સંભવામિ યુગે યુગે ભાગ ૧૩
સંભવામિ યુગે યુગે ભાગ ૧૩


બે દિવસ બાદ સોમના હાથમાં અનંતકની વિધિનું પુસ્તક હતું. તેને પુસ્તક ને બદલે તામ્રપત્રનો સંગ્રહ કહો તોય ચાલે તેમ હતું. એક લાલ રંગના રેશમી કપડામાં તે બંધાયેલું હતું. તેણે હોસ્ટેલમાં આવીને તે પુસ્તક પોતાની પેટીમાં મૂક્યું. અનંતકની વિધિના મુહૂર્તમાં હજી ચાર દિવસ બાકી હતા અને તેણે પુસ્તકનું અધ્યયન કરીને તૈયારી કરવાની હતી. કોલેજ છૂટવાનો સમય થઇ ગયો હતો. તે છેલ્લા બે દિવસથી કોલેજ નહોતો ગયો, રુમના દરવાજા પર ટકોરા પડ્યા એટલે તેણે આગળ વધીને દરવાજો ખોલ્યો તેને લાગ્યું ભુરીયો હશે પણ તેને બદલે દરવાજા પર પાયલ ઉભી હતી. પાયલ અંદર આવીને તેને ભેટી પડી અને બોલી આવવા દે ભૂરાને મેં પૂછ્યું કે તું બે દિવસથી કેમ નથી આવ્યો તો તેણે મને કહ્યું કે તારો એક્સીડંટ થયો છે અને તારો પગ ફ્રેક્ચર થયો છે. સોમે હસીને કહ્યું સારું થયું ને તેણે એવું કહ્યું નહિ તો તું મને આટલા પ્રેમથી ક્યારે ભેટી હોત. તે શરમાઈને દૂર થઇ ગઈ અને પૂછ્યું બે દિવસથી કેમ નહોતો આવ્યો ? સોમે કહ્યું તબિયત થોડી બગડી હતી તેથી નહોતો આવ્યો.
પાયલે કપાળ પર હાથ મુક્યો અને પૂછ્યું અને શું થયું? હવે તને કેમ છે ? ડોક્ટર પાસે ગયો હતો કે નહિ ? અને તું બીમાર છે તો ભુરીયો અને જીગ્નેશ કોલેજ કેમ આવ્યા ? અને મને કેમ કહ્યું નહિ ? હું પણ રજા પાડત ને. સોમે પોતાનાં બે હાથ ઉપર કરીને કહ્યું પાયલ શાંત થઇ જા તું, તું વિચારે છે એટલી તબિયત કઈ બગડેલી નહોતી. ડોક્ટર પાસે જઇ આવ્યો છું, બે ચાર દિવસ આરામ કરવા કહ્યું છે , થોડી કમજોરી છે બીજું કઈ નથી. પાયલે પૂછ્યું તો હું કાલે કોલેજ ના બદલે અહીં આવું? સોમે કહ્યું તું લેક્ચર અટેન્ડ કરીશ તો પાછળથી મને નોટ્સ મળી શકશે . બાકી ભુરીયા અને જીગ્નેશની નોટબુક વાંચી શકાય એવી પણ નથી હોતી. દરવાજા બહારથી કોઈનો અવાજ આવ્યો કોઈ મને યાદ કરી રહ્યું છે ? એમ કહીને ભુરીયો અને જીગ્નેશ રુમમાં આવ્યા. પાયલે કહ્યું ભૂરા તારો ભાઇબંદ બીમાર છે અને હું કહું છું કે કાલે અહીં આવીશ તો મને આવવાની ના પાડે છે. ભુરીયા એ કહ્યું નાટક કરે છે તેને કઈ થયું નથી આ તો તને તરસાવવા આવું કરે છે, તું એને ત્રણચાર દિવસ ના જુએ એટલે કેવી દોડી દોડીને તેને જોવા આવે છે, તે ચેક કરવા બીમારીનું નાટક કરે છે. ભુરીયાની વાત કરતા તેની કહેવાની પદ્ધતિથી પાયલને હસવું આવી ગયું અને પછી ચારેય જાણ ખડખડાટ હસવા લાગ્યા. કલાક જેટલું બેસીને પાયલ ઘરે જતી રહી અને ભૂરાને કહીને ગઈ કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે ફોન કરજે હું આવી જઈશ. રાત્રે ભુરાનાં સુઈ ગયા બાદ સોમે પેટીમાંથી પુસ્તક કાઢ્યું અને તે તેનું અધ્યયન કરવા લાગ્યો. પુસ્તકની ભાષા પૂર્ણ રીતે સંસ્કૃત નહોતી પણ સંસ્કૃતને મળતી આવતી ભાષા હતી. વચમાં વચમાં તે કોઈ શબ્દ પર અટકાય તો ડીક્ષનરી જોઈ લેતો કોલેજમાંથી સંસ્કૃતથી ગુજરાતીની ડીક્ષનરી લેતો આવ્યો હતો. તે દિવસે હજી એક વ્યક્તિ હતી જેની ઊંઘ ઉડેલી હતી તે હતા પ્રદ્યુમ્નસિંહ. તે બંને હાથ પાછળ બાંધીને હૉલમાં આંટા ફેરા મારી રહ્યા હતા. ગુરુજીનો આદેશ હતો આજે જાગવાનો તેઓ મળવા આવવાના હતા. બેલ વાગ્યા પછી તેમણે દરવાજો ઉઘાડ્યો. સામે બાબાજી ઉભા હતા તે અને તેમણે એક હેતાળ સ્મિત આપ્યું અને અંદર આવ્યા. બાબાજીએ કહ્યું મને અંતરસ્ફૂર્ણા થઇ કે તમે ચિંતિત છો તેથી તમને મળવા આવ્યો. પ્રધુમ્ન સિંહે કહ્યું કે સોમ ને અનંતકની વિધિનું પુસ્તક મળી ગયું છે અને જો તે અનંતક બની ગયો તો તેને રોકવો મુશ્કેલ થઇ જશે. એક કૃતક છે અને હવે એક અનંતક આપણા માટે મુશ્કેલ થઇ જશે. બાબાજી એ કહ્યું ચિંતા ન કરો મારા ગુરુજીએ બધુજ વિચારેલું છે. સોમનો જન્મ વિશેષ કારણસર થયો છે. પ્રદ્યુમ્ન અતિજ્ઞાન પણ દુઃખદાયક હોય છે તેથી આપ બધું સમય પર છોડી દો અને ગુરુજીના આદેશનું પાલન કરો. હવે સોમની સુરક્ષા વધારી દો અને કાલે એક વ્યક્તિ તમને મળવા આવશે તેને પણ સોમની સુરક્ષામાં લગાડી દેજો. પદ્યુમને કહ્યું જેવી આપની આજ્ઞા. બાબાજી ઘરની બહાર નીકળ્યા અને થોડી દૂર આવીને પોતાના ચેહરા પર કુટિલ સ્મિત લાવીને મંત્ર બોલ્યા અને તેમનો ચેહરો બદલાવા લાગ્યો. થોડીવાર પછી ત્યાં બાબાજી ના બદલે જટાશંકર ઉભા હતા.
આ તરફ સોમે અનંતકની વિધિની તૈયારી કરી લીધી હતી હવે તેને ઇંતેજાર હતો ગુરુવારનો. ગુરુવાર રાત પછી તેનું ભવિષ્ય બદલાવાનુ હતું. તે વિચારવા લાગ્યો કે તે કયા રસ્તે જઈ રહ્યો છે ? તેનો માર્ગ યોગ્ય છે કે નહિ ? તેને પોતાની અંદર કાળી શક્તિઓ અને વિધિ વિશેના આકર્ષણ વિષે કઈ જવાબ નહોતો. તે નાનો હતો ત્યારે એક ઘરડા તાંત્રિકે જંગલમાં તેને પકડીને બધી વિધિ શીખવી હતી તેના પછી તે પોતાની સૂઝથી આગળ વધતો ગયો તે પછી તે તાંત્રિક ક્યારેય દેખાણો નહિ.