સમાચાર વગરના છાપા
સમાચાર વગરના છાપા


1981 ઓક્ટોબરની 7મી તારીખે હું છાપું ખોલી ઈજીપ્તના પ્રમુખ અનવર સાદતની તેમના જ લશ્કરે પરેડમાં સલામી લેતી વખતે હત્યા કરી હતી તે સમાચાર વાંચતો હતો. એટલામાં 6 વરસનો મારો ભાણેજ નીલેશ મને આવીને પૂછવા લાગ્યો કે શું વાંચો છો? મેં તેમને સમજ પડે તેમ ટૂંકમાં સમજાવ્યું કે ભારતની જેમ ઈજીપ્ત એક દેશ છે અને તેના રાજાને (હકીકતે પ્રમુખ) તેમના જ સૈનિકે બંદૂકથી ગઈ કાલે મારી નાખ્યા. નિલેશ મને કહે એમને જો ના માર્યા હોત તો છાપા વાળા શું કરત? એમનો પ્રશ્ન હતો કે એટલું છાપું કોરું રાખત કે બીજું કૈં છાપત? મેં કહ્યું ભારતના વડાપ્રધાન દિલ્હીમાં શું બોલ્યા તે અત્યારે નીચે છાપ્યું છે તે અહીં ઉપર છપાત.
તેમનો બીજો પ્રશ્ન હતો એ જગ્યાએ શું છાપત? મેં કહ્યું નીચે આસામમાં ખુબ વરસાદ પડ્યો ને પૂર આવ્યું તે સમાચાર
નીચે છાપેલ છે તે અહીં છાપત. તરત બીજો પ્રશ્ન આવ્યો કે આસામમાં પૂર આવે એટલો વરસાદ ના પડ્યો હોત તો? મેં કહ્યું જેટલું પડ્યો છે એ લખત. નિલેશ કહે અને જરાય ના પડ્યો હોય તો? મેં એના પ્રશ્નથી કંટાળ્યા વગર અંદરના નાના મોટા સમાચાર આગળના પાને છપાત એવી શ્રુંખલા ભરાય એટલી વાતો કરી સમજાવ્યો પણ એના પ્રશ્નનો મારો ચાલુ જ હતો. અને છેલ્લે વાત બેસણા સુધી આવી ગઈ ને મેં કહ્યું બેસણા બધા આગળના પાને છપાત.
હજુ નીલેશની જિજ્ઞાસા સમી નહોતી, મને કહે કાલે કોઈ મર્યું જ ન હોત તો?
મેં કહ્યું આખી દુનિયામાં કોઈ મરે જ નહીં એ તો બહુ મોટા સમાચાર કહેવાય અને આખું છાપું એનાથી જ ભરાય જાત. મુંબઈ, દિલ્હી, મદ્રાસ ને કલકતા જેવા ગામે ગામના પત્રકાર લખત કે અમારા ગામમાં હજારો વર્ષમાં આજે પહેલી વાર કોઈ મર્યું નથી.