STORYMIRROR

Bharti Dave

Fantasy Inspirational Thriller

4  

Bharti Dave

Fantasy Inspirational Thriller

સ્વ સાથેનો સંવાદ

સ્વ સાથેનો સંવાદ

3 mins
20


" આવતીકાલે છોકરાં વાળાં તને જોવાં આવવાનાં છે. માટે કાલે કોલેજમાં તારે રજા રાખવાની છે. "

મારી મમ્મીનાં આદેશાત્મક વિધાન સામે મારું અંતરમન બંડ પોકારે છે.

હું " ઓહ..હો ! આ છોકરાવાળાંઓને મને જોવાં માટે આજનું જ મૂહુર્ત નીકળ્યું હતું ? "

મન : " તારાં પ્રિય લેખક વીનેશ અંતાણી આવતીકાલે તારી કોલેજમાં આવશે. કેટલાં સમયથી તું આ દિવસની રાહ જોતી હતી ! "

હું " મનેય તેમને મળવાનું મન તો ઘણુંય છે. તેમની નવલકથાઓ પ્રિયજન અને પલાશવન વાંચીને હું તેમની જબરદસ્ત ચાહક બની ગઈ છું. પણ...શું કરું યાર ! "

મન " શું કરું શું ? જીવનમાં આવી તક વારંવાર થોડી મળવાની ? તારે કંઈક તો કરવું જોઈએ. તું બી.એડ. કરી રહી છે એટલે. બાકી બી.એડ. પુરું એટલે બકરી ડબ્બામાં..."

હું " મારાં ઘરમાં હું સૌથી મોટી છું. મારી નાની બેન માટે મીઠી જીભ અપાઈ ગઈ છે. એક મારાં પપ્પા ! જે મારાં લગ્ન થયાં પછી જ નાની બહેનનાં લગ્ન કરવાં માંગે છે. બીજી તરફ નાની બહેનનાં સાસરીવાળાં લગ્નની ઉતાવળ કરે છે. આવાં સંજોગોમાં હું મારાં પપ્પાને દુઃખી ન કરી શકું. "

મન " ઓહોહો....! કોલેજમાં તું તારાં બોલ્ડ વિચારો માટે પંકાયેલી હતી. લગ્ન વિષયક તમારાં વિચારો વિષેની ડિબેટમા શું કહેતી હતી તું યાદ છે ? "

હું "હા...હા... બધું યાદ છે. લગ્નની કોઈ ચોક્કસ ઉંમર ન હોવી જોઈએ. સફરમાં ચાલતાં કોઈ સાથી એવો મળી જાય કે જેની સાથે પ્રેમ થઈ જાય અને લગ્નનાં મીઠેરા બંધનમાં બંધાઈ જવાનું મન થાય. "

મન "તો પછી કેમ સુરસૂરિયુ થઈ ગયું એ વાતનું ? નાની બહેનનાં ભલે લગ્ન કરી

દે પપ્પા. તું તારાં લગ્ન વિષયક વિચારો નીડરતાપૂર્વક તારાં પપ્પાને જણાવી દે. હજુ તારે માસ્ટર પણ કરવાનું હતું ને ?તું કેરિયર ઓરિએન્ટેડ યુવતી છે. આ શ્રેષ્ઠ સમય છે તારો ઊડવાનો ! પછી તો પંખી પીંજરમા કેદ ! "

હું "મારાં પપ્પા અને મારી બેન બેયની નારાજગી હું નહીં સહી શકું ! મારે મારી પાંખોને સંકોરવી જ રહી. ઈશ્વર કરે ને મને ભવિષ્યમાં કંઈક કરવાનો મોકો મળે. "

મન "એટલે ? પિયરમાં તારી ઈચ્છા નથી ચાલી તો શું તારાં સાસરીવાળાં તને ઊડવાનને આકાશ આપશે ? ગાંડી થઈ ગઈ છે કે શું ? "

હું " મને ખબર છે મારાં પપ્પા મને ખૂબ ચાહે છે. મારાં હાથ પીળા કર્યા વગર તેઓ મારી નાની બહેનનાં લગ્ન ક્યારેય નહીં કરે. હું મારી ઈચ્છાઓનું ગળું મારાં પોતાનાં હાથે જ હસી ખુશી દબાવીશ. એક દીકરી પાસે લાચાર બાપ ઊભો હોય. ત્યારે હું મારી ફરજ બજાવીશ. તું જોજે...આજ નહીં તો કાલ મારી ઈચ્છા પૂર્ણ થશે. "

મન "હા....હા.....( અટ્ટહાસ્ય કરીને ) એ તો હું તારી સાથે જ છું ને ! "

  ( લગ્નનાં ત્રણ વર્ષ બાદ મારાં સાસુને મારી ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યું કે મારે માસ્ટર ડીગ્રી મેળવવી હતી. તેઓએ મને એમ.એડ.માં પ્રવેશ કરાવ્યો. આવતીકાલે મારે કોલેજોનો પ્રથમ દિવસ હતો. )

હું "બોલ...રે મારાં મન ! પંખી માટે પીંજરું ખુલી ગયું છે. "

મન " ભલે....ભલે...ઊડ ! પણ યાદ રાખજે જે સમયે જે મળવું જોઈએ તે સમયે તને નથી મળ્યું તેની કિમંત તો તારે ચુકવવી પડશે. ભવિષ્યમાં આ વાત તને સમજાશે. "

હું "મોડું તો મોડું સહી. મને મળ્યું એનો સંતોષ છે. "


Rate this content
Log in

Similar gujarati story from Fantasy