અનસૂયા - " અનુ "
અનસૂયા - " અનુ "
શ્રાવણ મહિનાની એ મેઘાડંબરી સાંજ હતી. કાળા ઘટાટોપ વાદળો વરસવા માટે તૈયાર હતાં પણ જાણે કે સારાં શુકનની રાહ ન જોઈ રહ્યાં હોય તેમ આમથી તેમ ચકરાવે ચડ્યાં હતાં. એકદમ જ વાતાવરણ બદલાઈ રહ્યું હતું. સૌ કોઈ ઘરભેગા થવાની પેરવીમાં હતાં. ગામડામાં ગાયું ભાંભરીને પોતાનાં વછેરુને બોલાવી રહી હતી. નાનાં છોરું સીયાવીયા થઈને પોતાની માની સોડમાં ભરાઈ ગયાં હતાં. બધાં ઘરમાં આવી ગયાં છે એની ખાતરી કરીને ઉપરવાળા કાળિયા ઠાકરે જાણે કે રિમોટ કંટ્રોલથી "ઓન " પર આંગળી મૂકી ત્યાંતો બારેય મેઘ ખાંગા થયાં. અંધારિયાની આઠમ એટલે કે જન્માષ્ટમીની રાત હતી.
" અરે કમુ ! સુતી છો કે જાગે શ ? પ્રેમજીબાપાનાં ડેલે આજે મેઘલી રાતે દોડાદોડી કેમ થાય છે ? હમણાં થોડીવાર પહેલાં જ ચંદુ છત્રી લઈને બહાર નીકળ્યો અને...હવે કનુ ! "
" લલિતાને પુરાં દિવસો જાય છે. કદાચ... જીવી ડોશીને સુવાવડ કરાવવાં સારું ચંદુને તેડવા મોકલ્યો હશે ! હું લલિતા પાસે જાઉં છું તમે ખડકીએ આંગળિયો અઢેલીને સૂઈ જજો. "
કમુ લલિતાની ખાસ સહિયર હતી. બેય એક જ ગામની અને સાસરું પણ એક ગામમાં અને સામસામેની ખડકીને. એટલે સખીપણા વધારે ગાઢ બન્યાં હતાં. લલિતાનો વર પ્રેમજી મહાદેવના મંદિરમાં પૂજારી હતો. અમાસ, અગિયારસ અને શ્રાવણ - પુરૂષોત્તમ માસમાં ગામની બાઈઓના સીધું સામાનથી એમનું ઘર ચાલતું હતું. લલિતાને એક દીકરો કનુના જન્મ પછી ત્રણ વર્ષે અત્યારે પુરાં દિવસો જતાં હતાં. પ્રેમજી બાપાનું ઘર થોડું દુબળું ( ગરીબ ) હોવાથી તેમને કમુ અને તેનો પતિ માવજી ટેકો કરતાં.
" લલિતા ! હિંમત રાખ બેની ! છોકરી એનાં નસીબનું લઈને જન્મે છે. તું ચિંતા ન કર. અમે બેઠાં છીએ. છોકરી અને ઉકરડી, એને વધતાં વાર કેટલી ? હમણાં મોટી થઈ જાશે. ખાનદાન ખોરડું ગોતીને પરણાવી દેવાની. વાત પુરી ! જીવીમા ! હું લલિતા માટે રાબ કરતી આવું. ત્યાં સુધીમાં તમે તમારું કામ પુરું કરો ! "
" અરે કમુ ! આવાં વરસાદમાં ક્યાં તારાં ઘરે પલળતી જાઈશ ? એક તપેલીમાં ઘી ઢાંક્યું છે. અહીં જ હલાવી લે શીરો ! "
" કમુ ! છોડીને નવડાવવા અને લલિતાને સાફ કરવાં પહેલાં મને થોડું પાણી ગરમ કરી આપ. પછી એયને... નિરાંતે શેરો હલાવ્યા કરજે ! "
આમ, લલિતાને જે છોકરી જન્મી એનું નામ પ્રેમજીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવી દેવાની તાકાત ધરાવનાર તપસ્વીની સતી અનસૂયાના નામ પરથી " અનસૂયા " રાખ્યું. પણ... બધાં એને "અનુ " એવાં હુલામણા નામથી બોલાવતાં ! બાળકી અનુ ધીમે ધીમે મોટી થવાં લાગી. અનુને નાનપણથી ભણવાનો ઘણો શોખ. પરંતું ઘરમાં દારિદ્રય ડોકાં તાણતુ હતું ! બાજુમાં રહેતી લલિતાની સહિયર કમુ અને માવજીની સહાયથી અનુનો પ્રાથમિક શાળામાં અભ્યાસ શરું થયો. તેની મેધાવી પ્રતિભાને ઓળખી અને એને ઓપ આપવાનું કાર્ય તેનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ કર્યું. અનુ પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતા લલિતાબેન ફરી ગર્ભવતી બન્યાં. હવે અનુને ઘર અને શાળા એમ બે પલ્લામાં પગ રાખીને બંને વચ્ચે સંતુલન જાળવી રાખવાનું હતું. આ કામ ઘણું કઠિન હતું. પણ.. તેનાં પિતા પ્રેમજીભાઈ અને કમુમાસીના સહયોગથી તેનો અભ્યાસ સારી રીતે થઈ રહ્યો હતો. પુરાં માસે લલિતાબેને બીજી દીકરીને જન્મ આપ્યો. ઘરમાં હવે ખર્ચા વધવા લાગ્યાં. વારંવાર કોઈની આર્થિક મદદ લેવી પ્રેમજીબાપાના સ્વભાવમાં નહોતું. હવે વધી રહેલાં ખર્ચાઓને પહોંચી વળવા માટે એમણે વધુ સમય મંદિરમાં બેસીને કથા કીર્તન કરવાનાં બદલે રસોઈ બનાવવાનો વ્યવસાય અપનાવ્યો. એમાં પણ કંઈ એવું વધારે મળતું નહીં પરંતુ.... તેમનાં ઘરનું ગુજરાન માંડ કરીને ચાલતું.
હવે અનુએ પ્રાથમિક શિક્ષણ પુરું કર્યું અને માધ્યમિક શાળામાં આઠમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. અહીં અભ્યાસ પાછળ ખર્ચા થોડાં વધ્યાં. લલિતાબેન નાણાંભીડ અનુભવી રહેલાં પોતાનાં પતિને વારંવાર અનુનો અભ્યાસ છોડાવી દેવાં સમજાવતાં. લખતાં વાંચતાં આવડી ગયું છોડીને ( છોકરીને) બહું થયું. છોડી જો જાજુ ભણી ગઈ તો...
નાતમાં છોકરો નહીં મળે ! ભણીને ક્યાં મેડમ બનાવવી છે ? "
" બા - બાપુ ! મારે ખૂબ ભણવું છે. મારે મોટાં મેડમ બનવું છે. બા ! હું ઘરનું બધું કામ કરીશ. હું નાનકીનુ ધ્યાન રાખીશ. મને ભણાવશોને બાપુ ? "
પ્રેમજી બાપાની આંખમાંથી હેતધારા વહેવા લાગી. તેમણે અનુને માથે હાથ ફેરવ્યો. પોતાનાં બાપુનાં આ સ્પર્શમાં તેને મોટી મેડમ બનવાનાં મૂક આશીર્વાદની અનુભૂતિ થઈ. હાઈસ્કૂલમાં અનુને યુનિફોર્મ હતો. કોઈ એને.જી.ઓ. તરફથી અનુને મફત યુનિફોર્મ મળ્યો હતો. એકજ યુનિફોર્મ હોવાથી રાત્રે બધાં સૂઈ જાય એટલે અનુ પોતાની માતાની જર્જરિત સાડીનો એક ટૂકડો શરીરે વીંટીને યુનિફોર્મ ધોતી. ખૂબ સારી રીતે નીચોવીને પાણી ઝાટકીને તારની વાડ પર સુકવી દેતી.સમય રેતની માફક હાથમાંથી સરકી રહ્યો હતો.જોતજોતામાં અનુ દસમાં ધોરણમાં આવી ગઈ. બોર્ડની પરીક્ષાની ફી ભરવાનો આખરી દિવસ હતો. અનુ સવર્ણ જ્ઞાતિની હોવાથી તેને કોઈ સરકારી લાભો મળવાપાત્ર ન હોવાથી સમયે ફી જમા કરાવી શકું નહોતી. તેની એક અતિ નિકટતમ સખીએ તેની બોર્ડ પરીક્ષાની ફી ભરી દીધી. અનુ એસ. એસ.સી.બોર્ડની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ માર્કસ સાથે જીલ્લામાં ત્રીજાં નંબરે આવી. તેને શિક્ષિકા બનવું હતું. તેને પી. ટી.સી. માં પ્રવેશ આસાનીથી મળી જાય. પરંતુ....પ્રશ્ન એ હતો કે પી. ટી.સી. નાં બે વર્ષનાં અભ્યાસક્રમમાં હોસ્ટેલમાં ફરજિયાત રહેવું પડે. બે વર્ષના હોસ્ટેલના ખર્ચ અને ભણવાના ખર્ચને પહોંચી વળવું અનુના પિતા માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.
અનુનાં સદ્નસીબે એવું બન્યું કે એમની જ જ્ઞાતિનાં જિલ્લા કેળવણી નિરીક્ષકને જાણ થઈ કે નજીકનાં જ ગામની એક દીકરી એસ. એસ.સી. બોર્ડની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ માર્કસ સાથે પાસ થઈ છે. તેમણે પોતાનાં દીકરા અરવિંદ માટે એ છોકરીનો હાથ માંગવા વિચાર્યું. તેઓ એવી જ કન્યાની શોધમાં હતાં જે એસ.એસ.સી. પાસ હોય. તેવી કન્યાને પી.ટી.સી. તે પોતે કરાવવાં માંગતા હતાં. અનુ એવી જ હતી જે કેશુબાપાની નજરમાં વસી ગઈ. તેમનો દીકરો અરવિંદ શાળાન્ત પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો હતો. તાબડતોબ લગ્ન લેવાયાં અને લગ્ન પછી એકજ મહિનામાં અનુને અરૂણાબેન દેસાઈની સંસ્થા વિકાસ વિદ્યાલયમાં પી.ટી.સી. નો અભ્યાસ કરવા માટે મોકલી દેવામાં આવી. અનુ ખૂબજ ખુશ હતી. પોતાનું મેડમ બનવાનું સપનું પુરું થવા જઈ રહ્યું હતું. ગરીબ બાપની દીકરી અનુ ભણતરની સાથે સાથે ગણતર એટલેકે વ્યવહારું પણ હતી. કેશુબાપાનાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓમાં અરવિંદ ભાઈઓમાં સૌથી મોટો હતો. બધાં વ્યવહાર અનુએ હસતાં મોઢે કર્યાં. જીવનમાં ઘણાં ઝંઝાવાતો આવ્યાં. ઘણો સંઘર્ષ કર્યો. પરંતું...દરેક પરિસ્થિતિમાં ધીરજ ગુમાવ્યા વગર પોતાની સૂઝ સૂઝ અને ધીરજથી નવો ચીલો ચાતરીને બધાંમાંથી અનુ સાંગોપાંગ એક નવીજ ઊર્જા સાથે બહાર નીકળી છે. ઋજુ હ્રદયનાં પોતાનાં પતિનાં ખભા સાથે ખભો મીલાવીને સારાં નરસાં બધાં પ્રસંગોમાં આ લોખંડી મહિલા અડીખમ ઊભી રહી છે.
અનુ પોતે ત્રણ દીકરીઓ અને એક દીકરાની માતા બની. દરેકને પોતાની ક્ષમતા મુજબનું શિક્ષણ આપ્યું. સાથે સાથે સંસ્કાર પણ આપ્યાં. દીકરીઓને કામકાજ કરતાં પણ શીખવ્યું. તેની એકજ શીખ : "દીકરીઓને પારકાં ઘરે મોકલવાની છે. કોઈ કહી ન જવું જોઈએ કે માએ એકલી નોકરી જ કરી જાણી છે." ત્રણેય દીકરીઓનાં આણા, જીઆણા અને મામેરા આ દંપતિએ કર્યાં. દીકરાને પરણાવ્યો. જ્ઞાતિની ગુણવાન કન્યા સાથે લગ્ન કરાવ્યાં.
અત્યારે પંચોતેર વર્ષનાં અનુબેન અને એંસી વર્ષનાં અરવિંદભાઈ તેમનાં બાળકોને એકજ વાત કહે છે : " તમારાં નસીબમાંથી કોઈ કંઈ નહીં લઈ જઈ શકે. સંઘર્ષ અને મહેનતનું બીજું નામ એટલે જ સફળતા. "
આવી લોખંડી અને અડગ ઈરાદાઓવાળી મહિલા અનુ એટલેકે અનસૂયાબહેનનું પહેલું સંતાન દીકરી એટલે હું.... ભારતી ત્રિવેદી દવે ! ગર્વ છે મને મારી માતા પર. તેમનાં સંઘર્ષ અને સાહસ સામે હું ઘણી વામણી પડું. તેમનાં જીવનચરિત્રનો એક અંશ લખવાનો મને મોકો મળ્યો એ બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું.