સજા કે પરીક્ષા ?
સજા કે પરીક્ષા ?
હું એ દિવસે મોહનને મળવા ગયો હતો.
મારે જાણવું હતું કે એને જાણ થઈ હતી કે નહીં ? વાતવાતમાં મેં પૂછી નાખ્યું.
" તપનનાં સમાચાર મળ્યા ? "
મારો પ્રશ્ન સાંભળતાજ એના ચહેરા ઉપર એક કટાક્ષમય હાસ્ય ફરી વળ્યું. મને એની જરાયે આશ ન હતી. અચરજભર્યા મન જોડે હું એના પ્રત્યાઘાતની રાહ જોઈ રહ્યો.
મારા ખભે હાથ ગોઠવી એણે અત્યંત ઠંડા જીવે પોતાની ફિલસુફી વ્યક્ત કરી.
" કર્મ. બીજું શું ? માતાપિતાની સજા બાળક ભોગવી રહ્યો છે. "
એ ફિલસુફી અભિવ્યક્ત કરતા મોહનનાં હાવભાવોમાં એક અનેરી તૃપ્તિ અને અંતરમનનો સંતોષ મેં નિહાળ્યો. મારું મન વિચલિત થયું.
મોહનના એકનાં એક સગા ભાઈનો એકનો એક દીકરો માંદગીમાં પટકાઈ હોસ્પિટલમાં વિકટ પરિસ્થિતિમાં ઝઝૂમી રહ્યો હતો. મને તો હતું કદાચ આ સમાચાર સાંભળી વર્ષો જૂનો મનભેદ વિસરાઈ જશે. મોહન સીધો ભાઈને મળવા હોસ્પિટલની વાટ પકડશે. પણ એનું મન તો...
બંને ભાઈનાં સામાન્ય મિત્ર હોવાને નાતે એને જાણ કરવી એ મારી ફરજ હતી. પણ મોહનની ફરજ ? મારું મન વ્યાકુળ થયું.
અંતિમ આઠ વર્ષથી બંને ભાઈઓએ એકબીજાનો ચહેરો પણ જોયો ન હતો. ન બંને ભાઈઓનાં પરિવારો વચ્ચે વાતચીતનો કોઈ સેતુ હતો. પિતાજીના અવસાન પછી વારસાનાં ભાગલા અંગે જે મતભેદો ઊભાં થયા હતા એને પરિણામે કોર્ટ કચેરી સિવાય ક્યાંય બંને ભાઈઓની મુલાકાત થતી નહીં.
જયારે ગોપાલનાં એકના એક દીકરાની માંદગીનાં સમાચાર મળ્યા ત્યારે મારા મનમાં થોડી આશ બંધાઈ. મને થયું ચાલો હવે એ બહાને આખરે બંને પરિવાર ભેગા મળશે.
પણ મોહનનાં પ્રત્યાઘાતે ફક્ત મારું હૈયુંજ ન વલોવી નાખ્યું પણ ઈશ્વરી ન્યાય સામે અસંખ્ય પ્રશ્નો ઊભાં કરી મૂક્યા. હું હારેલા મન જોડે એ દિવસે ત્યાંથી જતો રહ્યો.
થોડા મહિનાઓ પછી હું દોડતો ભાગતો હોસ્પિટલ ધસ્યો. મોહન હોસ્પિટલનાં કોરિડોરના બાંકડે હતાશ બેઠો હતો. એની આંખો ભેજવાળી હતી. મેં મારો આશ્વાસન ભર્યો હાથ એને ખભે ગોઠવ્યો.
એના પ્રત્યાઘાત માટે મન આતુર હતું.
એણે પ્રતિઉત્તરમાં મારા ખભે પોતાનો હાથ મૂક્યો. મને થયું કે હવે ઈશ્વર સામે કોઈ કબૂલાત થવાની હતી. પોતાના કર્મોની સ્વીકૃતિનો સમય આવી ગયો હતો. ઈશ્વરી ન્યાય અંગે સ્પષ્ટતા થવાની ઘડી આવી ચૂકી હતી. હું ધ્યાન દઈ મોહનના મોઢે નીકળી રહેલ શબ્દો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો.
અત્યંત બરફ સમા ઠંડા જીવે એના શબ્દો બહાર નીકળ્યા.
" થાય યાર. જીવન છે. ઈશ્વર સજ્જન લોકોની અચૂક પરીક્ષા લે છે. "
અને મારો હાથ એના ખભેથી સરી પડ્યો.
એ સાંજે મારી મુલાકાત ગોપાલ જોડે થઈ. મારે જાણવું હતું કે એને જાણ થઈ હતી કે નહીં ? વાતવાતમાં મેં પૂછી લીધું.
" ખબર પડી ? રિદ્ધિમાની સ્કૂટીનું અકસ્માત થયું. ગંભીર ઈજાઓ થઈ છે. આઈ સી યુ માં દાખલ કરી છે. "
એકના એક ભાઈની એકની એક દીકરીનાં અકસ્માતની જાણ થતા અત્યંત ઠંડા જીવે એ બોલ્યો.
" ઈશ્વર છે. કર્મજ ને. બીજું શું ? બાપનાં કર્મે દીકરી ભોગવે. "
મારું મન અતિ ઉગ્ર થયું અને મનનો કટાક્ષ અન્ય પ્રશ્નમાં ઉમટી પડ્યો.
" તપનની પરિસ્થિતિ કેવી છે ? "
એના ચહેરા ઉપર થોડી ક્ષણો પહેલા વેરાયેલું કટાક્ષમય હાસ્ય સંકેલાઈ ગયું. શાંત ચિત્તે એણે મારા ખભે હાથ મૂક્યો.
" જેવી હતી એવીજ છે. ઈશ્વર કસોટી લઈ રહ્યો છે. ધીરજ ધરવા સિવાય શું કરાય ? "
એનો નિસાસો એક ઊંડા ઉચ્છવાસમાં બહાર નીકળ્યો અને મારી દ્રષ્ટિ અનાયાસે ઉપર આભ તરફ ઊઠી.
ભેગા મળેલા વાદળોમાં એક મોટો ગડગડાટ થયો. સૌને થયું કે એ તૂટનારા મેઘનો સંકેત હતો પણ મને લાગ્યું કે ઉપર બેઠું જાણે કોઈ ખડખડાટ હસી રહ્યું હોય !
