Bharti Dave

Fantasy Inspirational Thriller

4  

Bharti Dave

Fantasy Inspirational Thriller

મિસ લીલીયન

મિસ લીલીયન

3 mins
391


આજથી ચાલીસ વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે આઠમું ધોરણ માધ્યમિક એટલે કે હાઈસ્કૂલ પાસે હતું.

મારો આઠમાં ધોરણનો એ પહેલો દિવસ હતો. બધાં અપરિચિત શિક્ષકોમાં હું મારાં પ્રાથમિક શાળાનાં કંચનબેન, મંજુલાબેન, પુષ્પાબેન અને અનસુયાબેનનો ચહેરો શોધી રહી હતી. ચાલીસ વર્ષ પહેલાં અમે અમારાં ગુરુજીને ટીચર નહીં પણ બહેન કહીને બોલાવતાં. બધાં બહેનો પાંચ સાત મિનિટના અંતરે આવીને ઑફિસમાં જતાં હતાં.

અમને એટલે કે ધોરણ આઠમાં પ્રવેશ મેળવેલ નવાં છાત્રોને એક પટાવાળા ( પ્યૂન ) જેવાં દેખાતાં આધેડ ઉંમરનાં બહેન પ્રાર્થનાહોલ તરફ લઈ ગયાં. અમે બધાંને ત્રણ હારમાં ગોઠવી દેવાયાં. મારી આંખોમાં ઘણી આતુરતા હતી. હું પ્રાર્થના હોલનો ખૂણે ખૂણો જોઈ રહી હતી. મારી સાથે મારી પ્રાથમિક શાળાની પાંચથી છ બહેનપણીઓ પણ હતી. થોડીજ વારમાં બધાં બહેનો અને સાહેબો નિયત સ્થાને ગોઠવાઈ રહ્યાં હતાં. બધાંને અમે નીરખી રહ્યાં હતાં. આ બધામાં અમારાં ક્લાસ ટીચર કોણ હશે ?

થોડીવારમાં એક નાનકડી છોકરીનાં ખભે હાથ મૂકીને આંખ પર કાળાં રંગનાં ચશ્મા પહેરેલાં એક સાહેબ પ્રાથર્ના હોલના સ્ટેજ પર ડાબી તરફ ગોઠવાયાં અને હાર્મોનિયમ પર તેમની આંગળીઓ નર્તન કરી રહી હતી. સંગીતનાં મીઠાં મધુર સ્વર વાતાવરણને જીવંત અને ભક્તિમય બનાવી રહ્યાં હતાં.મને સમજતાં વાર ન લાગી કે એ આ શાળાનાં સંગીત શિક્ષક હતાં.

" જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો... ! " ખૂબ સરસ ભાવવાહી ભજન સમૂહમાં ગવાયું. નવાં છાત્રોનું શબ્દ પુષ્પથી સ્વાગત થયું અને....બધાંને ધોરણ 8 A, B, C, ...E સુધીનાં વર્ગો કેટલામાં માળે છે ? તેની સૂચના આપવામાં આવી. બધી વિદ્યાર્થીનીઓ હારબંધ જઈ રહી હતી. એટલીવારમાં મારી બોચીએ કોઈનાં આંગળાનો સ્પર્શ થયો. હું એકદમ ચોંકી ગઈ. ત્યાં જ એક સાવ દૂબળાં, ઊંચા અને બ્લન્ટકટ વાળવાળા એક બહેને મને એક પ્રાઈસટેગ બતાવી જે મારાં યુનિફોર્મના શર્ટ પર ચોંટેલી હતી. મને ઘણી શરમ આવી. ઉતાવળમાં અને હરખમાં હું ટેગ કાઢવાનું જ ભૂલી ગઈ હતી. મારાં મને એમનો આભાર માન્યો.

જાણવું છે એમનું નામ ? સ્કૂલમાં બધાં એમને લીલીબેન કહેતાં. પણ...તેમનું ખરું નામ મિસ લીલીયન હતું. તેઓ ક્રિશ્ચન હતાં. ધોરણ આઠથી લઈને દસ ધોરણ સુધીનાં બધાં જ વર્ગોમાં તેઓ અંગ્રેજી ભણાવતાં હતાં. આજકાલ અંગ્રેજી ભણાવતાં ટીચર્સ એટલાં તો એટિટયૂડ વાળાં હોય છે માનો ઓક્સફોર્ડથી સીધી જ એમની એપોઇન્ટમેંટ ગુજરાતમાં થઈ ગઈ હોય ! 

હું સાત ધોરણ સુધી મ્યુનસિપાલિટીની પ્રાથમિક શાળામાં ભણેલી. આજથી એટલાં વર્ષો પહેલાં સરકારી શાળામાં મને અંગ્રેજી ભણાવનાર કોઈ હતું નહીં. જ્યારે વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીનું પેપર હોય ત્યારે થોડું ઘણું અંગ્રેજી જાણતાં શિક્ષક પાસિંગ માર્ક્સ આવે એટલું આમને પેપરમાં ટીક કરાવી દેતાં. આવાં અંગ્રેજીમાં સાવ કાચાં અમે જ્યારે હાઈસ્કૂલમાં આવ્યાં ત્યારે અંગ્રેજી ફરજિયાત ! આજે હું અંગ્રેજીમાં ખૂબ સરસ રીતે લખી શકું છું એનો શ્રેય જો કોઈને આપવાનો થાય તો એ છે અમારાં લીલીબેનને ! 

અમે ચારપાંચ સખીઓ ભેગી થઈને લીલીબેન પાસે ગયાં. અમારી મૂંઝવણ એમને જણાવી. અંગ્રેજીમાં અમને બે આલ્ફાબેટ સિવાય કશું જ આવડતું નહીં. અમને દર રવિવારે બપોરે તેમનાં ઘરે બોલાવતાં. એકપણ પૈસો લીધાં વગર અમને ભણાવતાં ! તેમની સાથે તેમનાં મમ્મી રહેતાં. તેમનાં મમ્મી અમારાં માટે જાતજાતના નાસ્તા બનાવી રાખતાં. તેમનાં ફળિયામાં દ્રાક્ષનાં માંડવા હતાં. ભણી લીધાં પછી અમે તેમનાં ફળિયામાં ખૂબ રમતાં. અમારાં ઘરની દિશા એમનાં ઘરથી વિરુદ્ધ હોવાં છતાં અમને લીલાબેન સાથે એટલું ફાવી ગયેલું હતું કે અમે તેમની સાથે વધુમાં વધુ સમય સુધી રહી શકીએ એટલે તેમનાં ઘર સુધી સાથે જતાં અને ફરી ફરીને અમારાં ઘરે પહોંચતાં.

હું પણ શિક્ષક છું. પરંતુ મારાં વિદ્યાર્થીઓ સાથે લીલીબેન જેવાં આત્મીય સંબંધો સ્થાપી શકી નથી. તેઓ ક્રિશ્ચયન હતાં એટલે ઘણીવાર અમે એમની સાથે ચર્ચ પણ જતાં. દર ક્રિસમસે એમનાં મમ્મી અમને મોજું ભરીને ભેટ સોગાદ આપતાં. આજે લીલીબેન અમારી વચ્ચે નથી. પરંતુ.... આજે પણ એ અમારાં હૃદયમાં જીવંત છે. આજનાં આ શિક્ષક દિને હું એમને શત શત વંદન કરું છું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy