Dr Nilesh Thakor

Others

3  

Dr Nilesh Thakor

Others

હાર્ટબીટ - ૧

હાર્ટબીટ - ૧

6 mins
7.2K


મેડિકલ કોલેજની કેન્ટીન એટલે એક એવું સ્થળ કે જે સંબંધોના ગૂંથાતાં તાણાંવાણાં અને એ તાણાંવાણાંમાંથી રચાતી સ્નેહગાંઠ અને અંતે એમાંથી પરિણમતા અતૂટ સ્નેહ બંધનનું સાક્ષી હતું.

આ કેન્ટીનમાં છેલ્લે ધીમેધીમે ચ્હાની ચૂસકીઓ લઈ રહેલા સ્નેહની નજર વારે-વારે મોબાઇલ ફોનની સ્ક્રીન પર જતી હતી, બહુ આતુરતા પૂર્વક કોઈના મેસેજ ની એ રાહ જોઈ રહ્યો હતો. આજે પણ સ્ક્રીન પર ‘હાર્ટબીટ’ નો મેસેજ ન આવ્યો. નિરાશાભરી નજર ને મોબાઇલ ફોન ની સ્ક્રીન પર ઠેરવી એ ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ રહ્યો હતો.

મેડિકલ સ્ટુડન્ટ માટે ઈન્ટર્નશીપ એટલે એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમની જંગ જીત્યા બાદનો જીતની ખુશીનો અહેસાસ કરાવતો સમયગાળો. ઈન્ટર્નશીપમાં પ્રવેશેલા સહુ કોઈના મનમાં આનંદ અને ખુશીની લાગણીઓની લહેરો ઉછાળા મારતી હતી. સ્નેહ તો પોતાની મનગમતી શાખા મેડિસિનમાં પ્રથમ જ પોસ્ટિંગ હોવાથી હોંશેહોંશે મેડિસિનના વૉર્ડમાં પોતાની જાત ને એકરૂપ કરીને દર્દીઓની સેવામાં લાગી ગયો. મન લગાવી ને કામ કરતા સ્નેહ ની નજર આજે વારે વારે કોઈના મઘમઘતા રૂપ ને નિરખવા પ્રયાસ કરી રહી હતી. આજે સવારે જ એક છોકરી અન્ય મેડિકલ કોલેજમાંથી ઈન્ટર્નશીપ કરવા આવી હતી.

જેનું ખીલેલા તાજા પુષ્પ જેવું સૌંદર્ય સ્નેહની નજર અને હ્રદય માં સ્થાન જમાવી ચૂક્યું હતું. સ્નેહ આવતાં જતાં એને જોતો એ છોકરી પણ સ્નેહ સાથે નજર મિલાવતી અને સ્નેહ ની નજર ઝૂકી જતી. પોતાની શરમાળ પ્રકૃતિ ના લીધે સ્નેહ એ છોકરી જોડે વાત કરવાની પણ હિમ્મત એકઠી નહોતો કરી શકતો.

એક દિવસ વૉર્ડ કામ પત્યા પછી માં નવરાશ ની પળો માં ‘સફારી’ નામ નું સાયન્સ મેગેઝિન વાંચી રહેલા સ્નેહની નજીક એ છોકરી આવી અને ઉત્સુકતા પૂછ્યું, “તમને પણ સફારી વાંચવાનો શોખ છે?”

“હા, નાનપણથી વાંચું છું, તમે પણ વાંચો છો? અરે તમારું નામ? તમે આ મેડિકલ કોલેજ ના તો નથી ખરું ને?” સ્નેહના શબ્દોમાં વાતચીત થયાનો હર્ષ છલકાતો હતો.

“મારું નામ સૌમ્યા, અને હું પણ સફારી ના દરેક અંક રસપૂર્વક વાંચું છું. અમદાવાદમાં મારું ઘર હોવાથી સૂરત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. પુર્ણ કર્યા બાદ અહીં ઈન્ટર્નશીપ કરવા આવી ગઈ.” સૌમ્યા એ પણ સહજ ભાવે પ્રત્યુત્તર આપ્યો.

આ નાનકડા સંવાદ સાથે શરૂ થયેલી વાતચીતની શ્રેણી અંતે ગાઢ મિત્રતામાં પરિણમી. સંવાદો હવે ‘તમને’થી ‘તું’ પર આવી ગયા. બંને સાથે કામ કરવા લાગ્યા. સાથે કેન્ટીનમાં જમવા લાગ્યા, ક્યારેક બંને એક ડિશમાં જમી લેતાં તો ક્યારેક સૌમ્યા ટિફિન લાવી સ્નેહને પોતાના હાથથી જમાડતી. મિત્રતાથી વધીને બંને એક સ્નેહસેતુનું નિર્માણ કરી રહ્યા હતા અને આ વાત બંને સારી રીતે જાણતા હતાં. પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજા ને કહેવાની પહેલ નહોતી કરી.

'વેલેન્ટાઇન'નો દિવસ નજદીક હતો. સ્નેહે એ દિવસે સૌમ્યા આગળ પ્રેમના પ્રસ્તાવને પ્રસ્તુત કરવાની તૈયારીઓ આરંભી દીધી, સપ્તાહ અગાઉથી સૌમ્યા માટે ગિફ્ટ અને કાર્ડ્સની ખરીદીમાં મશગૂલ થઈ ગયો. વેલેન્ટાઇન દિવસ ના આગલે દિવસે સ્નેહના મનમાં ઉત્સાહ સમાતો નહોતો. એક એક ગિફ્ટ પૅકિંગ અને કાર્ડ્સ પર પોતાના દિલ ની વાત ને કંડારી લીધી હતી, બસ હવે એ વેલેન્ટાઇન ના દિવસનો સૂરજ ઉગવાની બહુ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો.

વેલેન્ટાઇનના દિવસે વહેલી સવારમાં જ સ્નેહના હોસ્ટેલના રૂમના બારણે ટકોરા પડ્યા. સ્નેહે જિજ્ઞાસાપૂર્વક બારણું ખોલ્યું તો સામે સૌમ્યા રેડ રોઝ લઈ ને ઊભી હતી, રૂમ માં પ્રવેશતાં જ એ સ્નેહ ને ભેટી પડી અને રેડ રોઝ હાથમાં આપીને સ્નેહ ને “આઇ લવ યૂ” કહી દીધું. સ્નેહ તો અચરજ પૂર્વક સૌમ્યાને જોતો જ રહી ગયો, શું કહેવું શું ના કહેવું એની કઈં જ સૂઝ ના પડી.

“બસ હું તારા જોડે આ જ વાત કરવા આવાનો હતો, આઇ લવ યૂ ટૂ સૌમ્યા, તું મારૂ હ્રદય જ નહીં એ હ્રદયને જીવંત રાખનારોનો ધબકારો છે, મારી હાર્ટબીટ.” સ્નેહ એ પણ પોતાના કાર્ડ્સ અને ગિફ્ટ આપતાં કહ્યું.

સ્નેહના મુખ પર સ્મિત અને આંખોમાં ખુશી છલકાઈ રહી હતી.

“પણ હું જીતી ગઈ ને?” સૌમ્યા પણ એક એક કાર્ડ્સને ધ્યાનથી સ્નેહનો હાથ હાથમાં લઈને વાંચી રહી હતી. સ્નેહે સૌમ્યા માટે સરસ મજાનો સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણી નો દુપ્પટો લીધો હતો.

જેનું ગિફ્ટ પૅકિંગ ખોલતાં જ સૌમ્યા ખુશીથી ઉછળી પડી અને સ્નેહ ના ગાલ ને ચૂમી લેતાં ખુશીસભર સ્વર સાથે કહ્યું.

“અરે વાહ, ડ્રેસ બહુ જ સરસ છે, મને તારી આ બધી જ ગિફ્ટ ગમી અને આ ડ્રેસ તો મને બહુ જ ગમ્યો.

જેની પસંદગી હું હોઉં, એની પસંદગી સારી જ હોય ને? હું એને કાલે જ પહેરીશ.”

બીજા દિવસે સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણી નો દુપ્પટો નાંખીને આવેલી સૌમ્યા જાજરમાન લાગતી હતી. એને દૂર થી જોતાં જ સ્નેહની આંખો સૌમ્યા પર ઠરી ગઈ. જેવી એ નજદીક આવી કે સ્નેહથી ના રહેવાયું.

“બહુ જ સુંદર લાગે છે, સૌમ્યા, આઇ લવ યૂ.”

આંખો ને ઢાળી ને જરા શરમાઇ ને એજ શબ્દો સૌમ્યા એ સ્નેહને પાછા આપ્યા.

“આજ સુધી અમદાવાદ જોયું હશે. પણ મારા જેટલું નહીં ! ચાલ સ્નેહ આજે તને મારી આંખો એ અમદાવાદ દેખાડું.” સૌમ્યા એ સ્નેહ નો હાથ પોતાના હાથ માં લેતાં કહ્યું.

સ્નેહ પણ વિચારતો હતો કે પોતે પાંચ વર્ષથી અમદાવાદમાં છે પણ એમ.બી.બી.એસ.ના અભ્યાસમાંને અભ્યાસમાં હજુ પૂરું અમદાવાદ નહોતો ફરી શક્યો. જેવી સૌમ્યા આ વાત કહી કે તુરંત જ સૌમ્યાને પોતાના બાઇક પાછળ બેસાડી કીક મારી મૂકી અને બાઇક હવા સાથે વાત કરતું કરતું થોડીવારમાં અદ્રશ્ય થઈ ગયું.

ક્યારેક બંને હઠીસિંહના દેરાં જોવા જતાં તો ક્યારેક સીદી સૈયદની જાળી. ક્યારેક માનવમંદિરમાં દર્શન કરવા જતાં તો ક્યારેક ઇસ્કૉન મદિર. ક્યારેક લાલ દરવાજાના સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતાં તો ક્યારેક હિમાલયા અને આલ્ફા વન મોલ માં લટાર મારવા જતાં. ક્યારેક વળી વાઇડ એંગલમાં મૂવી જોવા જતાં તો ક્યારેક સિટિગોલ્ડમાં. ક્યારેક સાંજના સમયે એસ.જી. હાઇવે પર તો ક્યારેક એરપોર્ટ રોડ પર લોંગ ડ્રાઇવ કરવા નીકળી પડતાં. ક્યારેક માણેક ચોકમાં તો સી.જી.રોડના મ્યુનિસિપલ માર્કેટમાં નાસ્તાની જયાફત ઉડાવતાં. સમી સાંજે કાંકરીયાતળાવની પાળ પર સૌમ્યા સ્નેહના સાનિધ્યમાં ખોવાઈ જતી તો ક્યારેક રિવરફ્રન્ટ પર સ્નેહના ખભા પર માથું ઢાળીને કલાકો સુધી સ્નેહનો હાથ પોતાના હાથમાં લઈ બેસી રહેતી. મોડી રાત્રે બંને લાઇબ્રેરિમાંથી વાંચતાં વાંચતાં મેક ડોનાલ્ડમાં બર્ગર ખાવા ઉપડી જતાં. જ્યાં ટ્રાફિકની નહિવત અવર-જવરવાળા રોડ પર સ્નેહ સૌમ્યાને બાઇક શીખવાડતો.

બંનેની કેમિસ્ટ્રિ એવી જામી હતી કે બંને કોલેજની ગરબા સ્પર્ધા ‘રમઝટ’માં અવ્વલ આવ્યાં.

સ્નેહ માટે તો દરેક રાત્રિ નવરાત્રિ હતી. કેમ કે સૌમ્યા જ્યારે પણ સાથે હોતી એનું મન અને હૈયું બંને હિલ્લોળે ચડતાં. સ્નેહનું જીવન સૌમ્યા સાથે પૂર્ણ કળા એ ખીલ્યું હતું. સ્નેહ પોતાના જીવન માં સૌમ્યા દ્વારા થતી સ્નેહ વર્ષામાં ભીંજાઇને પ્રેમનો લૂત્ફ ઉઠાવી રહ્યો હતો.

ઇન્ટર્નશીપ હવે પૂર્ણતા ના આરે હતી. સ્નેહ અને સૌમ્યા એ પોતાની વચ્ચેની સ્નેહગાંઠને લગ્નગાંઠમાં પરિવર્તિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધાં પણ સામાજીક સમાનતાની વાતો કરતો એકવીસમી સદીનો સમાજ હજુય જ્ઞાતિવાદના કાદવમાં ખૂંપાયેલો હતો.

પોતાની શાખ સાચવવા સૌમ્યાનાં પિતા એ આ સંબંધને મંજૂરી ના આપી. સૌમ્યા સમાજનાં આ બંધનને મુક્ત કરીને સ્નેહ જોડે આવી ના શકી.

સૌમ્યા એ છૂટા પડતી વખતે માંગેલા વચન મુજબ સ્નેહ સૌમ્યા ને કોલ કે મેસેજ ના કરતો પણ સૌમ્યાના મેસેજ એટ્લે કે પોતાની હાર્ટબીટનાં મેસેજ નિયમિત સવારે આવતાં. સમયની માળામાંથી એક પછી એક મણકા જેમ જેમ સરતા એમ એમ હાર્ટબીટના મેસેજની શૃંખલા પણ હવે તૂટતી હતી.

આજે કેન્ટીનમાં હાર્ટબીટના મેસેજની રાહ જોઈ રહેલા સ્નેહની આશા ઠગારી નીવડી અને એક ઊંડો નિસાસો નાખી ને એ કેન્ટીન ના પ્રવેશ દ્વાર તરફ જોવા લાગ્યો. ક્યાંક સફેદ પંજાબી ડ્રેસ અને એના પર બાંધણીનો દુપ્પટો નાંખીને આવેલી સૌમ્યા આવી જાય તો છેલ્લીવાર ભેટીને છેલ્લીવાર આઈ લવ યૂ કહેવાની ઈચ્છા સ્નેહની ભીની આંખોમાં ભરાઈ આવતી.

સ્નેહની આંખોમાં વાદળીઓ ઘેરાતી પણ વરસતી નહીં. સૌમ્યા વગરનું અમદાવાદ હવે સ્નેહને કોરી ખાતું. મનમાં આત્મહત્યાના વિચારો આવતાં પણ સ્નેહ વાસ્તવવાદી હતો એટલે ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ અમદાવાદને છોડવાનો નિર્ણય લીધો. સુરતમાં એક ટ્રસ્ટની હોસ્પિટલમાં સારી જોબ મળી ગઈ.

આજે સ્નેહ અમદાવાદ છોડીને જઈ રહ્યો હતો. વરસાદ માઝા મૂકીને વર્ષી રહ્યો હતો અને સાથે સાથે સ્નેહની આંખોની વાદળીઓ પણ...

ક્રમશઃ


Rate this content
Log in