમાં ખોવાઈ ગયો.

એ દિવસે એ તૈયાર થઈને ક્લિનિક જતો જ હતો કે દૂરથી સફેદ પંજાબી સલવાર અને બાંધણીના દુપટ્ટા સાથેની સૌમ્યા આવતી દેખાઈ. સ્નેહનું હૈયું હરખાઈ ગયું. જાણે વર્ષો થી કોઈ ની જોયેલી રાહ હવે ફળી રહી હતી અને હ્રદયના ખૂણામાં સચવાયેલા વિશ્વાસની જીત થઈ રહી હતી. સ્નેહની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. પણ જેવી એ આકૃતિ નજીક આવી કે સ્નેહ સમજાઈ ગયું કે સૌમ્યા નહોતી પણ સૌમ્યા જેવા જ ડ્રેસમાં મહેંક હતી.

મહેંક પણ જાજરમાન લાગતી હતી. કોઈ પણ છોકરો મહેંકને જોઈ ને ‘ના’ ન પાડી શકે. મહેંક કોઈ પણ છોકરા માટે સંપૂર્ણ હતી પણ સ્નેહ સૌમ્યા સિવાય કોઈને પણ સ્વીકારવા તૈયાર નહોતો.

સ્નેહ મહેંકને જોઈ રહ્યો હતો. જેવી મહેંક નજીક આવી કે મહેંકે બહુ ઉત્સાહપૂર્વક કહ્યું, “આજ સુધી સુરત જોયું હશે. પણ મારા જેટલું નહીં ! ચાલો સ્નેહ આજે તમને મારી આંખો એ સુરત દેખાડું.” મહેંકે સ્નેહનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું.

સ્નેહ મહેંકની આંખોમાં જોતો જ રહ્યો. આજ રીતે સ્નેહનો સૌમ્યા સાથેનો પ્રણય શરૂ થયો હતો.

મહેંકની આંખોમાં અને વાતોમાં સ્નેહ માટેનો સ્નેહ વરસતો હતો.

સ્નેહ મહેંકની વાતોનો કશો જ જવાબ ન આપી શક્યો એટલે જલ્દીથી મહેંકને પોતાનો નિર્ણય જણાવતો પત્ર પોતાના રૂમમાં લેવા ગયો. એ પત્ર લઈને નીકળતો જ હતો કે થોડીવાર માટે એ અટકી ગયો. એના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. થોડીવારમાં એ સ્વસ્થ થયો અને અંતે પત્ર ફાડીને કચરાટોપલીમાં નાખી દીધો.

એને પોતાના ખીસામાંથી મોબાઇલ કાઢ્યો અને કૉન્ટૅક્ટ લિસ્ટમાં જઈ ‘હાર્ટબીટ’નું નામ ડિલીટ કર્યું. અને મહેંકનું નામ નવા નામે સેવ કર્યું. ‘હાર્ટબીટ’

સ્નેહ પોતાના રૂમની બહાર આવ્યો. આંખોમાં એક અનેરી ખુશી અને ચાલમાં અજીબ તીવ્રતા હતી. જેવો એ મહેંકની નજીક ગયો કે તરત જ મહેંકને કહી દીધું “ચાલ મહેંક, બેસી જા”

મહેંક જેવી બાઇકમાં બેસી કે તરત જ સ્નેહે કીક મારી અને બાઇકના સાઈલેન્સરમાંથી નીકળેલી ધુમ્રસેર જેવી હવામાં વિલીન થઈ કે સાથેસાથે સ્નેહના મનમાં રહેલી સૌમ્યાની યાદો પણ...

જેવું બાઇક થોડું દૂર ગયું કે સ્નેહ થોડીવાર માટે ઊભો રહ્યો અને પોતાના ખીસામાંથી મોબાઇલ કાઢી પોતાની મમ્મીને કોલ લગાવ્યો.

“મમ્મી, સગાઈની તૈયારી કરો, મને મહેંક પસંદ છે.”

મહેંક શરમાઇ ગઈ. કોલ મૂકતાં જ સ્નેહે મહેંકને કહી દીધું, “આઇ લવ યૂ, મહેંક...”

અને મહેંકે સ્નેહને બાઇકમાં પાછળ બેઠાં બેઠાં એક ગાઢ આલિંગન આપી દીધું. મહેંકે સ્નેહના “આઇ લવ યૂ,”નો કોઈ જ જવાબ ના આપ્યો કેમ કે જવાબ આપવાની જરૂર જ ક્યાં હતી? મહેંકની આંખો જ બધું જ કહી રહી હતી.

સ્નેહનું હ્રદય અને જીવન ફરી ધબકતા થઈ ગયાં. નવી હાર્ટબીટ બંનેને ધબકાવી રહી હતી.


Rate this content
Log in