સંભવામિ યુગે યુગે ભાગ ૧૮
સંભવામિ યુગે યુગે ભાગ ૧૮


બીજે જ દિવસે સોમ પળીયા જવા નીકળ્યો. તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને ઊંડે ઊંડે આશા હતી કે તેને તેના પ્રશ્નોના ઉત્તરો પળીયામાં મળશે. છેલ્લે રંગા તો હતો જ તે તેના પ્રશ્નોનો ઉત્તર આપશે. પળીયા જવાનો ઉદ્દેશ ફક્ત પોતાના પ્રશ્નોના ઉત્તરો નહિ પણ તેનું મન અશાંત હતું તેને શાંત કરવાનો ઉપાય હતો કદાચ સુંદરદાસજી બાપુ પાસે કોઈ રસ્તો હોય. કોઈની હત્યાનો મન પર બોજ જીવનભર રાખવા માંગતો નહોતો. એક મન કહેતું હતું કે હત્યા તેણે કરી હતી અને એક મન કહેતું હતું કે હત્યાનું કારણ પેલી તલવાર હતી જે તેને સુમાલીએ આપી હતી.
ઘરે આવીને તે પોતાના માતાપિતાને મળ્યો. ઘરે આવવાનું કારણ એવું આપ્યું કે તેને માતાની યાદ આવતી હતી અને ગામની યાદ આવતી હતી. રાત્રે જમતી વખતે માતા એ પૂછ્યું બેટા કોલેજમાં કોઈ છોકરી ગમી કે નહિ તો તેણે શરમાતા શરમાતા પાયલ વિશે વાત કરી અને કહ્યું કે તે તો અત્યારે સાથે આવવા માંગતી હતી પણ મેજ ના પડી. માતાએ કહ્યું કે લેતો આવ્યો હોત તો મને આનંદ આવ્યો હોત. સોમે કહ્યું હવે શિક્ષણ પૂરું થાય પછીજ લાવીશ. માતાએ પૂછ્યું કે બેટા તું ભણીને આગળ શું કરવા માંગે છે ત્યારે સોમ પાસે તેનો કોઈ ઉત્તર નહોતો, તેણે કહ્યું ભવિષ્ય વિશે કઈ જ વિચાર્યું નથી. તે જમીને ખાટલામાં આડો પડ્યો હતો ત્યારે પિતા તેની પાસે આવ્યા અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું દીકરા તું આવ્યો ત્યારથી કોઈ વિચારમાં હોય તેવું લાગે છે અને તારા વર્તનમાં પણ સ્વાભાવિકતા નથી લગતી કોઈ ચિંતા હોય તો મને કહે. સોમે કહ્યું ના બાપુ એવી તો કોઈ વાત નથી. આ તો ઘણા દિવસે આવ્યો એટલે તમને એવું લાગે છે.
તેને યાદ આવ્યું કે જટાશંકરનું નામ તેણે પિતાના મુખે સાંભળ્યું હતું, તેણે પૂછ્યું એક વાત પુછવી હતી શું તમે કોઈ જટાશંકર ને ઓળખો છો ? દિલીપે ઉત્તર આપ્યો જટાશંકર બાબાનો આશ્રમ અહીં નજીકમાં જ હતો તેમણે જ તારી કુંડળી બનાવી હતી પણ પાંચેક વરસ પહેલા જ તેઓ અહીંથી નીકળી ગયા છે તેઓ ક્યાં છે કોઈને ખબર નથી. સાથેજ પૂછ્યું કે તે જટાશંકર વિશે કેમ પૂછ્યું. ના અમસ્તુજ એક દિવસ અમારા અનિકેત સર તેમના વિશે વાત કરતા હતા તેથી તમને પૂછ્યું કે તેઓ જો અહીં નજીકમાં રહેતા હોય તો તેમને મળી લઉં. દિલીપે પૂછ્યું ભણવામાં પ્રગતિ કેવી છે ? સોમે કહ્યું કે સારું ચાલે છે દિલીપને વધારે પૂછવાની જરૂર ન લાગી. કારણ તેમને ખબર હતી કે તેમનો પુત્ર હંમેશા પ્રથમ સ્થાને હોય છે. તારા ગણતા ગણતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની સોમને ખબર પણ ન પડી.
બીજે દિવસે સવારે સુંદરદાસજી બાપુના આશ્રમમાં ગયો. તેમણે સોમની પૂછપરછ કરી અને પ્રોફેસર અનિકેત વિશે પણ પૂછ્યું અને કહ્યું આજે રાત્રે ભજનમાં આવજે મને આનંદ થશે. સોમે કહ્યું એમાં કહેવાનું શું હોય હું આમેય આવવાનો હતો. દિવસભર મિત્રો સાથે વિતાવ્યા પછી રાત્રે જમીને તે આશ્રમમાં ગયો ત્યાં ત્રણ કલાક સુધી શિવના ભજનો ગયા અને તેનું મન શાંત થયું. ભજનમાંથી પાછા આવતા આવતા તે વિચારવા લાગ્યો કે પાયલના આશ્લેષમાં મળેલી શાંતિ અને શિવના ભજનમાં મળેલી શાંતિ સમાન હતી તો શું પ્રભુની ભક્તિ કરવી અને કોઈ વ્યક્તિને પ્રેમ કરવો એ એક સમાન છે ? પણ પોતાની કુંડળી વિશે જવાબ કોને પૂછવો.
બીજે દિવસે તે મધ્યરાત્રે ઉઠીને પોતાની સાધના સ્થળે ગયો અને રંગાનું આવ્હાન કર્યું. રંગાએ કહ્યું વાહ કૃતક ને આજે મારુ કામ પડ્યું. સોમે પૂછ્યું રંગા મારે મારા અમુક પ્રશ્નોના જવાબ જોઈએ છે. જટાશંકર ક્યાં છે અને તે મારી હત્યા કેમ કરવા માંગે છે ? રંગાએ કહ્યું કે જટાશંકર પણ કૃતક છે અને પાછલાં ૫૦ વર્ષથી કૃતક છે. તું જન્મ્યો નહોતો ત્યાં સુધી તેની સામે કોઈ સ્પર્ધક નહોતો પણ તારી કુંડળી તેણે જ બનાવી હોવાથી તેને ખબર હતી કે એક સ્પર્ધક જન્મ્યો છે અને એક દિવસ તું તેની સામે મોટું આવ્હાન ઉભું કરીશ, તેથી તારા નાનપણથી જ તને મારવાનો પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થયો. સોમે પૂછ્યું તેનું કારણ શું ? રંગાએ કહ્યું કે કોઈ મહાશક્તિ તારું રક્ષણ કરી રહી છે જેથી હું પણ જોઈ શકતો નથી કે તને કોણ કોણ વ્યક્તિ બચાવી રહી છે કોઈ મહાન શક્તિ કોઈ વ્યક્તિ થકી તારું રક્ષણ કરી રહી છે. સોમે પૂછ્યું કે શું એ વાત સાચી છે કે મારી કુંડળી રાવણ જેવી જ છે અને હું રાવણનો અવતાર છું ? રંગાએ કહ્યું કે તારી કુંડળી રાવણના જેવી છે પણ તું રાવણનો અવતાર છે કે નથી તેની મને ખબર નથી. રંગાએ કહ્યું તું એક દિવસમાં કેટલા પ્રશ્નો પૂછીશ મને કંટાળો આવવા લાગ્યો છે. સોમે કહ્યું કે અનંતકની વિધિ માનવ બલી માંગે છે ? ના અનંતકની વિધિમાં માનવબલી નું કોઈ વિધાન નથી પણ તે વિધિમાં અજાણતાંમાં બલી આપી દીધો તેથી તને કૃતકનું પદ મળ્યું, હવે જો અનંતકના બીજા ચરણમાં જો માનવ બલી આપીશ તો તો તું સીધો રાવણના પદ પર બીરાજીશ. જગત આખાની કાળી શક્તિઓ તારી મુઠ્ઠીમાં હશે અને દેવતાઓ પણ તારું કઈ બગાડી નહિ શકે. તું દેવતાઓની સમકક્ષ આવી જઈશ. હજારો વર્ષોમાં કોઈ આ પદ પર પહોંચી શક્યું નથી. છેલ્લે આ પદ રાવણ અને ઈંદ્રજિતને મળ્યું હતું પણ દેવતાઓએ છળ થી તેમનો વધ કર્યો હતો. સોમે પૂછ્યું તે વિધિને તો વાર છે પહેલા એ કહે જટાશંકર ક્યાં છે ? મારે તેને મળવું છે. રંગાએ કહ્યું કે થોડા સમય પહેલા રાજસ્થાનમાં હતો પણ તારા કૃતક બન્યા પછી તેણે પોતાની આજુબાજુ રક્ષાકવચ ઉભું કર્યું છે જેનાથી હું જોઈ નથી શકતો કે તે ક્યાં છે. આટલું કહ્યા પછી સોમ ઉભો થયો અને પોતાના ઘરની દિશામાં આગળ વધ્યો. અને તેને પાછળથી બે સળગતી આંખો નિહારી રહી હતી.