સ્મિતની અસ્મિતા
સ્મિતની અસ્મિતા
"દરવાજો ખોલતાં આટલી વાર ?"આલોક ઘરમાં પ્રવેશ કરતાં જ ગરજ્યો. એની સાથે એનાં બે મિત્રો હતાં.
આલોકનું વર્તન જોઈને બન્ને મિત્રો છોભિલાં પડી ગયાં અને જઈને સોફા ઉપર બેસી ગયાં. આલોક રસોડામાં
આવ્યો, હજી એનો ગુસ્સો સાતમાં આસમાને જ હતો,
"તારાં વેશ તો જો પત્ની તરીકે ઓળખાણ કરાવતા યે મને શરમ આવે છે."
સ્મિતા, આલોકનાં સ્વભાવને જાણતી હતી. તે આગળપાછળ જોયાં વગર આમ જ બરાડતો રહેતો. હકિકતમાં સ્મિતા બારમાસી અથાણાં બનાવતી હતી ત્યાં તો ઓર્ડર છુટ્યો,
"મુક આ બધું એક બાજુ અને અમારાં માટે ચા-નાસ્તો બનાવ અને બહાર આવ તો તૈયાર થઈને આવજે. મારા મિત્રોની પત્નીઓને જો કેવી 'અપ ટુ ડેટ'હોય છે."
સ્મિતા ગરમાગરમ ભજીયાં અને ચા બનાવીને તૈયાર થઈને બહાર આવી. ભજીયાંની સોડમથી બન્ને મિત્રોનાં મોઢામાં પાણી આવવા લાગ્યું અને ચપોચપ ડીશો ખાલી થઈ ગઈ. તેઓએ સ્મિતાના વખાણ કરતાં કહ્યું કે ,"ભાભી અમે પહેલી વાર આટલાં સ્વાદિષ્ટ ભજીયાં ચાખ્યાં." બન્નેએ વારાફરતી પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાયાં.
"અમારે તો કિટીપાર્ટી અને બ્યૂટીપાર્લરમાંથી સમય મળે તો રસોડામાં જાય. બાકી એક બેન એનાં ટાઈમે આવીને રસોઈ બનાવી જાય. અમારો સમય થાય એટલે અમે ગળચી લઈએ .રસોઈ એક કળા છે, પરિવારનાં દિલ જીતવાંનો જાદુ છે એ તો કોઈ તમારી પાસેથી શીખે."
આલોક નીચું જોઈને સાંભળતો રહ્યો.
ઘર ભલે ચણો ઈંટ ચુનાનું, લીંપણ થોડું સ્મિતનું રાખજો. અમથાં ગરજવાંનો શું મતલબ ! સમયાંતરે થોડું વરસવાનું રાખજો !'
