Jyotindra Mehta

Drama Thriller

2.8  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૯

સંભવામિ યુગે યુગે ભાગ ૯

3 mins
311


તેના પછીની બધી રજાઓ સોમે પાળિયામાં વિતાવી, દિવસે ફરતો અને રાત્રે ભજન. ભજન તેના મનને અદભુત ઠંડક આપતા. જયારે જયારે તે વ્યગ્ર થઇ જતો તે શિવનું ભજન લલકારતો અને તેનું મન શાંત થઇ જતું. તેણે પોતે લખેલા ભજનોની ડાયરી તેણે સુંદરદાસજી બાપુ ને આપી હતી. તેઓ તેના માથે હાથ ફેરવતા અને કહેતા કે એક દિવસ તો મહાન સંગીતકાર બનીશ.


આ વખતે શહેર જતા પહેલા નક્કી કર્યું કે આ વખતે કોલેજના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવો નહિ જેથી તે આકર્ષણનું કેન્દ્ર ન બને. પાછલું આખું વરસ તેણે છોકરીઓથી દૂર ભાગવામાં વિતાવ્યું જેમાં પાયલ અને દીપા મુખ્ય હતી. પાયલ તેને ખુબ ગમતી પણ તેનો ઉદ્દેશ એટલો મોટો હતો કે તેમાં પાયલ માટે કોઈ સ્થાન નહોતું. તે અડચણરૂપ બનવાની શક્યતા હોવાથી પાયલથી દૂર રહેતો.


બીજા વર્ષના પ્રારંભથીજ તે અતડો રહેવા લાગ્યો અને ધીરે ધીરે તે એક કોચલામાં પુરાઈ ગયો. તે ફક્ત જીગ્નેશ અને ભુરીયા સાથે જ વાત કરતો. જીગ્નેશનો અવાજ સારો હતો અને ભુરીયાનો અભિનય સારો હતો પણ સંગીતસોમની છાયામાં તેમની તરફ કોઈનું ધ્યાન જતું નહિ પણ જેવો સોમ નાટક અને સંગીતથી દૂર થયા તેઓ ઝળકવા લાગ્યા. સોમનું લક્ષ્ય ફક્ત તે પુસ્તક હતું. જયારે તે શહેરમાં આવ્યો તેણે સૌથી પહેલી મુલાકાત સીટી લાયબ્રેરીની લીધી પણ ત્યાં જઈને ખબર પડી કે જૂનો લાયબ્રેરિયન રજા પર છે. તેણે બીમારીના કારણસર ૬ મહિનાની રજા લીધી હતી અને તે ક્યાં ગયો છે તેની પણ કોઈને ખબર નહોતી. નવો લાયબ્રેરિયન કોઈ યુવક હતો પણ તેણે ગુપ્તખંડ વિષે કોઈ માહિતી હોય તેવું લાગતું નહોતું. તે છતાં સોમે એક વાર તેને સંમોહનમાં લઇને પૂછ્યું પણ તેને કોઈ વાતની ખબર નહોતી. સોમ નિરાશ થઇ ગયો હતો તે રોજ સીટી લાયબ્રેરીમાં જતો એવી આશામાં કે જૂનો લાયબ્રેરિયન રજા પરથી પાછો આવી ગયો હશે.


આકર્ષક લાગતો યુવક અચાનક અનાકર્ષક દેખાવા લાગ્યો હતો. તેની આંખની આસપાસ કુંડાળા પડી ગયા હતા, ગાલ અંદર ધસી ગયા હતા અને ચહેરા પર નું તેજ અને હાસ્ય અદ્રશ્ય થઇ ગયું હતું. એક દિવસ મોડી સાંજે તે પથારીમાં એક પુસ્તક સાથે આડો પડ્યો હતો ત્યારે રૂમમાં પ્રોફેસર અનિકેત આવ્યા. સોમનું ધ્યાન પુસ્તકમાં હતું. અનિકેતે પ્રેમથી તેના માથામાં હાથ ફેરવ્યો. સોમે ચમકીને ઉપર જોયું તો પ્રોફેસર અનિકેતનો માયાળુ ચહેરો દેખાયો. સોમે કહ્યું આવો સર કેમ છો ? પ્રોફેસરે કહ્યું કે હું તો મજામાં છું પણ તું મજામાં દેખાતો નથી. તારો ચહેરો ઉતરી ગયો છે. હું તને કોલેજમાં રોજ જોતો તેથી આજે હોસ્ટેલમાં આવીને મળવાનું વિચાર્યું. શું કોઈ તકલીફ છે તને ? હમણાંથી કોઈ કાર્યક્રમમાં પણ ભાગ નથી લેતો અને ટેસ્ટમાં પણ પાછલા વરસ કરતા ઓછા માર્ક્સ છે. કોઈ ચિંતા હોય તો કહે, પૈસાની કોઈ તકલીફ હોય તો પણ કહે. સોમ અવઢવમાં પડ્યો, સાચું કારણ જણાવી શકાય તેમ નહોતું તેથી કહ્યું ના સર એવી કોઈ વાત નથી પણ મને અહીં ઓછું ફાવે છે, ગામ જવાનું મન થાય છે. પ્રોફેસરે કહ્યું કે સાચી વાત છે ગામની યાદ તો મને પણ સતાવે છે, તેથી તું કોઈ એવું કારણ શોધ જેથી તને અહીં રહેવું ગમે. તું આ શહેર ને પ્રેમ કર, શહેરના લોકોને પ્રેમ કર, આ કોલેજને પ્રેમ કર અહીંના વિદ્યાર્થીઓને પ્રેમ કર, કારણ પ્રેમ જ એક એવું બંધન છે જે કોઈ પણ વ્યક્તિને વરસો વરસ એક શહેરમાં કે ગામમાં બાંધી રાખે છે. પ્રેમ વગર આ જીવનમાં કઈ નથી. કોઈ જીજીવિષા કે આકાંક્ષાની પાછળ દોડવા કરતા કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળને પ્રેમ કરવો ઉપકારક છે. આકાંક્ષા એ મૃગતૃષ્ણા સમાન હોય છે, તેની પાછળ ભાગશો તો કદી હાથમાં નહિ આવે અને તમે પ્રેમ કરતા હશો તો તે તમારી અંદર પ્રગટશે તેથી તું પ્રેમી બન આ શહેરનો પ્રેમી બન પછી તને જીવન જીવવા જેવું લાગશે. પ્રોફેસર અનિકેત એક ધારા પ્રવાહમાં આ બધું કહી રહ્યા હતા અને સોમ તેમને જોઈ રહ્યો હતો. સોમ વિચારવા લાગ્યો કે શું પ્રોફેસર અનિકેતને મારી મહત્વાકાંક્ષા વિષે ખબર હશે તેથી આ બધું કહી રહ્યા છે ? પ્રોફેસરે આગળ કહ્યું તું પ્રેમની શક્તિ ને સમજ, પ્રેમ એ અધિકાર છે, પ્રેમ એ સમર્પણ છે.


સોમે ધીરેથી માથું હલાવ્યું અને કહ્યું સર આપની વાત મને સમજમાં આવી ગઈ. હું શહેરમાં એક અજાણી વ્યક્તિ તરીકે રહેતો હતો પણ હવે હું શહેરને પ્રેમ કરીશ જેથી મને અહીં રહેવાનું કારણ મળી રહેશે. એવું કહેતી વખતે સોમની આંખોમાં એક ચમક આવી ગઈ.



Rate this content
Log in

Similar gujarati story from Drama