સમી સાંજની લાલિમા
સમી સાંજની લાલિમા
સમી સાંજની લાલીમામાં હેતવીની આંખોમાં સંતોષ હતો. જાણે કે વર્ષોની ઈચ્છા આજે એક જ પલકારે પુરી થઈ હોય. અમિત આવ્યો હતો. ચાર વર્ષે આજે બારી માંથી જોતા હેતવીના મનમાં આશાના અંકુર પગરતાં હોય એવો એહસાસ થતો હતો.
પ્રફુલ્લિત મન અને તનની સાથે એક ગ્લાનિ પણ હેતવીની સતાવી રહી હતી... અમિતને ભરફાગણીયે છોડીને આગળ વધવાની ગ્લાનિ. હવે એ મને મળશે ? શું એ મને ફરી એકવાર સ્વીકારશે ? શું હું એની...
વિચારોના ચકરાવે ચડેલી હેતવીને પાછળથી કોઈ સાદ આપતું હોય એવું લાગ્યું. વળીને પાછળ જોવે ત્યાં તો જાણે પોતાનો સૂર પુરાવવા આતુર હોય એમ વાયરો વાયો અને અટારીએ સુકાતો ખેસ એના મોઢા પર રેલાયો.
ઝડપભેર આગળ વધતી હેતવી જરાવાર માટે ઠેબુ ખાઈ ગઈ. પોતાને સંભાળતી હેતવીએ આંખો માંડી ને જોયું તો સામે અમિત સ્મિત સાથે ઉભો હતો. કેમ છે મારી મીંદડી... (અટ્ટહાસ્ય સાથે) "શું કહ્યું તે..."
"તે જે સાંભળ્યું એ જ. અમિત... તું હજી..."
"હા હું હજી..."
"કેમ છે ? ક્યારે આવ્યો ? આમ અચાનક... તું એકલો જ..."
"અરે અરે.. આમ જ બધુ પૂછવાની છો કે તારા રૂમ માં આવવાની પરવાનગી આપીશ."
"ઓહ.. હા.. હા.. આવને.. હું તો.."
મને ખબર છે તું મારા રૂમની બારીએ મીટ માંડી બેઠી હતી.. ખરુંને.. હજી..."
"ના હજી પણ નહીં... તું આમ અચાનક છોડીને..."
"હેતવી પ્લીઝ હું નહીં તું... તું ગઈ હતી..."
થોડીવાર હેતવીને શું કહેવું સમજાયું નહીં, કેટલેક અંશે અમિત સાચો હતો.
(ભૂતકાળમાં વીસરતી) એ મેડીકલના છેલ્લાં વર્ષમાં હતાં બને. અમિતને હેતવી ખૂબ જ પસંદ હતી. ક્યાંકને ક્યાંક હેતવી પણ આ લાગણીથી અવગત હતી. પરંતુ સામે ચાલીને અમિતને કહેતા ખચકાટ અનુભવતી હતી. અમિત સામેથી આવે તો હા પાડવી એવો નિર્ણય હેતવી એ કરેલો.
કોલેજના છેલ્લાં દિવસે અમિતે અંતે હેતવીને પોતાના દિલ વાત કહી. હેતવી એ હામી ભરી. બંને એ ઘરે વાત કરવાનો નિર્ણય લીધો. હેતવી સાંજે પોતાના પપ્પા ને કરી. લાગ્યું હતું એના કરતાં ખૂબ જ સરળતાથી પપ્પા એ હામી ભરી દીધી.
બીજે દિવસે સવારે નિર્ધારિત સમય પર હેતવી અમિતને મળવા કોફી શોપ પહોંચી. લગભગ 2 કલાક સુધી અમિતની રાહ જોયા પછી...
વેઇટરે એક કવર એની તરફ લંબાવતા કહ્યું, મેડમ આ કવર કોઈ ભાઈ તમારા માટે આપી ગયા છે... હેતવી જાણતી હતી કે અમિતનો જ સંદેશ હશે. એણે કવર ખોલ્યું...
કાગળ વાંચવાનું શરૂ કર્યું, "મારી મીંદડી... માફીને તો હું લાયક નથી, છતાં માફી માગું છું. હું જે કહેવા જઈ રહ્યો છું એને સમજવાની કોશિશ કરજે. કાલે આપણે છુટા પડ્યા પછી રાત્રે તારા પપ્પાનો ફોન આવ્યો હતો અને તેમણે મને જે કહ્યું એ પછી લાગે છે કે આપણે અહીંથી જ સંબધ પુરા કરવા જોઈએ. મારી તને વિનંતી છે કે મને આમ કરવા પાછળનું કારણ ન પૂછે તો સારું. તારો સારો મિત્ર અને...." બસ એ દિવસ હતો અને આજનો દિવસ છે, હેતવી એ જાણે પોતાને દરેક વસ્તુવિશેષ કે વ્યક્તિ વિશેષથી અળગી કરી દીધી હતી...
ફરી એકવાર આ રીતે અમિતને પોતાની પાસે ઉભેલો જોઈ મનમાં વિચારોની ગડમથલ ચાલુ થઈ હતી.
અમિતે અંદર આવતા કહ્યું, " તું આટલા વર્ષે પણ એ જ વિચારે છે ને કે એવી તો કઈ વાત હતી કે હું આમ તને છોડીને..."
હેતવી, "તારે કશુંજ કહેવાની જરૂર નથી. હું બધું જ જાણું છું.. મારા પપ્પા એ જે કહ્યું એ પણ એન્ડ જે નથી કહ્યું એ પણ. તારા ગયા પછી પપ્પા સાથે મારે અબોલા જ રહ્યા હતા. પરંતુ અંતિમ ઘડીઓમાં એમણે મને હકીકતથી અવગત કરી છે. હું જાણું છું કે તું મને મારા પપ્પાની જીદના કારણે છોડીને ગયો હતો. મને એની કોઈ તકલીફ નથી. ગ્લાનિ માત્ર એ વાતની છે કે મેં તને રોક્યો નહીં. આજે આમ અચાનક પાછા ફરવાનું કોઈ કારણ ?"
અમિત, "હા... તને એટલું જ કહેવા આવ્યો હતો કે તારા પપ્પા એ કે કર્યું એ મારી દ્રષ્ટિ ખોટું નથી. એમણે તને દૂર ન જવા દેવા અને પોતાની બીમારીના..."
"શું બીમારી... કઈ બીમારી..." હેતવી બોલી ઉઠી..
અમિત, "હા, હેતવી એમને કેન્સર હતું. એના કારણે તેઓ નહોતા ઇચ્છતા કે તું એમનાથી અળગી થાય અને એટલે જ એમણે મને ફોન કરી..."
આટલું સાંભળતાની સાથે જ હેતવી જમીન પર ફસડાઈ પડી....
અમિતે એને સાંત્વના આપતા કહ્યું, મેં તારા પપ્પાને વચન આપ્યું હતું એટલે તારાથી છુપાવ્યું. હવે એ નથી રહ્યા ત્યારે મને લાગ્યું કે તને કહેવું જોઈએ અને એટલે જ હું આવ્યો છું.
હેતવી, સારું તો હવે પપ્પાની જેમ તું પણ ચાલ્યો જા... મારે તારું પણ કામ નથી.
અમિતે હેતવીની નીરસ આંખોમાં જોતાં કહ્યું, કદાચ આમ કરવું એ મારી ભૂલ હતી. એને સુધારવા જ આવ્યો છું... તું ફરી એકવાર મારી થવા તૈયાર છે..

