Nency Agravat

Drama Fantasy

4.7  

Nency Agravat

Drama Fantasy

સ્ક્રીન શોટ

સ્ક્રીન શોટ

2 mins
378


 ' કાશ,કાશ, કાશ. . આ દિવસ આવ્યો ન હોય. . ! '

ગાડીમાં બેસતી વખતે રીધીમાના મનમાં ચાલતાં ચક્રવાતમાં આ એક વાક્ય મનના વંટોળમાં ગૂંથ્યા કરતું હતું. અફસોસ માટે ઘણું હતું પણ સમય વીત્યો એ પાછો કોઈ લાવી શકતું નથી. છતાં પરિસ્થિતીનો મને કે કમને સ્વીકાર કરવાનો જ વિકલ્પ બચ્યો હતો. વિકલ્પ જીવનમાં હોય તો હજુ કંઈક જીવવાની આશા હોય પરંતુ, રીધીમાના જીવનમાં વિકલ્પ હતો જ નહીં કેમ કે, આગળ વધવું જ હતું અને પાછળ કંઈક છૂટતું હતું. વચ્ચે સંબંધોનો વિચ્છેદ થતો હતો. અચાનક ગાડી બ્રેક થતાં એ વિચારોથી બહાર આવી વાસ્તવિકતામાં ડોકિયું કર્યું તો એ માઈલ સ્ટોન આવ્યો હતો જ્યાં પોતે ઉતરી આગળ વધવાનું હતું.

ગાડીમાંથી એ બહાર આવી જોયું તો સમીર ઓફિસની બહાર પહેલેથી ઊભો હતો. ' સાહેબ નથી આવ્યા બહાર ગાર્ડનમાં બેસો ' વાક્ય સંભળાતા રીધીમા અને સમીર બંને બહાર ગાર્ડનમાં આવ્યા. વરસાદ વરસ્યા પહેલાનો એ જ વાતાવરણનો માહોલ હતો જે સૌ પ્રથમ મળ્યા ત્યારે હતો. બસ હમણાં જ મન મૂકીને વરસવા માટે તરસતાં વાદળાં ધરતીને મળવા આતુર હોય એમ એક સમયે રીધીમા અને સમીર પણ એકબીજાને મળવા આતુર હતા.

હાઈસ્કૂલમાં તરુણાવસ્થામાં રોપાયેલ આકર્ષણનું બીજ કોલેજમાં યુવાવસ્થામાં પ્રેમનું વટવૃક્ષ બની ગયું હતું. કોલેજના ત્રણ વર્ષના સમયગાળામાં મનમૂકીને પ્રેમને પાંગર્યો હતો.

પરિવારની મરજી હતી કે નહિ એ વાતની પરવાહ કર્યા વગર રિધીમાં અને સમીરે લવ મેરેજ કરી લીધા. કલ્પનામાંથી વાસ્તવિકતામાં આવતાં જ સાચા સંબંધોના પારખાં થવા લાગ્યા. હવે જે ગમતું હતું એ જૂનું થયું અને હક અને ફરજો જીવનમાં ગૂંથવા લાગી. રીધિમા ઓનલાઈન બિઝનેસ કરતી એટલે એના માટે મોબાઈલમાં સતત અપડેટ રહેવું પડતું. જ્યારે સમીર સોશિયલ મીડિયામાં તેમજ ગેમ્સમાં હમેશા વ્યસ્ત રહેતો. સમયનો અભાવ એકબીજા માટે ઝઘડાનું કારણ બનતો ગયો. અને ખૂબ ટૂંકાગાળાના લગ્ન જીવનનો અંત અને છૂટા પડવું સ્વીકારી લીધું હતું.

ચૂપચાપ એક બાંકડા ઉપર બેઠાં અને હંમેશાની જેમ પોતાના સાથીથી વિશેષ નવા સાથી મોબાઈલને લઈ અદ્ર્શ્ય દુનિયામાં રચ્યા પચ્યા રહેલા સમીર અને રિધિમા,સાહેબની ગાડીનો હોર્ન સાંભળતા જ ઝડપથી બંને કંઈ પણ બોલ્યાં વગર પોતાનો મોબાઈલ લઈ અંદર ગયા. અપોયમેન્ટ અગાઉ લીધેલી એટલે જલ્દી મળવાનું થયું.

"સર,બધું તમને વિગતે જણાવી દીધું છે. આગળ શું કરવું એ કહો જીતવા માટે"સમીરે કહ્યું.

"જીત હાર પછી વિચારીએ પણ એ પહેલાં બંનના પોઈન્ટ જણાવો" સાહેબે કહ્યું.

બંનેની વાત સાંભળી રિધિમાએ જલ્દી પોતાનો મોબાઈલ કાઢી બતાવતાં કહ્યું,"સર બધા જ સ્ક્રીનશોટ મારી પાસે છે. સમીરનો શંકાશીલ સ્વભાવ ધરાવતા મેસેજીસના મેં સ્ક્રીન શોટ પાડી લીધા છે. "

રિધિમાની વાત વચ્ચે જ અટકાવતાં સમીરે કહ્યું,"મેડમનો ગુસ્સો અને ઝઘડાળુ સ્વભાવ પણ મારા ફોનના મેસેજિસમાં સ્ક્રીન શોટ સ્વરૂપે સચવાયેલાં છે. "

યુદ્ધનું વિરામ થાય એમ નથી એમ સમજતાં જ કાઉન્સેલર સાહેબે એ બંનેને થોડીવાર બહાર બેસવા કહ્યું. એમને બહાર જતાં જોઈ એ સાહેબે મનમાં જ કહ્યું,"કાશ, તમે બંને એ એકબીજાને સોંપેલી લાગણીઓના સ્ક્રીન શોટ પાડી લીધા હોત તો આજે આ દિવસ ન આવ્યો હોત !"


Rate this content
Log in

Similar gujarati story from Drama