સમાધિ
સમાધિ
અવાવરુ તપોભૂમિમાં ઝાંઝરના ઝણકાર, કોયલના ટહુકા સમ મધૂરાં ગાન, અંગેઅંગમાં અનંગજ્યોત પ્રગટાવે એવી અપ્સરા ચિત્રાંગદાની મારકણી અંગભંગિમાવાળી નૃત્યશૈલી પર રુષિ તેજસ્વરુપ માટે ઝાઝો સમય બેધ્યાન રહેવું મહાકઠિન હતું.
અને...
”ઓહ દેવી! તમારું નૈનતરકટ મને નિંદ્રાહીન બનાવી રહ્યું છે.”
ચિત્રાંગદાની કમળની દાંડલી સમી ભુજાઓમાં રુષિ તેજસ્વરુપ તપનો માર્ગ અંતે ભુલ્યા.
બરાબર ચાર મહિના પહેલાં...
ઇન્દ્રલોકમાં નારદમુનીએ દેવગણ સમક્ષ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે,
“હે દેવગણ, પૃથ્વીલોક પર રુષિ તેજસ્વરુપનું તપ દિન બ દિન પ્રખર બનતું જાય છે.
હે ઇન્દ્રદેવ, તમારું આસન છીનવાઈ જાય એ પહેલાં ઇંન્દ્રલોકની સર્વાધિક સુંદર અપ્સરા ચિત્રાંગદાને મોકલી ઋષિનો તપોભંગ કરવો અત્યાવશ્યક જણાય છે.”
મુની નારદનું તીર બરાબર નિશાન પર લાગી ચૂક્યું હતું.
બસ, એ પળને દાયકાઓ વિત્યા. ચિત્રાંગદાએ એકધારા રાગરંગથી કંટાળીને વલ્કલ અપનાવ્યાં પણ તેજસ્વરુપ હજી ધરાયા નહોતા.
“દેવી, તમને તો વલ્કલ પણ શૃંગાર જેટલાં જ શોભે છે. મને તમારા કાનમાં શોભતા મોગરાની મહેક મદહોશ બનાવી જાય છે. હજી પણ તમારા આગમનની જાણ કરતો એ ઝાંઝરનો ઝણકાર મને વ્યાકુળ બનાવે છે.“
“ઓહ! પુરુષપ્રકૃતિ બધે જ એકસમાન ભાળી લીધી. સ્વર્ગલોકના દેવ કે પૃથ્વી પરના સંતપુરુષ હોય, એ દરેકની ભ્રમરવૃત્તિ અમર્યાદ જ રહેવાની.”
અંતે...
રાતના ત્રીજા પ્રહરે ચિત્રાંગદાના કાનમાં શોભતાં મોગરાનાં કુંડળે અને રણઝણતા ઝાંઝરે જળસમાધી લીધી.