STORYMIRROR

Aniruddhsinh Zala

Romance

3  

Aniruddhsinh Zala

Romance

સ્મૃતિપટની સુમધુર યાદો

સ્મૃતિપટની સુમધુર યાદો

4 mins
209

સ્મૃતિપટ પર કંડારાયેલ એ મનોહર યુવકની મધુર યાદોને હૃદયપટ પર ઝબકાવીને ભૂમિ ભીતરથી પ્રગટેલ મધુર હાસ્ય સાથે ભૂતકાળની યાદોમાં સરી પડી.

ઘોર અંધારી વરસાદી રાતે ઓફિસેથી આવતાં ભૂમિને મોડું થઈ ગયું હતું અને ઘર તરફ જતાં કુદરતની સાથે મળી પરેશાન કરવા માંગતી હોય તેમ તેની કાર પણ દગો આપીને સુમસામ રસ્તે બંધ થઈ ગએલી. બહાર ઝરમર વરસાદ આંધી સાથે વરસવા લાગ્યો હતો. ભૂમિ બહાર આવીને મદદ માંગતી હતી પણ વરસાદી માહોલમાં કોઈ ગાડી ઉભું રાખતું ન હતું. અચાનક એક રેઈનકોટ પહેરેલ સાઈકલ સવારે આવીને પૂછ્યું,

"આપને મદદની જરૂર છે ?

 સ્મૃતિ મોઢું ફુલાવીને બોલી,. "અરે જોતો નહીં આ કાર બંધ થઈ ગઈ છે. તું શું તારી સાઈકલ સાથે બાંધીને ઘસેડીને લઈ જઈશ.?

ભૂમિનો આવો પોતાની મજાક કરતો જવાબ સાંભળ્યા બાદ પણ યુવક ખડખડાટ હસીને બોલ્યો હતો ,..

 "આપ મને જુઓ મારી સાઈકલ સામું જોઈને મજાક ન કરો. હું ગાડી રીપેરીંગ કામ પણ થોડું જાણું છું. આપ બોનેટ ખોલો હું ચેક કરી લઉં."

ભૂમિને આ સાઈકલવાળો પસંદ નહીં આવેલો પણ બીજો કોઈ ઉપાય ન હતો એટલે મોઢું મચકોડીને ગાડીમાંથી બોનેટ ખોલ્યું. પેલાએ તપાસી અને પછી બોલ્યો,.

"તમે સાઈકલ ચલાવવાનું શરૂ કરી દો કેમ કે ગાડીને સાચવતાં તમને આવડતું નથી રેડિએટર લીક છે અને પાણી વગર ગાડી ચલાવો છો. હવે ગાડી હિટ મારી ગઈ છે. હાલ ચાલુ નહીં થાય."

 ભૂમિ ગુસ્સામાં બોલી,..

"એય તને સલાહ આપવાનું કોને કહ્યું.? ગાડી ઠીક નથી કરી શક્યો અને ઉપકાર કરતો હોય તેમ સૂચનો કરે છે.? જા તારાં રસ્તે મારે તારી જરૂર જ નહીં."

પેલો ફરી મધુર હાસ્ય સાથે બોલ્યો,.

"સારુ હો. જઈ રહયો છું. પણ આવી રાત્રીના તમને એકલાં છોડીને જવાનું મન નહીં કરતું. "

 ભૂમિ ખિજાઈને ગાડીમાંથી સળીયો કાઢીને બોલી,. "હવે બોલ્યાં વગર જાય છે કે.?" સળીયો દેખાડતાં તે યુવક હસીને ચાલ્યો ગયેલો.

 થોડીવાર પછી બે બાઈક વાળા આવીને ઊભા રહ્યાં અને ભૂમિને એકલી જોઈને છેડતી કરવા લાગ્યાં. બહુ પાવર કરનાર ભૂમિ હવે બકરી બની ગઈ અને હેલ્પ. હેલ્પ. બૂમો પાડવા લાગી ગાડી મૂકીને રોડ પર દોડી પાછળ પેલાં બે દોડતાં હતાં. જીવ બચાવીને ભાગતી ભૂમિને સામે ફરી પેલી સાઈકલ આવતી દેખાતાં તે ખુબ જ હરખાઈ ગએલી અને તે સાઈકલની આડી આવીને ઊભી રહેતાં પેલો હસીને બોલ્યો,..

 "અરે ભટકતી આત્મા તમે વારે વારે મને જ કેમ ભટકાઈ જાવો છો ?

 ભૂમિએ ગભરાઈને હાથ જોડીને પેલાં બે ગુંડાઓ તરફ આંગળી ચીંધી.

પેલાં બે હવે નજીક પહોંચી ગયા હતાં. તેઓ સાઈકલવાળાને ધમકાવતાં બોલ્યાં,.. 

 "એય ચાલ ભાગ અહીંથી.! નહીતર આ છૂરો તારા ગળાનું લોહી પીવા તરસ્યો છે જો."

 પેલો યુવક બોલ્યો,. "આ મેડમ તો મને પણ સળિયો બતાવી ડરાવતા હતાં. તમને પણ મારે નહીં એનો ખયાલ રાખજો."

કહીને તેને સાઈકલ આગળ હંકારી. આ જોતાં જ ભૂમિ ગુસ્સામાં બોલેલી, "એય કાયર મને એકલી છોડીને ક્યાં ભાગે છે.? મેં તને આવો નહોતો ધાર્યો."

પેલાં બે ગુંડાઓમાથી એક ભૂમિનો હાથ પકડીને બોલ્યો,.

"એય ફટાકડી આ અમારો એરીયા છે તને કોઈ નહીં બચાવે ચાલ છાનીમાની."

એ બોલે તે પહેલાં જ એક જોરદાર લાત તેનાં મોઢા પર વાગતાં તે ભોંય ભેગો થઈ ગયો.

વીર ભોગ્યા વસુંધરાનો વીર ઝળક્યો, ભૂમિએ જોયું તો પેલો યુવક જેને તેણે કાયર કહેલો તે એક બહાદુર યૌદ્ધા જેવો તેણે દેખાવા લાગેલો. તેણે બીજો ગુંડો છૂરો લઈને મારવાં આવતાં સામે દોડીને અચાનક કરાટેના કરતબ બતાવતાં નીચે બેસીને તેનાં પગમાં લાત મારતાં તે ઉછળીને નીચે પડ્યો અને પછી તો વારાફરથી બંનેને ધોઈ નાખ્યાં.

વરસાદમાં બધાં જ ભીંજાઈ ગયાં હતાં લડતાં લડતાં પેલાં ગુંડાઓ માર પડતાં ભાગવા લાગેલાં.

હવે યુવક ડરી ગએલી ભૂમિને જોઈ ફરી મોહક હાસ્ય સાથે બોલ્યો,.

 "ચાલો તમારી ગાડી સુધી સાઈકલ પર બેસવું ગમશે કે ચાલીને આવશો.?"

 ભૂમિ શરમાઈને ચુપચાપ સાઈકલ પર બેસી ગઈ હતી અને કાર જોડે ઉતારીને યુવક બોલ્યો,.

"તમે ગાડીમાં બેસો હું ધક્કો મારીને થોડે દૂર ગેરેજ છે ત્યાં સુધી પહોંચાડી દઉં."

ભૂમિને પરાણે ગાડીમાં બેસાડી સાઈકલ મૂકીને તે ધક્કો મારવાં લાગ્યો હતો અને ગાડી ચેક ગેરેજ પાસે પહોંચે તે પહેલાં જ બ્રેક મારીને ઉતરીને ભૂમિ બે કાન પકડી બોલી ઉઠેલી,.

"સોરી સોરી સોરી. પ્લીઝ માફ કરી દેજે."

પેલો હસીને બોલ્યો,.. "મને તમારી આ અદા ખુબ જ ગમી. ફરી કોઈવાર ભૂલા પડો તો યાદ કરજો. એ બહાને તમને મળી તો શકાશે."

 ભૂમિ શરમાઈને ગાડીમાં બેઠી અને ગાડી ધક્કો મારીને પેલાએ ગેરેજ પર પહોચાઈને તે જઈને કારીગરને બોલાવી લાવ્યો અને બતાવીને જોડે રહીને રીપેર કરાવી આપેલી અને પૈસા પણ તેણે જ નાં કહેવા છતાંય આપી દીધેલા.

 હવે ગાડીમાં બેસી સેલ માર્યા પછી ભૂમિએ ઉભેલા તે યુવકને પૂછ્યું,.

"તને બહુ ખોટું લાગ્યું છે ને ?

યુવક હસીને બોલેલો,. ના રે ના.. પણ હવે મને કાયર તો નહીં કહો ને.?

 ભૂમિનાં પલળેલા હૃદયમાં જાણે ફૂલ ખીલી ગયાં હતાં. તે હસીને બોલી,

 " અરે તને તો હીરો કહીશ હવે."

પેલો યુવક ખડખડાટ હસતો હસતો પાછાં પગલે ટાટા કરતો દૂર જઈને પાછો ફરીને પોતાની સાઈકલ લેવા ઝરમર વરસતા વરસાદમાં દોડ્યો હતો.

ભૂમિ પણ ભીતરથી છલકાઈને ગાડી લઈને ઘેર આવી હતી.

અચાનક ટીવીનો ઘોઘાટ થતાં તે વિચારોમાંથી બહાર આવીને ટીવી સામું જોયું તો આશ્ચર્ય પામી ગઈ.

 પેલાં જ યુવકને ટીવીમાં દર્શાવીને મીડિયાવાળા આ નવા નિમણુક પામેલ બહાદૂર પોલીસ ઈન્સ્પેકટરની તેની ઓળખ આપી તેનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. ભૂમિ તેને જોઈ ખુબ હરખાઈ ગઈ અને સદાય સ્મૃતિમાં રહેલ તે મનગમતાં યુવકને ફરી મળવાં માટે તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે અચાનક બોલી ઊઠી, "તું છે તો હું છું."


Rate this content
Log in

Similar gujarati story from Romance