Nayanaben Shah

Fantasy

4  

Nayanaben Shah

Fantasy

સ્લાેગ ઓવર્સ

સ્લાેગ ઓવર્સ

8 mins
31


"નિયંતા, સવારના આઠ વાગ્યા. ઘરની લક્ષ્મી મોડે સુધી પથારીમાં પડી રહે એ ઘરમાં લક્ષ્મી  ક્યાંથી ટકે ? ઉઠીને વાસી કચરા વાળવાની તો જાણે ભગવાને બુધ્ધિ જ નથી આપી."

નિયંતાને એના કાન પર વિશ્વાસ જ ન હતો આવતો કે લગ્નના વીસ વર્ષોમાં સાસુમાએ ક્યારેય ઉંચા સાદે વાત નથી કરી અને આજે !

નિયંતા ઉઠીને બહાર આવી કે તરત એના સાસુએ કહ્યું,"હવે ચા મુકો. તૈયાર થવામાં કલાક ના કરતા."

મમ્મીનો અવાજ સાંભળી યથાર્થ પણ ઉઠી ગયો. બંને પતિપત્ની એકબીજા સામે જોઇ નવાઇ વ્યક્ત કરતાં હતાં કે આખરે મમ્મીને થઈ શું ગયું છે ?

યથાર્થના મમ્મી સંગીતાબેન કંઇ સામાન્ય વ્યક્તિ ન હતા. વર્ષો સુધી આકાશવાણી પર "ન્યુઝ રીડર" તરીકે નોકરી કરતાં હતાં. દરેકે દરેક ક્ષેત્રમાં તેમનું જ્ઞાન વિશાળ હતું. એમના શુધ્ધ ઉચ્ચાર સાંભળવા લોકો ખાસ સમાચાર સાંભળતા. કેમ ના હોય !એ એમ. એ. માં અંગ્રેજી વિષય સાથે ગોલ્ડમેડલ મેળવી ચૂક્યા હતા. યથાર્થ માત્ર ચાર મહિનાનો હતો ત્યારે એના પિતાનું એટેક આવતાં અવસાન થયેલું. હવે યથાર્થ જ એમની જિંદગી હતો. યથાર્થને લાડ લડાવવામાં એમને કંઇ પાછુ વાળીને જોયું જ ન હતું. યથાર્થની જક પુરી કરવી એ તો એમની જિંદગીની સર્વોત્તમ આનંદની પળો હતી. યથાર્થને નિશાળે મુક્યો ત્યારે પણ સંગીતાબેન એને જાતે જ ભણાવતાં. પરંતુ એને તો પાણી માંગતાં દૂધ મળતું હતું. સમય વિતતો જતો હતો.

સંગીતાબેન ગમે તેટલું સારૂ ભણાવે પણ યથાર્થનું મન ભણવામાં લાગતું જ નહીં. ઘણીવાર એમને થતું કે ક્યાં હું ગોલ્ડમેડાલિસ્ટ અને ક્યાં મારો દીકરો ! પાંચમાં ધોરણ પછી તો યથાર્થ નિયમીતપણે દરેક ધોરણમાં બબ્બે વર્ષ કરતો. સંગીતાબેનને ડર હતો કે એ દીકરાને ધમકાવે કે લઢે તો એને થશે કે મારા પપ્પા નથી એટલે મમ્મી મને લઢે છે. પપ્પા હોત તો મને કોઈ ના લઢત.

એ માંડ એસ. એસ. સી. ચાર વર્ષે પાસ થયો. ત્યારે સંગીતાબેને વિચાર્યું કે આ રીતે તો એ ક્યારેય ગ્રેજ્યુએટ નહીં થાય. એને નોકરી  નહીં મળે તો એના લગ્નનું શું ? આખરે એમણે નક્કી  કર્યું કે જો પીટીસી કરે તો સરકારી નિશાળમાં નોકરી મળી જાય તો કમાતો થઈ  જાય.

આખરે એને ગામડાંની નિશાળમાં નોકરી મળી ગઇ. સંગીતાબેન ત્યારબાદ મહિના બાદ એ નિવૃત થઈ  ગયા. શહેરથી એ ગામ નજીક હતું. તેથી જ  સંગીતાબેને વિચાર્યું કે યથાર્થ ત્રીસેક કિ. મી. દૂરના ગામડે નોકરી કરવા જશે તો એને ખબર  પડશે કે પૈસા કઈ  રીતે કમાવાય છે. પૈસા કમાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે ! જો કે ગામડાંની નિશાળમાં ખાસ જવાબદારી તો હતી નહીં પણ નિયમીત પણે જવું તો પડતું જ હતું.

સંગીતાબેનની આબરૂને કારણે સારાસારા ઘરોમાંથી યથાર્થ માટે માગા આવવા માંડ્યા. પરંતુ માત્ર એસ. એસ. સી. પાસ છોકરા માટે ગ્રેજ્યુએટ છોકરી મળવી અશક્ય હતી. આખરે સાત ચોપડી પાસ નિયંતા યથાર્થને પસંદ પડી ગઇ. જોકે સંગીતાબેનની પારખુ નજર જાણી ગઇ હતી કે નિયંતામાં માત્ર રૂપ જ છે. ગુણ નથી. પરંતુ યથાર્થ રૂપ પર મોહી પડ્યો હતો.

દીકરાને ક્યારેય  દુઃખી નહીં જોનાર સંગીતાબેને દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી જોઈ. નિયંતા એમને પસંદ ન હતી પરંતુ કહેવાય છે કે પોતાના બાળકને જે રમકડું ગમતું હોય એ રમકડું મા જતનપૂર્વક સાચવે. નિયંતા યથાર્થને પસંદ હતી. તેથી તો સંગીતાબેન બંનેને ખુશ જોવા ઇચ્છતા હતાં. નિયંતાને ક્યારેય કંઇ જ કહેતાં નહીં એના વર્તન બદલ એમને ઘણું જ દુઃખ થતું. પણ કશું જ બોલતાં નહીં. બે વર્ષ બાદ કથનનો જન્મ થયો. ત્યારબાદ તો નિયંતાએ ઘરના કામ બાજુ જોવાનું જ છોડી દીધું.

સંગીતાબેનને ઘણીવાર થતું કે હું કથનને ભણાવીશ. પરંતુ નિયંતાને પોતે ઉચ્ચ સમાજમાં રહે છે એવું સાબિત કરવા કથનને અંગ્રેજી માધ્યમમાં મુક્યો. નિયંતા પોતે તો ભણેલી ન હતી તેથી દીકરાનું કે. જી.થી ટ્યુશન રાખી લીધુ હતું. સંગીતાબેનનું અંગ્રેજી સાંભળવા લોકો રેડિયો ચાલુ કરતાં જ્યારે એમનો પૌત્ર ટ્યુશનમાં જતો. ગોલ્ડમેડાલિસ્ટ દાદીનું આથી મોટુ અપમાન ક્યુ હોઇ શકે ? ત્યારબાદ એ નવરાશના સમયમાં વાંચતાં કે રાજકારણ કે રમતગમતના સમાચાર જોતાં. સંગીતાબેન બેડમિંટન, ટેનિસ, ફુટબોલ, હોકી કે ક્રિકેટની રમતો જોયા કરતાં.

દીકરો તથા વહુ પુષ્કળ ખર્ચ કરતાં . જોકે સંગીતાબેનને પેન્શન ખાસ્સુ આવતું હતું. પણ એમને ચિંતા હતી કે હું હયાત નહીં હોઉં તો આટલા ઓછા  પગારમાં યથાર્થનું પુરૂ નહીં થાય. એકવાર સંગીતાબેને એમના મનની વ્યથા દીકરા પાસે વ્યક્ત કરી. એ વખતે તો એ કંઈ બોલ્યો નહીં. પણ એ પછીના મહિને એણે એની મમ્મીને કહી દીધું હું ઘર ચલાવીશ.

પછીના મહિને એણે ઘર વ્યવસ્થિત ચલાવ્યું એટલું જ નહીં એ એની મમ્મી માટે સાડી લઈને આવ્યો. જો કે સાડી જોઇને પણ સંગીતાબેનને બહુ આનંદ ના થયો. મનમાં એકવાત સતત ઘુમરાયા કરતી કે દીકરો કંઇક ખોટુ કામ તો નહીં કરતો હોય !

બીજા મહિને પણ એણે ઘર વ્યવસ્થિત ચલાવ્યું. આખરે એક માનો જીવ હતો તેથી જ એ બોલી ઉઠી, "બેટા, તારા પગારમાં આટલી સરસ રીતે ઘર ના ચાલે. તારી આવક એકાએક કઈ રીતે વધી ? ક્યાંક કંઇક તું કંઇ ખોટુ કામ તો નથી કરતો ને ? ક્યારેય તું એવું કામ ના કરીશ કે જેનો આખરી મુકામ જેલ હોય."

"તું એવી કોઇ જ ચિંતા ના કરીશ. મને એક સંસ્થામાં કામ મળી ગયુ છે. ત્યાં આવેલા પત્રોના જવાબો આપવાના. નિશાળથી નજીક જ એ સંસ્થા છે. નિશાળનો પટાવાળો જઇને બધા પત્રો લઇ  આવે અને એના જવાબ લખાઇ જાય એટલે પટાવાળો બધા પત્રો પરત કરી આવે. જોકે  દરરોજ કામ તો રહે છે. પણ શાળાના સમયમાં જ કામ પુરૂ થઈ  જાય છે."

"બેટા, આ રીતે આવેલો પૈસો હરામનો કહેવાય. સરકાર તમને નિશાળમાં નિશાળનું કામ કરવાના પૈસા આપે છે. છોકરાંઓને સારૂ શિક્ષણ આપવાને બદલે તું આ રીતે એ સમય દરમ્યાન બીજા કામો કરીને પૈસા કમાય છે ? પટાવાળા પાસે પણ તું તારૂ અંગત કામ કરાવે છે ? તને એવું છે કે કોઈને ક્યાં ખબર પડવાની છે ? પણ ઉપરવાળો દરેકનો મિનિટે મિનિટનો હિસાબ રાખે છે."

યથાર્થને ઘણુ બધુ કહેવું હતું. પણ ચૂપ રહ્યો. થોડા દિવસ બાદ એક સવારે સંગીતાબેનને ઘરમાં ના જોતાં બધા ગભરાઇ ગયા. એ દિવસે નિશાળનો સમય થઈ ગયો હોવા છતાં પણ યથાર્થ નિશાળે ના ગયો. વિચારતાં હતાં કે પોલીસમાં ખબર આપીએ પણ બપોરે બેવાગે સંગીતાબેન પાછા આવ્યા.  બસ, ત્યારબાદ જાણે કે સંગીતાબેન બિલકુલ બદલાઈ ગયા હતા. કથન ને પણ કહી દીધું ,"બહારના પીઝા, બર્ગર, મેગી, પાસ્તા બંધ કરી દે. તારી પૈસા ઉડાવવાની ટેવ મને બિલકુલ પસંદ નથી અને નિયંતા, તને રસોઈ કરવાનો કંટાળો આવે છે એટલે દર બે દિવસે મેગી બનાવીને નાસ્તો આપી દે છે. શું મને ખબર નથી એમ માને છે."

યથાર્થને થતું કે એ એની મમ્મીને પૂછે કે તું ક્યાં ગઇ હતી ? પણ એ દિવસે એ ચૂપ રહ્યો. પરંતુ વારંવાર આવુ બનવા માંડ્યુ કે સંગીતાબેન સવારથી જતા રહે અને ગમે ત્યારે પાછા આવે. તેથી જ એક દિવસ યથાર્થે પૂછી લીધુ,"મમ્મી, તું ક્યાં જાય છે ?"

આ સાંભળતાં જ સંગીતાબેન ગુસ્સે થઈ  બોલ્યા,"તમે લોકો પણ બહાર જાવ છો હું તમને ક્યારેય પૂછતી નથી કે,"તમે ક્યાં જાવ છો ? મહેરબાની કરી મારા બાપ બનવાની કોશિષ ના કરીશ"

થોડીવાર અટકી એ બોલ્યા,"હવેથી હું ઘરમાં કંઈ જ કામ કરવાની નથી. બંને સમયની રસોઇ તથા ચા નાસ્તો બનાવવાની જવાબદારી નિયંતાની જ રહેશે. એમાંય બહારથી મંગાવેલા ભુસાભજીયા નહીં ચાલે. કથન તને જે પૈસા હું વાપરવા આપુ છું એનો હિસાબ મારે જોઈએ."

ઘરના ત્રણેય સભ્યો સ્તબ્ધ થઈ ગયા. તે દિવસ બાદ એમને રસોડામાં જવાનું તો છોડી જ દીધું હતું એટલુ જ નહીં એમના રૂમમાંથી જાતજાતની વાનગીઓ બનાવવાની ફરમાઇશ કરવા લાગ્યા. જો એમાં ય ક્યારેક નિયંતા કહે મને નથી આવડતુ તો એને ઘણુ બધુ સાંભળવું પડતું. ઘણીવાર તો વાનગી બનાવ્યા પછી કહેતાં, "પાછી લઈ જા હવે મને ઇચ્છા નથી."

યથાર્થને સાડી પાછી આપતાં કહ્યું,"આ તારી કામચોરીની કમાણીમાંથી લીધેલી સાડી મારે ના જોઇએ. તું ખોટુ કામ કરીશ તો હું નહી ચલાવું. આવક વધારવાને બદલે તમારા મોજશોખ ઓછા કરો એ પણ તમારી આવક વધેલી જ ગણાય."

"હવેથી આ ઘરમાં બજારની કોઇ વસ્તુ આવી તો હું બહાર ફેંકી દઇશ."

કોઇનાય સ્વભાવમાં આવો બદલાવ કઈ રીતે આવી શકે ? બધા વિચારમાં પડી ગયા હતાં. પણ સંગીતાબેન નાની નાની બાબતમાં બધાને ઉપદેશ આપતાં. જેવા કે, "જમતાં પહેલાં હાથ ધોયા ? સ્નાન કર્યા પહેલાં નાસ્તો કેમ કર્યો ? સૂર્યોદય પહેલાં કેમ ના ઉઠ્યા ? કપડાં આવીને ધોવા નાંખવાને બદલે એ જ કપડાં પહેરીને જમવા કેમ બેઠા ? લંચબોક્સમાં ઘરનો નાસ્તો કેમ નથી ?"

"પેટમાં દુઃખે છે, માથુ દુઃખે છે. હાથપગ દુઃખે છે એવા બહાના હેઠળ બહારથી ટિફીન મંગાવવુ નહીં. તબિયત સારી ના હોય તો ખીચડી મુકી દેવી. હું કંઈ જ બહાનું સાંભળવાની નથી."

ઘરમાં એકદમ શિસ્ત જળવાવા લાગી હતી. જોકે ખરા અર્થમાં ઘરની કાયાપલટ થઈ  ગઇ હતી. કથન પણ હવે ઠંડાપીણાં પીતો ન હતો. ફાસ્ટફુડ ખાવાનું છોડી દીધું હતું. બધાને સંગીતાબેનની બીક લાગતી હતી એટલે એ જેમ કહે એમ જ બધા કરતાં. મહિનાને અંતે એ હિસાબ ચેક કરતાં. ખોટો ખર્ચ કર્યો હોય તો નીચે નોંધ કરતાં કે હવેથી આવા ખર્ચ કરવા નહીં .

જો કે ઘરના પણ ટેવાઈ ગયા હતા. પરંતુ વારંવાર સંગીતાબેન ઘેરથી સવારે જતાં તે બપોરે પાછા ફરતાં. પરંતુ એક દિવસ યથાર્થની શાળામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા મમ્મીની છેલ્લી ઘડીઓ ગણાય છે. તમે આવી જાવ. યથાર્થ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે સંગીતાબેન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતાં. યથાર્થ દોડીને ડૉક્ટર પાસે ગયો. બોલ્યો,

"મારી મમ્મીને શું થઈ  ગયુ ?"

"તમારી મમ્મીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. એમને પણ ખબર  હતી કે એ ટુંક સમય ની મહેમાન છે."

"પણ, અમને તો એને કોઈ દિવસ વાત જ ન હતી કરી."

"યથાર્થ, તમારા મમ્મી મને એક પત્ર આપીને ગયા છે કહેતાં હતાં કે,"મારા મોતના સમાચાર આપ્યા પછી તમે આ કાગળ યથાર્થને આપજો."

સંગીતીબેનની અંતિમક્રિયા બાદ એ એકલો પડતાં પત્ર ખોલીને વાંચવાનું શરૂ કર્યું એ સાથે જ એની આંખોમાંથી જાણે ગંગા જમના વહેવા માંડ્યા. જેમાં લખ્યું હતું કે તમે જાતજાતની ધારણાઓ બાંધતા હતા એ મને ખબર છે. પણ હું હોસ્પિટલ જતી હતી. મારે તો દવા વગેરેના પૈસા આપવાના ન હતા. મને સરકાર તરફથી ખર્ચ મળતો હતો. જ્યારે મને ખબર પડી કે મને ચોથા સ્ટેજનું કેન્સર છે. ત્યારે મને સૌથી વધુ ચિંતા તમારી હતી કારણ કે મારૂ પેન્શન લગભગ પસાચ હજાર બંધ થઈ જાય તો તમે ઘર કઈ  રીતે ચલાવશો ? હું જ્યારે ક્રિકેટ મેચ જોતી ત્યારે હું જોતી કે છેલ્લી પાંચેક ઓવરમાં બેસ્ટમેન ચાર કે છ રનના ફટકા મારીને સામેની ટીમને હરાવી શકે. પોતાની ટીમની જીત નિશ્ચત કરી દે.

બેટા, મેં આખી જિંદગી તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ મને એમાં નિષ્ફળતા મળતી રહી. મને તમારા મોજશોખ સામે વાંધો ન હતો. પરંતુ આવક કરતાં જાવક વધુ ના હોવી જોઈએ. મને ક્રિકેટ જોતાં વિચાર આવ્યો કે હવે હું બે ચાર મહિનાની મહેમાન છું. તેથી જ મેં નક્કી  કર્યું કે મારે પણ જિંદગીની સ્લોગ ઓવર્સમાં જીભથી ફટકા મારવા પડશે. તેથી જ હું તમારા બધા જોડે કડક બની રહી હતી. પરંતુ હું મારા કુટુંબની ટીમને સમાજ સામે જીતાડી શકી એ આનંદ સાથે હું આ દુનિયામાંથી વિદાય લઉ છું. તમે આવક મુજબ જ ખર્ચ કરજો. વધુ ખર્ચ કરી ક્યારેેય દેવું ના કરતાં.

મને પરિણામ પણ સારૂ મળ્યુ. મને લાગે છે કે હું ખૂબ સારી રીતે સ્લોગ ઓવર્સ રમીને મારા કુટુંબને સુખી કરીને આ દુનિયા પરથી વિદાય લઉ છું.

બેટા. તમે બધા સુખી થાવ એવા મારા આશીર્વાદ છે.

તારી પ્રેમાળ મમ્મી.

માનો પ્રેમાળ પત્ર એ ક્યાંય સુધી વાંચતો રહ્યો અને મમ્મીનો પ્રેમ યાદ કરતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy