સંબંધોના પેચ
સંબંધોના પેચ


'વિશ્વાસની ડોર પણ આમ હવામાં ધીમે-ધીમે ડોલ્યા કરે ને બોસ, તો જ સંબંધનો પતંગ આકાશની ઊંચાઈઓ સર કરી શકે.' શું કહેવું શ્રીમતીજી?', આનંદજીએ પતંગને ધીમેથી ઠુમકો મારતાં કહ્યું.
'તમે શાયર ના બની શક્યાં એ વાતનો બદલો મારી સાથે જ લેશો કે શું પતિ-પરમેશ્વર?? આજે ઉતરાયણના ખુશીના અવસર પર આવા ભારેખમ શબ્દોનો ભાર મારા પર કેમ વરસાવો છો??', વિજાતાબેનએ સામે ઉત્તર આપ્યો.
આનંદ અને વિજાતા એટલે આધેડ વર્ષે પણ પ્રેમ-સમ્માનની મજબૂત ડોરને પકડી જીવનની નૈયાને હંકારી રહ્યા હતા પરંતુ સંબંધની ઉણપ એવી કે એ ના કોઈને કહી શકે ના સહી શકે.
'આનંદજીના જીવનની એક કડવી સચ્ચાઈ એમણે એમના પત્ની વિજાતાબેનથી પણ છુપાવી હતી અને એમને એ વાતનો રંજ જાણે ખાઈ જતો હતો એટલે જ એ અમુક સમયે વાતોને હસીને પોતાના અંદરના દર્દને છુપાવી લેતા. આજે પણ એવું જ કાંઈક હતું.
૨૦ વર્ષ પહેલા એમના જ ઓફિસમાં કામ કરતી એક સહકર્મચારી ચાર્મીબેન સાથે એમની સારી મિત્રતા અને ઘણા વર્ષો સાથે રહ્યા પછી દોસ્ત એક કુટુંબ જ બની જાય છે એવી સારી મિત્રતા વિજાતાબેનની ચાર્મીબેન સાથે હતી. જીવનના દરેક ઉતાર ચઢાવમાં એમની સાથે રહેતા. ચાર્મીબેનના પતિના અવસાન પછી તો વિજાતાબેને એમને બહુ જ સાચવ્યા સાથે આનંદજી તો ખુશ જ હતા. સમય સમયની વાત સાહેબ!
કોણ જાણે એ કેવો સમય હતો કે વિજાતાબેન થોડા દિવસ માટે બહારગામ ગયા અને છોકરાઓ પીકનીક ગયા. ચાર્મીબેન? એમ જ આવીને બેઠા, વાતોએ વળગ્યા અને ક્યારે આનંદની અને ચાર્મીબેન પોતાના સંબંધોની લક્ષ્મણરેખા ઓળંગી ગયા એ ખબર જ ના રહી. બંને માટે આ વાત પચાવવી અઘરી થઇ ગઈ હતી. ઓફિસમાં પણ સાથે અને શનિ-રવિની રાજાઓમાં પણ સાથે જ. એટલે ચહેરા ન'તા મેળવી શકતા અને આજે ઉત્તરાયણ હતી એટલે ચાર્મીબેન પણ આવ્યા હતા; છોકરાઓ એમની દુનિયામાં મસ્ત હતા.
'ચાર્મી, તને તો ઘણો શોખ છે ઉત્તરાયણનો. આજે તારો હાથ દોરી-પતંગને અડક્યો જ નથી. આવું બની જ કેવી રીતે શકે??', વિજાતાબેન બોલ્યા.
'ના, વિજેતા. આજે મન જ નથી લાગતું. બસ ઘરે જઈને સુઈ જવું છે. માથું દુ:ખે છે. તબિયત જરાક બરાબર લગતી નથી.', ચાર્મીબેન બોલ્યા.
'ચાલ હું શરબત બનવતી લાવું, ત્યાં સુધી તારો મૂડ સારો થઇ જશે.',વિજાતાબેન નીચે ઉતર્યા.
'વિશ્વાસની ડોર મજબૂતાઈથી બાંધજો આનંદજી,
ફીરકી ખાલી થવાની તૈયારી હોય ત્યારે,
છેલ્લા દોરાને ફરી નવી ફીરકીથી બાંધજો,
આ તો શું કે વિશ્વાસની ડોર કહેવાય ને??
થોડી ઘણી આમ-તેમ થઇ એટલે
'સંબંધ' નામનો પતંગ તો કપાયો જ સમજો,
એક વાર 'સંબંધ' નામનો પતંગ કપાયો એટલે
ગમે તેના હાથમાં આવે ને પછી 'ગમે-તેમ' લહેરાય આનંદજી..' લિ. તમારી સહભાગી શ્રીમતીજી.
એવો મેસેજ વાંચીને આનંદજીના પગ તળિયેથી જમીન તો ખસી સાથે પતંગની દોરી પણ છૂટી ગઈ અને પતંગ કપાયો.