સ્લેમ બુક - અતીતનો આયનો
સ્લેમ બુક - અતીતનો આયનો
"મમ્મા ! આ સુંદર મજાનાં કાપડના કવરમાં શું છે ?"
"એમાં મારું કામનું પુસ્તક છે બેટા !"
"મમ્મા ! હું ખોલીને જોઉં ?"
"ના બેટા ! કોઈની પર્સનલ વસ્તુ ન ખોલાય. મમ્માને આપી દે."
નિધી અને નીરવનો હંમેશા એવો આગ્રહ રહેતો કે દર રવિવારે બાળકોની મદદ લઈને ઘરની સાફસૂફી કરવી જેથી બાળકોને શ્રમનું મહત્વ સમજાય અને પોતાની વસ્તુને ચીવટથી સાચવતાં શીખે.આજે રવિવાર હોવાથી પોતાની દસ વર્ષની દીકરી આદ્યા નિધીને કપડાં રાખવાનો કબાટ ગોઠવવામાં મદદ કરી રહી હતી. જ્યારે તેનો આઠ વર્ષનો દીકરો રુદ્ર તેનાં પપ્પાને પુસ્તકો રાખવાનો કબાટ ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો. તેમનાં જીવન બાગમાં ખીલેલાં સુંદર મજાના ફૂલો જેની મહેકથી તેમનો પ્રણય બાગ મઘમઘી રહ્યો હતો.
આદ્યા પાસેથી સુંદર મજાનાં કોટનના કવરમા લપેટાયેલું પુસ્તક લઈને નીરવે નિધીને આપ્યું. ટેરવાનો સ્પર્શ થવાથી બંને બાર વર્ષ પહેલાંનાં તેમનાં પ્રણયનાં દિવસોની યાદમાં સરી પડ્યાં હતાં !
કોલેજનો આજે છેલ્લો દિવસ હતો. નિધી અને નીરવ તેમનાં ફેવરિટ મરીના બીચ પર એકબીજાના હાથમાં હાથ પરોવીને બેઠાં હતાં. નિધીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. નીરવે નિધીનુ માથું પોતાનાં ખભે ઢાળી દીધું અને તેનાં માથાંને થપથપાવ
ી રહ્યો હતો.
"કેમ આટલી બધી રડે છે ? તું તો એવું રડી રહી છે કે જાણે હું તને હવે પછી ક્યારેય ન મળવાનો હોય !"
નિધીએ એકદમ જ પોતાનો હાથ નીરવનાં મોં આડે રાખી દીધો.
"હવેથી આપણી રોજ રોજની મુલાકાતો પર રોક લાગી જશે. તું માસ્ટર્સ કરવાં બેંગલોર ચાલ્યો જવાનો !"
નીરવે હળવેકથી પોતાની બેગમાંથી એક સુંદર મજાનાં કોટનના કવરમા લપેટાયેલું પુસ્તક નિધીના હાથમાં આપ્યું. આટલાં સુંદર મજાના કવરમાં એવી તો મહામુલી કઈ ચીજ હશે ? નિધીએ આતુરતાથી નીરવ સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું.
"તું જાતે જ ખોલીને જોઈ લે !"
નિધીના દિલની ધડકન ઘણી તીવ્ર બની રહી હતી. એણે હળવે હાથે કવરની જીપ ખોલી. તેમાં સુંદર મજાની સ્લેમબુક હતી. જેમાં તેમની નજર મળ્યાંથી લઈને પ્રેમમાં પડ્યાની અને સાથે વિતાવેલી પળેપળની માહિતી તેમાં રાખવામાં આવેલાં ડાયલોગ બોક્ષમાં લખવામાં આવી હતી.
"હવે આ માંરી મહામુલી જણસ હું તને સોંપું છું. હું નહીં હોય પણ મારી આ સ્લેમબુક તને મારી કમી નહીં લાગવા દે એની હું દિલથી ખાતરી આપું છું. હવે આમાં બાકી બચેલા પૃષ્ઠ તારે લખવાના છે."
જૂની યાદોને તાજી કરાવતી આ સ્લેમબુક નિધી અને નીરવ હંમેશા તેમની લગ્નતિથિએ સાથે જ વાંચે અને કોલેજીયન બની જાય.