સંભવામિ યુગે યુગે ભાગ ૭
સંભવામિ યુગે યુગે ભાગ ૭
સંગીતસોમનો પાળિયામાં આવ્યા પછી સુંદરદાસજી બાપુ ને મળવા ગયો. તેની પ્રગતિના સમાચાર અનિકેત દ્વારા બાપુને મળી ચુક્યા હતા. તેઓ તેના પર ખુબ ખુશ હતા. સવારે ઉઠવું, નિત્યક્રમ પતાવીને સાથે લાવેલા પુસ્તકો વાંચવા, બપોરે જમ્યા પછી આરામ અને સાંજે દોસ્તો ને મળવું અને તેમની સાથે ભજનકીર્તનના કાર્યક્રમમાં જવું અને રાત્રે આવીને પોતાના કાચા મકાનની સામે ખાટલો ઢાળીને સુઈ જવું એજ તેનો નિત્યક્રમ હતો.
એક અમાસની રાત્રે તેને આંખ ખોલી અને કોઈ જાગી તો નથી રહ્યું ને તે ખાતરી કરીને એક દિશામાં જંગલની તરફ ચાલવા લાગ્યો. ખુબ ઊંડે સુધી પહોંચ્યા પછી એક આંબલીના ઝાડ પાસે ઉભો રહ્યો. ત્યાં ઉભા રહ્યા પછી તેને પોતાના પાયજામાના ખીસા ફંફોસ્યા, તેમાંથી એક થેલી કાઢી તેમાંથી ત્રણ પડીકીઓ અને એક લીંબુ કાઢ્યું અને નીચે એક વર્તુળ દોરીને તેમાં બેસી ગયો. પોતે બેઠેલા વર્તુળમાં અબીલગુલાલ છાંટીને મંત્ર બોલવા લાગ્યો. લગભગ ૧૫ મિનિટ સુધી તે મંત્ર બોલતો રહ્યો. પોતે સુરક્ષિત થઇ ગયો છે તેવી ખાતરી થયા પછી તેને સામે એક વર્તુળ દોર્યું અને તેમાં લાવેલા લીંબુના બે ફાડિયા કર્યા અને તેમાં મુક્યા અને તેના પાર અબીલગુલાલ અને હળદર છાંટીને તે ફરી મંત્ર બોલવા લાગ્યો.
અડધો કલાક સુધી મંત્ર બોલ્યા પછી તેણે ધીમે ધીમે ધૂણવાનું શરુ કર્યું. થોડીવાર પછી તેને ધૂણવાનું બંધ કર્યા પછી તેને જોયું કે લીંબુ નો રંગ બદલાઈ ગયો છે. પછી તે બોલ્યો રંગા હાજર થઇ જા અને મને મારા સવાલોના જવાબ આપ. સામેના કુંડાળામાંથી અવાજ આવ્યો હાજર છું મહાગુરુ અને પૂછો શું પૂછવું છે ? રંગા તે કહ્યું હતું કે પુસ્તક મને કોલેજની લાયબ્રેરીમાં મળી જશે પણ તે પુસ્તક ત્યાં નથી, મેં આંખી લાયબ્રેરી ગોતી લીધી. રંગા એ કહ્યું તે પુસ્તક ત્યાંથી હટાવી લેવામાં આવ્યું છે અને હું અત્યારે જોઈ નથી શકતો કારણ તેને મંત્રથી રક્ષિત કરી દેવામાં આવ્યું છે. સંગીતસોમે પૂછ્યું કોણે હટાવ્યું તે તો કહી શકે ? કુંડાળામાંથી અવાજ આવ્યો કે ત્યાંથી પુસ્તક હટાવનાર વ્યક્તિ
મંત્રથી રક્ષિત હતો તેથી હું તેને જોઈ ન શક્યો, પણ મેં તને ગુપ્તદ્વાર શોધવાનું કામ આપ્યું હતું તે પૂર્ણ થયું કે નહિ ? સોમે નિસાસા સાથે જવાબ આપ્યો કે બે ત્રણ ગુપ્ત દરવાજા મળ્યા પણ તે ચીંધેલી એક પણ નિશાની ન મળી. રંગાએ કહ્યું તે દ્વાર શોધવું એટલું આસાન નથી પણ તું હજી થોડી મહેનત કરીશ તો મળી જશે પણ હું જોઈ રહ્યું કે તું શહેરી જીવનનો આનંદ માણવામાં વ્યસ્ત છે. સોમે કહ્યું તું પોતે ત્યાં આવીને કેમ મદદ નથી કરતો રંગાએ કહ્યું કે હું આ ઝાડ સાથે બંધાયેલો છું હું ફક્ત જોઈ શકું પણ ત્યાં આવીને મદદ ન કરી શકું. અને તારે મહાગુરુના પદથી આગળ વધવું હોય તો તારે મહેનત કરવી પડશે. પણ ઠીક છે આજ સુધી કોઈ ૧૭ વરસની ઉંમરમાં મહાગુરુ બની શક્યો નથી તેમને મહાગુરુ બનતા ૭૦ વરસ લાગી જાય છે. તું કોઈ અસાધારણ ગ્રહયોગમાં જન્મ્યો હોઈશ તેથી આ શક્ય બન્યું પણ એક વાતે તને આગાહ કરવા માંગુ છું કે તારી આટલી ઝડપથી આપણા જ લોકો દુશ્મન વધી જશે, તું થોડો સંયમ રાખ.
સોમે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું મને વણમાગી સલાહ ન આપ, મદદ કરી શકતો હોય તો કર. મારે આખી સૃષ્ટિ જીતવી છે તેથી મને જરૂર છે સમયની માટે અગંતકની વિધિ કરવી છે જેથી મારી ઉમર ૫૦૦૦ વર્ષ થઇ જાય અને પછી મારે બીજા પણ કાર્યો કરવા છે. હવે તું મને કહે કે હું આગળ શું કરું. રંગા એ કહ્યું મને થોડીવાર વિચારવા દે. થોડીવાર પછી રંગા એ કહ્યું કે એક પુસ્તક છે જેમાં અનંતકના પુસ્તક ઉપર કરવામાં આવેલા રક્ષામંત્રનો તોડ છે. એક વાર અનંતકનું પુસ્તક મળી ગયા પછી તને ગુપ્તદ્વાર પણ મળી જશે. પણ તે પુસ્તક ક્યાં મળશે ? સોમે પૂછ્યું. રંગાએ કહ્યું સીટી લાયબ્રેરીના રહસ્યમય વિભાગમાં. સોમે કહ્યું ત્યાં એવી કોઈ જગ્યા નથી. લાયબ્રેરિયન પર વશીકરણ મંત્રનો પ્રયોગ કરીને પુછજે તે બતાવશે. સોમે હકારમાં માથું હલાવ્યું અને મંત્ર બોલીને કુંડાળામાંથી ઉઠી ગયો.
બાજુમાં વરખડીનું ઝાડ હતું તેમાંથી એક આંખ આ બધું દ્રશ્ય જોઈ રહી હતી.